અષ્ટપૂર્વં હૃષિતોઽસ્મિ દૃષ્ટ્વા, ભયેન ચ પ્રવ્યથિતં મનો મે ।
તદેવ મે દર્શય દેવ રૂપં, પ્રસીદ દેવેશ જગન્નિવાસ ।। (ગીતા, ૧૧.૪૫)

પૂર્વકથા – દક્ષિણેશ્વરમાં રાધાકાંતના મંદિરમાં ઘરેણાંની ચોરી – ૧૮૬૯

શ્રીરામકૃષ્ણ (શિવનાથ વગેરે પ્રત્યે): હેં ભાઈ! તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે? મેં કેશવ સેનને પણ આ વાત કહી હતી. એક દિવસ તેઓ બધા ત્યાં કાલીમંદિરે આવ્યા હતા. મેં કહ્યું કે તમે કેવી રીતે લેકચર આપો છો તે મારે સાંભળવું છે. એટલે ગંગાના ઘાટ ઉપરના મંડપમાં સભા ભરી. કેશવ બોલવા લાગ્યા. મજાનું બોલ્યા. મને ભાવસમાધિ થઈ ગઈ. ભાષણ પૂરું થયા પછી મેં કેશવને પૂછ્યું, ‘તમે આ બધું શા માટે બોલો છો?’ – કે ‘હે ઈશ્વર, તમે કેવાં સુંદર ફૂલ બનાવ્યાં છે, તમે આકાશ ર્સું છે, તમે તારાઓની રચના કરી છે, તમે સમુદ્ર બનાવ્યો છે, એ બધું?’ જેઓ પોતે ઐશ્વર્ય ચાહતા હોય, તેઓને ઈશ્વરના ઐશ્વર્યનું વર્ણન કરવાનું ગમે. જ્યારે દક્ષિણેશ્વરમાં શ્રીરાધાકાંતનાં ઘરેણાં ચોરાઈ ગયાં ત્યારે મથુરબાબુ (રાણી રાસમણિના જમાઈ) રાધાકાંતના મંદિરમાં જઈને કહેવા લાગ્યા કે, હટ્ ઠાકોરજી, ‘તમે તમારાં ઘરેણાંનું રક્ષણ કરી શક્યા નહિ!’ મેં મથુરબાબુને કહ્યું, ‘આ તમારી કેવી બુદ્ધિ! લક્ષ્મી પોતે જેની દાસી થઈને ચરણ ચાંપે, તેમને શું ઐશ્વર્યનો અભાવ? એ ઘરેણાં તમારી નજરે બહુ ભારે વસ્તુ, પણ ઈશ્વરની દૃષ્ટિએ તો એ થોડાંક માટીનાં ઢેફાં! છિ, છિ, છિ! એવી હીણબુદ્ધિની વાત કરવી નહિ. તમે તેમને કયું ઐશ્વર્ય આપી શકવાના હતા? એટલે કહું છું કે જેને લઈને આનંદ મળે તેને જ લોકો ચાહે. તેનું ઘર ક્યાં, તેનાં કેટલાં મકાન, કેટલા બગીચા, કેટલું ધન, માણસો, કેટલાં દાસદાસી એ બધી માહિતીનું કામ શું? નરેન્દ્રને જોઉં એટલે હું બધું ભૂલી જાઉં કે ક્યાં તેનું ઘર, તેના બાપા શું કામ કરે છે, તેને કેટલા ભાઈ વગેરે. એ બધી વિગતો એક દિવસેય ભૂલથી પણ પૂછી નથી. ઈશ્વરના માધુર્ય રસમાં ડૂબી જાઓ. તેની અનંત સૃષ્ટિ, તેનું અનંત ઐશ્વર્ય! એ બધી માહિતીની આપણે જરૂર શી?

પંડિત શિવનાથ શાસ્ત્રી

એમ કહીને પરમહંસદેવે ગંધર્વનેય શરમાવે એવા કંઠથી એક મધુરતાપૂર્ણ ગીત ઉપાડ્યુંઃ

‘ડૂબ, ડૂબ, ડૂબ રૂપ-સાગરે મારા મન,
તલાતલ પાતાલ શોધ્યે, મળશે રે પ્રેમરત્ન ધન…
શોધ, શોધ, શોધ, શોધ્યે દેખીશ હૃદયમાંહિ વૃંદાવન,
ઝળ, ઝળ, ઝળ, જ્ઞાનનો દીવો, બળે હૃદયમાં સર્વક્ષણ…
સન, સન, સન જીવન-હોડી ચલાવનારો એ કોણ જણ,
કુબીર કહે સુણ, સુણ, સ્મર રે ગુરુનાં શ્રીચરણ…

પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી (લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. રાવણની વૃદ્ધ મા નિકષા જીવ લઈને નાસવા લાગી. એ જોઈને લક્ષ્મણ બોલી ઊઠ્યા, ‘રામ! આ કેવું વિચિત્ર! આ નિકષા આટલી વૃદ્ધ, આટઆટલો પુત્ર શોક થયો છે, તેને પણ મરવાની આટલી બધી બીક કે જેથી એ જીવ લઈને નાસે છે!’ રામચંદ્રે નિકષાને અભયદાન આપીને સામે બોલાવી પૂછ્યું. એટલે નિકષાએ જવાબ આપ્યો કે ‘રામ! આટલા દિવસ જીવતી રહી છું તો તમારી આટલી લીલા જોવા મળી. એટલે હજી જીવતા રહેવાની ઇચ્છા છે, કે જેથી હજુયે તમારી લીલા જોવા મળે.’ (સૌનું હાસ્ય).

(શિવનાથને) તમને મળવાની ઇચ્છા થાય. શુદ્ધાત્માઓને જોયા વગર જીવવું શેને આધારે? શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો જેવા લાગે!’

એક બ્રાહ્મભક્તે પૂછ્યું – ‘મહાશય, આપ પૂર્વજન્મમાં માનો છો?’

જન્માંતર – ‘બહૂનિ મે વ્યતીતાનિ જન્માનિ તવ ચાર્જુન’

શ્રીરામકૃષ્ણ: હા, સાંભળ્યું છે કે પૂર્વજન્મ છે. ઈશ્વરની રચના આપણે જરાક જેટલી બુદ્ધિથી શું સમજી શકીએ? ઘણા લોકો કહી ગયા છે, એટલે અવિશ્વાસ કરી શકતા નથી. ભીષ્મ-પિતામહ દેહ ત્યાગ કરવાને સમયે શરશય્યામાં સૂતેલા છે. પાસે શ્રીકૃષ્ણની સાથે પાંડવો ઊભા છે. એ લોકોએ જોયું કે પિતામહ ભીષ્મની આંખમાંથી આંસુ વહે છે. તેથી અર્જુને શ્રીકૃષ્ણને કહ્યુંઃ ‘ભાઈ, શી નવાઈની વાત! આ પિતામહ, કે જે ભીષ્મદેવ, સત્યવાદી, જીતેંદ્રિય, જ્ઞાની, અષ્ટ વસુ માંહેના એક, એ પણ દેહત્યાગના સમયે મોહ પામીને રુદન કરે છે!’ શ્રીકૃષ્ણે એ વાત ભીષ્મ-પિતામહને કહી. એટલે તેઓ બોલ્યા, ‘કૃષ્ણ! આપ બરાબર જાણો છો કે હું એને માટે રડતો નથી. પણ જ્યારે વિચાર આવે છે કે ‘સ્વયં ભગવાન પાંડવોના સારથિ, છતાં તેમને પણ દુઃખ, વિપત્તિનો આરોઓવારો નથી, ત્યારે એ વિચારથી મને રડવું આવે છે કે ભગવાનનું કાર્ય હું કશું સમજી શક્યો નહિ.’

કીર્તનાનંદે – ભક્તો સંગે

એ પછી સમાજગૃહમાં સંધ્યાકાળની ઉપાસના થઈ. રાત્રિના લગભગ સાડા આઠ. સંધ્યા પછી થોડીવારમાં અજવાળી રાતની ચાંદની ખીલી ઊઠી. ઉદ્યાનની વૃક્ષરાજિ, લતા-પલ્લવ શરદ્ચંદ્રનાં વિમલ કિરણોમાં તરવા લાગ્યાં. આ બાજુ સમાજગૃહમાં સંકીર્તન શરૂ થયું. ભગવાન શ્રીરામકૃષ્ણ હરિપ્રેમમાં મસ્ત થઈને નાચી રહ્યા છે. બ્રાહ્મભક્તો પણ ખોલ-કરતાલ લઈ તેમને ઘેરી વળીને નાચી રહ્યા છે. સૌ કોઈ ભાવાવેશમાં મસ્ત, જાણે કે શ્રીભગવાનનો સાક્ષાત્કાર થયો છે. હરિનામનો અવાજ ઉપરાઉપરી ઊંચો જઈ રહ્યો છે. ચારેબાજુએ ગામના લોકો હરિનામ સાંભળી રહ્યા છે અને મનમાં મનમાં બગીચાના માલિક ભક્ત વેણીમાધવને કેટલાય ધન્યવાદ દઈ રહ્યા છે.

કીર્તન પૂરું થયું એટલે શ્રીરામકૃષ્ણ જમીન પર મસ્તક નમાવીને જગન્માતાને પ્રણામ કરે છે. પ્રણામ કરતાં કરતાં બોલે છેઃ ‘ભાગવત, ભક્ત, ભગવાન; જ્ઞાનીને ચરણે પ્રણામ, ભક્તને ચરણે પ્રણામ; સાકારવાદી ભક્તોને ચરણે પ્રણામ, નિરાકારવાદી ભક્તોને ચરણે પ્રણામ; આગળના બ્રહ્મજ્ઞાનીઓને ચરણે પ્રણામ, અત્યારના બ્રાહ્મસમાજીઓના બ્રહ્મજ્ઞાનીઓને ચરણેય પ્રણામ.

ઘરમાલિક શ્રીયુત્ વેણીમાધવ પાલે એકત્રિત થયેલા સર્વ ભક્તોને સંતોષપૂર્વક જમાડ્યા. શ્રીરામકૃષ્ણે પણ ભક્તોની સાથે બેસીને આનંદ કરતાં કરતાં પ્રસાદ લીધો.

Total Views: 438
ખંડ 6: અધ્યાય 6: ઈશ્વર-લાભનાં લક્ષણો - સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન
ખંડ 7: અધ્યાય 1: સર્કસ રંગાલયમાં - ગૃહસ્થ તથા બીજા કર્મીઓની કઠિન સમસ્યા અને શ્રીરામકૃષ્ણ