વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ।
તથા શરીરાણિ વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી।। (ગીતા, ૨.૨૨)

હોડી આવીને સ્ટીમરને લાગી. સૌ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણને જોવા માટે આતુર, એટલે ભીડ થઈ. હોડીમાંથી ઠાકુરને સહીસલામત રીતે ઉતારવા માટે કેશવ અધીરા થવા લાગ્યા. મહામુશ્કેલીએ તેમને હોશમાં લાવીને કેબિનની અંદર લઈ જવામાં આવે છે. હજી ભાવાવસ્થામાં જ છે. એક ભક્તને ખભે હાથ ટેકવીને ઉપર આવી રહ્યા છે. પગ ચાલે છે એટલું જ. તેમણે કેબિનમાં પ્રવેશ કર્યો. કેશવ વગેરે ભક્તોએ પ્રણામ કર્યા. પરંતુ ઠાકુરને કશું ભાન નથી. કેબિનમાં એક ટેબલ ને થોડીક ખુરશીઓ છે. એક ખુરશી પર ઠાકુરને બેસાડવામાં આવ્યા. બીજી ખુરશી પર કેશવ બેઠા, વિજય બેઠા. બીજા ભક્તો જેને જ્યાં જગા મળી ત્યાં જમીન પર બેસી ગયા. ઘણાયને જગા ન મળી. એ લોકો બહારથી ડોકાં તાણી તાણીને જોઈ રહ્યા છે. ઠાકુર બેઠા પછી વળી પાછા સમાધિમાં, સંપૂર્ણ બાહ્યભાન રહિત. સહુ તેમને એકીટશે જોઈ રહ્યા છે.

કેશવે જોયું કે કેબિનમાં માણસો ઘણા છે, તેથી ઠાકુરને તકલીફ થાય છે. વિજય કેશવનો ત્યાગ કરીને સાધારણ બ્રાહ્મ-સમાજમાં જોડાયા છે અને (કેશવબાબુની) કન્યાના વિવાહ વગેરે કાર્યની વિરુદ્ધમાં કેટલાંય વ્યાખ્યાન આપ્યાં છે. એટલે વિજયને જોતાં કેશવ જરા શરમિંદા બન્યા છે. કેશવ કેબિનની બારી ઉઘાડવા સારુ પોતાની જગા છોડીને ઊઠ્યા. બ્રાહ્મભક્તો એક નજરે જોઈ રહ્યા છે. શ્રીરામકૃષ્ણની સમાધિ ઊતરી. પણ હજી સમાધિનો ભાવ પૂર્ણ-માત્રામાં રહ્યો છે. ઠાકુર પોતાની મેળે અસ્ફૂટ સ્વરે બોલી રહ્યા છે, ‘મા, મને અહીં લાવી શા માટે? હું શું એમને એમના વાડામાંથી બહાર કાઢી શકવાનો છું?’

શું ઠાકુર એમ જોઈ રહ્યા છે કે સંસારી લોકો વાડની અંદર બદ્ધ છે, બહાર આવી શકતા નથી, બહારનો પ્રકાશ જોઈ શકતા નથી, સૌને કામધંધો, વ્યવહાર રહ્યા છે એટલે હાથપગ બંધાયેલા છે, માત્ર ઘરની અંદરની વસ્તુઓ જ જોઈ શકે છે, અને મનમાં માને છે કે જીવનનું ધ્યેય માત્ર દેહ-સુખ અને ઘરનો વહેવાર, કામ અને કાંચન? શું એટલા માટે ઠાકુર બોલ્યા કે ‘મા મને અહીં લાવી શા માટે? હું શું એમને વાડમાંથી બહાર કાઢી શકવાનો છું?’

ધીરે ધીરે શ્રીરામકૃષ્ણને બાહ્ય સંજ્ઞા આવતી જાય છે. ગાજીપુરના નીલમાધવ બાબુ અને એક બ્રાહ્મભક્તે પવહારી બાબાની વાત કાઢી.

પવહારી બાબા આશ્રમ, ગાજીપુર

એક બ્રાહ્મભક્ત: મહાશય, આ લોકોએ પવહારી બાબાનાં દર્શન કર્યાં છે. એ ગાજીપુરમાં રહે છે. આપના જેવા જ એક મહાપુરુષ!

શ્રીરામકૃષ્ણ હજી સુધી વાતચીત કરી શકતા નથી, માત્ર સહેજ હાસ્ય કર્યું.

બ્રાહ્મ ભક્ત (શ્રીરામકૃષ્ણને): મહાશય, પવહારી બાબાએ પોતાના ઓરડામાં આપનો ફોટોગ્રાફ રાખ્યો છે.

શ્રીરામકૃષ્ણ સહેજ હસીને પોતાના શરીર તરફ આંગળી ચીંધીને બોલ્યા, ‘ખોળિયું!’

Total Views: 417
ખંડ 5: અધ્યાય 1: સમાધિમાં ઠાકુર શ્રીરામકૃષ્ણ
ખંડ 5: અધ્યાય 3: જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય