માં ચ યોઽવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે ।
સ ગુણાન્ સમતીત્યૈતાન્ બ્રહ્મભૂયાય કલ્પતે ।। (ગીતા, ૧૪.૨૬)

શ્રીરામકૃષ્ણ હસતે ચહેરે શ્રીયુત્ શિવનાથ વગેરે ભક્તો તરફ જોવા લાગ્યા ને કહેવા લાગ્યા કે ‘આ રહ્યા, આ શિવનાથ!’ જુઓ, તમો છો ભક્તો, તમને જોઈને ખૂબ આનંદ થાય. ગંજેરીનો એવો સ્વભાવ હોય કે બીજા એક ગંજેરીને દેખીને બહુ રાજી થાય, કાં તો તેને ભેટી પડે. (શિવનાથ અને સૌનું હાસ્ય).

સંસારી લોકોનો સ્વભાવ – નામમાહાત્મ્ય

‘જેમનું મન ઈશ્વર તરફ નથી એમ જોઉં, તેમને હું કહું કે તમે જરા ત્યાં જઈને બેસો. અથવા કહું કે આ બધાં સુંદર બિલ્ડિંગ વગેરે જઈને જોઈ આવો. (સૌનું હાસ્ય). વળી ક્યારેક જોઉં કે ભક્તોની સાથે નકામા માણસો આવ્યા છે, તેમનામાં બહુ જ સાંસારિક વાસનાઓ હોય, ઈશ્વર સંબંધી વાતો તેમને ગમે નહિ. પેલા ભક્તો જ્યારે મારી સાથે વધુ વખત સુધી ઈશ્વરીય વાતો કરતા હોય ત્યારે એ લોકો વધારે વખત બેસી શકે નહિ, ઊંચાનીચા થવા લાગે, વારેઘડીએ પેલાના કાનમાં ઘુસપુસ કરીને કહે કે ‘હવે ક્યારે ઊઠવું છે?’ ‘હવે ક્યારે જવું છે?’ પેલા લોકો કાં તો કહે કે ‘જરા રહોને ભાઈ, થોડીક વાર પછી જઈએ છીએ.’ એટલે આ લોકો નારાજ થઈને કહેશે કે ‘ત્યારે કરો તમે વાતો, અમે જઈને બહાર હોડીમાં બેસીએ છીએ.’ (સૌનું હાસ્ય).

‘સંસારી લોકોને જો કહો કે ‘બધું છોડીને ઈશ્વરનાં ચરણકમળમાં મગ્ન થાઓ, તો એ લોકો કદી સાંભળવાના નહિ. એટલે સંસારી લોકોને આકર્ષવા માટે શ્રીગૌરાંગ અને નિત્યાનંદ એ બે ભાઈઓએ મસલત કરીને એક યુક્તિ કરેલી કે ‘માગુર માછલીનો ઝોલ (રસદાર શાક), જુવાન સ્ત્રીનો કોલ (ખોળો), હરિ બોલ.’ એ બે વસ્તુની લાલચે કેટલાય લોકો ‘હરિ બોલ, હરિ બોલ’ બોલવા આવતા. પણ થોડા સમયમાં જ હરિ-નામરૂપી અમૃતનો જરાક સ્વાદ લાગતાં જ તેઓ સમજી જતા કે માગુર માછલીનો ઝોલ એ બીજું કાંઈ નહિ પણ હરિ-પ્રેમે જે આંસુ ઝરે તે; અને જુવાન સ્ત્રી એટલે આ પૃથ્વી. જુવાન સ્ત્રીનો ખોળો એટલે હરિ-પ્રેમમાં ધૂળમાં આળોટવું તે!’

‘નિતાઈ કોઈ પણ રીતે હરિ-નામ લેવરાવી લેતા. ચૈતન્યદેવે કહેલું કે ઈશ્વરના નામનું બહુ જ માહાત્મ્ય છે. ફળ જલદી ભલે ન મળે, તો પણ ક્યારેક ને ક્યારેક તો મળે જ. જેમ કે કોઈએ જૂના ઘરને ટોડલે બીજ રાખી મૂકેલું હતું. લાંબે સમયે એ ઘર પડી ગયું. એ બીજ માટીમાં પડ્યું, અને લાંબે વખતે તેમાંથી ઝાડ ઊગ્યું ને ફળ પણ આવ્યાં.

મનુષ્યપ્રકૃતિ તથા ત્રિગુણ – ભક્તિના સત્ત્વ, રજસ્, તમસ્

શ્રીરામકૃષ્ણ: જેમ સંસારીઓમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકાર છે, તેમ ભક્તિના પણ સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ પ્રકાર છે.

સંસારીનો સત્ત્વગુણ કેવો હોય તે જાણો છો? મકાનમાં અહીંતહીં ફાટ પડી હોય, પણ એ બધું સમું કરાવવાની કાળજી નહિ. ઓસરીમાં પારેવાં ચરકતાં હોય, આંગણામાં લીલ બાઝી ગઈ હોય પણ તેનો એને ખ્યાલ નહિ. રાચરચીલું જૂનું, ટાપટીપ કરવાનો પ્રયાસ નહિ. કપડાં સાદાં, ગમે તેવાં હોય તોય ચાલે. માણસ ખૂબ શાંત, શિષ્ટ, દયાળુ, મળતાવડા સ્વભાવનો, કોઈનું જરાય બૂરું કરે નહિ.

સંસારીના રજોગુણનાં લક્ષણો પણ છેઃ ઘડિયાળ, ઘડિયાળનો અછોડો, હાથમાં બેત્રણ વીંટી. ઘરનો સરસામાન ખૂબ ટીપટાપ, ક્વીનનો ફોટો, ભીંતે રાજકુટુંબના ફોટા, મોટા માણસના ફોટા. ઘર ચૂનાબંધ સાફ, ક્યાંય ડાઘ સરખોય નહિ. જાતજાતનાં સારાં સારાં કપડાં, નોકરચાકરોના સારા પોશાક, એવું એવું બધું.

અને સંસારીના તમોગુણનાં લક્ષણઃ નિદ્રા, કામ, ક્રોધ, અહંકાર એ બધાં.

‘તેવી જ રીતે ભક્તિનો સત્ત્વગુણ છે. જે ભક્તમાં સત્ત્વગુણ હોય તે ધ્યાન કરે અતિ ગુપ્ત રીતે. કાં તો રાતે મચ્છરદાનીની અંદર બેઠો બેઠો ધ્યાન કરે, સૌ સમજે કે ભાઈ સૂતા છે. અને રાત્રે બરાબર ઊંઘ નહિ આવી હોય એટલે સવારે ઊઠતાં વાર લાગે છે. આ બાજુ શરીરની સંભાળ કેવળ નિર્વાહ પૂરતી, ભોજનમાં એકાદું શાકભાજી હોય એટલે ચાલે. પોશાકમાં ઝાઝો આડંબર નહિ, રાચરચીલામાં ઝાકઝમક નહિ. અને સત્ત્વગુણી ભક્ત કોઈ દિવસ ખુશામત કરીને પૈસો ન લે.

‘ભક્તિનો રજોગુણ જેનામાં હોય એ ભક્ત મોટું તિલક કાઢે. રુદ્રાક્ષની માળા પહેરે, એ માળાની વચ્ચે વચ્ચે વળી એકાદો સોનાનો દાણો! (સૌનું હાસ્ય). પૂજા કરવા બેસે ત્યારે રેશમી પીતાંબર પહેરે.

Total Views: 440
ખંડ 6: અધ્યાય 1: ઉત્સવ મંદિરે શ્રીરામકૃષ્ણ
ખંડ 6: અધ્યાય 3