સંસારાર્ણવઘોરે યઃ કર્ણધારસ્વરૂપકઃ।
નમોઽસ્તુ રામકૃષ્ણાય તસ્મૈ શ્રીગુરવે નમઃ॥

ભક્તિનો ઉપાય

માસ્ટર (વિનયપૂર્વક): ઈશ્વરમાં કેવી રીતે મન જાય?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના ભક્ત કે સાધુ, એવાની પાસે અવારનવાર જવું જોઈએ. સંસારમાં અને વહેવારની અંદર રાતદિવસ રહેવાથી ઈશ્વરમાં મન જાય નહિ. વચ્ચે વચ્ચે એકાંતમાં જઈને ઈશ્વરનું ચિંતન કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં અવારનવાર એકાંતમાં ન જઈએ તો ઈશ્વરમાં મન લગાડવું બહુ જ કઠણ.

‘રોપ નાનો હોય ત્યારે તેની ચારે બાજુએ વાડ કરી લેવી જોઈએ. વાડ ન કરીએ તો ગાય બકરાં ખાઈ જાય.’

‘ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં. હંમેશાં સત્ અસત્નો વિચાર કરવો. ઈશ્વર જ સત્ એટલે નિત્ય વસ્તુ, બીજું બધું અસત્ એટલે અનિત્ય. એવી રીતે વિચાર કરતાં કરતાં અનિત્ય વસ્તુનો મનમાંથી ત્યાગ કરવો.’

માસ્ટર (વિનયપૂર્વક): સંસારમાં કેવી રીતે રહેવું?

ગૃહસ્થ – સંન્યાસઃ ઉપાય – એકાંતમાં સાધના

શ્રીરામકૃષ્ણ: બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો છે. પણ મનમાં બરાબર સમજવું કે એમાંથી કોઈ આપણું નથી.

‘મોટા માણસના ઘરની કામવાળી શેઠનું બધું કામ કરે, પણ તેનું મન હોય ગામડામાં પોતાને ઘેર. વળી, તે શેઠનાં છોકરાંને પોતાનાં છોકરાંની માફક મોટાં કરે. ‘મારો રામ’ ‘મારો હરિ’ એમ કહીને બોલાવે; પણ મનમાં સારી રીતે સમજે કે એમાંથી મારું કોઈ નથી.’

‘કાચબી પાણીમાં તર્યા કરતી હોય, પણ તેનું મન ક્યાં હોય તે ખબર છે? કાંઠા પર, જ્યાં તેનાં ઈંડાં પડ્યાં હોય ત્યાં. સંસારનું બધું કામ કરવું. પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું.’

‘ઈશ્વર ભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલાવો તો ઊલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન હેરાન થઈ જાઓ; અને સંસારના વિષયોનું ચિંતન જેમ જેમ વધુ કરો તેમ તેમ આસક્તિ વધે.’

‘હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહિતર તેનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારનાં કામમાં હાથ લગાડવો જોઈએ.’

‘પણ આ ભક્તિ પ્રાપ્ત કરવી હોય તો એકાંત હોવું જોઈએ. માખણ કાઢવું હોય તો એકાંતમાં દહીં જમાવવું જોઈએ. દહીંને હલાવ હલાવ કર્યે દહીં જામે નહિ. ત્યાર પછી એકાંતમાં બેસી, બધાં કામ છોડી, દહીંને વલોવવું જોઈએ; તો જ માખણ નીકળે.’

‘વળી જુઓ, એ જ મન દ્વારા એકાંતમાં ઈશ્વર ચિંતન કરવાથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ મળે. પણ સંસારમાં તેને પડ્યું રાખવાથી તે નીચે ઊતરી જાય. સંસારમાં કેવળ કામિની – કાંચનના જ વિચાર આવે.’

‘સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય. ચોખ્ખું દૂધ મળે નહિ. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસાર જળમાં રાખી મૂકો તો તે તેમાં ભળી ન જાય, તર્યા કરે.’

‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ – કાંચન અનિત્ય. ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે? રોટલા, દાળ, કપડાં, રહેવાની જગ્યા, એટલું જ; એથી ભગવાન ન મળે. એટલે રૂપિયા જીવનનું ધ્યેય થઈ શકે નહિ. આનું નામ વિચાર. સમજો છો?’

માસ્ટર: જી, હા. મેં હમણાં ‘પ્રબોધચંદ્રોદય’ નાટક વાંચ્યું છે. તેમાં છે ‘વસ્તુ વિચાર.’

શ્રીરામકૃષ્ણ: હા, વસ્તુ વિચાર. જુઓ, રૂપિયામાંય શું છે અને સુંદર શરીરમાંયે શું છે? વિચાર કરો કે સુંદર સ્ત્રીના શરીરમાંય માત્ર હાડકાં, માંસ, ચરબી, મળમૂત્ર એ બધું છે. ઈશ્વરને છોડીને માણસ એ બધી વસ્તુઓમાં કેમ મન પરોવે છે? કેમ ઈશ્વરને ભૂલી જાય છે?

ઈશ્વર-દર્શનના ઉપાય

માસ્ટર: શું ઈશ્વરનાં દર્શન થઈ શકે?

શ્રીરામકૃષ્ણ: હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ.

માસ્ટર: કેવી અવસ્થામાં એમનાં દર્શન થાય?

શ્રીરામકૃષ્ણ: ખૂબ વ્યાકુળ થઈને રુદન કરીએ તો ઈશ્વરનાં દર્શન થાય. સ્ત્રી પુત્રાદિ માટે માણસો ઘડો ભરીને આંસુ પાડે, પૈસા માટે માણસો આંસુની નદીઓ વહાવે; પણ ઈશ્વર સારુ કોણ રડે છે? જેમ તેમ નહિ પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવો જોઈએ. એમ કહીને ઠાકુરે ગીત ઉપાડ્યુંઃ

‘બોલાવને મન પૂરા પ્રયાસે, કેમ મા શ્યામા આવે ના!
કેમ મા શ્યામા આવે ના, કેમ મા કાલી આવે ના!
મન ખરેખર આતુર હો, તો જાસૂદ – બિલ્વપત્ર લો!
ભક્તિ – ચંદન લગાવીને, (માને) પગે પુષ્પાંજલિ દો!’

‘ઈશ્વરને માટે વ્યાકુળતા આવી એટલે અરુણોદય થયો સમજો; ત્યાર પછી સૂર્ય દેખાશે. વ્યાકુળતાની પછી જ ઈશ્વર દર્શન.

ત્રણ પ્રકારનું આકર્ષણ થાય તો ઈશ્વર દર્શન દે. વિષયીનું વિષય તરફનું ખેંચાણ, માનું સંતાન ઉપરનું અને સતી સ્ત્રીનું પતિ પ્રત્યેનું ખેંચાણ. આ ત્રેવડું આકર્ષણ એકી સાથે કોઈનામાં ઈશ્વર માટે જાગે, તો તેના જોરથી તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.

‘વાત એટલી કે ઈશ્વરને ચાહવો જોઈએ. મા જેમ છોકરાંને ચાહે, સતી જેમ પતિને ચાહે, વિષયી જેમ વિષયને ચાહે. તેમ એ ત્રણેનો પ્રેમ, એ ત્રણ આકર્ષણ એકઠાં કરવાથી જેટલું થાય તેટલું ઈશ્વરને માટે થાય તો તેનાં દર્શન અવશ્ય મળે.

‘આતુર બનીને ઈશ્વરને બોલાવવો જોઈએ. બિલાડીનું બચ્ચું માત્ર ‘મ્યાઉં મ્યાઉં’ કરીને તેની માને બોલાવી જાણે. મા તેને જ્યાં રાખે ત્યાં રહે, ક્યારેક રસોડામાં, તો ક્યારેક જમીન ઉપર, તો ક્યારેક પથારી ઉપર રાખે. બચ્ચાંને દુઃખ થાય તો તે કેવળ ‘મ્યાઉં મ્યાઉં’ કરી માને બોલાવે, બીજું કંઈ જાણે નહીં. મા ગમે ત્યાં હોય, પણ તે ‘મ્યાઉં મ્યાઉં’ શબ્દ સાંભળીને આવી પહોંચે.

Total Views: 784
ખંડ 1: અધ્યાય 4: માસ્ટરને ઠપકો અને અહંકાર ઊતર્યો
ખંડ 1: અધ્યાય 6: ત્રીજું દર્શન