જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર – કુટીચક – તીર્થયાત્રાનો ઉદ્દેશ

શ્રીરામકૃષ્ણ: જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે કે તમે પૂર્ણ બ્રહ્મ. એટલે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે હું પૂર્ણ બ્રહ્મ છું કે નહિ તે જોવા ચાલ. એમ કહીને એક જગાએ લઈ જઈને કહ્યું, ‘સામે તું શું જુએ છે?’ અર્જુને કહ્યું, ‘હું એક વિરાટ વૃક્ષ જોઉં છું, તેમાં કાળાં જાંબુડાં જેવાં ફળનાં લૂમખાં ઝૂલી રહ્યાં છે.’ કૃષ્ણે કહ્યું, ‘હજીયે વધુ નજીક આવીને જો તો; એ લૂમખાં કાળાં ફળ નથી, પણ અસંખ્ય કૃષ્ણ ઝૂલી રહ્યા છે મારા જેવા. એટલે કે એ પૂર્ણબ્રહ્મરૂપી વૃક્ષમાંથી અસંખ્ય અવતાર આવે ને જાય છે.’

કબીરનું નિરાકાર તરફ ખૂબ વલણ હતું. શ્રીકૃષ્ણની વાતમાં કબીર કહેતા કે એને શું ભજવા? ગોપીઓ હાથથી તાલી વગાડતી અને એ વાંદરાની પેઠે નાચતા! (હસીને) હું સાકારવાદી પાસે સાકાર, અને નિરાકારવાદી પાસે નિરાકાર.

મણિ (હસીને): જેની વાત થાય છે તે (ઈશ્વર) જેમ અનંત, તેમ આપ પણ અનંત. આપનો અંત પામી શકાય નહિ.

શ્રીરામકૃષ્ણ (હસીને): લો, તમે સમજી ગયા છો! વળી એવું છે કે બધા ધર્માે (ની સાધના) એક એક વાર કરી લેવી જોઈએ, બધે રસ્તેથી ફરીને આવવું જોઈએ. ચોપાટની સોગઠી બધાંય ખાનાં ફરીને પાર ન થઈ આવે ત્યાં સુધી કેમ કરીને ઘરમાં જાય? સોગઠી જ્યારે ઘરમાં હોય ત્યારે તેને કોઈ મારી શકે નહિ.

મણિ: જી હા.

શ્રીરામકૃષ્ણ: યોગી બે પ્રકારનાઃ બહૂદક અને કુટીચક. જે સાધુ અનેક તીર્થાેમાં ભ્રમણ કરતો ફર્યા કરે છે, જેના મનમાં હજીયે શાંતિ થઈ નથી, તેને બહૂદક કહે. જે યોગીએ બધે ફરી લઈને મન સ્થિર કર્યું છે, જેને શાંતિ થઈ ગઈ છે તે એક જગાએ આસન કરીને બેસે, પછી ભટકે નહિ; તે કુટીચક. એ એક સ્થાને બેસીને જ તેને આનંદ મળે. તેને તીર્થાેમાં જવાનું કોઈ પ્રયોજન જણાય નહિ. જો એ તીર્થાેમાં જાય તો માત્ર (ઈશ્વરીય-ભાવના) ઉદ્દીપન સારુ.

‘મારે બધા ધર્માેની સાધના એક વાર કરી લેવી પડી છે, – હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી; તેમજ વળી શાક્ત, વૈષ્ણવ, વેદાન્ત. એ બધે રસ્તે થઈને આવવું પડ્યું હતું. અંતે મેં જોયું કે સૌનો એ એક જ ઈશ્વર છે, બધા તેની જ પાસે આવી રહ્યા છે, જુદા જુદા માર્ગે થઈને. તીર્થે ગયો, તો ત્યાં ક્યારેક ભારે ત્રાસ થતો. કાશીમાં મથુરબાબુની સાથે રાજા બાબુઓના દીવાનખાનામાં બેઠો હતો. ત્યાં જોયું તો તેઓ સંસાર વહેવારની વાતો કરે છે- રૂપિયા, જમીન, એવી બધી વાતો. એ વાતો સાંભળીને હું રોવા લાગ્યો ને માતાજીને કહેવા લાગ્યો કે ‘મા, તું મને ક્યાં લઈ આવી? આના કરતાં દક્ષિણેશ્વરમાં હું ઠીક હતો.’ પઈરાગે (પ્રયાગમાં) જોયું તો ત્યાંય પણ એવાં જ તળાવ, એવી જ દૂર્વા, એ જ ઝાડવાં, એવાં જ આંબલીનાં પાન! ફેર કાંઈ જોયો તો એટલો જ કે પશ્ચિમ બાજુના લોકોનો ભૂસાં જેવો મળ. (ઠાકુર અને મણિનું હાસ્ય).

કાલીયદમન ઘાટ, વૃંદાવન

તોપણ તીર્થમાં ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો. મથુરબાબુના ઘરની સ્ત્રીઓ પણ હતી, હૃદય પણ હતો. કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ જતો. હૃદય મને યમુનાને ઘાટે નાના બાળકની જેમ નવડાવતો.

‘સંધ્યા સમયે યમુનાને તીરે ફરવા જતો. એ વખતે સીમમાં ચરીને ગાયો યમુનાના પટ પર થઈને પાછી આવતી. તેમને જોતાંવેંત જ મને કૃષ્ણનું ઉદ્દીપન થઈ જતું. ‘કૃષ્ણ ક્યાં? કૃષ્ણ ક્યાં?’ એમ બોલતો બોલતો ઉન્મત્ત પેઠે હું દોડવા લાગતો.

યમુનાઘાટ, વૃંદાવન

પાલખીમાં બેસીને શ્યામકુંડ-રાધાકુંડને રસ્તે જાઉં છું. ગોવર્ધન (પર્વત) જોવા ઊતર્યો. ત્યાં ગોવર્ધન જોતાં જ એકદમ વિહ્વળ. દોડતો દોડતો જઈને ગોવર્ધનની ઉપર ચડી ગયો, અને બાહ્યભાન રહિત થઈ ગયો. ત્યારે વ્રજવાસીઓ મને ઉતારી લાવ્યા. શ્યામકુંડ-રાધાકુંડને રસ્તે એવાં જ મેદાન, અને ઝાડપાન, પંખી, હરણ એ બધાં જોઈને વિહ્વળ થઈ ગયો, આંસુથી ધોતિયું ભીંજાઈ જવા લાગ્યું. મનમાં થવા લાગ્યું કે અરે કૃષ્ણ, બધુંય છે, માત્ર તું જ દેખાતો નથી! પાલખીની અંદર બેઠો, પરંતુ એક શબ્દ સરખોય બોલવાની શક્તિ નહિ, ચૂપચાપ બેઠો છું. હૃદય પાલખીની પાછળ પાછળ આવતો હતો. તેણે પાલખીવાળાઓને કહી દીધું હતું કે ‘ખૂબ સાવધાન!’

શ્યામકુંડ, વૃંદાવન

ત્યાં ગંગામાઈ મારી બહુ જ સંભાળ રાખતાં. પોતે ખૂબ વૃદ્ધ, નિધુવનની પાસે એક કુટિમાં એકલાં રહેતાં. મારી અવસ્થા અને ભાવ જોઈને કહેતાં કે ‘આ તો સાક્ષાત્ શ્રીરાધાજી દેહ ધારણ કરીને આવ્યાં છે.’ મને ‘દુલાલી’ કહીને બોલાવતાં. એમને મળતો એટલે હું ખાવું, પીવું, ઘેર પાછા જવાનું બધું ભૂલી જતો. હૃદય કોઈ કોઈ દિવસે ઉતારેથી ખાવાનું લાવીને ખવડાવી જતો. ગંગામાઈ પણ ખાવાની ચીજો રાંધીને ખવડાવતાં. ગંગામાઈને ભાવાવેશ આવતો. તેનો ભાવ જોવા માટે લોકોનું ટોળું એકઠું થતું. ભાવ-અવસ્થામાં એક દિવસ તે હૃદયની ખાંધે બેસી ગયાં હતાં.

રાધાકુંડ, વૃંદાવન

ગંગામાઈની પાસેથી પાછા કોલકાતા આવવાની મારી ઇચ્છા ન હતી. ત્યાં રહેવાનું બધું નક્કી થઈ ગયેલું. મારે ઉકાળેલ કમોદમાંથી કાઢેલા ચોખાનો ભાત ખાવાનો. ગંગામાઈની પથારી ઓરડીની આ બાજુએ રાખવાની અને મારી પથારી પેલી બાજુએ કરવાની, બધું નક્કી. ત્યારે હૃદય કહેવા લાગ્યો કે ‘તમારી હોજરી નબળી છે, તે કોણ સંભાળ રાખશે?’ ગંગામાઈ કહે, ‘કેમ? હું સંભાળીશ, હું સેવા કરીશ.’

ધ્રુવઘાટ, વૃંદાવન

એક હાથ પકડીને હૃદય તાણે અને બીજો હાથ પકડીને ગંગામાઈ તાણે. એટલામાં મને મારી બા યાદ આવ્યાં. વિચાર આવ્યો કે અરે મારાં વૃદ્ધ માતા એકલાં દક્ષિણેશ્વરના કાલીમંદિરના નોબતખાના પરની ઓરડીમાં રહ્યાં છે! પછી ત્યાં રહેવાયું નહિ. એટલે પછી કહ્યું કે ‘ના, મારે જવું પડશે!’

‘વૃંદાવનનો ભાવ બહુ મજાનો. નવીન યાત્રાળુ આવે એટલે વ્રજ-બાળકો બોલે ‘હરિ બોલો, ગાંઠડી ખોલો!’

અગિયાર વાગ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ મા કાલીનો પ્રસાદ જમ્યા. બપોરના જરા આરામ લઈને સાંજનો વખત વળી ભક્તોની સાથે વાતચીતમાં ગાળી રહ્યા છે, માત્ર વચ્ચે વચ્ચે ક્યારેક પ્રણવ-ધ્વનિ યા ‘હા ચૈતન્ય!’ એ નામનું ઉચ્ચારણ કરે છે.

દેવમંદિરોમાં સંધ્યા સમયની આરતી થઈ. આજે વિજયાદશમી છે. શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરમાં આવ્યા છે અને માને પ્રણામ કર્યા છે. પછી ભક્તોએ તેમની ચરણરજ લીધી. રામલાલે મા કાલીની આરતી કરી છે. ઠાકુર રામલાલને સંબોધન કરીને બોલે છે ‘ઓ રામનેલો! ક્યાં છો?’

મા કાલીને ભાંગનું નૈવેદ્ય ધરાવવામાં આવ્યું છે. ઠાકુર તે પ્રસાદનો સ્પર્શ માત્ર કરવાના. એટલા માટે રામલાલને બોલાવે છે; અને બીજા બધા ભક્તોને જરા જરા એ પ્રસાદ વહેંચવા કહે છે.

Total Views: 459
ખંડ 4: અધ્યાય 6: વિજયાદશમીના દિવસે દક્ષિણેશ્વર મંદિરમાં ભક્તો સંગે શ્રીરામકૃષ્ણ
ખંડ 4: અધ્યાય 8: દક્ષિણેશ્વરના મંદિરમાં બલરામ આદિ ભક્તો સાથે - બલરામને બોધ