શ્રીશ્રી પરમહંસદેવ સિંથિના બ્રાહ્મ-સમાજના ઉત્સવમાં આવ્યા છે. ઈ.સ. ૧૮૮૨ના ઓકટોબરની ૨૮મી તારીખ, શનિવાર, (૧૨ કાર્તિક) આસો વદ બીજ.

આજે બ્રાહ્મ-સમાજનો છમાસિક ઉત્સવ. એટલે ભગવાન શ્રીરામકૃષ્ણને આમંત્રણ છે. બપોરના ત્રણ-ચાર વાગ્યાને સુમારે તેઓ કેટલાક ભક્તોની સાથે ગાડીમાં બેસીને દક્ષિણેશ્વર કાલીમંદિરથી શ્રીયુત્ વેણીમાધવ પાલના મનોહર ઉદ્યાન-બંગલે આવી પહોંચ્યા. આ ઉદ્યાન-બંગલામાં બ્રાહ્મસમાજનું અધિવેશન ભરાય. શ્રીરામકૃષ્ણ બ્રાહ્મ-સમાજને ખૂબ ચાહે. બ્રાહ્મભક્તો પણ તેમના પર બહુ જ ભક્તિ શ્રદ્ધા રાખે. આગલે દિવસે, એટલે કે શુક્રવારે સાંજે શિષ્યો સહિત શ્રીયુત્ કેશવચંદ્ર સેનની સાથે શ્રીરામકૃષ્ણ કેટલો આનંદ કરતાં કરતાં ભાગીરથીમાં કાલીમંદિરથી કોલકાતા સુધી ભક્તો સાથે સ્ટીમરમાં ફરવા ગયેલા.

સિંથિ પાઈકપાડાની નજીક, કોલકાતાથી ત્રણેક માઈલ-ઉત્તરે. ઉદ્યાન-બંગલો અત્યંત સુંદર-મનોહર છે. એ સ્થાન તદ્દન એકાંત, ભગવાનની ઉપાસના માટે ખાસ ઉપયોગી. ઉદ્યાનના માલિક વરસમાં બે વાર મહોત્સવ કરે. એક વાર શરદઋતુમાં અને બીજી વાર વસંતઋતુમાં. આ ઉત્સવ પ્રસંગે તેઓ કોલકાતા અને સિંથિની નજીકના ગામના ઘણા ભક્તોને આમંત્રણ આપે. એ કારણસર આજે કોલકાતાથી શિવનાથ વગેરે ભક્તો આવ્યા છે. તેઓમાંથી ઘણાએ સવારની ઉપાસનામાં ભાગ લીધો હતો. વળી પાછી સંધ્યાકાળે પણ ઉપાસના થવાની છે એટલે રાહ જુએ છે. ખાસ કરીને તો, તેઓએ સાંભળ્યું છે કે બપોર પછી આ મહાપુરુષનું આગમન થવાનું, તેઓ તેમની આનંદમૂર્તિ જોઈ શકશે અને હૃદય મુગ્ધકારી કથામૃત પાન કરી શકશે અને તેમનું મધુર સંકીર્તન સાંભળી શકવાના, દેવદુર્લભ હરિપ્રેમમય નૃત્ય જોઈ શકવાના, એટલે.

વેણીમાધવ પાલનું ઉદ્યાનગૃહ

બપોર પછી બગીચો માણસોથી ભરાઈ ગયો છે. કોઈ લતામંડપની છાયામાં બાંકડા ઉપર બેઠા છે, તો કોઈ સુંદર વાવને કાંઠે મિત્રો સાથે ફરી રહ્યા છે. કેટલાક શ્રીરામકૃષ્ણના આગમનની વાટ જોઈને પહેલેથી જ સારી જગા જોઈને સમાજગૃહમાં બેસી ગયા છે. બગીચાના પ્રવેશદ્વારમાં પાનની દુકાન. પ્રવેશતાં જ એમ લાગે કે જાણે દેવમંદિર. રાત્રે ભગવદ્-લીલા થવાની છે. ચારે દિશા આનંદથી ભરપૂર. સવારથી જ શરદના આસમાની આકાશમાં, લતા-વૃક્ષ વગેરેમાં આનંદનો વાયુ વાઈ રહ્યો છે. આકાશ, વૃક્ષ-લતા, જીવજંતુ જાણે કે એકલયમાં ગાઈ રહ્યાં છેઃ

‘આજે શો હર્ષસમીર વહે, પ્રાણે ભગવત્-મંગલ-કિરણે!’

સૌ કોઈ જાણે કે ભગવદ્દર્શનના પ્યાસી. એવે વખતે શ્રીપરમહંસદેવની ગાડી આવીને સમાજગૃહની સામે ઊભી રહી.

સૌ ઊભા થઈને મહાપુરુષનું સ્વાગત કરે છે. તેઓશ્રી આવી પહોંચ્યા છે. માણસો તેમને ચારે બાજુથી ઘેરી વળ્યા છે.

સમાજગૃહના મુખ્ય ખંડમાં વેદી રચવામાં આવી છે. એ સ્થાન માણસોથી ભરપૂર. સામે ઓસરી, ત્યાં પરમહંસદેવ બેઠેલા. ત્યાં પણ માણસો. ઓસરીની બંને બાજુએ બે ઓરડા. એ ઓરડામાં પણ માણસો. ઓરડાનાં બારણાંમાં ડોકિયાં કરીને માણસો ઊભેલાં. ઓસરીમાં ચડવાની પગથિયાંની હાર એક છેડાથી બીજા છેડા સુધી લંબાયેલી છે. એ પગથિયાં પણ માણસોથી ભરપૂર. પગથિયાંથી જરાક દૂર બેત્રણ વૃક્ષો. બાજુમાં લતામંડપ, ત્યાં કેટલાક બાંકડા. ત્યાંથી પણ લોકો ઊંચી ડોક કરીને, કાન માંડીને શ્રીરામકૃષ્ણ તરફ જોઈ રહ્યા છે.

હારબંધ ફળફૂલનાં ઝાડ, વચ્ચે રસ્તો. વૃક્ષો બધાં વાયુથી સહેજ ઝૂકી રહ્યાં છે, જાણે કે આનંદભર્યાં મસ્તક નમાવીને પરમહંસદેવનું સ્વાગત કરી રહ્યાં છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ હસતાં હસતાં આસને બિરાજયા. હવે બધી આંખો એકીસાથે તેમની આનંદમૂર્તિની ઉપર પડી. જ્યાં સુધી નાટકશાળામાં ખેલ શરૂ ન થાય ત્યાં સુધી પ્રેક્ષકોમાંથી કોઈ હસતા હોય, કોઈ ઘર-સંસારની વાતો કરતા હોય, કોઈ એકલા અથવા મિત્રો સાથે ચાલે છે, કોઈ પાન ખાતા હોય તો કોઈ બીડી પીતા હોય. પણ જેવો ડ્રોપસીનનો પડદો ઊંચો થયો કે તરત જ સર્વ લોકો બધી વાતચીત બંધ કરીને એકનજરે નાટક જોવા લાગે; અથવા જુદાં જુદાં ફૂલોમાં ભટકતા ભમરાઓ કમળનું ફૂલ મળતાં જ બીજાં ફૂલનો ત્યાગ કરીને કમળમધુ ચૂસવા દોડ્યા આવે, તેમ.

Total Views: 477
ખંડ 5: અધ્યાય 10: સુરેન્દ્રને ઘેર - નરેન્દ્રાદિ સાથે
ખંડ 6: અધ્યાય 2: ભક્તો સાથે વાર્તાલાપ