દક્ષિણેશ્વર મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણ કેદાર વગેરે ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. આજ રવિવાર, ૨૯ શ્રાવણ, વદ અમાસ; ૧૨૮૯ (બંગાબ્દ) તારીખ ૧૩મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૨. સમય સાંજના પાંચેક વાગ્યાનો.

શ્રીયુત્ કેદાર ચાટુર્જે, હાલિસહરમાં તેમનું મકાન હતું. તેઓ એકાઉન્ટન્ટનું કામ કરતા. ઘણો વખત ઢાકા હતા. એ વખતે શ્રીયુત્ વિજય ગોસ્વામી તેમની સાથે હંમેશાં શ્રીરામકૃષ્ણ વિષે વાતો કરતા. ઈશ્વરની વાતો સાંભળતાંની સાથે જ તેમનાં નેત્રો અશ્રુપૂર્ણ થતાં. એ પહેલાં બ્રાહ્મસમાજી હતા.

ઠાકુર પોતાના ઓરડાની દક્ષિણ બાજુની ઓસરીમાં ભક્તો સાથે બેઠેલા છે. રામ, મનોમોહન, સુરેન્દ્ર, રાખાલ, ભવનાથ, માસ્ટર વગેરે કેટલાય ભક્તો હાજર છે. કેદારે આજ ઉત્સવ કર્યો છે. આખો દિવસ આનંદમાં ગયો છે. રામ એક ઉસ્તાદને લઈ આવેલા છે. તેણે ગીત ગાયાં છે. ગીત વખતે ઠાકુર સમાધિમગ્ન થઈને ઓરડામાં નાની પાટ ઉપર બેઠા હતા. માસ્ટર અને બીજા ભક્તો તેમને ચરણે બેઠા હતા.

સમાધિતત્ત્વ અને સર્વધર્મસમન્વય – હિંદુ, મુસલમાન અને ખ્રિસ્તી

ઠાકુર વાતો કરતાં કરતાં સમાધિતત્ત્વ સમજાવી રહ્યા છે. કહે છેઃ ‘સચ્ચિદાનંદનો અનુભવ થયે સમાધિ થાય. ત્યારે કર્મત્યાગ થઈ જાય. હું ઉસ્તાદનું નામ લેતો હોઉં, એટલામાં ઉસ્તાદ આવી પહોંચે, તો પછી તેનું નામ લેવાની શી જરૂર? મધમાખી ગણગણ કરે ક્યાં સુધી? જ્યાં સુધી ફૂલ ઉપર બેસે નહિ ત્યાં સુધી. પરંતુ સાધકને માટે કર્મત્યાગ કર્યે ચાલે નહિ. તેણે પૂજા, જપ, ધ્યાન, સંધ્યા, કવચ, પાઠ, તીર્થ વગેરે બધું કરવાનું.

‘સચ્ચિદાનંદ-પ્રાપ્તિ પછી જો કોઈ ચર્ચા કરે, તો એ જેમ મધમાખી મધ પીતાં પીતાં થોડુંઘણું ગણગણ કરે તેમ.’

ઉસ્તાદે ગીત સરસ ગાયાં હતાં. ઠાકુર પ્રસન્ન થયા છે. તેને કહે છે કે જે માણસમાં એક મોટો ગુણ હોય, જેમ કે સંગીતવિદ્યા, તેનામાં ઈશ્વરની શક્તિ વિશેષરૂપે છે એમ જાણવું.

ઉસ્તાદ: મહાશય, શા ઉપાયે ઈશ્વરને પામી શકાય?

શ્રીરામકૃષ્ણ: ભક્તિ જ સાર. ઈશ્વર તો સર્વભૂતોમાં છે; તો પછી ભક્ત કોને કહેવો? જેનું મન સર્વદા ઈશ્વરમાં હોય તેને. અને અહંકાર, અભિમાન હોય તો (ઈશ્વર-દર્શન) થાય નહિ. અહંરૂપી ટોચ ઉપર ઈશ્વરની કૃપારૂપી જળ એકઠું થાય નહિ; નીચે ઢળી જાય. હું યંત્ર માત્ર.

(કેદાર વગેરે ભક્તોને) ‘બધા માર્ગાેથી ઈશ્વર પાસે પહોંચી શકાય. બધા ધર્માે સાચા. મૂળ વસ્તુ છે, અગાસીએ ચડવું એ. તે તમે પાકાં પગથિયાં પર થઈને ચડી શકો, લાકડાના દાદરાથી પણ ચડી શકાય, વાંસની નિસરણી વડે પણ ચડી શકાય, અને દોરડું પકડીનેય ચડી શકાય, તેમ એક વગર છોલેલા વાંસ વડે ય ચડી શકો.

‘જો કહો કે બીજાના ધર્મમાં કેટલીયે ભૂલો, કુસંસ્કાર છે; તો હું કહું છું કે ભલે રહ્યા. ભૂલો બધા ધર્માેમાં છે. સૌ એમ માને છે કે પોતાની ઘડિયાળ બરાબર ચાલે છે. ઈશ્વર માટેની આતુરતા હોય એટલે થયું. ઈશ્વર ઉપર સ્નેહ, તેના ઉપર પ્રેમ હોય તો બસ. એ તો અંતર્યામી છે. અંતરનું ખેંચાણ, વ્યાકુળતા એ જોઈ શકે. ખ્યાલ કરો કે એક બાપને કેટલાંય છોકરાં છે; મોટાં છોકરાં કોઈ ‘બાપા’, કોઈ ‘બાપુજી’, એમ ચોખ્ખા શબ્દોમાં તેને બોલાવે. તેમ વળી સાવ નાનાં શિશુ વધુમાં વધુ ‘બા’ કે ‘પા’ એટલું જ કહીને બોલાવે. ત્યારે હવે જેઓ ‘બા’ કે ‘પા’ એટલું જ બોલી શકે, તેમના ઉપર બાપ શું ગુસ્સે થાય? બાપ જાણે છે કે તેઓ મને જ બોલાવે છે, પરંતુ સારી રીતે ઉચ્ચાર કરી શકતા નથી. બાપની પાસે બધાંય છોકરાં સરખાં.

‘તેમજ ભક્તો એક જ ઈશ્વરને જુદાં જુદાં નામે બોલાવે છે, એક વ્યક્તિને જ બોલાવે છે. એક તળાવને ચાર ઘાટ હોય. હિંદુઓ પાણી પીએ છે એક ઘાટે; તેઓ કહે છે જળ; મુસલમાનો બીજા એક ઘાટે પાણી પીએ છે, તેઓ કહે છે પાની; અંગ્રેજો ત્રીજા એક ઘાટે પાણી પીએ છે, ને કહે છે ‘વાૅટર’; તેમ વળી બીજા લોકો એક ઘાટે પાણી પીએ છે, ને કહે છે ‘એકવા’.

એક ઈશ્વર, તેનાં અનેક નામ.

Total Views: 547
ખંડ 3: અધ્યાય 7: અહેતુક કૃપાસિંધુ શ્રીઠાકુર
ખંડ 4: અધ્યાય 2: કામિની-કાંચન જ યોગમાં બાધક - સાધના અને યોગતત્ત્વ