સૌ આશ્ચર્યચક્તિ અને સ્તબ્ધ થઈને આ બધી વાતો સાંભળે છે. જાણે કે સાક્ષાત્ સરસ્વતી શ્રીરામકૃષ્ણની જીભ પર બેસીને વિદ્યાસાગરને નિમિા બનાવીને જીવોના કલ્યાણને માટે વાતો કરી રહી છે. રાત થતી આવે છે; નવ વાગવાની તૈયારી. ઠાકુર હવે રજા લેવાની તૈયારી કરે છે.

શ્રીરામકૃષ્ણ (વિદ્યાસાગરને હસતાં હસતાં): કહેવાની જરૂર નથી કે આ જે કાંઈ બોલ્યો એ બધું તમે તો જાણો છો. પણ તમને તેનો ખ્યાલ નથી. (સૌનું હાસ્ય.) વરુણ રાજાના ભંડારમાં કેટલીય જાતનાં રત્નો પડ્યાં છે, વરુણ રાજાને એની ખબર નથી.

વિદ્યાસાગર (હસીને): એ આપ કહી શકો.

શ્રીરામકૃષ્ણ (હસીને): હાં ભાઈ હાં! કેટલાય શેઠિયાઓ એમના નોકર-ચાકરનાં નામ જાણતા ન હોય. (સૌનું હાસ્ય.) અથવા ઘરમાં કઈ કિંમતી ચીજ ક્યાં પડી છે એ ખબર ન હોય.

આ બધી વાતચીત સાંભળીને સહુ કોઈ આનંદિત છે. સહુ જરા વાર ચૂપ બેઠા છે. વળી વિદ્યાસાગરને સંબોધીને ઠાકુર બોલે છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): એક વાર ત્યાં બગીચો જોવા આવો ને! રાસમણિનો બગીચો; બહુ રમણીય સ્થળ છે!

વિદ્યાસાગર: આવીશ, જરૂર આવીશ! આપ આવ્યા છો અને હું ન આવું?

શ્રીરામકૃષ્ણ: મારી પાસે? છિટ્! છિટ્!

વિદ્યાસાગર: એ શું? એમ શા માટે કહો છો? મને સમજાવી દો.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં): અમે તો નાનાં હોડકાં. (સૌનું હાસ્ય.) ખાડી, નાળાં, તેમજ નદીઓમાં પણ જઈ શકીએ. પણ આપ તો મોટું જહાજ. કોણ જાણે જતાં જતાં વખતે ભાઠામાં લાધી જાઓ તો! (સૌનું હાસ્ય.) વિદ્યાસાગરના ચહેરા પર પણ હાસ્ય; ચૂપ બેસી રહ્યા છે. ઠાકુર હસે છે.

શ્રીરામકૃષ્ણ: પણ આ ઋતુમાં તો જહાજ પણ જઈ શકે.

વિદ્યાસાગર (હસીને): હાં, આ વર્ષાકાલ ખરો ને! (સૌનું હાસ્ય.)

માસ્ટર (સ્વગત): નવાનુરાગની વર્ષા. નવાનુરાગ વખતે માન-અપમાનનો ખ્યાલ રહે નહિ ખરો!

ઠાકુર ઊઠ્યા, સાથે ભક્તો. વિદ્યાસાગર પોતાનાં કુટુંબીઓ સાથે ઊભા છે, ઠાકુરને ગાડીમાં બેસાડવા માટે.

શ્રીરામકૃષ્ણ હજીયે ઊભા રહ્યા છે, શા માટે? હાથથી મૂલમંત્ર જપે છે; જપતાં જપતાં ભાવમગ્ન થયા છે. અહેતુક- કૃપાસિંધુ! એમ લાગે છે કે જતી વખતે મહાત્મા વિદ્યાસાગરના આધ્યાત્મિક કલ્યાણ સારુ માની પાસે પ્રાર્થના કરી રહ્યા છે.

ઠાકુર ભક્તો સાથે દાદરા પરથી ઊતરે છે. એક ભક્તનો હાથ પકડેલો છે. વિદ્યાસાગર સ્વજનો સાથે આગળ આગળ જઈ રહ્યા છે – હાથમાં ફાનસ, રસ્તો દેખાડીને આગળ આગળ જાય છે. શ્રાવણ વદ છઠ, હજી ચંદ્ર ઊગ્યો નથી. અંધકારથી છવાયેલા બગીચાની વચ્ચે થઈને સૌ ફાનસના ઝાંખા અજવાળામાં ફાટક તરફ આવે છે.

શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે ફાટક પાસે જેવા પહોંચ્યા કે સૌ એક સુંદર દૃશ્ય જોઈને ઊભા રહ્યા. સામે બંગાળી વેશ પહેરેલ, ગૌરવર્ણ, દાઢીમૂછોવાળો એક પુરુષ, વય અંદાજ ૩૬-૩૭; માથે શીખોની ઢબની સફેદ પાઘડી; ધોતિયું પહેરેલ, પગે મોજાં, અંગે એકલું પહેરણ, ચાદર નહિ. બધાયે જોયું કે એ પુરુષ શ્રીરામકૃષ્ણને જોતાંની સાથે જ પાઘડી સહિત મસ્તક નમાવીને નીચે ભૂમિ પર પડી રહ્યો! એ ઊઠીને ઊભા થયા એટલે ઠાકુર બોલી ઊઠ્યા, ‘બલરામ તમે આટલી રાત્રે?’

બલરામ (હસીને): હું ઘણી વારથી આવ્યો છું; અહીં ઊભો હતો.

શ્રીરામકૃષ્ણ: ત્યારે અંદર કેમ આવ્યા નહિ?

બલરામ: જી, સૌ આપની વાતો સાંભળી રહ્યા હતા; એમાં વચ્ચે જઈને સૌને વિક્ષેપ કરવો! (એમ કહીને બલરામ હસવા લાગ્યા.)

ઠાકુર ભક્તો સાથે ગાડીમાં બેસે છે.

વિદ્યાસાગર (માસ્ટરને, ધીમે અવાજે): ભાડું આપું કે?

માસ્ટર: જી ના, એ થઈ ગયું છે.

વિદ્યાસાગર અને બીજાં બધાંએ ઠાકુરને પ્રણામ કર્યા.

ગાડી ઉત્તર તરફ હંકારી મૂકી, દક્ષિણેશ્વર કાલીમંદિરે જવા માટે. હજીયે સૌ ગાડીની તરફ જોઈને ઊભા રહ્યા છે. એમ લાગે છે કે વિચાર કરી રહ્યા છે કે આ મહાપુરુષ કોણ? – કે જે ઈશ્વરને આટલો ચાહે, અને જે જીવોને ઘેર ઘેર ફરી રહ્યો છે; અને કહી રહ્યા છે કે ‘ઈશ્વરને ચાહવો એ જ જીવનનો ઉદ્દેશ!’

Total Views: 456
ખંડ 3: અધ્યાય 6: જીવનનો ઉદ્દેશઃ ઈશ્વરપ્રેમ - The End of Life
ખંડ 4: અધ્યાય 1: દક્ષિણેશ્વરમાં કેદાર દ્વારા આયોજિત ઉત્સવ