(સુરેન્દ્ર, શરત, શશી, લાટુ, નિત્યગોપાલ, કેદાર, ગિરીશ, રામ, માસ્ટર)

સાંજ પડી છે. ઉપરના ઓરડામાં ઘણા ભક્તો બેઠા છે. નરેન્દ્ર, શરત, શશી, લાટુ, નિત્યગોપાલ, કેદાર, ગિરીશ, રામ, માસ્ટર, સુરેશ વગેરે ઘણાય છે.

સૌથી પહેલાં નિત્યગોપાલ આવેલ છે અને ઠાકુરને જોતાં જ ચરણમાં મસ્તક મૂકીને વંદન કર્યું. બેઠા પછી નિત્યગોપાલ બાળકની પેઠે કહે છે, ‘કેદાર બાબુ આવ્યા છે.’

કેદાર ઘણા દિવસ પછી ઠાકુરને મળવા આવ્યા છે. નોકરીને અંગે એ ઢાકામાં હતા. ત્યાં ઠાકુરની માંદગીના સમાચાર સાંભળીને તેમને જોવા આવ્યા છે. કેદાર ઓરડામાં આવતાંવેંત જ ઠાકુરને ભક્તોની સાથે બોલતા જુએ છે.

કેદારે ઠાકુરની ચરણરજ લઈને પોતે માથે ચડાવી અને આનંદથી એ રજ લઈને બધાને આપે છે. ભક્તો મસ્તક નમાવીને એ ચરણરજ માથે ચડાવે છે.

શરતને દેવા જાય છે, ત્યાં તેમણે પોતે જ ઠાકુરની ચરણરજ લીધી. માસ્ટર હસ્યા. ઠાકુર પણ માસ્ટરની સામે જોઈને હસ્યા. ભક્તો ચૂપચાપ બેઠા છે. ઠાકુરનાં ભાવનાં ચિહ્નો દેખાતાં આવે છે. વચ્ચે વચ્ચે નિઃશ્વાસ છોડી રહ્યા છે, જાણે કે ભાવ દાબી રહ્યા છે. છેવટે કેદારને ઇશારત કરે છે કે ગિરીશ ઘોષની સાથે ચર્ચા કરો. ગિરીશ કાન-નાક પકડે છે ને કહે છે કે ‘મહાશય, કાન-નાક પકડું છું. પહેલાં જાણતો નહિ કે આપ કોણ! એટલે એ વખતે ચર્ચા કરી છે; એ અલગ વાત!’ (ઠાકુરનું હાસ્ય).

શ્રીરામકૃષ્ણ નરેન્દ્રની તરફ આંગળી ચીંધીને તેને કેદારને દેખાડે છે અને કહે છે કે (નરેન્દ્રે) બધું છોડી દીધું છે. (ભક્તોને) કેદારે નરેન્દ્રને કહ્યું હતું કે અત્યારે તર્ક કરો, ચર્ચા કરો, પરંતુ છેવટે હરિનામથી આળોટવું પડશે. (નરેન્દ્રને) કેદારના પગની રજ લો.

કેદાર (નરેન્દ્રને) – એમના પગની રજ લો એટલે બસ.

સુરેન્દ્ર ભક્તોની પાછળ બેઠા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણે જરા હસીને તેમના સામું જોયું. કેદારને કહે છે કે ‘અહા, કેવો સ્વભાવ!’ કેદાર ઠાકુરની ઇશારત સમજીને સુરેન્દ્ર તરફ આગળ વધીને બેઠા.

સુરેન્દ્ર જરા અભિમાની. ભક્તોમાંથી કોઈ કોઈ કાશીપુરના બગીચાના ખર્ચ સારુ બહારના ભક્તો પાસેથી પૈસા એકઠા કરવા ગયા હતા, એટલે તેને થોડો ગર્વ થયો છે. બગીચાના નિવાસનો મોટા ભાગનો ખર્ચ સુરેન્દ્ર આપે છે.

સુરેન્દ્ર (કેદારને) – આવડા મોટા સાધુઓની પાસે મારાથી શું બેસી શકાય? વળી કોઈ કોઈ (નરેન્દ્ર) તો કેટલાક દિવસ થયાં સંન્યાસીના વેશે બુદ્ધ-ગયામાં દર્શને ગયા હતા; મોટા મોટા સાધુ જોવા.

બુદ્ધ-ગયા

ઠાકુર શ્રીરામકૃષ્ણ સુરેન્દ્રને શાંત કરતાં કહે છે કે હા, એ તો બાળક કહેવાય. એમને ઝાઝી ગતાગમ નહિ.

સુરેન્દ્ર (કેદારને) – ગુરુદેવ શું જાણતા નથી કે કોના અંતરનો શો ભાવ? એ કંઈ રૂપિયાથી સંતુષ્ટ નથી, એ તો ભાવથી સંતુષ્ટ છે!

ઠાકુર માથું હલાવીને સુરેન્દ્રની વાતમાં હા ભણે છે. ‘ભાવથી સંતુષ્ટ!’ એ વાત સાંભળીને કેદાર પણ આનંદ દર્શાવે છે.

ભક્તો ખાવાનું લાવ્યા છે અને ઠાકુરની સામે મૂક્યું છે. ઠાકુરે જીભે કણી માત્ર લગાડી. સુરેન્દ્રને હાથમાં પ્રસાદ દેવાનું કહ્યું અને બીજા બધાને આપવાનું કહ્યું. સુરેન્દ્ર નીચે ગયા. નીચે પ્રસાદ વહેંચવાનો છે.

શ્રીરામકૃષ્ણ (કેદારને) – તમે (સુરેન્દ્રને) સમજાવો. જાઓ એક વાર; વધારે ચર્ચા કરવાની ના કહો.

મણિ પંખો કરે છે. ઠાકુર બોલ્યા ‘તમારે ખાવું નથી?’ મણિને પણ નીચે પ્રસાદ લેવા મોકલ્યા.

સંધ્યા થવાની તૈયારી, ગિરીશ અને શ્રીમ. તળાવડીને કાંઠે ફરી રહ્યા છે.

ગિરીશ – અરે એય! તમે ઠાકુર સંબંધે શું, કંઈક લખો છો?

શ્રીમ – કોણે કહ્યું?

ગિરીશ – મેં સાંભળ્યું છે, મને આપશો?

શ્રીમ. – ના, હું પોતે સમજ્યા વિના કોઈને આપવાનો નથી. એ મેં મારા પોતાના સારુ લખ્યું છે, બીજાને માટે નહિ.

ગિરીશ – શું કહો છો?

શ્રીમ. – મારું શરીર છૂટ્યા પછી મળશે.

(ઠાકુર અહેતુક કૃપાસિંધુ – બ્રાહ્મભક્ત શ્રીયુત્ અમૃત)

સંધ્યા પછી ઠાકુરના ઓરડામાં દીવો પેટાવવામાં આવ્યો છે. બ્રાહ્મ-ભક્ત શ્રીયુત્ અમૃત (બસુ) ઠાકુરને જોવા આવ્યા છે. ઠાકુર તેને મળવા માટે આતુર થયા હતા. માસ્ટર અને બે ચાર ભક્તો બેઠા છે. ઠાકુરની સામે કેળના પાનમાં મોગરા અને જૂઈનાં ફૂલની માળાઓ પડી છે. ઓરડો આખો નિઃસ્તબ્ધ! જાણે કોઈ મહાયોગી નિઃશબ્દે યોગમાં બેઠેલ છે. ઠાકુર માળા લઈને ક્યારેક ક્યારેક ઉપાડે છે; જાણે કે ગળામાં પહેરશે.

અમૃત (સ્નેહભર્યા સ્વરે) – માળા પહેરાવી દઉં?

માળા પહેરાવી દેવાઈ. પછી ઠાકુરે અમૃતની સાથે ઘણીયે વાત કરી. અમૃત રજા લે છે.

શ્રીરામકૃષ્ણ – પાછા તમે આવજો.

અમૃત – જી, આવવાની તો ખૂબ ઇચ્છા; પણ દૂરથી આવવું પડે, એટલે વારંવાર આવી શકાતું નથી.

શ્રીરામકૃષ્ણ – તમે આવજો. ગાડીભાડું અહીંથી લેજો.

અમૃત પ્રત્યે ઠાકુરનો અહેતુક સ્નેહ જોઈને સૌ નવાઈ પામ્યા.

(ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ભક્તનાં સ્ત્રીપુત્ર)

શ્રીમા શારદામણિદેવી

પછીને દિવસે શનિવાર, ૨૪મી એપ્રિલ. એક ભક્ત આવ્યા છે. સાથે તેની પત્ની અને એક સાત વરસનો છોકરો. એક વરસ થયું, એનો એક આઠ વરસનો દીકરો ગુજરી ગયો છે. ત્યારથી પત્ની ગાંડા જેવી થઈ ગઈ છે. એટલે ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમને વચ્ચે વચ્ચે પોતાની પાસે આવવાનું કહે.

રાત્રે મા શ્રીશ્રી માતા ઠાકુરાણી (શારદામણિદેવી) ઉપરના હોલમાં ઠાકુરને જમાડવા આવ્યાં. ભક્તની પત્ની પણ દીવો લઈને સાથે સાથે આવી.

જમતાં જમતાં ઠાકુરે તેના ઘરસંસારની કેટલીયે વાત પૂછી અને કેટલાક દિવસ આ બગીચામાં આવીને શ્રીશ્રીમા પાસે રહેવાનું કહ્યું. એમ કરવાથી શોક બહુ જ હળવો થઈ જાય. તેને એક નાની દીકરી પણ હતી. પાછળથી શ્રીશ્રીમા તેને માનમયી કહીને બોલાવતાં. ઠાકુર ઇશારાથી બોલ્યા; ‘એને પણ લેતાં આવજો.’

ઠાકુર જમી રહ્યા પછી ભક્તની સ્ત્રીએ એ જગા સાફ કરી નાખી. ઠાકુરની સાથે થોડીવાર વાતચીત પછી શ્રીશ્રીમા જ્યારે નીચેના ઓરડામાં ગયાં ત્યારે તે પણ ઠાકુરને પ્રણામ કરીને તેમની સાથે નીચે ગઈ.

રાત્રીના લગભગ નવ વાગ્યા. ઠાકુર ભક્તો સાથે એ ઓરડામાં બેઠા છે. ગળામાં ફૂલની માળા પહેરી છે. મણિ પવન નાખે છે.

માસ્ટર મહાશય – મણિ

ઠાકુર ગળામાંથી માળા કાઢી હાથમાં લઈ પોતાના મનમાં કંઈક બોલે છે. ત્યાર પછી જાણે કે પ્રસન્ન થઈને મણિને માળા આપી.

શોકસંતપ્ત ભક્તની પત્નીને ઠાકુરે શ્રીશ્રીમા પાસે એ ઉદ્યાનગૃહમાં આવીને થોડાક દિવસ રહેવા માટે કહ્યું. મણિએ આ બધું સાંભળ્યું.

Total Views: 368
ખંડ 52 : અધ્યાય 24 : માસ્ટર, નરેન્દ્ર, શરત વગેરે