શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ. ભક્તિથી ઈશ્વરને સહેલાઈથી પામી શકાય. ઈશ્વર ભાવનો વિષય.’

એ વાત કહેતાં કહેતાં ઠાકુર શ્રીરામકૃષ્ણે વળી ગીત ઉપાડ્યુંઃ

મન શું શોધ કરો તેની પાગલ પેઠે અંધારા ઘરમાં?
એ તો ભાવનો વિષય,
ભાવ વિના શું અભાવથી કોઈ પામી શકે?
પ્રથમ શશી વશીભૂત કરો
તવ શક્તિ અનુસારે,
અરે, કોટડીમાં છે ચોર – કોટડી
પ્રભાત થતાં તે છુપાશે રે.
ષડ્દર્શન નવ પામે દર્શન,
આગમનિગમ તંત્ર સારે;
એ છે ભક્તિરસના રસિક;
સદાનંદે બિરાજે પુરે.
એ ભાવ માટે પરમ યોગી,
યોગ કરે યુગ-યુગાન્તરે,
થયે ભાવનો ઉદય, ખેંચી લે તેવો,
જેવો ચુંબક લોઢું ધરે.
પ્રસાદ કહે માતૃભાવે હું શોધ્યા કરું જેને,
એની ચાતરે (હાટે) ફોડું હાંડલી શું હું? સમજ નહિ મન સાનમાં રે!

શ્રીરામકૃષ્ણ સમાધિમાં

ગીત ગાતાં ગાતાં ઠાકુર સમાધિમાં આવી ગયા છે. હાથ જોડેલા, દેહ ઉન્નત અને સ્થિર! નેત્રો બન્ને પલકહીન! એ જ બાંકડા ઉપર પશ્ચિમાભિમુખ થઈને પગ ઝુલાવીને બેઠા છે. સૌ ઊંચી ડોક કરીને આ અદ્ભુત અવસ્થા નીરખી રહ્યા છે. પંડિત વિદ્યાસાગર પણ સ્તબ્ધ થઈને એકીટશે જોઈ રહ્યા છે.

ઠાકુર સહજ અવસ્થામાં આવ્યા. દીર્ઘ નિશ્વાસ નાંખીને વળી હાસ્ય સહિત વાતો કરે છેઃ ‘ભાવ, ભક્તિ, એનો અર્થ ઈશ્વરને ચાહવો. જે બ્રહ્મ તેને જ મા કહીને બોલાવાય છે.

પ્રસાદ કહે માતૃભાવે હું શોધ્યા કરું જેને,
એની ચાતરે ફોડું હાંડલી શું હું?
સમજ નહિ મન સાનમાં રે!

રામપ્રસાદ મનને સાનમાં સમજવાનું કહે છે. એમ સમજવાનું કહે છે કે વેદમાં જેને બ્રહ્મ કહેલ છે તેને જ હું મા કહીને બોલાવું છું. જે નિર્ગુણ, તે જ સગુણ; જે બ્રહ્મ, તે જ શક્તિ. જ્યારે નિષ્ક્રિય લાગે, ત્યારે તેને બ્રહ્મ કહું. જ્યારે એમ લાગે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે છે, ત્યારે તેમને આદ્યશક્તિ કહું, કાલી કહું.

બ્રહ્મ અને શક્તિ અભિન્ન; જેમ કે અગ્નિ અને તેની દાહક-શક્તિ. અગ્નિ કહેતાં જ દાહકશક્તિ સમજી શકાય; દાહકશક્તિ કહેતાં જ અગ્નિ સમજી શકાય. એકને માનીએ એટલે બીજું મનાય જ જાય.

‘એ ઈશ્વરને જ ‘મા’ કહીને બોલવાય છે. ‘મા’ બહુ સ્નેહનું પાત્ર છે ખરું ને, એટલે, ઈશ્વરને ચાહવાથી જ તેને પામી શકાય; ભાવ, ભક્તિ, પ્રેમ અને શ્રદ્ધાથી. બીજું એક ગીત સાંભળોઃ

ઉપાય – પહેલાં શ્રદ્ધા અને પછી ભક્તિ

ચિંતનથી ભાવનો ઉદય થાય,
(અરે) એ તો જેવો ભાવ તેવો લાભ,
મૂળમાં એ શ્રદ્ધા જોઈએ.
કાલીપદ સુધા સરે, ચિત્ત જો ડૂબી રહે, (ચિત્ત જો ડૂબી રહે).
તો પૂજા, હોમ, યાગ, યજ્ઞનું નવ મૂલ્ય રહે.

‘ચિત્ત તદ્ગત થવું, તેને ખૂબ ચાહવો. સુધાસર એટલે અમૃત સરોવર. એમાં ડૂબવાથી માણસ મરે નહિ; અમર થાય. કોઈ કોઈ એમ ધારે કે વધુ પડતું ઈશ્વર, ઈશ્વર કરવાથી મગજ બગડી જાય. એમ થાય નહિ. આ તો અમૃતનું સરોવર! અમૃતનો સાગર. વેદમાં તેને ‘અમૃત’ કહ્યું છે. એમાં ડૂબી જવાથી મરાય નહિ, અમર થવાય.

નિષ્કામ કર્મ અથવા કર્મયોગ – જગત્કલ્યાણ – Sri Ramakrishna and the European Ideal of Work

‘પૂજા, હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્માેની વધારે જરૂર નહિ. જ્યાં સુધી હવા ન આવે ત્યાં સુધી જ પંખાની જરૂર; જો પશ્ચિમનો પવન એની મેળે આવવા માંડે તો પંખો મૂકી દેવાય. પછી પંખાની શી જરૂર?

‘તમે જે બધાં કર્મ કરો છો, એ બધાં સત્કર્મ. જો ‘હું કર્તા’ એ અહંકાર છોડીને નિષ્કામ ભાવથી કરી શકો, તો બહુ સારું. એ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરમાં પ્રેમભક્તિ આવે. એમ નિષ્કામ કર્મ કરતાં કરતાં જ ઈશ્વરપ્રાપ્તિ થાય.

‘પરંતુ જેમ જેમ ઈશ્વર ઉપર ભક્તિ આવશે, તેમ તેમ કર્માે ઓછાં થશે. ગૃહસ્થના ઘરની વહુ બે જીવવાળી થઈ હોય ત્યારે તેની સાસુ તેનાં કામ ઓછાં કરી નાંખે. જેમ જેમ દિવસો વધે તેમ તેમ સાસુ તેનાં કામ ઓછાં કરતી જાય. દસ માસ થયે જરાય કામ કરવા દે નહિ; વખતે ગર્ભને કાંઈ હાનિ પહોંચે કે પ્રસવમાં તકલીફ આવે તો? (હાસ્ય.) તમે જે બધાં કર્મ કરો છો એથી તમારું પોતાનું કલ્યાણ. નિષ્કામભાવે કર્મ કરી શકો તો ચિત્તશુદ્ધિ થાય, ઈશ્વર ઉપર પ્રેમ આવે. પ્રેમ આવે એટલે પછી માણસ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે. માણસ જગતનો ઉપકાર કરી શકે નહિ, ઈશ્વર જ કરે, કે જેણે ચંદ્ર, સૂર્ય બનાવ્યા છે, જેણે માબાપમાં સ્નેહ મૂક્યો છે, જેણે મહાપુરુષોમાં દયા મૂકી છે, જેણે સાધુભક્તોની અંદર ભક્તિ આપી છે. જે માણસ કામના રહિત થઈને કર્મ કરે તે પોતાનું કલ્યાણ કરે.

નિષ્કામ કર્મનો ઉદ્દેશ – ઈશ્વર-દર્શન

‘અંતરમાં સોનું પડ્યું છે, પણ હજી એની ખબર પડી નથી. જરા માટી નીચે દબાઈ રહેલું છે. જો એક વાર પત્તો લાગે, તો બીજાં કામ ઓછાં થઈ જાય. ગૃહસ્થના ઘરની વહુને બાળક આવ્યું એટલે પછી એ છોકરાંને જ લઈને રહે, એને જ લઈને હર્યાફર્યા કરે, પછી એને ઘરસંસારનું કામકાજ સાસુ કરવા દે નહિ. (સૌનું હાસ્ય.)

‘હજીયે આગળ જાઓ. કઠિયારો લાકડાં કાપવા ગયો હતો. બ્રહ્મચારીએ કહ્યું કે આગળ જાઓ. આગળ જતાં જોયું તો ચંદનનાં ઝાડ. વળી થોડાક દિવસ પછી વિચાર્યું કે બ્રહ્મચારીએ તો આગળ જવાનું કહ્યું હતું, ચંદનનાં ઝાડ સુધી જ જવાનું તો કહેલું નહિ. આગળ જઈને જુએ છે તો રૂપાની ખાણ! વળી થોડાક દિવસ પછી આગળ જઈને જુએ છે તો સોનાની ખાણ! ત્યાર પછી હીરામાણેક! એ બધાં લઈને તે એકદમ શ્રીમંત થઈ ગયો.

‘નિષ્કામ કર્મ કરી શકીએ તો ઈશ્વર પર પ્રેમ જન્મે. પછી ક્રમે ક્રમે તેની કૃપાથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય, ઈશ્વરને જોઈ શકાય, તેની સાથે વાત કરી શકાય, જેમ હું તમારી સાથે વાત કરું છું તેમ!’ (સૌ સ્તબ્ધ.)

Total Views: 446
ખંડ 3: અધ્યાય 5: ભક્તિયોગનું રહસ્ય - The Secret of Dualism
ખંડ 3: અધ્યાય 7: અહેતુક કૃપાસિંધુ શ્રીઠાકુર