શ્રીરામકૃષ્ણ: વિજ્ઞાની શા માટે ભક્તિ લઈને રહે? તેનું કારણ એ કે ‘અહંબુદ્ધિ’ જાય નહિ. સમાધિ અવસ્થામાં જાય ખરી, પણ વળી પાછી આવી પડે. અને સાધારણ જીવનો અહંભાવ કેમેય જાય નહિ. પીપળાનું ઝાડ આજ સાવ કાપી નાખો, તોય પાછું બીજે દિવસે કૂંપળ ફૂટી જ નીકળી છે! (સૌનું હાસ્ય.)

જ્ઞાનપ્રાપ્તિ પછીયે વળી કોણ જાણે ક્યાંથી અહં આવી પડે! સ્વપ્નામાં વાઘ જોયો હોય, પછી જાગી ઊઠ્યા; તોય છાતી ધબક્યા કરે! જીવને હુંપણાને લીધે જ આ બધું દુઃખ. બળદ હમ્મા (હું), હમ્મા (હું) કરે; તેથી તો એને આટલું દુઃખ. એને હળે જોડે, એ તડકો, વરસાદ સહન કરે, છેવટે વળી કસાઈ કાપે; એના ચામડામાંથી જોડા થાય, તથા ઢોલ થાય. ત્યારે ખૂબ પીટે (સૌનું હાસ્ય.)

તોય એનો છુટકારો નહિ! છેવટે એનાં આંતરડામાંથી તાંત તૈયાર થાય; એ તાંતથી પિંજારાની પિંજણ બને; ત્યારે પછી હમ્મા (હું) એમ બોલે નહિ. ત્યાર પછી બોલે ‘તુંહુ’ તુંહુ’ (તમે તમે). એ જ્યારે ‘તમે’ ‘તમે’ કહે ત્યારે છુટકારો. હે ઈશ્વર! હું દાસ, તમે પ્રભુ; હું બાળક, તમે મા.’

રામે હનુમાનને પૂછ્યું, ‘હનુમાન, તમે મને કયા ભાવે જુઓ છો?’ ત્યારે હનુમાન બોલ્યા કે ‘રામ! જ્યારે ‘હું’ એવું મને ભાન હોય છે, ત્યારે જોઉં છું કે તમે પૂર્ણ, હું અંશ; તમે પ્રભુ, હું દાસ; અને હે રામ, જ્યારે જ્ઞાન થાય છે, ત્યારે જોઉં છું તો તમે તે જ હું, હું એ જ તમે.’

‘સેવ્ય-સેવક ભાવ જ સારો. અહં તો જવાનો નથી, તો પછી રહે સાલા ‘દાસ હું’ થઈને.

વિદ્યાસાગરને બોધઃ ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન

‘હું અને મારું’ એ બે અજ્ઞાન. ‘મારું ઘર’, ‘મારો પૈસો’, ‘મારી વિદ્યા’, ‘મારું આ બધું ઐશ્વર્ય’ એવો જે ભાવ તે અજ્ઞાનથી આવે. હે ઈશ્વર, તમે માલિક અને આ બધી વસ્તુઓ તમારી – ઘરબાર, સ્ત્રીપુત્રાદિ, માણસો, સગાં-વહાલાં, એ બધી તમારી વસ્તુઓ- એવો ભાવ જ્ઞાનથી આવે.

‘મૃત્યુને હંમેશાં યાદ રાખવું. મૃત્યુ પછી કશુંય રહેવાનું નથી. અહીં તો કેટલાંક કર્માે કરવા આવવાનું; જેમ કે ગામડામાં ઘર, અને શહેરમાં કામ કરવા આવવાનું. કોઈ મોટા માણસના બાગનો માળી, જો કોઈ બાગ જોવા આવે તો કહેશે કે આ બગીચો અમારો, આ તળાવ અમારું. પરંતુ કોઈક વાંકમાં આવતાં શેઠ જો કાઢી મૂકે તો તેની આંબાના લાકડાની પેટીયે સાથે લઈ જવાની પરવાનગી ન મળે. એ પેટીયે દરવાન પાસે ઉપડાવીને મોકલી દે. (હાસ્ય).

‘ભગવાન બે વાતે હસે. એક તો જ્યારે વૈદરાજ દરદીની માને કહેશે કે મા, તમે ડરો છો શું કામ? હું તમારા છોકરાને સાજો કરી દઉં! એ વખતે ભગવાન એક વાર હસે. એમ જાણીને હસે કે હું મારું છું, અને આ વૈદ છે ને તે કહે છે કે હું સાજો કરી દઉં! વૈદરાજ માને કે હું બચાવનાર. ઈશ્વર બચાવનાર છે એ વાત વૈદ ભૂલી ગયો છે. ત્યાર પછી જ્યારે બે ભાઈ દોરી નાખીને જમીનના ભાગ પાડે અને કહે, ‘આ બાજુની મારી અને પેલી બાજુની તારી’, ત્યારે ઈશ્વર વળી એક વાર હસે. એમ ધારીને હસે કે આખું જગત બ્રહ્માંડ મારું છે, પરંતુ પેલા કહે છે કે આ જગા ‘મારી’ ને પેલી ‘તારી’.

ઉપાયઃ શ્રદ્ધા અને ભક્તિ

‘ઈશ્વરને વિચાર કરીને જાણી શકાય! તેના દાસ થઈને, તેના શરણાગત થઈને તેને સાદ પાડો.

(વિદ્યાસાગરને હસતાં હસતાં) વારુ, તમારો કેવો ભાવ? વિદ્યાસાગર મૃદુ મૃદુ હસી રહ્યા છે. તે બોલ્યા કે એ વાત આપને એકાંતે એક દિવસ કહીશ’. (સૌનું હાસ્ય.)

શ્રીરામકૃષ્ણ (હસીને): ઈશ્વરને પંડિતાઈ દ્વારા કે વિચાર કરીને જાણી શકાય નહિ.

(એમ કહીને ઠાકુરે પ્રેમોન્મત્ત થઈને ગીત ઉપાડ્યું.)

ઈશ્વર – અગમ્ય અને અપાર

‘કોણ જાણે કાલી કેવી, ષડ્દર્શન નવ પામે દર્શન,
મૂલાધારે સહસ્રારે, સદા યોગી કરે મનન.
કાલી પદ્મવનમાં હંસ સંગે, હંસી રૂપે કરે રમણ.
આત્મારામનો આત્મા કાલી, પ્રણવ જેવું મોટું પ્રમાણ.
ઘટઘટમાં બિરાજે દેવી, ઇચ્છામયીની ઇચ્છા એવી,
માના ઉદરમાં બ્રહ્માંડ-ભાંડ, પ્રકાંડ જાણો રીતે કેવી?
જાણે મહાકાલ કાલીનો મર્મ જેવો, બીજો કોણ જાણે તેવો;
પ્રસાદ કહે લોકો હસે, કરવું મારે સિંધુ-તરણ,
મારું મન સમજે, પ્રાણ સમજે નહિ; ધરું શશી થઈ વામન.
જોયું, ‘કાલીના ઉદરમાં બ્રહ્માંડ’ ભાંડ, પ્રકાંડ તે જાણે કેમ!

અને કહ્યું છે કે
‘ષડ્દર્શન નવ પામે દર્શન; પંડિતાઈથી તેને પામી શકાય નહિ.

શ્રદ્ધાનું બળ – ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા – મહાપાતક

શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે આ વસ્તુ કપડાને છેડે બાંધી રાખો; એના પ્રભાવથી તમે સહીસલામત ચાલ્યા જશો; પાણી ઉપર થઈને જઈ શકશો. પરંતુ ઉઘાડીને જોશો નહિ; ઉઘાડીને જોવા જતાં જ ડૂબી જવાના. એ માણસ સમુદ્રની ઉપર થઈને મજાનો ચાલ્યો જતો હતો. શ્રદ્ધાનું એટલું જોર. થોડોક રસ્તો ચાલ્યા પછી તેને વિચાર આવ્યો કે વિભીષણે એવી તે શી ચીજ બાંધી દીધી છે કે જેથી પાણી ઉપર થઈને ચાલી જઈ શકું છું?

એમ વિચાર કરીને લૂગડાની ગાંઠ છોડીને જોયું તો તુલસીના પાંદડા પર માત્ર ‘રામ’ નામ લખેલું. ત્યારે એને થયું કે અરે, આ જ ચીજ! એ વિચાર આવતાંની સાથે જ ડૂબી ગયો!

કહેવાય છે કે હનુમાનને ‘રામ’ નામમાં એટલી શ્રદ્ધા કે તેના જોરે એ સાગર ઓળંગી ગયા! પણ સ્વયં રામને તો સેતુ બાંધવો પડ્યો!

જો ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો ભલે પાપ કરે કે મહાપાતક કરે, પણ તેને કશાથીયે ભય નહિ.

એમ કહીને ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તનો ભાવ પોતામાં આરોપ કરીને ભાવાવેશમાં મસ્ત બનીને શ્રદ્ધાનું માહાત્મ્ય ગાય છેઃ

હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું,
આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું…

Total Views: 510
ખંડ 3: અધ્યાય 4: જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ - એ ત્રણેયનો સમન્વય - Reconciliation of Non-Dualism, Qualified Non-Dualism and Dualism
ખંડ 3: અધ્યાય 6: જીવનનો ઉદ્દેશઃ ઈશ્વરપ્રેમ - The End of Life