થોડી વાર પછી શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી પરમહંસદેવનાં દર્શન કરવા આવ્યા. સાથે કેટલાક બ્રાહ્મ ભક્તો. વિજયકૃષ્ણ ઢાકામાં ઘણા દિવસ સુધી હતા. હમણાં પશ્ચિમ ભારતનાં અનેક તીર્થોમાં ભ્રમણ કરીને તરતમાં જ કોલકાતા આવી પહોંચ્યા છે. આવીને જમીન પર માથું ટેકાવીને પરમહંસદેવને પ્રણામ કર્યા. ઘણા ભક્તો હાજર છે. નરેન્દ્ર, મહિમાચરણ ચક્રવર્તી, નવગોપાલ, ભૂપતિ, લાટુ, માસ્ટર, છોટો નરેન વગેરે કેટલાય ભક્તો હતા.
મહિમા ચક્રવર્તી (વિજયને) – મહાશય, અનેક તીર્થોમાં ફરી આવ્યા; અનેક દેશ-સ્થાનો જોઈ આવ્યા; તે શું શું જોયું તે કહો.
વિજય – શું કહું? હું જોઉં છું કે અત્યારે જ્યાં બેઠો છું ત્યાં જ બધું છે. બીજે બધે અમસ્તું ભટકવું. કોઈ કોઈ જગાએ એક આની કે બે આની, ક્યાંક ચાર આની (આધ્યાત્મિક પ્રકાશ), એટલું જ! અહીંયાં તો પૂરેપૂરો સોળે સોળ આના જોઉં છું!
મહિમા ચક્રવર્તી – બરાબર કહો છો. વળી આ જ જ્યાં ત્યાં ભટકાવે અને આ જ શાંત બેસાડે!
શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને) – જુઓ વિજયની અવસ્થા કેવી થઈ છે? તેનાં લક્ષણ બધાં બદલાઈ ગયાં છે. જાણે કે બધું પાકી ગયું છે! હું પરમહંસની ડોક અને કપાળ જોઈને ઓળખી શકું; હું કહી શકું કે એ પરમહંસ છે કે નહિ.
મહિમા ચક્રવર્તી (વિજયને) – મહાશય; આપનો આહાર ઘટી ગયો છે!
વિજય – હા, એમ લાગે છે કે ઘટી ગયો છે. (શ્રીરામકૃષ્ણને) આપની માંદગીના સમાચાર સાંભળીને હું જોવા આવ્યો, વળી ઢાકાથી –
શ્રીરામકૃષ્ણ – શું?
વિજયે કશો જવાબ આપ્યો નહિ. થોડી વાર ચૂપ રહ્યા.
વિજય – ઓળખાવા ન દો તો આપને ઓળખવા કઠણ. અહીં જ સોળ આના.
શ્રીરામકૃષ્ણ – કેદાર (શ્રીયુત્ કેદારનાથ ચેટર્જી અનેક દિવસ ઢાકામાં હતા. ઈશ્વરની વાત નીકળતાં જ એની આંખ ભીની થઈ જતી. એક પરમ ભક્ત, હાલીશહરમાં એમનું મકાન છે.) કહેતો હતો કે બીજી જગાએ ખાવા મળતું નથી. અહીં આવીને પેટ ભરીને મળ્યું!
મહિમા ચક્રવર્તી – પેટ ભરીને શું? છલકાઈ જાય એટલું!
વિજય (હાથ જોડીને શ્રીરામકૃષ્ણને) – ઓળખી ગયો છું આપ કોણ તે? હવે કહેવું ન પડે!
શ્રીરામકૃષ્ણ (ભાવવસ્થામાં) – જો એમ હોય, તો એ જ.
વિજય – ‘હું સમજ્યો છું.’ એમ કહીને એ શ્રીરામકૃષ્ણનાં ચરણકમલમાં પડ્યા અને તેમનાં ચરણ પોતાની છાતીએ ધારણ કર્યાં.
શ્રીરામકૃષ્ણ એ વખતે ઈશ્વરાવેશમાં બાહ્યભાન રહિત પૂતળાની પેઠે બેસી રહેલા છે.
આ પ્રેમાવેશ, આ અદ્ભુત દૃશ્ય જોઈને હાજર ભક્તોમાંથી કોઈ રડે છે, કોઈ સ્તુતિ કરે છે. જેવો જેનો મનોભાવ, તે એ ભાવે એક નજરે શ્રીરામકૃષ્ણની સામે જોઈ રહ્યા છે. કોઈ તેમને પરમ ભક્ત, કોઈ સાધુ, તો કોઈ સાક્ષાત્ દેહધારી ઈશ્વરાવતારરૂપે જુએ છે; જેવો જેનો અંતરનો ભાવ.
મહિમાચરણ આંસુભરી આંખે ગાવા લાગ્યા –
‘દેખો દેખો પ્રેમમૂર્તિ-’ અને વચ્ચે વચ્ચે જાણે બ્રહ્મ-દર્શન કરતા હોય એવા ભાવથી બોલી ઊઠે છે;
‘તુરીયં સચ્ચિદાનંદં દ્વૈતાદ્વૈતવિવર્જિતમ્।’
નવગોપાલ રુદન કરી રહ્ય છે. બીજો એક ભક્ત ભૂપતિ ગાય છે :
‘જય જય પરબ્રહ્મ, અપાર તમે, અગમ્ય,
પરાત્પર તમે સારના સાર;
સત્યના પ્રકાશ તમે પ્રેમના મૂળ તમે,
મંગલના તમે મૂલાધાર…
નાના રસયુક્ત ભવ, ગભીર રચના તવ,
ઊછળે છે શોભાય જ શોભાય;
મહાકવિ આદિકવિ, છંદે ઊઠે શશી-રવિ,
છંદે પુનઃ અસ્તાચલે જાય;
તારલા-કનકકૂચિ જલદ-અક્ષરરુચિ,
ગીતલખ્યા નીલાંબર પત્રે;
ષડ્ઋતુ સંવત્સરે, મહિમા કીર્તન કરે,
સુખપૂર્ણ ચરાચર સાથે;
કુસુમે તમારી કાંતિ, સલિલે તમારી શાંતિ,
વજ્ર રવે રુદ્ર તમે ભીમ;
તવ ભાવ ગૂઢ અતિ, શું જાણે આ મૂઢમતિ!
ધ્યાન ધરે યુગાન્ત અસીમ;
બધા આનંદે આનંદે, તમારાં ચરણ વંદે,
કોટિ ચંદ્ર કોટિ સૂર્ય તારા!
તમારી આ રચનાનો, ભાવ લિયે નરનારી,
હાહાકારે નેત્રે વહે ધારા;
મળી સુરનરરિભુ, પ્રણમે તમને વિભુ,
તમે સર્વમંગલ આલય;
આપો જ્ઞાન, આપો પ્રેમ, આપો ભક્તિ, આપો ક્ષેમ,
આપો આપો ચરણે આશ્રય.
ભૂપતિ વળી ગાય છે :-
(ઝિંઝોટી – કીર્તન)
‘ચિદાનંદ-સિંધુ-નીરમાં પ્રેમાનંદ લહરી,
મહાભાવ રસલીલા, શી માધુરી જાઉં વારી,
વિવિધ વિલાસ રસ-પ્રસંગ, કેટલા અભિનવ ભાવતરંગ,
ડૂબે છે, તરે છે કરે છે રંગ,નવીન નવીન રૂપ ધરી,
(હરિ હરિ બોલીને) મહાયોગે સર્વ એકાકાર થયું,
દેશકાળ ભેદાભેદ વ્યવધાન દૂર થયું,
(આશા પૂરણ થાય રે) (મારી બધી ઇચ્છા મટી ગઈ રે!)
હવે આનંદે મતવાલા બની,
બંને હાથ ઊંચા કરી, મન, હરિ હરિ બોલ.
(ઝપતાલ)
ગીત : તૂટ્યાં ભરમભીતિ, ધરમ કરમ નીતિ
દૂર થયાં જાતિ કુલ માન.
આપણે ક્યાં, ક્યહાં હરિ, પ્રાણમન ચોરી કરી,
સખાએ કર્યું પ્રયાણ, (હુંય આવી શા માટે પ્રેમસિંધુ તટે)
ભાવમાં થયો છે ભોર એવું છે હૃદય મોર,
નવ રહી શકું હું સભાન;
પ્રેમદાસ કહે હસી, સુણો સાધુ જગવાસી,
એવું જ છે નૂતન વિધાન (કંઈ ભય નહિ, ભય નહિ!)
કેટલીય વાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ સ્વસ્થ થયા.
(બ્રહ્મજ્ઞાન અને આશ્ચર્યનું ગણિત – અવતારનું પ્રયોજન)
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – કોણ જાણે આવેશમાં શુંય થઈ જાય છે! હવે શરમ આવે છે. જાણે કે ભૂત ભરાયું! ‘હું’ હું જ રહેતો નથી!
એ અવસ્થા થયા પછી ગણતરી થઈ શકે નહિ. ગણવા જતાં ૧,૭,૮ એમ ગણતરી થઈ જાય.
નરેન્દ્ર – બધું એક ખરું ને એટલે?
શ્રીરામકૃષ્ણ – ના, ના. એક બે થી પર! (The Absolute as distinguished from the Relative)
મહિમાચરણ – જી હાં, દ્વૈતાદ્વૈતવિવર્જિતમ્।
શ્રીરામકૃષ્ણ – ત્યાં હિસાબ બધો સડી જાય! પંડિતાઈથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય નહિ. એ તો શાસ્ત્ર, વેદ, પુરાણ તંત્રોથી પર. હાથમાં જો એકાદું પુસ્તક દેખું, પછી જ્ઞાની હોય તો તેને રાજર્ષિ કહું. બ્રહ્મર્ષિનું એક પણ બાહ્ય ચિહ્ન ન હોય. શાસ્ત્રોનો કેટલો ઉપયોગ, જાણો છો?
એક જણે કાગળ લખ્યો હતો કે પાંચ શેર પેંડા અને સાડલો મોકલજો. જેના ઉપર એ કાગળ આવ્યો તેણે એ વાંચીને પાંચ શેર પેંડા અને એક સાડલો મોકલવાનો છે એટલું ધ્યાનમાં રાખીને કાગળ ફેંકી દીધો. પછી કાગળની શી જરૂર?
વિજય – પેંડા મોકલાઈ ગયા છે; સમજાઈ ગયું!
શ્રીરામકૃષ્ણ – મનુષ્ય-દેહ ધારણ કરીને ઈશ્વર અવતાર લે! ઈશ્વર સર્વ સ્થાનમાં, સર્વ ભૂતોમાં છે ખરો; પણ અવતાર ન હોય તો જીવની આકાંક્ષા પૂરી થાય નહિ, પ્રયોજન મટે નહિ. એ શેના જેવું ખબર છે? ગાયને તમે ગમે ત્યાં અડો, એટલે ગાયને અડ્યા કહેવાય. શિંગડાંને અડો તોય ગાયને અડ્યા કહેવાય, પણ દૂધ ગાયના આંચળમાંથી જ આવે. (સૌનું હાસ્ય).
મહિમા – દૂધની જો જરૂર હોય, તો ગાયને શિંગડે મોઢું લગાડ્યે શું વળે, આંચળે મોઢું લગાડવું જોઈએ! (સૌનું હાસ્ય).
વિજય – પણ વાછરડું શરૂશરૂમાં આમતેમ માથું મારે.
શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં) – કોઈ વળી વાછરડાને આમતેમ માથું મારતું જોઈને આંચળ મોંમાં પકડાવી દે. (સૌનું હાસ્ય).




