લક્ષણ – સત્યવચન – સર્વધર્મસમન્વય – ‘કામિની-કાંચન જ માયા’
મંગળવાર બપોર; ૨૪મી ઓકટોબર (૮ કાર્તિક ૧૨૮૯ શુક્લા, તેરશ). ત્રણ – ચાર વાગ્યાનો સમય હશે. ઠાકુર ખાવાનું રાખવાની છાજલી પાસે ઊભા છે. બલરામ અને માસ્ટર કોલકાતાથી એક ગાડીમાં આવ્યા છે અને પ્રણામ કરે છે. પ્રણામ કરીને બેઠા એટલે ઠાકુર હસતાં હસતાં કહે છે કે છાજલી પરથી ખાવાનું લેવા ગયો હતો, પણ ખાવાની ચીજને હાથ લગાડ્યો એટલામાં ગરોળી પડી, એટલે તરત જ છોડી દીધું. (સૌનું હાસ્ય).
શ્રીરામકૃષ્ણ: હા ભાઈ, એ બધું માનવું જોઈએ. આમ જુઓને, આ રાખાલને ઠીક નથી. મારેય હાથ પગે કળતર થાય છે. થયું શું, ખબર છે? સવારમાં પથારીમાંથી ઊઠતી વખતે રાખાલ આવે છે એમ સમજીને મારાથી અમુકનું મોઢું જોવાઈ ગયું! (સૌનું હાસ્ય). હા ભાઈ, લક્ષણ જોવાં જોઈએ. તે દિવસે નરેન્દ્ર એક કાણિયા છોકરાને લાવ્યો હતો, એ તેનો એક મિત્ર, આંખ સાવ કાણી નહિ. એ ગમે તેમ, પણ મને થયું કે આ વળી કોને ઉપાડી લાવ્યો?
‘બીજો એક જણ અહીં આવે છે, તેની ચીજ હું ખાઈ શકું નહિ. એ એક ઓફિસમાં કામ કરે છે. તેનો વીસ રૂપિયા પગાર, ને બીજા વીસ રૂપિયા કંઈક ખોટાં (બિલ) લખીને પેદા કરે. એ ખોટું બોલે એટલે એ જ્યારે આવે ત્યારે હું વધારે વાત કરું નહિ. કાં તો બેચાર દિવસ ઓફિસે જાય નહિ, અહીં જ પડ્યો રહે. એમાં એનો મતલબ શો એ જાણો છો? એને એમ કે વખતે હું કોઈને કહીને એને નોકરીધંધો અપાવી દઉં!
બલરામનો વંશ પરમ વૈષ્ણવ-વંશ. બલરામના પિતા વૃદ્ધ થયા છે. એ પરમ વૈષ્ણવ, માથે શિખા, ગળામાં તુલસીની માળા, અને હંમેશાં હરિનામનો જપ કર્યા કરે. ઓરિસ્સામાં એમની મોટી જાગીર છે. અને કોઠાર, વૃંદાવન અને બીજે કેટલેક સ્થળે શ્રીરાધાકૃષ્ણની સેવા અને અતિથિશાળા છે. બલરામ નવા નવા આવજા કરે છે. ઠાકુર વાતોને બહાને તેને જુદો જુદો ઉપદેશ આપે છે.

કાલાબાબુની કુંજ, વૃંદાવન
શ્રીરામકૃષ્ણ: તે દિવસે અમુક જણ આવ્યો હતો; સાંભળવા પ્રમાણે એક કાળી સ્ત્રીનો એ ગુલામ છે. મને કહે છે કે ઈશ્વરનું દર્શન શા માટે થતું નથી? વચમાં કામ-કાંચનનો પડદો છે તેથી.
પૂર્વકથા – વર્ધમાનના માર્ગે – વતનયાત્રા – નકુળ આચાર્યનું ગાન-શ્રવણ
‘વારુ, મારી આ કેવી અવસ્થા, કહો જોઈએ? દેશમાં જાઉં છું, વર્ધમાન થઈને; હું બળદગાડીમાં બેઠો છું. એટલામાં તોફાન ને વરસાદ. તેમાં વળી ગાડીની સાથે ક્યાંકથી માણસો આવીને મળ્યાં. મારી સાથેના માણસો કહે કે એ લૂંટારા છે! હું એ વખતે ઈશ્વરનું નામ લેવા લાગ્યો. પરંતુ ક્યારેક ‘રામ રામ’ બોલું છું, તો ક્યારેક ‘કાલી, કાલી,’ તો ક્યારેક વળી ‘હનુમાન, હનુમાન,’ એમ દરેક નામ બોલું છું, એ શું ભલા? એનો અર્થ શો?’ ઠાકુર શું એમ કહેવા માગે છે કે એક ઈશ્વર, તેનાં અસંખ્ય નામ, જુદા જુદા ધર્મના કે જુદા જુદા સંપ્રદાયના લોકો નકામા ખોટા વાદવિવાદ કરીને મરે છે?

શ્યામસુંદર મંદિર, વૃંદાવન
શ્રીરામકૃષ્ણ (બલરામને): કામ-કાંચન જ માયા, એની અંદર વધારે વખત રહેવાથી ચેતના ચાલી જાય, મનમાં લાગે કે ઠીક છીએ. ભંગી વિષ્ટાનો ભાર ઉપાડે, ઉપાડતાં ઉપાડતાં પછી એને એની ઘૃણા રહે નહિ. ઈશ્વરનાં નામ-સ્મરણ ગુણગાન, કીર્તન કરવાનો અભ્યાસ કરવાથી ધીમે ધીમે ભક્તિ-ભાવ જાગે.
(માસ્ટરને) ‘એમાં શરમાઈએ નહિ. લજજા, ઘૃણા, ભય, એ ત્રણ હોય ત્યાં સુધી ઈશ્વર-દર્શન થાય નહિ. ‘અમારા દેશમાં મજાનાં કીર્તન થાય; ખોલ (મૃદંગ) લઈને કીર્તન કરે.’ નકુલ આચાર્યનું ગીતગાન ઘણું સુંદર છે. (બલરામને) વૃંદાવનમાં તમારા તરફથી સેવા છે?
બલરામ: જી હા. એક કુંજ (બગીચાવાળું મંદિર) છે, ત્યાં શ્યામસુંદરની સેવા છે.
શ્રીરામકૃષ્ણ: હું વૃંદાવન ગયો હતો, ત્યાં નિધુવન મજાનું સ્થાન છે.

નિધુવન, વૃંદાવન




