ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે ।
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ।। (ગીતા, ૨.૩)

શ્રીરામકૃષ્ણ: ભક્તિનો તમસ જેનામાં હોય તેની શ્રદ્ધા જવલંત હોય. એવો ભક્ત ઈશ્વર પાસે જોર કરે, જાણે કે ધાડ પાડીને પૈસા પડાવી લેવા. ‘મારો! કાપો! બાંધો!’ એવો લૂંટારાના જેવો ભાવ.

ઠાકુર ઊર્ધ્વ દૃષ્ટિએ તેમના પ્રેમરસભર્યા કંઠે ગાય છેઃ

ગયા, ગંગા, પ્રભાસાદિ, કાશી, કાંચી કોણ જાય,
કાલી કાલી બોલતાં મારો શ્વાસ જો ચાલ્યો જાય.
ત્રિસંધ્યા જે બોલે કાલી, પૂજા સંધ્યા શું તે ચ્હાય,
સંધ્યા તેને શોધતી ફરે, સંધાન નવ પમાય…
દયા, વ્રત, દાન આદિ, બીજું મનમાં નહિ લેવાય,
મદનના યાગયજ્ઞ બધું, બ્રહ્મમયીના રાતા પાય…
કાલી નામના આવા ગુણો, કોનાથી તે જાણી શકાય,
દેવાધિદેવ મહાદેવ જેના, પંચમુખે ગુણ ગાય…

ઠાકુર ભાવોન્મત બનીને જાણે કે અગ્નિમંત્રથી દીક્ષિત થઈને ગાવા લાગ્યાઃ

નામમાહાત્મ્ય અને પાપ – ત્રણ પ્રકારના આચાર્ય

હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું,
આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું.

‘શું? મેં ભગવાનનું નામ લીધું છે તોય મારામાં વળી પાપ! હું પ્રભુનું બાલક, તેમના ઐશ્વર્યનો વારસ! એવું જોર હોવું જોઈએ.

તમોગુણનું મોઢું ફેરવી નાખીએ તો ઈશ્વરપ્રાપ્તિ થાય. ભગવાન પાસે જોર કરો. એ પારકા નથી. એ તો આપણા પોતાના જ છે. વળી જુઓ. એ જ તમોગુણને બીજાના કલ્યાણ માટે પણ વાપરી શકાય. વૈદ્ય ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ. જે વૈદ્ય આવીને નાડી તપાસીને ‘દવા લેજો હોં!’ એમ કહીને ચાલ્યો જાય, તે નિકૃષ્ટ વૈદ્ય. દરદીએ દવા લીધી કે નહિ એની પરવા એ નથી કરતો. જે વૈદ્ય દરદીને દવા લેવા સારુ કેટલુંય કરી સમજાવે, જે મીઠા શબ્દોમાં કહે કે ‘ભાઈ, દવા ન લઈએ તો દરદ મટે કેમ કરીને! તમે તો ડાહ્યા છો ને, ખાઓ તો. લો, હું પોતે તૈયાર કરી આપું છું, ખાઈ જાઓ!’ એ મધ્યમ પ્રકારનો વૈદ્ય. અને જે વૈદ્ય દરદી કોઈ રીતે દવા ખાતો નથી એ જોઈને છાતી પર ચડી બેસીને પરાણે દવા ગળે ઉતારી દે એ ઉત્તમ વૈદ્ય. વૈદ્યના આ તમોગુણથી દરદીનું કલ્યાણ થાય, અપકાર ન થાય.

વૈદ્યની પેઠે આચાર્ય પણ ત્રણ પ્રકારનાઃ ધર્માેપદેશ આપ્યા પછી શિષ્યોની જે કશી ખબર રાખે નહિ તે આચાર્ય નિકૃષ્ટ. જે શિષ્યોના કલ્યાણ સારુ તેમને બરાબર સમજાવે, કે જેથી તેઓ ઉપદેશને મનમાં ધારણ કરી શકે, કેટલોય આગ્રહ કરે, પ્રેમ દર્શાવે એ મધ્યમ પ્રકારના આચાર્ય. અને શિષ્યો જ્યારે કોઈ રીતે સાંભળતા નથી એમ જોઈને કોઈ આચાર્ય બળ પણ વાપરે તેને કહેવાય ઉત્તમ આચાર્ય.’

Total Views: 572
ખંડ 6: અધ્યાય 2: ભક્તો સાથે વાર્તાલાપ
ખંડ 6: અધ્યાય 4: બ્રહ્મનું સ્વરૂપ અનિર્વચનીય છે