શ્રીરામકૃષ્ણ – આ (ડૉક્ટર) જે કહે છે તેનું નામ અહૈતુકી ભક્તિ. મહેન્દ્ર સરકારની પાસે હું કંઈ માગું નહિ, કંઈ જરૂર નથી છતાં મહેન્દ્ર સરકારને મળવું ગમે, એનું નામ અહૈતુકી ભક્તિ. થોડો આનંદ તો થાય, તે શું કરીએ?

અહલ્યાએ માગ્યું હતું કે ‘હે રામ! સુવરને પેટે જન્મ આવે તો તેમાંય મને વાંધો નથી, પણ માત્ર તમારાં ચરણકમલમાં શુદ્ધ ભક્તિ રહે! હું બીજું કંઈ માગતી નથી.’

‘રાવણ-વધની વાત યાદ કરાવવા સારુ નારદજી અયોધ્યામાં રામચંદ્રને મળવા ગયા હતા. સીતા-રામનાં દર્શન કરીને તે સ્તુતિ કરવા લાગ્યા. રામચંદ્ર સ્તુતિથી સંતુષ્ટ થઈને બોલ્યા, ‘નારદ! હું તમારી સ્તુતિથી સંતુષ્ટ થયો છું, તમે કંઈક વરદાન માગો.’

નારદ બોલ્યા કે ‘રામ! જો મને વરદાન આપવું જ હોય તો એ વરદાન આપો કે તમારાં ચરણકમલમાં મારી શુદ્ધ ભક્તિ રહે અને તમારી ભુવનમોહિની માયામાં હું મોહિત ન થાઉં.’ રામે કહ્યું કે બીજું પણ કંઈક માગો. નારદ બોલ્યા કે ‘બીજું કંઈ મારે ન જોઈએ; માત્ર એટલું જ માગું છું કે તમારાં ચરણકમલમાં શુદ્ધ ભક્તિ રહે.’

આમનું (ડૉક્ટરનું) પણ તેમ જ. જેમ કે માત્ર ઈશ્વરનાં દર્શનની જ ઇચ્છા; બીજું કંઈ ધન, માન, દેહસુખ, વગેરે કોઈ ચીજની ઇચ્છા નહિ. એનું નામ શુદ્ધ ભક્તિ!

‘આનંદ જરા થાય ખરો, પણ એ વિષયનો આનંદ નહિ, ભક્તિનો, પ્રેમનો આનંદ. અગાઉ જ્યારે હું અવારનવાર શંભુ (મલ્લિક)ને ઘેર જતો, ત્યારે તે કહેતા કે તમે અહીંયાં આવો છો તે અલબત્ત મારી સાથે વાતચીત કરીને આનંદ પામો છો એટલે જ. એટલો આનંદ છે જ.’

પરંતુ એથીયે ઊંચી બીજી એક અવસ્થા છે. બાળકની પેઠે ચાલ્યો જાય છે તે ચાલ્યો જ જાય છે, કશુંય ઠેકાણું નહિ. કાં તો એકાદું પંતગિયું પકડે છે!

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – આમના (ડૉક્ટરના) મનનો ભાવ શો ખબર છે? એ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે ‘હે ઈશ્વર! મને સત્-ઇચ્છા આપો કે જેથી અસત્ કામમાં મન ન જાય.’

‘મારી પણ એવી અવસ્થા હતી. તેને દાસ્ય-ભાવ કહે. હું ‘મા’, ‘મા’ કહીને એવો રડતો કે માણસોનું ટોળું એકઠું થઈ જતું. મારી ઈશ્વર માટે વ્યાકુળતાની આ અવસ્થા થયા પછી મારી કસોટી કરવા અને મારી ગાંડાઈ મટાડવા સારુ એ લોકો એક વેશ્યાને લાવીને ઓરડામાં બેસાડી ગયા. એ હતી રૂપાળી, આંખો સુંદર. હું ‘મા! મા!’ બોલતાં બોલતાં ઓરડામાંથી બહાર નીકળી આવ્યો ને હલધારીને બોલાવીને કહ્યું : ‘મોટાભાઈ, આમ જુઓ તો ઓરડામાં કોણ છે?’ હલધારી અને બીજા માણસોને કહી દીધું. એ અવસ્થામાં ‘મા, મા’ કહીને રોતો. રોઈ રોઈને કહેતો : ‘મા, મને બચાવો, મને નિષ્પાપ કરો કે જેથી સત્માંથી અસત્માં મન ન જાય.’ (ડૉક્ટરને) તમારો આ ભાવ તો ખરો ભક્તિ-ભાવ, દાસ-ભાવ!

(જગતનો ઉપકાર અને સામાન્ય જીવ – નિષ્કામકર્મ અને શુદ્ધ સત્ત્વ)

‘જો કોઈનામાં શુદ્ધ સત્ત્વગુણ આવે તો તે એકલું ઈશ્વર-ચિંતન કરે. તેને બીજું કંઈ ગમે નહિ. કોઈ કોઈ પ્રારબ્ધના જોરે જન્મથી જ શુદ્ધ સત્ત્વગુણ મેળવે, કામનારહિત થઈને કર્મ કરવાનો પ્રયાસ કરવાથી છેવટે શુદ્ધ સત્ત્વગુણ આવે. રજોગુણ મિશ્રિત સત્ત્વગુણ હોય તો ક્રમે ક્રમે જુદી જુદી બાબતો તરફ મન દોડે. ત્યાર પછી જગતનું ભલું કરવું એ બધું અભિમાન આવી પહોંચે. જગતનું ભલું સામાન્ય જીવથી થવું બહુ કઠણ, છતાં જો કોઈ જીવોની સેવા સારુ કામનારહિત થઈને કર્મ કરે તો તેમાં દોષ નહિ. એને નિષ્કામ કર્મ કહે. એ પ્રમાણે કર્મ કરવાનો પ્રયાસ કરવો એ બહુ સારું. પણ બધાય કરી શકે નહિ; બહુ જ કઠણ. સૌને કર્મ તો કરવું જ પડે, કોઈક એકાદ બે જણ કર્મત્યાગ કરી શકે. કોઈક એકાદ બે માણસોમાં શુદ્ધ સત્ત્વ જોવામાં આવે. આ નિષ્કામ કર્મ કરતાં કરતાં રજોગુણ મિશ્રિત સત્ત્વગુણ ક્રમે ક્રમે શુદ્ધ સત્ત્વમાં પરિણમે.

શુદ્ધ સત્ત્વ થતાં જ પ્રભુ-કૃપાથી ઈશ્વર-પ્રાપ્તિ થાય.

સાધારણ માણસ આ શુદ્ધ સત્ત્વની અવસ્થા સમજી શકે નહિ.

હેમે મને કહેલું કે, કેમ ભટ્ટાચાર્ય મહાશય! જગતમાં માન મેળવવું એ જ માનવ-જીવનનો ઉદ્દેશ, ખરું ને?

Total Views: 447
ખંડ 51: અધ્યાય 23 : બ્રાહ્મ-સમાજનું અધિવેશન
ખંડ 51: અધ્યાય 25 : શ્યામપુકુરના મકાનમાં નરેન્દ્ર, મણિ વગેરે ભક્તો સાથે - માંદગી શા માટે? નરેન્દ્રને સંન્યાસનો ઉપદેશ