સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ।
ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ॥ (ગીતા, ૬.૨૯)

નરેન્દ્ર, ભવનાથ અને માસ્ટર

માસ્ટર એ વખતે વરાહનગરમાં પોતાની બહેનને ત્યાં રહેતા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કર્યાં ત્યારથી હર ક્ષણે તેમના જ વિચાર આવ્યા કરે છે, અને તેમની એ આનંદમય મૂર્તિને જ જોયા કરે છે, અને તેમની એ અમૃતમય કથા સાંભળી રહ્યા છે. તે વિચાર કરવા લાગ્યા કે આ ગરીબ બ્રાહ્મણે કેવી રીતે આ બધાં ગંભીર તત્ત્વોની શોધ કરી અને સમજ્યા? આ બધું આટલી સહેલાઈથી સમજાવતાં તેમણે આજ સુધી કોઈને ક્યારેય જોયા નથી. ક્યારે તેમની પાસે જવાય અને ફરી તેમનાં દર્શન થાય, એ જ વિચાર મનમાં રાતદિવસ ઘોળાયા કરે છે.

જોત જોતામાં રવિવાર આવી ગયો. વરાહનગરના નેપાલ બાબુની સાથે બપોરના ચાર વાગ્યે દક્ષિણેશ્વરના બગીચામાં માસ્ટર આવી પહોંચ્યા. આવીને જોયું તો એ જ પૂર્વપરિચિત ઓરડામાં ઠાકુર શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર બેઠેલા છે. ઓરડો આખો ભક્તોથી ભરેલો છે. રવિવારની રજા હોવાથી ભક્તો દર્શને આવેલા છે. હજી સુધી માસ્ટરની કોઈની સાથે ઓળખાણ થઈ નથી. તેમણે ભક્ત મંડળીમાં એક બાજુએ આસન લીધું. જોયું તો ભક્તો સાથે હસતે ચહેરે ઠાકુર વાત કરી રહ્યા છે.

એક ઓગણીસેક વરસની ઉંમરના યુવાનને ઉદ્દેશીને અને તેની સામે જોઈને ઠાકુર જાણે કે ખૂબ આનંદિત થઈને ઘણીયે વાતો કરી રહ્યા હતા. એ યુવાનનું નામ નરેન્દ્ર. કોલેજમાં ભણે અને સાધારણ – બ્રાહ્મસમાજમાં આવ-જા કરે. તેની વાતો તેજસ્વી, આંખો ચમકતી, ચહેરો ભક્ત જેવો.

અનુમાને માસ્ટર સમજ્યા કે સંસાર વ્યવહારમાં રચ્યા પચ્યા રહેનાર સંસારી વ્યક્તિ સંબંધે વાત ચાલતી હતી. જેઓ ઈશ્વર ઈશ્વર અને ધર્મ ધર્મ કર્યા કરે તેમની એ લોકો નિંદા કરે. વળી સંસારમાં કેટલાય નઠારા લોકો હોય, તેમની સાથે કેવો વ્યવહાર રાખવો ઘટે, એ બધી વાતો ચાલે છે.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને): નરેન્દ્ર! તું શું કહે છે? સંસારી લોકો તો કેટલુંય બોલે! પણ જો, હાથી જ્યારે રસ્તામાં હોય, ત્યારે કેટલાંય પ્રાણીઓ તેની પાછળ પડે, પણ હાથી તેની સામું જુએ પણ નહિ. તારી જો કોઈ નિંદા કરે, તો તને કેવું લાગે?

નરેન્દ્ર: હું માનું કે કૂતરાં હાઉ હાઉ કરે છે.

શ્રીરામકૃષ્ણ (હસીને): ના રે ના, એટલું બધું નહિ. (સૌનું હાસ્ય) ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે કંઈ વાઘને ભેટી પડાય નહિ! (સૌનું હાસ્ય) જો એમ કહો કે વાઘ તો નારાયણ છે, તો પછી ભાગી શા માટે જવું? તેનો જવાબ એ કે જેઓ કહે છે કે ‘ભાગી જાઓ’ તેઓ પણ નારાયણ છે, તો તેમની વાત કેમ ન સાંભળવી?

‘એક વાત સાંભળો. એક જંગલમાં એક સાધુ રહેતો હતો. તેને અનેક શિષ્યો. તેણે એક દિવસે શિષ્યોને ઉપદેશ આપ્યો કે સર્વભૂતમાં નારાયણ છે, એમ જાણીને સૌને નમસ્કાર કરવા. એક દિવસ એક શિષ્ય હોમ માટે લાકડાં વીણવા જંગલમાં ગયો. એ લાકડાં વીણતો હતો એટલામાં બૂમ સંભળાઈ કે ‘જે કોઈ રસ્તામાં હો તે નાસી જજો, એક ગાંડો હાથી આવે છે!’ આજુબાજુમાંથી બધા નાસી ગયા, પણ શિષ્ય નહીં! તેણે વિચાર્યું કે હાથી પણ નારાયણ છે, તો પછી નાસવું શા માટે? એમ વિચારીને તે ઊભો રહ્યો; અને નમસ્કાર વગેરે કરીને સ્તુતિ કરવા લાગ્યો. આ બાજુ મહાવત ઉપરથી બૂમો પાડી રહ્યો છે કે ‘ભાગી જાઓ, ભાગી જાઓ!’ તોય શિષ્ય હઠ્યો નહિ. છેવટે હાથી તેને સૂંઢમાં પકડી એક બાજુ ફેંકી દઈને ચાલ્યો ગયો. શિષ્ય લોહીલુહાણ અને બેભાન થઈને પડ્યો રહ્યો.

આ ખબર આશ્રમમાં પહોંચતાં ગુરુ અને શિષ્યો તેને ઉપાડીને આશ્રમમાં લઈ આવ્યા, અને સારવાર કરવા લાગ્યા. થોડીવારે તેને ભાન આવ્યું ત્યારે કોઈએ તેને પૂછ્યુંઃ ‘હાથી આવે છે તે સાંભળવા છતાં તમે નાસી ગયા નહિ?’ તે બોલ્યો, ‘ગુરુદેવે કહ્યું છે કે નારાયણ જ માણસ, જીવ, જંતુ, બધું થઈ રહેલા છે. એટલે હાથી-નારાયણને આવતા દેખીને હું ત્યાંથી ખસ્યો નહિ.’ ત્યારે ગુરુએ કહ્યું, ‘બાપુ, હાથી-નારાયણ આવતા હતા એ ખરું, એ સત્ય; પણ મહાવત-નારાયણે તો નાસી જવાનું કહ્યું હતું ને? જો બધાંય નારાયણ છે તો પછી તેનું કહેવું કેમ સાંભળ્યું નહિ? મહાવત-નારાયણનું પણ સાંભળવું જોઈએ ને?’ (સૌનું હાસ્ય)

‘શાસ્ત્રમાં કહે છે આપો નારાયણ; જળ નારાયણનું સ્વરૂપ છે! પરંતુ કોઈક જળ ભગવાનની પૂજામાં ચાલે; તો કોઈક જળથી હાથ-મોં ધોવાનું, વાસણ માંજવાનું, કપડાં ધોવાનું માત્ર ચાલે, પણ પીવામાં અથવા ઠાકોરજીની સેવામાં ન ચાલે. તેમ સાધુ, અસાધુ, ભક્ત અને અભક્ત – સૌના અંતરમાં નારાયણ છે, પણ અસાધુ, અભક્ત, દુષ્ટ માણસની સાથે વ્યવહાર રાખવો ચાલે નહિ. હળવું મળવું ચાલે નહિ. કોઈકની સાથે કેવળ મોઢાની વાતચીતનો જ વ્યવહાર પરવડે; તો વળી કોઈકની સાથે એ પણ ચાલે નહિ. એવા માણસથી દૂર રહેવું જોઈએ.’

એક ભક્ત: મહાશય! જો કોઈ ખરાબ માણસ આપણું નુકસાન કરવા આવે અથવા નુકસાન કરે, તો શું ચૂપ રહેવું?

ગૃહસ્થ અને તમોગુણ

શ્રીરામકૃષ્ણ: માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરૂર ખરી. પણ તે નુકસાન કરશે એમ માનીને તેનું નુકસાન કરવું એ યોગ્ય નથી.

‘એક ખેતરમાં એક ગોવાળ ઢોર ચરાવતો હતો. તે ખેતરમાં એક મોટો ઝેરી સાપ રહે. સૌ કોઈ એ સાપની બીકથી બહુ જ સંભાળીને રહેતાં. એક દિવસ એક બ્રહ્મચારી એ ખેતરને રસ્તે થઈને આવતો હતો. ગોવાળિયાઓ દોડી આવીને કહેવા લાગ્યા, ‘મહારાજ! એ બાજુ થઈને જતા નહિ. એ બાજુ એક ભયંકર ઝેરી સાપ રહે છે.’ બ્રહ્મચારી બોલ્યો, ‘અરે તે ભલે રહ્યો. હું તેનાથી ડરતો નથી. હું મંત્ર જાણું છું.’ એમ કહીને બ્રહ્મચારી એ બાજુ ગયો. બીકના માર્યા ગોવાળિયાઓ તેની સાથે ગયા નહિ. આ બાજુ સાપ ફેણ ઊંચી કરીને દોડ્યો આવે છે. પણ તે નજીક આવ્યો ન આવ્યો ત્યાં તો બ્રહ્મચારીએ જેવો એક મંત્ર ભણ્યો કે તરત જ સાપ અળશિયાની પેઠે પગ પાસે આવીને પડી રહ્યો. બ્રહ્મચારી બોલ્યો, ‘અરે! તું કેમ બીજાની હિંસા કરતો ફરે છે? ચાલ, તને મંત્ર આપું. આ મંત્રનો જપ કરવાથી તને ભગવાનમાં ભક્તિ જાગશે, ભગવત્પ્રાપ્તિ થશે અને તારામાં હિંસક વૃત્તિ રહેશે નહિ.’ એમ કહીને તેણે સાપને મંત્ર આપ્યો. મંત્ર લઈને સાપે ગુરુને પ્રણામ કર્યા અને પૂછ્યું, ‘ગુરુદેવ, કેવી રીતે સાધના કરવી એ કહો.’ ગુરુ બોલ્યાઃ ‘આ મંત્રનો જપ કરવો અને કોઈની હિંસા કરવી નહિ.’ જતી વખતે બ્રહ્મચારી બોલ્યો, ‘પાછો હું આવીશ.’

‘એમ કરતાં કેટલાક દિવસ નીકળી ગયા. ગોવાળિયાઓએ જોયું કે સાપ હવે કરડવા આવતો નથી, પથરા મારે છતાં ગુસ્સે થતો નથી! જાણે અળશિયા જેવો થઈ ગયો છે. એટલે એક દિવસે એક ગોવાળિયાએ હિંમતથી પાસે જઈને પૂંછડી પકડીને તેને ખૂબ ફેરવ્યો અને પછી પછાડીને ફેંકી દીધો. સાપના મોઢામાંથી લોહી નીકળવા માંડ્યું અને બેશુદ્ધ થઈ ગયો, હલે નહિ કે ચલે નહિ. ગોવાળિયાઓએ માન્યું કે સાપ મરી ગયો. એમ ધારીને તે લોકો ચાલ્યા ગયા.

‘મોડી રાત્રે સાપને ચેતના આવી. એટલે એ બિચારો ધીરે ધીરે અત્યંત કષ્ટપૂર્વક પોતાના દરમાં ચાલ્યો ગયો. શરીર છોલાઈ ગયેલું. હાલવા ચાલવાની શક્તિ નહિ. કેટલાય દિવસ સુધી ભૂખ્યો તરસ્યો રહેવાથી સાવ હાડચામનું ખોખું થઈ ગયો. આહાર શોધવા રાત્રે ક્યારેક ક્યારેક બહાર નીકળતો, બીકનો માર્યો દિવસે બહાર આવતો નહિ. મંત્ર લીધો છે ત્યારથી હિંસા કરે નહિ. કેવળ કૂણાં પાંદડાં, ઝાડ પરથી પડેલાં ફળ એવું બધું ખાઈને જીવતો.’

‘વરસ દિવસ પછી બ્રહ્મચારી એ જ રસ્તેથી વળી પાછો આવ્યો. આવતાં જ તેણે પેલા સાપના ખબર પૂછ્યા. ગોવાળિયાઓએ કહ્યું કે, ‘બાપજી, સાપ તો મરી ગયો.’ પણ બ્રહ્મચારીને એ વાત માન્યામાં આવી નહિ, તેને ખબર હતી કે જે મંત્ર તેને આપ્યો છે, તેનું અનુષ્ઠાન પૂરું ન થાય ત્યાં સુધી સાપનું શરીર છૂટે નહિ. એ બાજુએ શોધતાં શોધતાં પોતે આપેલું નામ લઈને સાપને બોલાવવા લાગ્યો. સાપ ગુરુદેવનો અવાજ સાંભળીને દરમાંથી બહાર આવ્યો અને ખૂબ ભક્તિપૂર્વક ગુરુને પ્રણામ કર્યા. બ્રહ્મચારીએ પૂછ્યું ‘કેમ છે?’ સાપે જવાબ આપ્યો, ‘ગુરુદેવ, ઠીક છે.’ બ્રહ્મચારીએ પૂછ્યું, ‘આવો દૂબળો કેમ થઈ ગયો છો?’ સાપે જવાબ આપ્યો, ‘પ્રભુ, આપે આદેશ કરેલો કે કોઈની હિંસા કરીશ નહિ, તેથી પાંદડાં, ફળ વગેરે ખાઈને રહું છું એટલે દૂબળો પડી ગયો હોઈશ!’ તેનામાં સત્ત્વગુણનો ઉદય થયો હોઈને કોઈના પ્રત્યે ક્રોધ રહ્યો નથી. એ તો બિચારો ભૂલી જ ગયો હતો કે ગોવાળિયાઓએ તો તેને લગભગ મરી જવા જેવો જ કરી નાખેલો.

બ્રહ્મચારીએ કહ્યું: ‘માત્ર ભૂખ ખેંચવાથી આવી સ્થિતિ થાય નહિ. જરૂર બીજું કંઈક કારણ છે; યાદ કરી જો.’

સાપને યાદ આવ્યું કે ગોવાળિયાઓએ તેને પછાડ્યો હતો. એટલે એ બોલ્યો, ‘પ્રભુ! યાદ આવે છે ખરું. ગોવાળિયાઓએ એક દિવસ મને પછાડ્યો હતો. પણ એ લોકો તો અજ્ઞાની છે. તેમને ખબર નથી કે મારા મનની શી અવસ્થા છે; હું કોઈને કરડવાનો નથી, કે કોઈ પણ પ્રકારે તેમને હાનિ પહોંચાડવાનો નથી, એ તે લોકો કેવી રીતે જાણે?’

એ સાંભળીને બ્રહ્મચારી બોલ્યો, ‘તું એટલો બધો અક્કલ વિનાનો, કે તારું પોતાનું રક્ષણ કરતાં તને આવડ્યું નહિ? મેં તને ના પાડી હતી કરડવાની, ફૂંફાડો મારવાની નહિ! ફૂંફાડો મારીને તેં બીક કેમ ન બતાવી?’

‘દુષ્ટ માણસોની સામે ફૂંફાડો રાખવો જોઈએ, તેમને બીક બતાવવી જોઈએ, નહિતર તેઓ આપણું બૂરું કરે. તેમના શરીરમાં વિષ રેડવું નહિ, તેમનું નુકસાન કરવું નહિ; પણ ફૂંફાડો તો બતાવવો!’

વિભિન્ન સ્વભાવો, Are all men equal? શું બધા એક સરખા છે?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ છે. ઝાડ પાનમાં અમૃત જેવાં ફળ આપે એવાં પણ છે અને ઝેરી ફળવાળાં પણ છે; તેમજ માણસોમાંય સારાં છે, ખરાબ પણ છે; સાધુ છે, અસાધુ પણ છે; સંસારી જીવો છે, તેમ ભક્તો પણ છે.

જીવોના ચાર પ્રકારઃ બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ.

‘નિત્યજીવ – જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારુ.

બદ્ધજીવ – જેઓ વિષયમાં આસક્ત થયેલા અને ભગવાનને ભૂલી રહેલા હોય. તેઓ ભૂલે ચૂકે પણ ઈશ્વર – સ્મરણ કરે નહિ.

મુમુક્ષુજીવ – જેઓ મુક્ત થવાની ઇચ્છા રાખે, પણ તેઓમાંથી કોઈક મુક્ત થઈ શકે, કોઈક ન થઈ શકે.

મુક્તજીવ – જેઓ સંસારમાં કામ-કાંચનમાં બંધાયેલા નથી; જેમ કે સાધુ-મહાત્માઓ; જેમના મનમાં સંસારીબુદ્ધિ નથી અને જેઓ હંમેશાં હરિ ચરણનું ચિંતવન કરે.’

ધારો કે તળાવમાં જાળ નાખી છે. બે ચાર માછલાં એવાં હોશિયાર કે ક્યારેય જાળમાં સપડાય નહિ. આ નિત્યજીવોની ઉપમા. પણ માછલાંનો મોટોભાગ જાળમાં પડે. એમાંથી કેટલાંય નાસી છૂટવાનો પ્રયાસ કરે; એ બધાં મુમુક્ષુ જીવ જેવાં. પણ બધાંય માછલાં છૂટી ન શકે. બે ચાર માછલાં ધબાંગ, ધબાંગ કરતાં ને જાળમાંથી બહાર કૂદી પડે. ત્યારે માછીમારો બૂમ પડે, ‘પેલું મોટું માછલું નાસી ગયું!’ પણ જેઓ જાળમાં સપડાયાં છે તેમાંનો મોટો ભાગ નાસી શકે નહિ અને નાસવાનો પ્રયાસ પણ કરે નહિ. ઊલટાં જાળ મોઢામાં લઈને તળિયે જઈને મોં કાદવમાં ઘૂસાડીને છાનાંમાનાં સૂઈ રહે. મનમાં માને કે હવે કોઈ જાતની બીક નથી; આપણે સલામત છીએ. પણ જાણતાં નથી કે માછીમાર સડેડાટ કરતો જાળ તાણીને કિનારે ખેંચી લેશે. આ બદ્ધજીવોની ઉપમા.

સંસારી લોકો – બદ્ધજીવ

‘બદ્ધજીવો સંસારમાં કામ-કાંચનમાં બદ્ધ થયેલા છે. હાથ પગ બંધાયેલા છે. પણ પાછા એમ માને છે કે સંસારનાં કામ – કાંચનથી જ સુખ મળશે અને ત્યાં જ નિર્ભય થઈને રહીશું. પણ જાણતા નથી કે એમાં જ મોત થવાનું છે. બદ્ધજીવ જ્યારે મરવા પડે ત્યારે તેને સ્ત્રી કહેશે, ‘તમે તો ચાલ્યા, પણ અમારી શી વ્યવસ્થા કરી છે?’ પાછી બદ્ધજીવમાં એવી માયા હોય કે દીવાની વાટ ઊંચી ચડીને વધુ બળતી હોય તો કહે કે, ‘અલ્યા, તેલ બળી જાય છે. વાટ ઓછી કરી નાંખો.’ આ બાજુએ પોતે મરણ પથારીએ પડ્યો હોય!’

‘બદ્ધજીવો ઈશ્વર ચિંતન કરે નહિ. જો ફુરસદ મળે તો આડાંઅવળાં નકામાં ગપ્પાં મારે, નહિતર નકામાં કામ કરે. પૂછો તો કહેશે કે હું કામ વિના બેસી રહી શકતો નથી. એટલે આ વાડ કરી લઉં છું. કાં તો વખત નીકળતો નથી એમ જાણીને ગંજીફો કૂટવા માંડે! (સહુ સ્તબ્ધ).’

Total Views: 636
ખંડ 1: અધ્યાય 5: ભક્તિનો ઉપાય
ખંડ 1: અધ્યાય 7: ઉપાયઃ શ્રદ્ધા