ઠાકુર શ્રીરામકૃષ્ણે જે દિવસે સર્કસ જોયું, તેને બીજે જ દિવસે વળી પાછા કોલકાતા પધાર્યા છે. ગુરુવાર, તા. ૧૬મી નવેમ્બર, ઈ.સ. ૧૮૮૨, કાર્તક સુદ છઠ. પહેલી અગ્રહાયણ (માગશર). આવતાં વેંત જ પહેલાં ગરાણ-હાટા (અત્યારે નીલતલા સ્ટ્રીટ)માં ષડ્ભુજ- મહાપ્રભુનાં દર્શન કર્યાં. ત્યાં વૈષ્ણવ સાધુઓનો અખાડો છે, મહંત શ્રીગિરિધારીદાસ. ત્યાં ષડ્ભુજ-મહાપ્રભુની સેવા કેટલાય વખતથી ચાલી આવે છે. ઠાકુરે સાંજે દર્શન કર્યાં.

સંધ્યાની જરાક વાર પછી ઠાકુર સિમુલિયા નિવાસી શ્રીયુત્ રાજમોહનને ઘેર ગાડી કરીને આવી પહોંચ્યા. ઠાકુરે સાંભળેલું કે ત્યાં નરેન્દ્ર વગેરે યુવકો મળીને બ્રાહ્મસમાજની ઉપાસના કરે છે. એટલે એ જોવા આવ્યા છે. માસ્ટર અને બીજા એક બે ભક્તો પણ સાથે છે. શ્રીયુત્ રાજમોહન જૂના બ્રાહ્મ-સમાજી ભક્ત.

બ્રાહ્મભક્ત અને સર્વત્યાગ અથવા સંન્યાસ

ઠાકુર નરેન્દ્રને જોઈને રાજી થયા અને બોલ્યા કે તમારી ઉપાસના જોવી છે. નરેન્દ્ર ગીત ગાવા લાગ્યા. શ્રીયુત્ પ્રિય વગેરે છોકરાઓ કોઈ કોઈ હાજર હતા.

હવે ઉપાસના થાય છે. છોકરાઓમાંથી એક જણ ઉપાસના કરે છે. એ પ્રાર્થના કરે છે, ‘હે ભગવાન, એવું કરો કે જાણે અમે બધું છોડી દઈને તમારામાં મગ્ન થઈએ.’ એમ લાગે છે કે ઠાકુર શ્રીરામકૃષ્ણને જોઈને તેને વૈરાગ્યનું ઉદ્દીપન થયું છે, એટલે સર્વત્યાગની વાત કરે છે. માસ્ટર ઠાકુરની ખૂબ નજીક બેઠા હતા, એટલે એ જ માત્ર સાંભળી શક્યા કે ઠાકુર સાવ ધીમે અવાજે કહે છે કે, ‘એ તો હવે થઈ રહ્યું!’

શ્રીરાજમોહન ઠાકુરને નાસ્તો કરાવવા માટે ઘરની અંદરના ભાગમાં લઈ જાય છે.

Total Views: 364
ખંડ 7: અધ્યાય 1: સર્કસ રંગાલયમાં - ગૃહસ્થ તથા બીજા કર્મીઓની કઠિન સમસ્યા અને શ્રીરામકૃષ્ણ
ખંડ 7: અધ્યાય 3: શ્રીમનોમોહન અને શ્રીસુરેન્દ્રના ઘરે શ્રીરામકૃષ્ણ