ત્વમક્ષરં પરમં વેદિતવ્યં, ત્વમસ્ય વિશ્વસ્ય પરં નિધાનમ્।
ત્વમવ્યયઃ શાશ્વતધર્મગોપ્તા, સનાતનસ્ત્વં પુરુષો મતો મે॥ (ગીતા, ૧૧.૧૮)

સાંજના પાંચ વાગ્યા છે. ભક્તો સૌ સૌને ઘેર ચાલ્યા ગયા. માત્ર માસ્ટર અને નરેન્દ્ર રહ્યા. લોટો લઈને નરેન્દ્ર હંસપુકુર (તળાવ) અને ઝાઉતળા તરફ મોઢું ધોવા ગયા. માસ્ટર મંદિરની આજુબાજુ ફરી રહ્યા છે. થોડીકવાર પછી એ કાલીવાડીના માલિકના બંગલાની પાસે થઈને હંસપુકુર તરફ આવવા લાગ્યા. જોયું તો તળાવની દક્ષિણ બાજુએ તળાવનાં પગથિયાં પરના ઓટલા ઉપર શ્રીરામકૃષ્ણ ઊભેલા; નરેન્દ્ર મોઢું ધોઈ હાથમાં લોટો લઈને ઊભો છે. ઠાકુર કહી રહ્યા છે કે ‘જો આથીયે જરા વધારે જલદી જલદી આવતો જજે. તરતનો નવો નવો આવે છે ને એટલે મુલાકાત પછી નવા નવા સૌ વધારે વધારે આવે. જેમ કે નવો પતિ, (નરેન્દ્ર અને માસ્ટરનું હાસ્ય) કેમ, આવીશ ને?’ નરેન્દ્ર બ્રાહ્મસમાજી જવાન હસતાં હસતાં બોલ્યા, ‘હા, જોઈશ.’

સૌ બંગલાના માર્ગ પર થઈને ઠાકુરના ઓરડા તરફ આવે છે. બંગલા પાસે ઠાકુરે માસ્ટરને કહ્યુંઃ ‘જુઓ, ખેડૂતો ઢોરની ગુજરીમાં બળદ વેચાતા લેવા જાય. ત્યારે એ લોકો સારો બળદ કયો, નરસો બળદ કયો એ સારી રીતે ઓળખે. પૂંછડાની નીચે હાથ દઈ જુએ. કોઈ કોઈ બળદ પૂંછડે હાથ દેતાં સૂઈ જાય. એવો બળદ ખેડૂતો ખરીદે નહિ. જે બળદ પૂંછડે હાથ દેતાં જ ફટાક દઈને ઊભો થઈ જાય, એ બળદને જ પસંદ કરે. નરેન્દ્ર એવા બળદની જાતનો, અંદર ખૂબ તેજ!’ એમ કહીને ઠાકુર હસવા લાગ્યા. ‘વળી, કોઈ કોઈ માણસો એવા છે કે જાણે પાણીમાં પલાળેલા પૌંવા. અંદર જરાય જોર નહિ.’

સંધ્યા થઈ. શ્રીરામકૃષ્ણ ઈશ્વર ચિંતન કરે છે. માસ્ટરને કહ્યું કે તમે જઈને નરેન્દ્રની સાથે વાતચીત કરો અને મને કહેજો કે એ કેવો છોકરો છે. આરતી થઈ ગઈ. કેટલીયવાર પછી માસ્ટરે ગંગાઘાટ પરના મંડપની પશ્ચિમ બાજુએ નરેન્દ્રને જોયો. બંને વચ્ચે વાતો થવા લાગી. નરેન્દ્ર બોલ્યો, ‘હું સાધારણ બ્રાહ્મસમાજનો અનુયાયી, કોલેજમાં ભણું છું.’ વગેરે.

રાત પડી ગઈ છે. માસ્ટરને હવે ઘેર જવાની રજા લેવી છે. પણ કોઈ રીતે જઈ શકાતું નથી. એટલે નરેન્દ્ર પાસેથી ચાલ્યા આવીને તે શ્રીરામકૃષ્ણને શોધવા લાગ્યા. તેમનું ગીત સાંભળીને માસ્ટરનું હૃદય – મન મુગ્ધ થઈ ગયું છે. તેમની બહુ ઇચ્છા છે કે વળી તેમના શ્રીમુખે ગીત સાંભળે. શોધતાં શોધતાં જોયું તો મા કાલીના મંદિરની સામેના પ્રાર્થનાખંડમાં ઠાકુર એકલા આંટા મારી રહ્યા છે. મંદિરમાં મા કાલીની બંને બાજુએ દીવા બળી રહ્યા છે. વિશાળ પ્રાર્થનાખંડમાં એક જ બત્તી બળે છે. ઝાંખો પ્રકાશ; પ્રકાશ અને અંધકાર ભેગા મળ્યા હોય તે પ્રમાણે પ્રાર્થના ખંડમાં દેખાતું હતું.

માસ્ટર શ્રીરામકૃષ્ણનું ગીત સાંભળીને ભાન ભૂલ્યા છે, જાણે કે મંત્ર મુગ્ધ સર્પ. એટલે તેમણે સંકોચપૂર્વક ઠાકુરને પૂછ્યું, ‘આજે હવે ગીત ગવાશે?’ ઠાકુર કંઈક વિચાર કરીને બોલ્યા, ‘આજે તો હવે ગીત નહિ ગવાય.’ એમ કહીને જાણે કંઈ યાદ આવ્યું હોય એમ તરત જ બોલ્યા, ‘પણ એક કામ કરો, હું કોલકાતામાં બલરામને ત્યાં જવાનો છું, તમે ત્યાં આવજો. ત્યાં ગીત ગવાશે.’

માસ્ટર: જી ભલે.

શ્રીરામકૃષ્ણ: તમે ઓળખો છો? બલરામ બસુને?

માસ્ટર: જી, ના.

શ્રીરામકૃષ્ણ: બલરામ બસુ, બોઝપાડામાં મકાન.

માસ્ટર: જી, હું તપાસ કરીશ.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરની સાથે ફરતાં ફરતાં): વારુ, તમને એક વાત પૂછું. મને તમે શું ધારો છો? માસ્ટર ચૂપ રહ્યા.

ઠાકુર વળી પૂછે છે: ‘તમને શું લાગે છે? મને કેટલા ટકા જ્ઞાન થયું હશે?’

માસ્ટર: કેટલા ટકા એ તો સમજી શકતો નથી. પણ આવું જ્ઞાન કે પ્રેમભક્તિ અથવા શ્રદ્ધા અથવા વૈરાગ્ય અને ઉદાર ભાવ મેં ક્યાંય કદીયે જોયાં નથી.

શ્રીરામકૃષ્ણ હસવા લાગ્યા.

એ પ્રમાણે વાતચીત થયા પછી માસ્ટરે પ્રણામ કરીને રજા લીધી.

મોટા દરવાજા સુધી આવીને વળી કંઈક યાદ આવ્યું. એટલે તરત જ પાછા વળ્યા. પાછા પ્રાર્થનાખંડમાં શ્રીરામકૃષ્ણની પાસે હાજર.

ઠાકુર એ ઝાંખા પ્રકાશમાં એકલા આંટા મારી રહ્યા છે. એકલા – નિઃસંગ! પશુરાજ સિંહ જાણે વનમાં પોતાના જ વિચારમાં મગ્ન બનીને એકલો ફરી રહ્યો છે. આત્મારામ સિંહ એકલો રહેવાનું, એકલો ફરવાનું પસંદ કરે, બેપરવા! આશ્ચર્યચક્તિ થઈને માસ્ટર વળી એ મહાપુરુષનું દર્શન કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): વળી પાછા આવ્યા?

માસ્ટર: જી, મને લાગે છે કે મોટા માણસનું ઘર. અંદર જવા દે કે ન દે, એટલે ત્યાં ન જવાનો વિચાર કરું છું. અહીં જ આવીને આપને મળીશ.

શ્રીરામકૃષ્ણ: ના રે ના, એમ શું કરવા? તમે તમારે મારું નામ લેજોને! ત્યાં કહેજો કે ઠાકુરની પાસે જવું છે. એટલે તરત જ કોઈ પણ તમને મારી પાસે લઈ આવશે.

માસ્ટરે ‘જી’ કહી પ્રણામ કરીને રજા લીધી.

Total Views: 1,026
ખંડ 1: અધ્યાય 9: ચતુર્થ દર્શન
ખંડ 2: અધ્યાય 1: બલરામના ઘેર ભક્તો સાથે શ્રીરામકૃષ્ણનું પ્રેમાનંદમય નૃત્ય