યસ્ત્વાત્મરતિરેવ સ્યાદાત્મતૃપ્તશ્ચ માનવઃ ।
આત્મન્યેવ ચ સન્તુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે ।। (ગીતા, ૩.૧૭)

શ્રીરામકૃષ્ણ: ‘વેદમાં બ્રહ્મજ્ઞાનીની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન છે. જ્ઞાનમાર્ગ બહુ કઠણ માર્ગ. સંસારભોગની વાસના, કામ-કાંચનમાં આસક્તિનો લેશમાત્ર હોય તો જ્ઞાન થાય નહિ. આ માર્ગ કલિયુગને માટે નથી.’

આ વિષયમાં વેદમાં સાત ભૂમિકાઓ (Seven Planes)ની વાત છે. એ સાત ભૂમિકાઓ મનનાં સ્થાન. મન જ્યારે સંસારમાં હોય, ત્યારે લિંગ, ગુદા અને નાભિ એ તેનાં વાસ-સ્થાન. એ વખતે મનની ઊર્ધ્વષ્ટિ ન હોય, કેવળ કામકાંચનમાં જ એ રહ્યા કરે. મનની ચોથી ભૂમિકા હૃદય. ત્યારે પ્રથમ જાગૃતિ થાય અને ચારે બાજુ જ્યોતિ-દર્શન થાય. એ વખતે એ વ્યક્તિ ઈશ્વરી જ્યોતિ જુએ અને ચક્તિ થઈને બોલી ઊઠે, ‘આ શું! આ શું!’ એ પછી મન નીચે સંસાર તરફ ન જાય.’

‘મનની પાંચમી ભૂમિકા કંઠ. જેનું મન કંઠની ભૂમિકાએ ચડ્યું હોય તેની અવિદ્યા, અજ્ઞાન બધું નીકળી જાય. તેને ઈશ્વર સંબંધી વાત વિના બીજી કોઈ વાત સાંભળવાનું કે બોલવાનું ગમે નહિ. જો કોઈ બીજી વાતો કરે તો તે ત્યાંથી ઊઠી જાય.’

‘મનની છઠ્ઠી ભૂમિકા કપાળ, ભ્રૂમધ્ય. મન ત્યાં ચડે એટલે રાતદિવસ ઈશ્વરી રૂપનાં દર્શન થાય. ત્યારે પણ જરાક ‘અહં’ રહી જાય. એ વ્યક્તિ એ નિરૂપમ રૂપનાં દર્શન કરીને ભાનભૂલ્યો થઈને એ રૂપનો સ્પર્શ અને આલિંગન કરવા જાય પણ તેમ કરી શકે નહિ. જેમ કે ફાનસની અંદર પ્રકાશ છે, આપણને થાય કે જાણે હમણાં જ પ્રકાશને અડી જઈશું, પણ કાચનો અંતરાય રહ્યો હોય એટલે અડી શકાય નહિ.

‘મસ્તક એ સાતમી ભૂમિ. મન ત્યાં પહોંચે એટલે સમાધિ થાય અને બ્રહ્મજ્ઞાનીને બ્રહ્મનાં પ્રત્યક્ષ દર્શન થાય. પરંતુ એ અવસ્થામાં શરીર વધુ દિવસ ટકે નહિ. હંમેશાં બેહોશ રહે, કશું ખાઈ શકે નહિ, મોઢામાં દૂધ રેડો તો બહાર નીકળી જાય. એ ભૂમિકામાં એકવીશ દિવસની અંદર મૃત્યુ થાય. આ છે બ્રહ્મજ્ઞાનની અવસ્થા. તમારે માટે ભક્તિમાર્ગ બહુ જ સારો અને સહજ.’

સમાધિ થવાથી કર્મત્યાગ – પૂર્વકથા – ઠાકુરનો તર્પણાદિ કર્માેનો ત્યાગ

‘મને એક જણ કહે કે ‘મહાશય! મને સમાધિ શીખવી દેશો?’ (સૌનું હાસ્ય).

‘સમાધિ થાય એટલે સર્વ કર્માેનો ત્યાગ થઈ જાય. પૂજા, જપ વગેરે કર્માે, સંસાર-વ્યવહારનાં કામ વગેરે બધાં છૂટી જાય. શરૂઆતમાં કર્માેનો ભારે ડોળ રહે. જેમ જેમ ઈશ્વર તરફ આગળ વધાય, તેમ તેમ કર્માેનો આડંબર ઘટે; એટલે સુધી કે ઈશ્વરનાં નામ, ગુણકીર્તન સુધ્ધાં બંધ થઈ જાય. (શિવનાથ પ્રત્યે) જ્યાં સુધી તમે સભામાં આવ્યા ન હો, ત્યાં સુધી તમારાં નામ, ગુણ વગેરેની વાતો ઘણીએ થાય. પણ જેવા તમે આવી પહોંચ્યા કે તરત જ એ બધી વાતો બંધ થઈ જાય. ત્યારે તો તમને જોવામાં જ આનંદ. ત્યારે લોકો કહેશે, ‘આ શિવનાથ બાબુ આવી પહોંચ્યા.’ તમારી બાબતમાં બીજી બધી વાતો બંધ થઈ જાય.’

‘મારી આ અવસ્થા થયા પછી ગંગાના જળમાં પિતૃ-તર્પણ કરવા ગયો. ત્યાં જોયું કે હાથનાં આંગળાંની વચમાંથી પાણી નીકળી જાય છે. એટલે મેં રોતાં રોતાં હલધારીને પૂછ્યુંઃ ‘મોટાભાઈ, આ શું થયું?’ હલધારીએ જવાબ આપ્યો કે એનું નામ ‘ગલિતહસ્ત’. ઈશ્વર-દર્શન પછી તર્પણાદિ કર્માે કરવાનાં રહે નહિ…

‘સંકીર્તનમાં પ્રથમ બોલે, ‘નિતાઈ મારો મસ્ત હાથી,’ ‘નિતાઈ મારો મસ્ત હાથી.’ ભાવ જામે એટલે માત્ર બોલે ‘હાથી, હાથી.’ ત્યાર પછી કેવળ ‘હાથી,’ એ એક જ શબ્દ મોઢામાં રહે. છેવટે ‘હા’ બોલતાં બોલતાં ભાવસમાધિ થાય. એટલે પછી એ વ્યક્તિ કે જે અત્યાર સુધી કીર્તન કરતો હતો તે ચૂપ થઈ જાય.

‘જેમ કે બ્રાહ્મણ ભોજન વખતે આરંભમાં ખૂબ શોરબકોર થઈ રહે. જ્યારે બધા પંગતમાં પાતળ પર બેસી જાય, ત્યારે ઘણોખરો ઘોંઘાટ ઓછો થઈ જાય, માત્ર ‘લાડુ લાવો, પૂરી મોકલો,’ એવા અવાજો થયા કરે. ત્યાર પછી જ્યારે લાડુ, પૂરી, શાક વગેરે ખાવાની શરૂઆત થાય ત્યારે અવાજ બાર આના ઓછો થઈ જાય. અને છેવટે દાળભાત વખતે કેવળ ‘સુપ, સુપ!’ (સૌનું હાસ્ય). અવાજ નહિ એમ કહીએ તોય ચાલે. અને જમ્યા પછી નિદ્રા! એ વખતે બધું શાંત.

‘એટલે કહું છું કે પ્રથમ પ્રથમ કર્માેની મોટી ભાંજગડ હોય. ઈશ્વર તરફ જેટલા આગળ વધો તેટલાં કર્માે ઓછાં થતાં જાય, છેવટે કર્મત્યાગ અને સમાધિ.’

‘ગૃહસ્થ માણસના ઘરની વહુ બેજીવવાળી થાય એટલે સાસુ તેનું ઘરકામ ઘટાડી નાખે. દસ મહિને કામ લગભગ કરવા ન દે. અને બાળક આવે એટલે કામ સાવ બંધ. મા છોકરાને લઈને માત્ર હર્યાફર્યા કરે. ઘરનું કામકાજ સાસુ, નણંદ, દેરાણી વગેરે બધાં કરે.’

અવતારાદિનું સમાધિ પછીનું શરીર લોકશિક્ષણ માટે જ

‘સમાધિ-મગ્ન થયા પછી શરીર ઘણે ભાગે ટકે નહિ. કવચિત્ કોઈ કોઈનું શરીર લોકોપદેશ માટે રહે, જેમ કે નારદ વગેરેનાં અને ચૈતન્યદેવ જેવા અવતારી પુરુષોનાં. કૂવો ખોદાઈ રહે એટલે કોઈ કોઈ માણસ ખોદવાનાં સાધન બધાં કાઢી નાંખે. કોઈ વળી રાખી પણ મૂકે, એમ ધારીને કે કદાચ પાડોશમાં કોઈને ખપમાં આવશે. એવા મહાપુરુષો જીવોનાં દુઃખ જોઈને દુઃખી થાય. એ લોકો સ્વાર્થપરાયણ નહિ કે પોતાને (આત્મજ્ઞાન) થયું એટલે બસ. સ્વાર્થી લોકોનું તો તમે જાણો છો ને? – કે અહીં મૂતરવાનું કહો તો તે ન મૂતરે! વખતે તમને તેથી ફાયદો થઈ જાય તો? (સૌનું હાસ્ય). એક પૈસાની સાકર દુકાનેથી લાવવાનું કહ્યું હોય તો એ પણ ચૂસી ચૂસીને લાવે.’ (સૌનું હાસ્ય).

‘પણ શક્તિમાં ભેદ છે. સામાન્ય માણસ લોકોપદેશ કરતાં ડરે. પોલું લાકડું પોતે જેમ તેમ કરીને તર્યે જાય, પણ એક પંખી સરખું ય આવીને ઉપર બેસે તો ડૂબી જાય. પણ નારદ વગેરે ઇમારતી લાકડાં જેવા. એ લાકડાં પોતે તો તર્યે જાય, પણ પોતાની ઉપર બીજાં કેટલાંય માણસો, ગાય, હાથી સુધ્ધાંને લઈ જઈ શકે.

Total Views: 385
ખંડ 6: અધ્યાય 5: ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર?
ખંડ 6: અધ્યાય 7: બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન