ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવંવિધોઽર્જુન ।
જ્ઞાતું દ્રષ્ટું ચ તત્ત્વેન પ્રવેષ્ટું ચ પરન્તપ ।। (ગીતા, ૧૧.૫૪)

એક બ્રાહ્મભક્તે પૂછ્યું: મહાશય, ઈશ્વરને શું જોઈ શકાય? જો જોઈ શકાતો હોય તો તે દેખાતો કેમ નથી?’

શ્રીરામકૃષ્ણ: હા, જરૂર દેખી શકાય. સાકારરૂપ દેખી શકાય, તેમજ અરૂપ પણ દેખી શકાય; પણ એ તમને સમજાવું કેવી રીતે?

બ્રાહ્મભક્ત: કયા ઉપાયે દેખી શકાય?

શ્રીરામકૃષ્ણ: વ્યાકુળ થઈને ઈશ્વર માટે રુદન કરી શકો?

માણસો, સ્ત્રી, પુત્ર કે ધન સારુ ઘડો ભરાય એટલું રડે, પણ ઈશ્વર માટે કોણ રડે છે? જ્યાં સુધી બાળક લાલ ચૂસણિયું લઈને માને ભૂલીને રમ્યા કરે, ત્યાં સુધી મા રસોઈ વગેરે ઘરનું કામકાજ બધું કર્યા કરે. પણ બાળકને જ્યારે ચૂસણિયું ગમે નહિ ને ચૂસણિયું ફેંકી દઈને જોરથી રડવા માંડે, ત્યારે મા ભાતની તપેલી ચૂલેથી ઉતારીને દોડતી દોડતી આવીને છોકરાને ખોળામાં લઈ લે.

બ્રાહ્મભક્ત: મહાશય! ઈશ્વરના સ્વરૂપની બાબતમાં આટલા બધા જુદા જુદા મત શા માટે? કોઈ કહે સાકાર, તો કોઈ કહે નિરાકાર. વળી સાકારવાદીઓની પાસે જુદાં જુદાં રૂપોની વાતો સાંભળીએ. આટલા બધા મતમતાંતર શા માટે?

શ્રીરામકૃષ્ણ: જે ભક્ત (ઈશ્વરને) જે સ્વરૂપે જુએ, તે તેને તેવા માને. ખરું જોતાં કશો મતભેદ નથી. ઈશ્વરને કોઈ પણ રીતે જો એકવાર પ્રાપ્ત કરી શકાય, તો તે પોતે જ બધું સમજાવી દે. પણ એ શેરીમાં જ પેઠો નહિ, પછી બધા ખબર ક્યાંથી મળે?

‘એક વાત સાંભળો. એક જણ શૌચ ગયો હતો. તેણે જોયું તો ઝાડની ઉપર એક જાનવર બેઠું છે. તેણે આવીને બીજા એક જણને કહ્યું કે ‘જુઓ પેલા ઝાડ ઉપર એક સુંદર લાલ રંગનું જનાવર છે, તે હું જોઈ આવ્યો.’ પેલાએ જવાબ આપ્યો કે ‘હું જ્યારે શૌચ ગયો ત્યારે મેં પણ એને જોયું હતું. પણ એ લાલ રંગનું કહો છો શા માટે? એ તો લીલા રંગનું હતું.’ ત્રીજો બોલ્યો, ‘ના, ના, મેં એને જોયું છે, એ પીળું છે.’ એ પ્રમાણે બીજા પણ કહેવા લાગ્યા કે જરદા, વાદળી, જાંબુડિયું વગેરે. છેવટે બધામાં ઝઘડો. એટલે પછી એ બધા ઝાડની નીચે જઈને જુએ, તો એક માણસ બેઠેલો. તેને પૂછતાં તે બોલ્યો, ‘હું આ ઝાડ નીચે જ રહું છું. હું એ જનાવરને સારી રીતે ઓળખું છું. તમે જે જે કહો છો એ બધું સાચું. એ ક્યારેક લાલ, તો ક્યારેક લીલું, ક્યારેક પીળું, તો ક્યારેક વાદળી, ને એ ઉપરાંતેય બીજા કેટલાક રંગનું! એ છે કાકીડો. વળી ક્યારેક જોઉં તો તેનો કોઈ રંગ જ નહિ. ક્યારેક સગુણ તો ક્યારેક વળી નિર્ગુણ.’

‘અર્થાત્ જે વ્યક્તિ સદા-સર્વદા ઈશ્વરચિંતન કરે તે જ જાણી શકે કે ઈશ્વરનું સ્વરૂપ શું? એ વ્યક્તિ જ જાણે કે ઈશ્વર જુદે જુદે રૂપે, જુદે જુદે ભાવે દર્શન દે. તે સગુણ તેમજ નિર્ગુણ. ઝાડની નીચે જે રહે તે જાણે કે કાકીડાના જુદા જુદા રંગ હોય, તેમજ ક્યારેક તો એકેય રંગ ન હોય. બીજા માણસો નકામો વાદવિવાદ કરીને હેરાન થાય.

કબીરજી કહેતા કે ‘નિરાકાર મારો બાપ, ને સાકાર મારી મા.’ ભક્તને જે રૂપ ગમે તે રૂપે ઈશ્વર તેને દર્શન દે, કારણ પ્રભુ ભક્ત-વત્સલ.

પુરાણમાં કહ્યું છે કે વીર-ભક્ત હનુમાનને માટે કૃષ્ણ ભગવાને રામરૂપ ધારણ કર્યું હતું.’

કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા – ‘અનંતને’ જાણી ન શકાય

‘વેદાન્ત-વિચારથી રૂપબૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય, અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી ‘હું ભક્ત’ એ ભાવના રહે, ત્યાં સુધી જ ઈશ્વરના રૂપનાં દર્શન થાય અને ઈશ્વર વિષે વ્યક્તિ તરીકેનું જ્ઞાન સંભવે. વિચારની દૃષ્ટિથી જોઈએ તો ભક્તની ‘હું ભક્ત’ (Person) એ ભાવનાએ તેને ઈશ્વરથી દૂર રાખ્યો છે.

‘કાલી-રૂપ કે શ્યામ-રૂપ સાડા ત્રણ હાથનું શા માટે? સૂર્ય દૂરથી નાનો દેખાય, પણ પાસે જાઓ તો એટલો બધો મોટો દેખાય કે તેની ધારણા પણ કરી શકાય નહિ. તેમજ કાલી-રૂપ કે શ્યામ-રૂપ (કાળા) રંગનું શા માટે? એ પણ દૂર છે માટે. સરોવરનું જળ દૂરથી આસમાની, લીલું કે કાળા રંગનું દેખાય. પાસે જઈને હાથમાં લઈને જુઓ તો કશો રંગ નહિ. આકાશ દૂરથી જુઓ તો વાદળી રંગનું લાગે, પણ પાસેથી જુઓ તો કશોય રંગ નહિ.’

‘એટલે કહું છું કે વેદાંત-દર્શનના વિચાર પ્રમાણે બ્રહ્મ નિર્ગુણ, તેનું સ્વરૂપ કેવું તે મોઢેથી બોલી શકાય નહિ. પણ જ્યાં સુધી તમે પોતે સાચા, ત્યાં સુધી જગત પણ સાચું, ઈશ્વરનાં જુદાં જુદાં રૂપો પણ સાચાં, ઈશ્વરનું વ્યક્તિ તરીકેનું જ્ઞાન પણ સાચું.’

‘ભક્તિમાર્ગ તમારો માર્ગ. એ માર્ગ બહુ સહેલો. અનંત ઈશ્વરને શું જાણી શકાય? અને તે જાણવાની જરૂર પણ શી? આવો દુર્લભ મનુષ્ય-જન્મ મળ્યો છે તો આપણી જરૂર એ કે પ્રભુનાં ચરણકમળમાં ભક્તિ આવે.

એક લોટા પાણીથી જો મારી તરસ છીપે, તો આખા તળાવમાં કેટલું પાણી છે તે માપવા જવાની મારે શી જરૂર? અડધી બાટલી પીતાં જો હું ગાંડો થઈ જાઉં તો પછી કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ પડ્યો છે એ હિસાબની મને કાંઈ જરૂર ખરી? અનંતને જાણવાની જરૂર શી?’

Total Views: 412
ખંડ 6: અધ્યાય 4: બ્રહ્મનું સ્વરૂપ અનિર્વચનીય છે
ખંડ 6: અધ્યાય 6: ઈશ્વર-લાભનાં લક્ષણો - સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન