કાશીપુર ઉદ્યાનગૃહમાં નરેન્દ્રાદિ ભક્તો સાથે કૃપાસિંધુ શ્રીરામકૃષ્ણ – માસ્ટર, નિરંજન, ભવનાથ

શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે કાશીપુરમાં રહે છે. આટલી માંદગી છતાં એક જ વિચાર કે કેમ ભક્તોનું કલ્યાણ થાય. દિવસ અને રાત કોઈ ને કોઈ ભક્તના કલ્યાણની બાબતમાં વિચાર કર્યા જ કરતા હોય.

ગયે શુક્રવારે, તા. ૧૧મી ડિસેમ્બર ૧૮૮૫, માગસર સુદ પાંચમે શ્યામપુકુરથી ઠાકુર કાશીપુરને બગીચે આવ્યા. આજે બાર દિવસ થયા.

કાશીપુર ઉદ્યાનગૃહ

યુવક-ભક્તો વારાફરતી કાશીપુરમાં આવીને રહે છે ઠાકુરની સેવાને માટે. હજીયે ઘણાખરા પોતપોતાને ઘેર આવજા કરે છે. ગૃહી ભક્તો ઘણુંખરું રોજ જોવા આવે છે. વચ્ચે વચ્ચે રાત્રેય રહે છે.

આજ સુધીમાં ભક્તો લગભગ બધાય આવી ગયા છે. ઈ.સ. ૧૮૮૧થી ભક્ત-સમાગમ થવા લાગ્યો છે. છેવટના ભક્તો બધાય આવી ગયા છે. ઈ.સ. ૧૮૮૪ના અંત ભાગમાં શશી અને શરતે ઠાકુરનાં દર્શન કર્યાં. કોલેજની પરીક્ષા વગેરે થઈ ગયા પછી ૧૮૮૫ની વચમાંથી તેઓ હંમેશાં આવજા કરે છે. ઈ.સ. ૧૮૮૪ના સપ્ટેમ્બર મહિનામાં સ્ટાર થિયેટરમાં શ્રીયુત્ ગિરીશ ઘોષે ઠાકુરનાં દર્શન કર્યાં. ત્રણ મહિના પછી એટલે કે ડિસેમ્બરના આરંભથી એ હંમેશાં આવજા કરે છે. ઈ.સ. ૧૮૮૪ના ડિસેમ્બરની આખરમાં સારદાએ ઠાકુરનાં દક્ષિણેશ્વર-મંદિરે દર્શન કર્યાં. સુબોધ અને ક્ષીરોદે ઈ.સ. ૧૮૮૫ના ઓગસ્ટ માસમાં ઠાકુરનાં પ્રથમ દર્શન કર્યાં.

સ્વામી ત્રિગુણાતીતાનંદ, સ્વામી અદ્વૈતાનંદ અને સ્વામી સુબોધાનંદ

આજે સવારે તો પ્રેમની ફેંકાફેંક ચાલી છે. ઠાકુર નિરંજનને કહે છે કે ‘તું મારો બાપ છો, મારે તારા ખોળામાં બેસવું છે.’ કાલીપદની છાતીએ સ્પર્શ કરીને કહે છે કે ‘ચૈતન્ય હો!’ હડપચી પકડીને તેને સ્નેહ બતાવે છે; અને કહે છે, ‘જેણે સાચા અંતઃકરણથી ઈશ્વરને સમર્યાે હશે, યા સંધ્યા-પૂજા વગેરે નિત્ય કર્માે કર્યાં હશે, તેણે અહીં આવવું જ પડશે!’

આજે સવારે બે સ્ત્રી-ભક્તો ઉપર પણ કૃપા કરી છે. સમાધિ અવસ્થામાં તેમના હૃદય-પ્રદેશને ચરણ દ્વારા સ્પર્શ કર્યાે છે! તેઓનાં નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં, તેઓમાંથી એક રુદન કરતાં કરતાં બોલી ઊઠી, ‘આપની આટલી બધી દયા!’ આજે તો પ્રેમની ફેંકાફેંક! સિંથિના ગોપાલની ઉપર કૃપા વરસાવવી છે એટલે કહે છે કે ‘ગોપાલને બોલાવી લાવ!’

આજ બુધવાર, માગસર વદ બીજ, ૨૩મી ડિસેમ્બર, ૧૮૮૫. સંધ્યા થઈ છે. ઠાકુર જગન્માતાનું ચિંતન કરે છે.

થોડી વાર પછી ઠાકુર અતિ મૃદુ સ્વરે એક બે ભક્તોની સાથે વાતો કરી રહ્યા છે. ઓરડામાં કાલી, ચૂનીલાલ, માસ્ટર, નવગોપાલ, શશી, નિરંજન વગરે ભક્તો છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – અહીંના માટે એક સ્ટૂલ ખરીદી લાવજો. તેના કેટલા પડશે?

માસ્ટર – હા. બે ત્રણ રૂપિયા થશે.

શ્રીરામકૃષ્ણ – એક નાના લાકડાના પાટલા માટે બાર આના દેવા પડે તો પછી સ્ટૂલ માટે આટલા બધા કેમ આપવા પડે?

માસ્ટર – કદાચ એટલી કિંમત ન પણ હોય.

શ્રીરામકૃષ્ણ – આવતીકાલે ગુરુવાર છે. રોંઢાનો સમય અશુભ છે એટલે ત્રણ વાગ્યા પહેલાં આવી શકશો નહિ?

માસ્ટર – હા, હું આવીશ.

(ઠાકુર શ્રીરામકૃષ્ણ શું અવતાર છે? – માંદગીનો પણ ગૂઢ ઉદ્દેશ છે)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – વારુ, આ રોગ ક્યારે મટશે?

માસ્ટર – જરા વધ્યું છે, તે વખત લાગશે.

શ્રીરામકૃષ્ણ – કેટલા દિ’?

માસ્ટર – પાંચ છ મહિના લાગે ખરા.

એ સાંભળતાં ઠાકુર બાળકની પેઠે અધીરા થઈ ગયા. અને કહે છે કે- ‘શું કહો છો?’

માસ્ટર – જી, તદ્દન સારું થતાં.

શ્રીરામકૃષ્ણ – એમ કહો. વારુ, આટલાં ઈશ્વરી રૂપ-દર્શન, ભાવ, સમાધિ! તો પછી આવો રોગ થયો શું કરવા?

માસ્ટર – ખૂબ કષ્ટ થાય છે ખરું; પરંતુ રોગની પાછળ એક ઉદ્દેશ છે.

શ્રીરામકૃષ્ણ – શો ઉદ્દેશ?

માસ્ટર – આપની અવસ્થામાં પરિવર્તન થાય છે. નિરાકાર તરફ વલણ વધારે થતું જાય છે. ‘વિદ્યાનો અહં’ સુધ્ધાં રહેતો નથી.

શ્રીરામકૃષ્ણ – હા, લોકોપદેશ બંધ થતો જાય છે; અને વધુ બોલાતું નથી. બધું રામમય દેખું છું! ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે હવે કોને બોલવું! જુઓ ને, આ મકાન ભાડે લીધું છે એટલે કેટલા પ્રકારના ભક્તો આવે છે.

‘કૃષ્ણપ્રસન્ન સેન યા શશધરની પેઠે સાઈન-બોર્ડ તો લાગવાનું નથી? જે ‘અમુક વાગ્યે લેક્ચર થશે!’ (ઠાકુર અને માસ્ટરનું હાસ્ય).

માસ્ટર – બીજો એક ઉદ્દેશ છે : ભક્તોની ચાળણી. પાંચ વરસની તપશ્ચર્યા કરીને જે ન થાત, તે આ કેટલાક દિવસોમાં ભક્તોને થયું છે : સાધના, પ્રેમ, ભક્તિ.

શ્રીરામકૃષ્ણ – હા, એ થયું છે ખરું. આ નિરંજન ઘેર ગયો હતો. (નિરંજનને) તું કહે જો કે કેવું લાગે છે.

નિરંજન – જી, પહેલાં પ્રેમ હતો ખરો, પરંતુ હવે (આપને) છોડીને રહી શકવાનું બને જ નહિ!

માસ્ટર – મેં એક દિવસ જોયું’તું કે આ (છોકરા ભક્તો) કેટલા મહાન પુરુષો!

શ્રીરામકૃષ્ણ – કયા?

માસ્ટર – જી, એક બાજુએ ઊભા રહીને શ્યામપુકુરના મકાનમાં જોયું હતું. મને જણાયું કે આ લોકો દરેકે દરેક વિનો, અડચણો વેઠીને ત્યાં આવીને બેસી રહ્યા છે આપની સેવાને માટે.

(સમાધિ અવસ્થામાં – આશ્ચર્ય અવસ્થામાં – નિરાકાર – અંતરંગ શિષ્યોની પસંદગી)

એ વાત સાંભળતાં સાંભળતાં ઠાકુર ભાવ-મગ્ન થતા જાય છે. કેટલીક વાર સાવ સ્તબ્ધ, સમાધિ-મગ્ન.

ભાવનો ઉપશમ થયા પછી માસ્ટરને કહે છે, ‘મેં જોયું કે સાકારમાંથી બધું નિરાકારમાં જઈ રહ્યું છે! બીજી કેટલીક વાતો કહેવાની ઇચ્છા થાય છે પરંતુ કહી શકતો નથી.’

‘વારુ, આ જે નિરાકાર તરફનું વલણ થઈ રહ્યું છે, એ કેવળ લય થવાને માટે? કે પછી –

માસ્ટર (આશ્ચર્યચકિત થઈ જઈને) – જી, એમ જ હશે!

શ્રીરામકૃષ્ણ – અત્યારેય જોઉં છું કે નિરાકાર અખંડ સચ્ચિદાનંદ આ પ્રમાણે થઈ રહ્યા છે… પરંતુ દાબી રાખ્યું ખૂબ મહેનતે.

‘ભક્તોની ચાળણી જે તમે કહી, એ બરાબર છે. આ માંદગી આવવાથી કોણ બહિરંગ, કોણ અંતરંગ, એ સમજી શકાય છે. જેઓ સંસાર છોડીને અહીં રહ્યા છે, તેઓ અંતરંગ. અને જેઓ એક વાર આવીને, ‘કેમ છે, મહાશય!’ એટલું પૂછી જાય છે, તેઓ બહિરંગ.

‘ભવનાથને જોયો ને? શ્યામપુકુરે હતા ત્યારે વરરાજો બની આવ્યો! મને પૂછ્યું કે ‘કેમ છો!’ ત્યાર પછી મોઢું દેખાડ્યું નથી! નરેન્દ્રને ખાતર એનું એટલું રાખું, પણ મારું મન તેના પર નહિ.’

Total Views: 591
ખંડ 51: અધ્યાય 44 : જગન્માતા કાલીની પૂજા
ખંડ 52 : અધ્યાય 2