આજ કોજાગરી લક્ષ્મીપૂજા. શુક્રવાર, તારીખ ૨૭મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૨. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલી-મંદિરના પેલા સુપરિચિત ઓરડામાં બેઠેલા છે, વિજય (ગોસ્વામી) અને હરલાલની સાથે વાતચીત કરી રહ્યા છે. એટલામાં એક જણે આવીને ખબર આપ્યા કે કેશવ સેન સ્ટીમરમાં ઘાટ આગળ આવી પહોંચ્યા છે. કેશવના શિષ્યો પ્રણામ કરીને બોલ્યા, ‘મહાશય, સ્ટીમર આવી છે અને આપને પધારવાનું છે. ચાલો જરા ફરી આવીએ. કેશવબાબુ સ્ટીમરમાં છે અને તેમણે અમને આપને તેડવા મોકલ્યા છે.’

ગંગામાં નૌકાવિહાર

ચાર વાગી ગયા છે. ઠાકુર હોડીમાં થઈને સ્ટીમરમાં ચડે છે. સાથે વિજય. સ્ટીમરમાં ચડતાં જ ઠાકુર સંજ્ઞારહિત, સમાધિ-મગ્ન.

માસ્ટર સ્ટીમરમાં ઊભા ઊભા આ સમાધિનું દૃશ્ય જોઈ રહ્યા છે. એ ત્રણ વાગે કેશવ બાબુની સાથે સ્ટીમરમાં બેસીને કોલકાતાથી આવ્યા છે. તેમની ખૂબ ઇચ્છા છે કે શ્રીરામકૃષ્ણ અને કેશવની મુલાકાત અને તે બન્નેનો આનંદ જોવો અને તેમની વાતચીત સાંભળવી. કેશવે પોતાના ચારિત્ર્ય અને વ્યાખ્યાન-શક્તિના પ્રભાવે માસ્ટરના જેવા કેટલાય બંગાળી નવયુવકોનાં મન જીતી લીધાં છે. ઘણાએ તેમને પોતાના પરમ આત્મીય સમજીને હૃદયનો પ્રેમ અર્પ્યાે છે. કેશવ અંગ્રેજી ભણેલા છે, તેમણે અંગ્રેજી દર્શન, સાહિત્યનો અભ્યાસ કર્યો છે. વળી તેમણે દેવદેવીઓની પૂજાને ઘણી વખત પૂતળાંની પૂજા કહી છે. આવો માણસ શ્રીરામકૃષ્ણ ઉપર શ્રદ્ધા, ભક્તિ રાખે અને અવારનવાર તેમનાં દર્શન કરવા આવે એ નવાઈભરી ઘટના ખરી. એ બન્નેનાં મનનો મેળ ક્યાં અથવા કેવી રીતે થયો એ રહસ્યનો ભેદ ઉકેલવાનું માસ્ટર વગેરે ઘણાને કુતૂહલ થયું છે. શ્રીરામકૃષ્ણ નિરાકારમાં માનેે ખરા, પણ પાછા સાકારવાદીયે છે. બ્રહ્મનું ચિંતન કરે, તેમજ દેવદેવીઓને પણ ફૂલ, ચંદન ચડાવીને તેમની પૂજા કરે અને તેમની સામે પ્રેમમાં મસ્ત બનીને નૃત્ય ગીત કરે. પલંગમાં બિછાના પર સૂએ, લાલ કિનારનું ધોતિયું, પહેરણ, મોજાં, જોડા પહેરે; પણ સંસારીઓના જેવું વર્તન નથી. ભાવ બધો સંન્યાસીનો, એટલે લોકો તેમને પરમહંસ કહે. આ બાજુ કેશવ નિરાકારવાદી, છતાં સંસારમાં પત્ની વગેરેની સાથે રહે, અંગ્રેજીમાં લેકચર આપે, છાપાંમાં લેખો લખે, તેમજ ઘર-સંસાર ચલાવે.

એકત્રિત થયેલા કેશવ વગેરે બ્રાહ્મભક્તો સ્ટીમરમાંથી કાલી-મંદિરની શોભા નીરખી રહ્યા છે. સ્ટીમરની પૂર્વ બાજુએ થોડેક દૂર બાંધેલો ઘાટ અને તેના ઉપર એક મંડપ. મંડપની ઉત્તરે બાર શિવ-મંદિરમાંનાં હારબંધ છ મંદિર, દક્ષિણ દિશાએ પણ છ મંદિર. શરદ ઋતુના આસમાની આકાશરૂપી પટમાં મા ભવતારિણીના મંદિરનું શિખર અને ઉત્તર બાજુએ પંચવટી અને સરુના વૃક્ષના ઉપલા ભાગો દેખાઈ રહ્યા છે. બકુલ વૃક્ષની નજીક એક અને કાલીમંદિરને દક્ષિણ છેડે બીજું, બે નોબતખાનાં; વચ્ચે બગીચાનો રસ્તો. એની બન્ને બાજુએ હારબંધ ફૂલઝાડ. શરદઋતુના નીલ આકાશની નીલિમા જાહ્નવીના જળમાં પ્રતિબિંબિત થઈ રહી છે. બહારના જગતમાં કોમળ ભાવ, બ્રાહ્મભક્તોના અંતરમાં પણ કોમળભાવ. ઊંચે સુંદર સુનીલ અનંત આકાશ, સામે સુંદર દેવાલય, નીચે પવિત્ર-સલિલા ગંગા કે જેના તીરે આર્ય ઋષિઓએ ભગવાનનું ચિંતન કર્યું હતું. વળી આવી રહ્યો છે એક મહાપુરુષ, સાક્ષાત્ સનાતન ધર્મ! આવું દર્શન માનવીના ભાગ્યમાં હંમેશાં ન મળે. આવે સ્થળે, આવા સમાધિવાન મહાપુરુષ પ્રત્યે કોનામાં ભક્તિનો ઉદય ન થાય; કયું પાષાણ-હૃદય વિગલિત ન થાય?

Total Views: 498
ખંડ 4: અધ્યાય 8: દક્ષિણેશ્વરના મંદિરમાં બલરામ આદિ ભક્તો સાથે - બલરામને બોધ
ખંડ 5: અધ્યાય 2: સમાધિમાં - આત્મા અવિનશ્વર છે - પવહારી બાબા