માસ્ટર ઠાકુરની પાસે બેઠેલા છે. હીરાનંદ હજી હમણાં જ ચાલ્યા ગયા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – એ ઘણો સારો; નહિ?

માસ્ટર – જી હા; સ્વભાવ બહુ મીઠો.

શ્રીરામકૃષ્ણ – કહે કે અગિયારસો ગાઉ! એટલે દૂરથી એ મને જોવા આવ્યો છે!

માસ્ટર – જી હા; ખૂબ પ્રેમ ન હોય તો એમ થાય નહિ!

શ્રીરામકૃષ્ણ – તેની બહુ જ ઇચ્છા છે કે મને તેના દેશમાં લઈ જાય.

માસ્ટર – જતાં બહુ તકલીફ પડે. રેલ્વેમાં ચાર પાંચ દિવસનો રસ્તો.

શ્રીરામકૃષ્ણ – ત્રણ પાસ. (બી.એ.)

માસ્ટર – જી હા.

ઠાકુર જરા શ્રમિત થયા છે. આરામ કરવો છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – જાળિયાં ઉઘાડી નાખો અને ચટાઈ પાથરી દો.

ઠાકુર બારીનાં જાળિયાં ઉઘાડી નાખવાનું કહે છે. બહુ ગરમી છે, એટલે પથારી ઉપર ચટાઈ પાથરી દેવાનું કહે છે.

માસ્ટર પંખો કરે છે. ઠાકુરને સહેજ તંદ્રા આવી છે.

શ્રીરામકૃષ્ણ (જરાક નિદ્રા પછી માસ્ટરને) – શું ઊંઘ આવી હતી?

માસ્ટર – જી, જરાક આવી હતી.

નરેન્દ્ર, શરત અને માસ્ટર નીચેના હૉલની પૂર્વ બાજુએ વાતો કરે છે.

કાશીપુરનો નીચેનો હૉલ

નરેન્દ્ર – શી નવાઈ! આટલાં વરસ ભણે તોય વિદ્યા આવે નહિ; ને માણસો શી રીતે કહેતા હશે કે બે ત્રણ દિવસ સાધના કરી છે, એટલે ઈશ્વર-પ્રાપ્તિ થઈ જશે? ઈશ્વર-પ્રાપ્તિ શું એટલી સહેલી? (શરતને) તને શાંતિ થઈ છે. માસ્ટર મહાશયને શાંતિ થઈ છે, પણ મને થઈ નથી.

માસ્ટર – તો તમે ગાયનું ખાણ તૈયાર કરો અને અમે રાજવાડી જઈએ, નહિતર તમે રાજવાડી જાઓ અને અમે ગાયનું ખાણ તૈયાર કરીએ. (સૌનું હાસ્ય)

નરેન્દ્ર (સહાસ્ય) – આ વાર્તા એમણે (પરમહંસદેવે) સાંભળી હતી. એ સાંભળીને તેઓ હસ્યા હતા. (પ્રહ્લાદચરિત્રની વાર્તામાં તેમના પિતાએ પ્રહ્‌લાદના બે શિક્ષકો ષંડ અને અમર્કને બોલાવવા મોકલ્યા. રાજા એમને પૂછવાના હતા કે પ્રહ્‌લાદને તેમણે હરિનામ કેમ શિખવાડ્યું? અને તેથી રાજા પાસે જતા તે બંને ડરતા હતા. એટલે ષંડે અમર્કને કહ્યું ‘તું ગાયનું ખાણ તૈયાર કર અને હું રાજવાડી જાઉં, નહિતર તું રાજવાડી જા અને હું ગાયનું ખાણ તૈયાર કરું.’)

Total Views: 286
ખંડ 52 : અધ્યાય 23 : પ્રવૃતિ કે નિવૃત્તિ? હીરાનંદને ઉપદેશ - નિવૃત્તિ સારી
ખંડ 52 : અધ્યાય 25 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને નરેન્દ્રાદિ ભક્તોની મહેફિલ