સમય ત્રણનો. મારવાડી ભક્તો નીચે બેઠા બેઠા ઠાકુરને પ્રશ્નો કરી રહ્યા છે. માસ્ટર, રાખાલ અને બીજા ભક્તો પણ ઓરડામાં છે.

મારવાડી ભક્ત: મહારાજ, ઉપાય શો?

શ્રીરામકૃષ્ણ: બે માર્ગ છેઃ વિચારમાર્ગ અને અનુરાગ યા ભક્તિનો માર્ગ.

‘સત્-અસત્નો વિચાર. સત્ યા નિત્યવસ્તુ એક માત્ર ઈશ્વર જ, બીજું બધું અસત્ યા અનિત્ય. જાદુગર જ ખરો, એનો ખેલ મિથ્યા, આ છે વિચાર.

‘વિવેક અને વૈરાગ્ય. આ સત્-અસત્-વિચારનું નામ વિવેક. વૈરાગ્ય એટલે સંસારના પદાર્થાે ઉપર વિરક્તિ. એ એકદમ આવે નહિ. એનો રોજ અભ્યાસ રાખવો જોઈએ. કામિનીકાંચનનો પ્રથમ મનથી ત્યાગ કરવો જોઈએ, ત્યાર પછી ઈશ્વરની મરજી હોય તો મનથી ત્યાગ પણ કરવો પડે અને બહારથી ત્યાગ પણ કરવો પડે. કોલકાતાના (આજના) લોકોને કહેવાય નહિ કે ‘ઈશ્વરને માટે બધું છોડી દો.’ એમ કહેવું પડે કે ‘મનથી ત્યાગ કરો.’

‘અભ્યાસ-યોગથી કામિની-કાંચન પરની આસક્તિનો ત્યાગ થઈ શકે. ગીતામાં એ વાત છે. અભ્યાસ વડે મનમાં અસાધારણ શક્તિ આવે, ત્યાર પછી ઇન્દ્રિયોનો સંયમ કરવામાં, કામ, ક્રોધને વશ કરવામાં મુશ્કેલી ન આવે. જેમ કે કાચબો જો હાથ-પગ અંદર ખેંચી લે તો પછી બહાર કાઢે નહિ, કુહાડીથી કાપીને કટકા કરો તોય બહાર કાઢે નહિ.’

મારવાડી ભક્ત: મહારાજ, બે માર્ગ કહ્યા; તે બીજો માર્ગ કયો?

શ્રીરામકૃષ્ણ: અનુરાગનો યાને ભક્તિનો માર્ગ. ખૂબ આતુર થઈને એક વાર રડો એકાન્તમાં, છાનામાના, ‘પ્રભુ દર્શન આપો,’ એમ કહીને.

‘બોલાવને મન, મન દઈને, શ્યામા કેમ ન આવે, જોઉં!’

મારવાડી ભક્ત: મહારાજ, સાકાર પૂજાનો અર્થ શો? અને નિરાકાર નિર્ગુણ, એનોય અર્થ શો?

શ્રીરામકૃષ્ણ: જેવી રીતે બાપનો ફોટોગ્રાફ જોતાં બાપ યાદ આવે, તેવી રીતે પ્રતિમામાં પૂજા કરતાં કરતાં સત્ય સ્વરૂપનું ઉદ્દીપન થાય. સાકાર રૂપ શેના જેવું ખબર છે? જેમ કે જળનો મહાન વિસ્તાર હોય, તેમાં વચમાંથી બડબડિયાં ઊઠે તેમ. મહાકાશ, ચિદાકાશમાં જાતજાતનાં રૂપો નીકળી રહ્યાં છે એમ દેખાય. અવતાર પણ એવું એક રૂપ. અવતાર-લીલા એ આદ્યશક્તિનો જ ખેલ.

પાંડિત્ય – ‘હું’ જ ‘તું’

‘પંડિતાઈમાં છે શું? આતુર થઈને ઈશ્વરનું સ્મરણ કર્યે તેને પામી શકાય. વિવિધ વિષયોનું જ્ઞાન થવાની જરૂર નહિ.

‘જે આચાર્ય હોય તેને વિવિધ વિષયો જાણવાની જરૂર. બીજાને મારી નાખવા માટે ઢાલ-તલવાર જોઈએ. પોતાને મારી નાખવા માટે એકાદ ચાકુ કે સોય ચાલે. હું કોણ એ ગોતવા જતાં એ ઈશ્વરને જ પમાય. ‘હું તે શું માંસ, હાડકાં, લોહી, મજજા, મન કે બુદ્ધિ? આખરે વિચાર કરતાં કરતાં જણાય કે હું એમાંનું કંઈ જ નથી, ‘નેતિ નેતિ’. આત્માને પકડી કે અડી શકાય નહિ. તે નિર્ગુણ, નિરુપાધિક.

‘પરંતુ ભક્તિમાર્ગ પ્રમાણે ઈશ્વર સગુણ. ચિન્મય શ્યામ, ચિન્મય ધામ, બધું ચિન્મય!’

મારવાડી ભક્તોએ પ્રણામ કરીને રજા લીધી.

દક્ષિણેશ્વર કાલીમંદિર

દક્ષિણેશ્વરમાં સંધ્યા અને આરતી

સંધ્યા થઈ. ઠાકુર ગંગાજીનાં દર્શન કરી રહ્યા છે. ઓરડામાં દીવો પેટાવવામાં આવ્યો. શ્રીરામકૃષ્ણ જગન્માતાનું નામ લે છે અને પાટ ઉપર બેઠા બેઠા ઈશ્વર-ચિંતન કરે છે.

હવે દેવમંદિરોમાં આરતી થવા લાગી. જેઓ હજીયે પુસ્તા ઉપર કે પંચવટીમાં ફરી રહ્યા છે તેઓ દૂરથી આરતીનો મધુર ઘંટારવ સાંભળી રહ્યા છે. ભરતી આવી છે, ભાગીરથી કલકલ શબ્દ કરતી ઉત્તરવાહિની થઈ રહી છે. આરતીનો મધુર અવાજ એ કલકલ શબ્દની સાથે ભળી જઈને વધારે મધુર થયો છે. એ બધાંની વચ્ચે પ્રેમોન્મત્ત ઠાકુર શ્રીરામકૃષ્ણ બેઠેલા છે. સર્વ કાંઈ મધુર છે. હૃદય પણ મધુમય છે. મધુ, મધુ, મધુ!

Total Views: 415
ખંડ 9: અધ્યાય 4: ઠાકુર શ્રીરામકૃષ્ણનો રાધા-ભાવ
ખંડ 10: અધ્યાય 1