યત્સાંખ્યૈઃ પ્રાપ્યતે સ્થાનં તદ્યોગૈરપિ ગમ્યતે |
એકં સાખ્યં ચ યોગં ચ યઃ પશ્યતિ સ પશ્યતિ || (ગીતા ૫.૫)

શ્રીરામકૃષ્ણ: જેમ કે ઓશીકું અને તેની ખોળઃ તેમ દેહી અને દેહ.’ ઠાકુર શું એમ કહી રહ્યા છે કે દેહ નાશવંત, રહેશે નહિ, દેહની અંદર જે દેહી તે જ અવિનાશી, એટલે દેહનો ફોટો લીધે શું વળે? – દેહ અનિત્ય વસ્તુ, એનું સન્માન કર્યે શું વળે? – તેના કરતાં જે ભગવાન અંતર્યામી મનુષ્યના હૃદયમાં બિરાજી રહ્યા છે, તેમની જ પૂજા કરવી યોગ્ય?’

શ્રીરામકૃષ્ણ જરા સ્વસ્થ થયા છે. તે બોલવા લાગ્યાઃ

‘પણ એક વાત છે; ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું. ભગવાન સર્વભૂતમાં છે ખરા, પણ ભક્તના હૃદયમાં વિશેષરૂપે છે. જેમ કે કોઈ જમીનદાર પોતાની જમીનદારીમાં બધી જગાએ રહી શકે, પણ તેના માણસો કહે કે મોટે ભાગે તેઓ તેના દીવાનખાનામાં મળશે. ભક્તનું હૃદય ભગવાનનું દીવાનખાનું! (સૌને આનંદ).

ઈશ્વર એક છે – તેમનાં ભિન્ન ભિન્ન નામ – જ્ઞાની, યોગી અને ભક્ત

‘જ્ઞાનીઓ જેને બ્રહ્મ કહે, યોગીઓ તેને જ આત્મા કહે છે અને ભક્તો તેને જ ભગવાન કહે છે.

જેમ કે એક જ બ્રાહ્મણ, જ્યારે પૂજા કરે ત્યારે તેનું નામ પૂજારી; રસોઈ કરે ત્યારે રસોઈયો. જે જ્ઞાનયોગને અનુસરે તે ‘નેતિ નેતિ’ એમ વિચાર કરે. બ્રહ્મ આ વસ્તુ નથી, તે વસ્તુ નથી, જીવ નથી, જગત નથી, એમ વિચાર કરતાં કરતાં જ્યારે મન સ્થિર થાય, મનનો લય થાય, સમાધિ થાય, ત્યારે બ્રહ્મજ્ઞાન. બ્રહ્મજ્ઞાનીની પાકી ધારણા હોય કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. નામ-રૂપમય આ બધું સ્વપ્નવત્. બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહિ. એ એક વ્યક્તિ, યાને સગુણ ઈશ્વર એમ પણ કહી શકાય નહિ.’

‘જ્ઞાનીઓ એ પ્રમાણે કહે, જેમ કે વેદાંતવાદીઓ. પરંતુ ભક્તો બધી અવસ્થાઓને સાચી તરીકે સ્વીકારે. જાગ્રત અવસ્થાને પણ સાચી કહે, જગતને સ્વપ્નવત્ કહે નહિ. ભક્તો કહે કે આ જગત ભગવાનનું ઐશ્વર્ય; આકાશ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય, પર્વત, સમુદ્ર, જીવ-જંતુ એ બધું ઈશ્વરે બનાવ્યું છે. આ બધું તેમનું ઐશ્વર્ય. એ ઈશ્વર હૃદયની અંદર, તેમજ બહાર છે. ઉત્તમ ભક્ત કહેશે કે ભગવાન પોતે જ આ ચોવીસ તત્ત્વરૂપે, જીવ-જગતરૂપે થયા છે. ભક્ત ખાંડ ખાવાનું ઇચ્છે, તેને પોતાને ખાંડ થવું ગમે નહિ. (સૌનું હાસ્ય). ભક્તનો ભાવ કેવો હોય તે જાણો છો? ‘હે ભગવાન, તું પ્રભુ, હું તારો દાસ’; ‘તું મા, હું તારું સંતાન’; તેમજ ‘તું મારો પિતા અથવા માતા’; ‘તું પૂર્ણ, હું તારો અંશ’. ભક્તની એમ કહેવાની ઇચ્છા ન થાય કે ‘હું બ્રહ્મ.’

‘યોગી પણ એ જ પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કરે. તેનું ધ્યેય છે જીવાત્મા અને પરમાત્માનો યોગ. યોગી વિષયોમાંથી મન ખેંચી લઈને પરમાત્મામાં સ્થિર કરવાનો પ્રયાસ કરે. એટલા માટે શરૂઆતની અવસ્થામાં યોગી એકાંતમાં સ્થિર આસને, એકાગ્ર-ચિત્ત થઈને ધ્યાન-ચિંતન કરે. પણ વસ્તુ એક જ. નામ માત્રનો ભેદ. જે બ્રહ્મ, તે જ આત્મા, તે જ ભગવાન. બ્રહ્મજ્ઞાનીનું બ્રહ્મ, યોગીના પરમાત્મા અને ભક્તના ભગવાન.’

Total Views: 488
ખંડ 5: અધ્યાય 2: સમાધિમાં - આત્મા અવિનશ્વર છે - પવહારી બાબા
ખંડ 5: અધ્યાય 4: વેદ અને તંત્રોનો સમન્વય - આદ્યશક્તિનું ઐશ્વર્ય