અખંડમંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરમ્।
તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ॥

ગુરુશિષ્ય – સંવાદ

બીજું દર્શન સવારના આઠેક વાગ્યાને સુમારે. ઠાકુર એ વખતે હજામત કરાવવા બેસે છે. હજી થોડી થોડી ઠંડી પડે છે. એટલે તેમના શરીર પર ગરમ શાલ. શાલની કિનારી લાલ પટ્ટીથી મઢેલી. માસ્ટરને જોઈને બોલ્યા, ‘તમે આવ્યા છો કે? વારુ, અહીં બેસો.’

આ વાતચીત દક્ષિણપૂર્વ(અગ્નિખૂણા)ની બાજુની ઓસરીમાં થતી હતી. હજામ આવેલો છે. એ જ ઓસરીમાં ઠાકુર હજામત કરાવવા બેઠા અને વચ્ચે વચ્ચે માસ્ટરની સાથે વાતો કરવા લાગ્યા. શરીરે શાલ, પગમાં સપાટ, હસમુખો ચહેરો. વાત કરતી વખતે જીભ સહેજ તોતડાય.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): હેં ભાઈ! તમારું ઘર ક્યાં છે?

માસ્ટર: જી, કોલકાતામાં.

શ્રીરામકૃષ્ણ: અહીં કોને ત્યાં આવ્યા છો?

માસ્ટર: અહીં વરાહનગરમાં મોટી બહેનને ઘેર. ઈશાન વૈદ્યરાજનું ઘર.

શ્રીરામકૃષ્ણ: ઓહો! ઈશાનને ઘેર?

શ્રીકેશવચંદ્ર સેન માટે શ્રીરામકૃષ્ણનો શ્રીજગન્માતા પાસે વિલાપ

શ્રીરામકૃષ્ણ: હેં ભાઈ! કેશવને કેમ છે? એ બહુ માંદા થઈ ગયા હતા!

માસ્ટર: મેં પણ એમ સાંભળ્યું હતું ખરું. પણ હવે મને લાગે છે કે તેમને સારું છે.

શ્રીરામકૃષ્ણ: મેં વળી કેશવને માટે માતાજીની પાસે લીલું નાળિયેર ને ખાંડની માનતા રાખી હતી. પાછલી રાતે મારી ઊંઘ ઊડી જતી, અને માની પાસે હું રોતો. કહેતો કે મા, કેશવને સાજા કરી દો; કેશવ ન હોય તો હું કોલકાતામાં જાઉં ત્યારે વાતો કોની સાથે કરું? એટલા માટે મેં ખાંડ ને નાળિયેર માન્યાં હતાં.

હેં ભાઈ! કૂક સાહેબ કરીને કોક આવ્યા છે ને? સંભળાય છે કે તે ‘લેકચર’ કરે છે. કેશવ મને સ્ટીમરમાં સાથે લઈ ગયા હતા. કૂક સાહેબ પણ હતા.

માસ્ટર: જી, એ પ્રમાણે સાંભળ્યું હતું ખરું. પણ મેં તેમનું ભાષણ સાંભળ્યું નથી. હું તેમને વિષે વધુ જાણતો નથી.

ગૃહસ્થ અને પિતાનું કર્તવ્ય

શ્રીરામકૃષ્ણ: પ્રતાપનો ભાઈ આવ્યો હતો. થોડા દિવસ અહીં રહ્યો. નોકરી ધંધો નહિ. કહે કે હું અહીં રહીશ. મેં સાંભળ્યું કે બૈરી છોકરાંને બધાંને પોતાના સસરાને ઘેર મૂકી આવ્યો છેઃ કેટલાંય છોકરાં છૈયાં! હું એને વઢ્યો. જુઓ તો ખરા, છોકરાં છૈયા થયાં છે તેને શું કાંઈ આડોશી પાડોશી ખવડાવીને મોટાં કરે? શરમેય નથી આવતી, કે બૈરી છોકરાંને બીજું કોઈક ખવડાવે છે. અને તેમને સસરાને ઘેર રાખી મૂક્યાં છે. હું ખૂબ વઢ્યો અને કામધંધો શોધી કાઢવાનું કહ્યું. ત્યારે માંડ માંડ અહીંથી જવાનું કબૂલ કર્યું.

Total Views: 629
ખંડ 1: અધ્યાય 2: પ્રથમ દર્શન
ખંડ 1: અધ્યાય 4: માસ્ટરને ઠપકો અને અહંકાર ઊતર્યો