યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્।
અસંમૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે॥ (ગીતાઃ ૧૦.૩)

એક ભક્ત: મહાશય, એવા સંસારી જીવો માટે શું કોઈ ઉપાય નથી?

શ્રીરામકૃષ્ણ: ઉપાય જરૂર છે. વચ્ચે વચ્ચે સાધુસંગ અને અવારનવાર એકાંતમાં જઈને ઈશ્વર ચિંતન અને તેનો વિચાર કરવો જોઈએ. પ્રભુ પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, મને શ્રદ્ધા ભક્તિ આપો.

‘માણસમાં જો શ્રદ્ધા આવી ગઈ તો તો થઈ ચૂક્યું. શ્રદ્ધાથી મોટી બીજી કોઈ ચીજ નથી.

(કેદારને) શ્રદ્ધાનું જોર કેટલું છે તે તો સાંભળ્યું છે ને? પુરાણમાં કહ્યું છે કે રામચંદ્ર કે જે સાક્ષાત્ પૂર્ણ બ્રહ્મ નારાયણ, તેમને લંકામાં પહોંચવા સારુ પુલ બાંધવો પડ્યો, પણ હનુમાન રામનામમાં શ્રદ્ધા રાખીને એક જ છલાંગે સમુદ્રની પેલી પાર કૂદી પડ્યા. તેમને પુલની જરૂર નહિ. (સૌનું હાસ્ય)

વિભીષણે એક પાંદડામાં રામનામ લખીને એ પાંદડું એક માણસના લૂગડાને છેડે બાંધી દીધું. એ માણસને સમુદ્રને સામે પાર જવું હતું. વિભીષણે તેને કહ્યું, ‘તારે બીવું નહિ. તું શ્રદ્ધા રાખીને પાણી ઉપર થઈને ચાલ્યો જજે. પણ જો જે હોં, જો શ્રદ્ધા ગુમાવી તો તરત પાણીમાં ડૂબી જઈશ.’ એ માણસ તો મજાનો સમુદ્રની ઉપર થઈને ચાલ્યો જતો હતો. એવામાં તેને કુતૂહલ થયું કે લૂગડાને છેડે શું બાંધ્યું હશે એ એકવાર જોઉં તો ખરો! ઉઘાડીને જોયું તો માત્ર ‘રામ’ નામ લખ્યું છે. તેને વિચાર આવ્યો કે આ શું? આમાં તો માત્ર ‘રામ’ નામ જ લખ્યું છે! બસ, જેવી અશ્રદ્ધા આવી કે તરત પાણીમાં ડૂબી ગયો.

‘જેને ઈશ્વરમાં શ્રદ્ધા છે, તેનાથી કદાચ મહાપાપ થઈ જાય, ગૌ, બ્રાહ્મણ કે સ્ત્રીની હત્યા થઈ જાય, તો પણ ભગવાન પરની એ શ્રદ્ધાને જોરે તેનો પાપમાંથી ઉદ્ધાર થઈ શકે. તે જો એમ કહે કે હું એવું કામ ફરીથી નહિ કરું, તો તેને કોઈ વાતે ડર નહિ.’

મહાપાપી અને નામમાહાત્મ્ય

એમ કહીને શ્રીરામકૃષ્ણે ગીત ઉપાડ્યુંઃ

હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું,
આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું.
મારું ગૌબ્રાહ્મણ, હત્યા કરું ભ્રૂણ, સુરાપાન વળી, મારું હું નારી.
પાપો એ સર્વેથી, લેશ ભય નથી, બ્રહ્મ પદવી છે મારી!

નરેન્દ્ર – હોમાપક્ષી

‘આ છોકરાને જુઓ છો ને? એ અહીં એક પ્રકારનો. તોફાની છોકરો જ્યારે બાપની પાસે બેઠો હોય, ત્યારે જાણે કે ડાહ્યો ડમરો. પણ જ્યારે બહાર ચોકમાં રમે ત્યારે બીજી જ મૂર્તિ. એ બધા નિત્યસિદ્ધ – વર્ગના. એ લોકો સંસારમાં ક્યારેય બદ્ધ થાય નહિ. જરા ઉંમરલાયક થતાં જ જાગ્રત થઈ જાય; અને ભગવાન તરફ ચાલ્યા જાય. એ લોકો સંસારમાં આવે, પણ માત્ર લોકોને ઉપદેશ આપવા માટે. એમને સંસારની કોઈપણ વસ્તુ ગમે નહિ. એ લોકો કામ-કાંચનમાં ક્યારેય આસક્ત થાય નહિ.

વેદમાં હોમા પંખીની વાત છે. એ પંખી ઘણે ઊંચે આકાશમાં રહે. આકાશમાં જ એ ઈંડું મૂકે. એ ઈંડું નીચે આવતું જાય. પણ એટલે બધે ઊંચે હોય કે ઘણાય દિવસ સુધી તે નીચે ઊતર્યા કરે. એમ નીચે ઊતરતાં ઈંડું વચમાં જ સેવાઈને ફૂટી જાય. એટલે તેમાંથી નીકળેલું બચ્ચું નીચે જમીન પાસે આવતાં સુધીમાં તેની આંખો ઊઘડે અને પાંખો ફૂટે. આંખો ઊઘડતાં જ તેને દેખાય કે પોતે પડી જાય છે, જમીન પર પડશે તો એકદમ ચૂરેચૂરા થઈ જશે. એટલે તરત જ તે પંખી પોતાની મા તરફ સીધું દોટ મૂકે અને ઊંચે ચડી જાય.’ નરેન્દ્ર ઊઠીને ચાલ્યા ગયા.

બેઠેલી મંડળીમાં કેદાર, પ્રાણકૃષ્ણ, માસ્ટર વગેરે ઘણાય છે.

શ્રીરામકૃષ્ણ: જુઓ, નરેન્દ્ર ગાવામાં, બજાવવામાં, ભણવા ગણવામાં, બધામાં હોશિયાર. તે દિવસે કેદારની સાથે ચર્ચા કરતો હતો. તે કેદારની દલીલો બધી ફટાફટ કાપી નાંખવા લાગ્યો. (ઠાકુર અને સૌનું હાસ્ય) (માસ્ટરને) અંગ્રેજીમાં તર્કશાસ્ત્રનું કોઈ પુસ્તક છે?

માસ્ટર: જી હા, અંગ્રેજીમાં તર્કશાસ્ત્ર (ન્યાય શાસ્ત્ર) છે.

શ્રીરામકૃષ્ણ: વારુ, કેવું છે? જરાક કહો તો.

માસ્ટર હવે મુશ્કેલીમાં મુકાયા. તે બોલ્યાઃ ‘એક રીત એવી છે કે સાધારણ સિદ્ધાંત પરથી વિશેષ ઘટનાએ પહોંચવું.

જેમ કે, મનુષ્યમાત્ર મરણાધીન છે, પંડિતો મનુષ્ય છે, માટે પંડિતો મરી જવાના.

‘બીજી એક રીત છે, વિશેષ દૃષ્ટાંત અથવા ઘટનાઓ જોઈ જોઈને સાધારણ સિદ્ધાંત બાંધવો, જેમકે આ કાગડો કાળો, પેલો કાગડો કાળો, તેમજ જેટલા કાગડા જોઉં છું તે બધાય કાળા એટલા માટે કાગડા કાળા.

પરંતુ આ જાતનો સિદ્ધાંત બાંધવામાં ભૂલ થવાનો સંભવ ખરો. કારણ કે કદાચ શોધતાં શોધતાં બીજા એક દેશમાં ધોળો કાગડો મળી આવે. બીજું એક દૃષ્ટાંતઃ જ્યાં જ્યાં વૃષ્ટિ, ત્યાં ત્યાં વાદળું હતું અથવા છે. એટલા માટે સાધારણ સિદ્ધાંત એ થયો કે વાદળામાંથી વૃષ્ટિ થાય. ફરી એક દૃષ્ટાંતઃ આ માણસને બત્રીસ દાંત છે. પેલા માણસને બત્રીસ દાંત છે. જે કોઈ માણસને જોઈએ છીએ તેને બત્રીસ દાંત છે. એટલા માટે બધા માણસોને બત્રીસ દાંત છે.

આ પ્રમાણે સાધારણ સિદ્ધાંતની વાત અંગ્રેજી ન્યાયશાસ્ત્રમાં છે.’

શ્રીરામકૃષ્ણે આ બધું સાંભળ્યું એટલું જ. સાંભળતાં સાંભળતાં જ તેમનું મન એમાંથી બીજે ગયું. એટલે પછી એ વિષયમાં વધુ પ્રસંગ ચાલ્યો નહિ.

Total Views: 605
ખંડ 1: અધ્યાય 6: ત્રીજું દર્શન
ખંડ 1: અધ્યાય 8: સમાધિ - સ્થિતિમાં