આજ શનિવાર, ૨૧ શ્રાવણ, વદ છઠ, ૫મી ઓગષ્ટ, ઈ.સ. ૧૮૮૨. લગભગ ચાર વાગ્યાનો સમય.
ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતાના રાજમાર્ગ પર થઈને ભાડાની ગાડીમાં બાદુડબાગાન તરફ આવી રહ્યા છે. સાથે ભવનાથ, હાજરા અને માસ્ટર. શ્રીરામકૃષ્ણ વિદ્યાસાગરને ઘેર જવાના છે.
ઠાકુરની જન્મભૂમિ હુગલી જિલ્લાનું અંતરિયાળ કામારપુકુર ગામ, વિદ્યાસાગરની જન્મભૂમિ વીરસિંહ ગામની નજીક આવેલું છે. શ્રીરામકૃષ્ણ નાનપણથી વિદ્યાસાગરની ખ્યાતિ સાંભળતા આવ્યા છે. દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં રહેતી વખતે પણ તેનું પાંડિત્ય અને દયાની પ્રશંસા લગભગ હમેશાં સાંભળ્યા કરે. માસ્ટર વિદ્યાસાગરની સ્કૂલમાં ભણાવે છે એ સાંભળીને ઠાકુરે એક વાર તેમને કહ્યુંઃ ‘મને વિદ્યાસાગરની પાસે લઈ જશો? તેમને મળવાની મને બહુ જ ઇચ્છા છે.’ માસ્ટરે વિદ્યાસાગરને એ વાત કહેલી. વિદ્યાસાગરે ખુશી થઈને તેમને એક દિવસ શનિવારે ચાર વાગ્યે સાથે લઈ આવવાનું કહેલું. માત્ર એક વાર પૂછેલું કે એ પરમહંસ કેવા છે? એ શું ભગવાં વસ્ત્ર પહેરે છે? માસ્ટરે જવાબ આપેલો કે જી ના, એ એક અદ્ભુત પુરુષ છે. તેઓશ્રી લાલ કિનારનું ધોતિયું, પહેરણ અને વાર્નિશ કરેલી સપાટ પહેરે છે. રાણી રાસમણિના કાલીમંદિરની જગામાં એક ઓરડામાં રહે છે. એ ઓરડામાં એક પલંગ મૂકેલો છે. તેમાં બિછાનું, મચ્છરદાની છે; એ બિછાનામાં સૂએ છે. બાહ્ય કશું ચિહ્ન નથી, પણ ઈશ્વર સિવાય બીજું કાંઈ જાણતા નથી. અહર્નિશ ઈશ્વરનું જ ચિંતન કરે છે.

કોલકાતાના બાદુડબાગાનમાં આવેલ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું મકાન
ગાડી દક્ષિણેશ્વર કાલીમંદિરથી નીકળી ગઈ છે. પુલ વટાવીને શ્યામબજારમાં થઈને પછી આમહર્સ્ટ સ્ટ્રીટમાં આવી છે. ભક્તો કહે છે કે હવે બાદુડબાગાનની નજીક આવ્યા છીએ. ઠાકુર નાના બાળકની પેઠે આનંદથી વાતો કરતાં કરતાં આવી રહ્યા છે. આમહર્સ્ટ સ્ટ્રીટ પાસે આવતાં જ અચાનક તેમનો ભાવ બદલાયો, જાણે કે ઈશ્વરીય આવેશ આવવાની તૈયારી!
ગાડી શ્રીયુત્ રામમોહન રાયના બગીચાવાળા મકાન પાસે થઈને જઈ રહી છે. માસ્ટરે ઠાકુરનો ભાવપલટો જોયો નથી. એ એકાએક કહેવા લાગ્યા કે ‘આ રામમોહન રાયનો બંગલો.’ ઠાકુર નાખુશ થયા અને બોલ્યાઃ ‘અત્યારે એ બધી વાતો ગમતી નથી.’ ઠાકુર ભાવઅવસ્થામાં આવતા જાય છે.
ગાડી વિદ્યાસાગરના મકાનની સામે આવીને ઊભી રહી. મકાન બે માળનું, અંગ્રેજી ઢબનું. વચ્ચે મકાન, ચારે બાજુ ખુલ્લી જગ્યા, અને ફરતી દીવાલ. મકાનની પશ્ચિમ બાજુએ પ્રવેશદ્વાર અને મકાનનું મુખ્ય દ્વાર છે. પ્રવેશદ્વાર મુખ્ય દરવાજાની જમણી બાજુએ છે. પશ્ચિમ દીવાલ અને બે માળના મકાનની વચ્ચે ફૂલઝાડ વાવેલાં છે. આથમણી દિશાના નીચેના ઓરડામાં થઈને દાદરો ચડીને ઉપર જવાય. માળ ઉપર વિદ્યાસાગરનો નિવાસ. દાદરો ચડીને ઉપર પહોંચતાં જ ઉત્તરમાં એક ઓરડો, તેની પૂર્વ બાજુએ મોટો ખંડ. તેના દક્ષિણપૂર્વ તરફના ઓરડામાં વિદ્યાસાગર સૂએ. બરાબર દક્ષિણે એક બીજો ઓરડો છે. આ બધા ઓરડા અમૂલ્ય પુસ્તકોથી ભરેલા છે. ભીંતની છાજલી ઉપર હારબંધ સુંદર રીતે બાંધેલાં પુસ્તકો ગોઠવેલાં છે. ખંડની પૂર્વ બાજુને છેડે ટેબલ અને ખુરશી છે. વિદ્યાસાગર જ્યારે બેસીને કામ કરે, ત્યારે ત્યાં પશ્ચિમાભિમુખ થઈને બેસે. જેઓ મળવા આવે, તેઓ પણ ટેબલની ચારે બાજુએ ખુરશીઓ ઉપર બેસે. ટેબલ ઉપર લખવાની સામગ્રી-કાગળ, કલમ, ખડિયો, બ્લોટિંગ અનેક કાગળપત્રો, હિસાબની બાંધેલી નોટબુકો; બેચાર વિદ્યાસાગરનાં પાઠ્ય-પુસ્તકો પણ દેખાય છે. આ ટેબલની બરાબર દક્ષિણ બાજુના ઓરડામાં પલંગ છે, ત્યાં તેઓ સૂએ. ટેબલ ઉપર જે પત્રો દબાવેલા પડ્યા છે તેમાં શું લખેલું છે? કોઈ વિધવાએ કાં તો લખ્યું છે કે મારાં નાનાં બાળકો અનાથ, તેમને સંભાળનારું કોઈ નથી, આપે સંભાળવાં પડશે. કોઈકે લખ્યું છે કે આપ ખરમાતર ચાલ્યા ગયા હતા, એટલે અમને માસિક મદદ વખતસર મળી નથી; તેથી બહુ જ તકલીફ થઈ છે. કોઈ ગરીબ વિદ્યાર્થીએ લખ્યું છે કે આપની સ્કૂલમાં મને માફી દાખલ કર્યો છે પણ પુસ્તકો ખરીદવાની મારી શક્તિ નથી. કોઈએ લખ્યું છે કે મારાં બાળબચ્ચાં ભૂખે મરે છે તેથી મને નોકરી અપાવો. તેમની સ્કૂલના કોઈ શિક્ષકે લખ્યું છે કે મારી બહેન વિધવા થઈ છે, તેનો બધો ભાર મારે લેવો પડ્યો છે, ચાલુ પગારમાં અમારું પૂરું થતું નથી. અથવા તો કોઈએ વિલાયતથી લખ્યું છે કે હું અહીં આપત્તિમાં આવી પડ્યો છું, આપ દીનબંધુ, થોડા રૂપિયા મોકલીને આવી પડેલી આપત્તિમાંથી મને બચાવો. અથવા કોઈએ લખ્યું છે કે અમુક તારીખે અમારા વાંધાના નિકાલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે; તો આપ એ દિવસે આવીને મધ્યસ્થ થઈને અમારો ઝઘડો પતાવી આપો.
ઠાકુર ગાડીમાંથી ઊતર્યા. માસ્ટર રસ્તો બતાવીને ઘરની અંદર લઈ જાય છે. આંગણાના બગીચા વચ્ચે થઈને આવતાં ઠાકુર બાળકની પેઠે બટન પર હાથ મૂકીને માસ્ટરને પૂછે છેઃ ‘પહેરણનાં બટન ઉઘાડાં રહી ગયાં છે, એમાં કાંઈ અસભ્ય નહિ દેખાયને?’ ઠાકુરના શરીર પર એક માદરપાટનું પહેરણ, કેડે લાલ કિનારનું ધોતિયું, તેનો છેડો ખભા પર નાંખેલો; પગમાં વાર્નિશ કરેલી સપાટ. માસ્ટરે કહ્યું, ‘આપ એને માટે ચિંતા ન કરો. આપને કશાનો દોષ નહિ. આપને બટન બીડવાની જરૂર નહિ.’ એટલે નાના બાળકની પેઠે ઠાકુર શાંત થયા.




