સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ।। (ગીતા, ૧૮.૬૬)
શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને): મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, મને બંધન શાનું? હું ઈશ્વરનું સંતાન, રાજાધિરાજનો પુત્ર, મને વળી બાંધે કોણ? કહે છે કે સાપ કરડે ત્યારે જો મનમાં દૃઢ વિશ્વાસ રાખીને ‘ઝેર નથી, ઝેર નથી’, એમ બોલે તે વિષ ઊતરી જાય. તેવી જ રીતે હું મુક્ત, બદ્ધ નથી, એમ દૃઢતાથી બોલતાં બોલતાં મનુષ્ય મુક્ત થઈ જાય.
પૂર્વકથા – શ્રીરામકૃષ્ણનું બાઇબલ-શ્રવણ – કૃષ્ણકિશોરનો વિશ્વાસ
‘ખ્રિસ્તીઓનું એક પુસ્તક (બાઈબલ) એક જણે લાવી આપ્યું. મેં તે વાંચી સંભળાવવાનું કહ્યું. તેમાં કેવળ ‘પાપ’ અને ‘પાપ’! (કેશવ પ્રત્યે) તમારા બ્રાહ્મ-સમાજમાં પણ કેવળ ‘પાપ’ ને ‘પાપ’! જે વ્યક્તિ ‘હું બદ્ધ’, ‘હું બદ્ધ’ એમ વારંવાર બોલે તે સાળો બદ્ધ જ થઈ જાય. જે રાત દિવસ ‘હું પાપી’ ‘હું પાપી’ એમ કર્યા કરે તે પાપી જ થઈ જાય. ઈશ્વરના નામમાં એવી શ્રદ્ધા હોવી જોઈએ કે મેં ભગવાનનું નામ લીધું છે તોય શું મારામાં હજી પાપ રહે? મને વળી પાપ શાનું? મને વળી બંધન શાનું? કૃષ્ણકિશોર ચુસ્ત હિન્દુ, સદાચાર-નિષ્ઠ બ્રાહ્મણ. તે વૃંદાવન ગયો હતો. એક દિવસ રસ્તે ચાલતાં ચાલતાં તેને પાણીની તરસ લાગી. રસ્તાની બાજુએ એક કૂવા પાસે જઈને જોયું તો એક જણ ઊભો હતો. કૃષ્ણકિશોરે તેને કહ્યું ‘અરે! તું મને એક લોટો પાણી કાઢી આપીશ? તું કઈ જાતનો છે?’ પેલાએ જવાબ આપ્યો, ‘મહારાજ! હું તો નીચવર્ણ, ચમાર.’ કૃષ્ણકિશોર કહે ‘તું બોલ ‘શિવ’, અને પછી પાણી કાઢી આપ.’
ભગવાનનું નામ લેવાથી માણસનો દેહ, મન, બધું શુદ્ધ થઈ જાય.
કેવળ ‘પાપ’ અને ‘નરક’, એ બધી વાતો શું કામ? એક વાર કહો કે જે ખોટાં કામ કર્યાં છે તે હવે નહિ કરું અને પ્રભુના નામમાં શ્રદ્ધા રાખો.’ એમ કહીને શ્રીરામકૃષ્ણ પ્રેમોન્મત્ત થઈને નામ-માહાત્મ્યનું ગીત ગાય છે.
હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું,
આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું…
‘મેં માની પાસે કેવળ ભક્તિ માગી હતી. ફૂલ હાથમાં લઈને માને ચરણે મૂક્યાં અને બોલ્યો હતો કે ‘મા, આ લો તમારું પાપ, આ લો તમારું પુણ્ય, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તો તમારું પવિત્ર, આ લો તમારું અપવિત્ર, મને શુદ્ધ ભક્તિ આપો; આ લો તમારો ધર્મ, આ લો તમારો અધર્મ, મને શુદ્ધ ભક્તિ આપો.’
(બ્રાહ્મભક્તોને) રામપ્રસાદનું એક ગીત સાંભળોઃ
ચાલ ને મન, ફરવા જઈએ!
કાલી કલ્પતરુ મૂળે (મન), ચારે ફળ વીણીને લઈએ;
પ્રવૃત્તિ નિવૃત્તિ જાયા; નિવૃત્તિને સાથે લઈએ.
વિવેક નામે તેના બેટા સાથે તત્ત્વકથા કહીએ;
શુચિ અશુચિને લઈને, દિવ્ય ઘરમાં ક્યારે સૂઈએ.
બેઉથી સમાન થાય પ્રીતિ, ત્યારે શ્યામા માને મળીએ;
અહંકાર, અવિદ્યા તારાં, બાપ-માને હાંકી દઈએ.
મોહ-ખાડામાં ખેંચી રાખે તો ધૈર્ય-ખીલો ધરી રહીએ;
ધર્મ અધર્મ બેઉ પશુને, તુચ્છ ખીલે બાંધી દઈએ.
નિષેધ માને નહિ તો તેમને જ્ઞાન-ખડ્ગે, બલિ દઈએ.
પ્રવૃત્તિના સંતાનને તો, દૂરેથી સમજાવી દઈએ.
છતાં કહ્યું માને નહિ તો, જ્ઞાન-સિંધુમાં બોળી દઈએ.
પ્રસાદ કહે એમ થાયે તો, કાળની સામે ખડા થઈએ;
બાપલા મારા, મનડા પ્યારા, ખૂબ જોસીલા મન થઈને.
‘સંસારમાં ઈશ્વરપ્રાપ્તિ થાય નહિ શા માટે? જનક રાજાને થઈ હતી. રામપ્રસાદે સંસારને મૃગજળ કહ્યો, પણ ઈશ્વરનાં ચરણકમળમાં ભક્તિ આવે તો આ જ સંસાર લહેરની કુટિર છે.
આ સંસાર તો મજાની કુટી, ખાઈ પી ને મેં મજા લૂંટી,
જનક રાજા મહાન તેજી, તેને હતી રે શેની ત્રુટિ;
આણીગમ તેણીગમ બેઉ ગમ રાખી, પીધી હતી તેણે દૂધની વાટી.’ (સૌનું હાસ્ય).
બ્રાહ્મસમાજ અને જનકરાજા – ગૃહસ્થ માટે ઉપાય – એકાંતવાસ અને વિવેક
‘પણ ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જન સ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી! સંસારમાં રહો તોય અવારનવાર એકાંતમાં જઈને રહેવું જોઈએ. ઘર-સંસારથી બહાર એકલા જઈને ભગવાનને માટે જો માત્ર ત્રણ દિવસ વ્યાકુળતાથી રુદન કરી શકાય તો પણ સારું. અરે, જો તક મળતાં જ એક દિવસ પણ નિર્જનમાં તેનું ચિંતન કરી શકાય તો તે પણ સારું. માણસો સ્ત્રી-પુત્રાદિ સારુ ઘડો ભરીને આંસુ પાડે, પણ ઈશ્વરને માટે કોણ રડે છે, કહો? અવારનવાર નિર્જન સ્થાનમાં રહીને ભગવત્પ્રાપ્તિ કરવા સારુ સાધના કરવી જોઈએ. શરૂઆતની અવસ્થામાં સંસારની અંદર, કામકાજની વચ્ચે રહીને મન સ્થિર રાખવામાં ઘણાં વિઘ્ન આવે. જેમ કે રસ્તાની બાજુએ વાવેલું ઝાડ, જ્યારે તે નાનો રોપો હોય ત્યારે આસપાસ વાડ ન કરી લઈએ તો ગાય-બકરું ખાઈ જાય. એટલા માટે શરૂઆતમાં વાડ જોઈએ. થડ મોટું થઈ જાય એટલે પછી વાડની જરૂર રહે નહિ. પછી તો તેના થડ સાથે મોટો હાથી બાંધી દો તોય કાંઈ થાય નહિ.

આદિ બ્રાહ્મોસમાજ
રોગ છે વિકાર, તેમાં વળી જે ઓરડામાં વિકારનો રોગી, એ જ ઓરડામાં પાણીનું માટલું અને અથાણાં-આંબલી. જો વિકારના રોગીને સાજો કરવો હોય તો એ ઓરડામાંથી તેની પથારી ફેરવી નાખવી જોઈએ. સંસારી જીવ છે જાણે કે વિકારનો રોગી, વિષયો જાણે કે પાણીનું માટલું, વિષયભોગની તૃષ્ણા એ પાણીની તરસ. અથાણાં-આંબલીનો વિચાર કરતાં જ મોઢામાં પાણી છૂટે, નજીક લાવવાં પડે નહિ. એવી ચીજ પણ ઘરમાં રહેલી છે, સ્ત્રી-સંગ. એટલા માટે એકાંતમાં સારવારની જરૂર.’
‘વિવેક-વૈરાગ્ય પ્રાપ્ત કરીને સંસારમાં રહેવું. સંસાર-સમુદ્રમાં કામ,ક્રોધ વગેરે મગર રહેલા છે, પણ શરીરે હળદર ચોપડીને પાણીમાં ઊતરીએ તો મગરની બીક રહે નહિ. વિવેક-વૈરાગ્ય એ હળદર. સત્-અસત્ના વિચારનું નામ છે વિવેક. ઈશ્વર સત્, નિત્ય-વસ્તુ; બીજું બધું અસત્, અનિત્ય, બે દિવસને માટે, એ જ્ઞાન. અને ઈશ્વરમાં અનુરાગ, તેના પ્રત્યે આકર્ષણ, પ્રેમ. ગોપીઓનો કૃષ્ણ ઉપર જેવો પ્રેમ હતો તેવો. એક ગીત સાંભળોઃ

કેશવનું નવવિધાન બ્રાહ્મોસમાજ
અને ઉપાય – ઈશ્વરમાં અનુરાગ – ગોપીઓ જેવો પ્રેમ કે સ્નેહ
‘બંસી વાગી આ વિપિનમાં, ચાલો સહુ સખી મળી વનમાં.
તમારો શ્યામ તો કહેવાનો શ્યામ, અંતરની વ્યથા છે, મારો શ્યામ.
તમને વાગે બંસી કાનની પાસે, મને વાગે બંસી હૃદય માંહે.
શ્યામની બંસી વાગી, ચાલો રાધે, તું વિના એ કુંજ નવ શોભે.’
ઠાકુર અશ્રુપૂર્ણ નેત્રે ગીત ગાતાં ગાતાં કેશવ વગેરે ભક્તોને કહેવા લાગ્યાઃ ‘રાધાકૃષ્ણને માનો કે ન માનો પણ તેમનો આ પ્રેમ લો. ભગવાનને માટે કેમ કરીને એ વ્યાકુળતા આવે તેનો પ્રયાસ કરો. વ્યાકુળતા આવતાં જ ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય.’




