બીજે દિવસે મંગળવાર, ૫મી જાન્યુઆરી, ઈ.સ. ૧૮૮૬. માગસર વદ અમાસ. ચાર વાગ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ બિછાનામાં બેઠા છે. મણિની સાથે એકાન્તમાં વાતો કરે છે.
શ્રીરામકૃષ્ણ – ક્ષીરોદ જો ગંગાસાગરે જાય તો તમે એને એક ધાબળો ખરીદી આપજો.
મણિ – જી ભલે.
ઠાકુર જરા શાંત રહ્યા. વળી વાતો કરે છે.
શ્રીરામકૃષ્ણ – વારુ, છોકરાઓને આ શું થાય છે, કહો જોઈએ? કોઈ શ્રીક્ષેત્રે (જગન્નાથ-પુરી) ભાગે છે, તો કોઈ ગંગાસાગરે!
‘ઘરબાર છોડી કરીને બધા આવે છે! જુઓને નરેન્દ્રને! તીવ્ર વૈરાગ્ય હોય તો સંસાર કૂવા જેવો લાગે, સગાંસંબંધી કાળા સાપ જેવાં લાગે.
મણિ – જી, સંસારમાં બહુ ત્રાસ.
શ્રીરામકૃષ્ણ – નરક-વેદના! જન્મથી માંડીને જ! જુઓ છો ને બાળબચ્ચાંને લીધે કેવી હેરાનગતિ!
મણિ – જી હા; અને આપે કહ્યું હતું કે પેલા લોકોને (સંસારમાં પડે નહિ તેમને) લેણદેણ નહિ. લેવાદેવા માટે જ તો અટકાઈ રહેવું પડે.
શ્રીરામકૃષ્ણ – જુઓ છો ને નિરંજનને? તારું આ લઈ લે, મારું આ આપી દે, બસ! બીજો કશો સંબંધ નહિ. પાછળ લફરું નહિ! કામિની-કાંચન જ સંસાર. જુઓ ને રૂપિયો પાસે આવતાં જ સંઘરવાનું મન થાય!
મણિ ખડખડાટ હસી પડ્યા. ઠાકુર પણ હસ્યા.
મણિ – રૂપિયો બહાર કાઢતાં કેટલીય બાબતની ગણતરી આવે! (બન્નેનું હાસ્ય). પણ દક્ષિણેશ્વરમાં આપ કહેતા હતા કે ત્રિગુણાતીત થઈને સંસારમાં રહી શકે તો થાય.
શ્રીરામકૃષ્ણ – હા, બાળકની પેઠે.
મણિ – જી હા; પણ એ બહુ જ કઠણ. ઘણી શક્તિ જોઈએ.
ઠાકુર જરા ચૂપ રહ્યા છે.
મણિ – ગઈ કાલે પેલા લોકો રાત્રે દક્ષિણેશ્વર ધ્યાન કરવા ગયા. રાત્રે મેં સ્વપ્ન જોયું.
શ્રીરામકૃષ્ણ – શું જોયું?
મણિ – જોયું કે જાણે કે નરેન્દ્ર વગેરે છોકરાઓ સંન્યાસી થયા છે, ધૂણી ધખાવીને તેની આજુબાજુ બેઠા છે. હુંય તેમની મંડળીમાં બેઠો છું. એ લોકો ચલમ પીને ધુમાડો મોંમાંથી બહાર કાઢે છે. હું બોલ્યો કે આ ધુમાડામાં ગાંજાની ગંધ!
(સંન્યાસી કોણ? – ઠાકુરની પીડા અને બાળકની અવસ્થા)
શ્રીરામકૃષ્ણ – મનથી ત્યાગ થયો એટલે થયું. એટલે પણ સંન્યાસી ગણાય.
ઠાકુર થોડીવાર બોલતા બંધ રહ્યા છે. વળી વાત કરે છે.
શ્રીરામકૃષ્ણ – પણ વાસનાને આગ લગાડી દઈએ ત્યારે ને?
મણિ – બડા બજારમાં મારવાડીઓના પંડિતજીને આપે કહ્યું હતું કે ‘ભક્તિકામના મારામાં છે, શું ભક્તિની કામના એ કામનાની અંદર નહિ?
શ્રીરામકૃષ્ણ – હા, હીંચે (એક જાતની બંગાળી) ભાજી શાક ન ગણાય. પિત્તદમન થાય. ઠીક, હું કહું છું કે આટલો આનંદ, ભાવ, એ બધું ગયું ક્યાં?
મણિ – એમ લાગે છે કે ગીતામાં જે ત્રિગુણાતીતની વ્યાખ્યા કરી છે એ અવસ્થા આપની થઈ છે. સત્ત્વ, રજ અને તમ એ ત્રણે ગુણો પોતપોતાનાં કામ કરી રહ્યા છે. આપ સ્વયં અલિપ્ત, સત્ત્વગુણથીયે અલિપ્ત.
શ્રીરામકૃષ્ણ – હા, બાળકની અવસ્થામાં રાખ્યો છે.
વારુ, આ વખતે શું શરીર રહેશે નહિ?
ઠાકુર અને મણિ મૂંગા બેઠા છે. ત્યાં નરેન્દ્રનાથ નીચેથી આવ્યા. એને એક વાર ઘેર જવું છે, ઘરની વ્યવસ્થા કરી આપવા માટે.
તેમના પિતાના સ્વર્ગવાસ પછી તેમનાં માતુશ્રી અને ભાઈઓ ભારે મુશ્કેલીમાં આવી પડ્યાં છે. વચ્ચે વચ્ચે અન્નના સાંધા થાય છે. નરેન્દ્ર એકલો તેમનો આધાર. તેમણે રોજગાર કરીને એ બધાંનું ભરણપોષણ કરવાનું છે. પણ નરેન્દ્રથી કાયદાની પરીક્ષા આપવાનું બન્યું નહિ. એ વખતે નરેન્દ્રને તીવ્ર વૈરાગ્ય! એટલે આજે ઘરનાં માણસો માટે કંઈક વ્યવસ્થા કરવા કોલકાતા જવાના છે. એક મિત્ર એમને સો રૂપિયા ઉછીના આપવાના છે. એ રૂપિયામાંથી ઘરના માણસોના ત્રણ મહિનાના ભરણપોષણની વ્યવસ્થા કરી આવશે.
નરેન્દ્ર – એક વાર ઘેર જાઉં. (મણિને) મહિમ ચક્રવર્તીને ઘેર થઈને જાઉં છું, તમે આવો છો?
મણિની જવાની ઇચ્છા નથી. ઠાકુર તેના તરફ જોઈને નરેન્દ્રને પૂછે છે, શું કરવા?
નરેન્દ્ર – એ જ રસ્તેથી જાઉં છું તે એની સાથે બેસીને જરા વાતચીત કરીશ.
ઠાકુર એક નજરે નરેન્દ્રને જુએ છે.
નરેન્દ્ર – અહીંના એક મિત્રે કહ્યું છે કે એ મને એક સો રૂપિયા ઉધાર આપશે. એ રૂપિયામાં ઘરના માણસોની ત્રણ માસના ભરણપોષણની વ્યવસ્થા કરી આવીશ.
ઠાકુર મૂંગા બેસી રહ્યા છે. તેમણે મણિના સામું જોયું.
મણિ (નરેન્દ્રને) – વારુ, તમે ચાલતા થાઓ. હું પછી આવીશ




