ત્યાર પછીને રવિવાર, ૧૯ નવેમ્બર, ૧૮૮૨નારોજ શ્રી જગદ્ધાત્રી-પૂજા. સુરેન્દ્રે ઠાકુરને આમંત્રણ આપ્યું છે, એટલે એ ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં આંટા માર્યા કરે છે; એમ કે ક્યારે ઠાકુરે પધારે. માસ્ટરને જોઈને એ કહે છે કે ‘તમે આવ્યા છો, અને તેઓ ક્યાં!’ એટલામાં ઠાકુરની ગાડી આવી પહોંચી. પાસે શ્રીયુત્ મનોમોહનનું ઘર, ઠાકુર પહેલાં ત્યાં ઊતર્યા, ત્યાં જરાક આરામ લઈને સુરેન્દ્રને ઘેર આવવાના.

મનોમોહન મિત્રનું ઘર (સિમુલિયા)

મનોમોહનના દીવાનખાનામાં ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું ઐશ્વર્ય બતાવવા લાગ્યો, પરંતુ તેને ઘેર ભગવાન ગયા નહિ, તેઓ વિદુરને ઘેર ગયા. તેઓ ભક્તવત્સલ. વાછરડાની પાછળ જેમ ગાય દોડે, એવી રીતે ભગવાન ભક્તની પાછળ પાછળ જાય. ઠાકુર ગીત ગાય છેઃ

એ ભાવ માટે પરમ યોગી, યોગ કરે યુગ-યુગાન્તરે,
થયે ભાવનો ઉદય, ખેંચી લે તેવો, જેવો ચુંબક લોઢું ધરે.

‘ચૈતન્યદેવને કૃષ્ણનું નામ સાંભળતાં આંસુ ઝરતાં. ઈશ્વર જ ખરી વસ્તુ, બીજું બધું ખોટું. માણસ ધારે તો ઈશ્વર-પ્રાપ્તિ કરી શકે. પરંતુ તે કામિની-કાંચનનો ઉપભોગ કરવામાં જ મશગૂલ. માથા પર મણિ રહ્યો છે, છતાં સાપ દેડકાં ખાતો ફરે!’

‘ભક્તિ જ સાર. ઈશ્વરને તર્ક-વિચાર કરીને કોણ જાણી શકે. આપણે જરૂર છે ભક્તિની. ઈશ્વરનું ઐશ્વર્ય અનંત, એ બધું જાણવાની આપણે શી જરૂર? એક બાટલી દારૂથી જો હું પાગલ થઈ જાઉં, તો કલાલની દુકાનમાં કેટલાં પીપ દારૂ પડ્યો છે એ બધી વિગતની મને કઈ જરૂર? એક લોટો પાણીથી જો મારી તરસ છીપે, તો પછી આખી પૃથ્વીમાં કેટલું જળ છે એ માહિતી લેવા જવાની મારે કાંઈ જરૂર ખરી?’

સુરેન્દ્રના મોટાભાઈ અને ન્યાયાધીશનો હોદ્દો – જાતિભેદ – Caste-System and the Problem of the Untouchables Solved – Theosophy

શ્રીરામકૃષ્ણ હવે સુરેન્દ્રને ઘેર પધાર્યા છે. આવીને બીજે માળે દીવાનખાનામાં બેઠા છે. સુરેન્દ્રના વચલા ભાઈ મેજિસ્ટ્રેટ, એ પણ હાજર છે. ઘણાય ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર સુરેન્દ્રના ભાઈને કહે છેઃ ‘આપ જજ, તે મજાનું, પણ એટલું જાણજો કે બધુંય ઈશ્વરની શક્તિથી. મોટી પદવી ઈશ્વરે જ આપી છે એટલે મળી છે. માણસો મનમાં માને કે અમે મોટા લોકો. અગાસીનું પાણી સિંહના મોઢાવાળા નળમાં થઈને પડે. એમ લાગે કે જાણે સિંહ મોઢામાંથી પાણી કાઢી રહ્યો છે. પરંતુ જુઓ તો, ક્યાંનું પાણી? ક્યાં આકાશમાં વાદળાં, તેનું પાણી અગાસીમાં પડે, એ વહેતું વહેતું નળમાં જાય, ત્યાર પછી સિંહના મોઢામાંથી બહાર નીકળે.’

સુરેન્દ્રના ભાઈ: મહાશય, બ્રાહ્મ-સમાજમાં કહે છે કે સ્ત્રીઓને સ્વાતંત્ર્ય આપો; જાતિભેદ કાઢી નાખો; એ બધું આપને શું લાગે છે?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વર ઉપર નવો નવો પ્રેમ જન્મે ત્યારે એમ થાય. તોફાન થાય ત્યારે ખૂબ ધૂળ ઊડે. એ વખતે કયું આંબલીનું કે કયું આંબાનું ઝાડ એ ખબર ન પડે. તોફાન જ્યારે શમે, ત્યારે સમજી શકાય. એમ નવી ઈશ્વર-પ્રીતિનું તોફાન જ્યારે શમી જાય ત્યારે પછી સમજાય કે ઈશ્વર જ શ્રેય, નિત્ય પદાર્થ, બીજું બધું અનિત્ય. સાધુ-સંગ, તપસ્યા કર્યા વિના આ બધાંની ધારણા થાય નહિ. પખવાજના બોલ મોઢે બોલ્યે શું વળે? હાથમાં ઉતારવા બહુ કઠણ! એકલાં લેકચર દીધે શું વળે? તપસ્યા જોઈએ, ત્યારે ધારણા થાય.

‘જાતિભેદ? જાતિભેદ માત્ર એક ઉપાયથી નીકળી શકે. એ ઉપાય છે ભક્તિ. ભક્તોને જાત ન હોય. ભક્તિથી અસ્પૃશ્ય જાત શુદ્ધ થાય. ચાંડાળ પણ ભક્તિ હોય તો પછી ચંડાળ રહે નહિ. ચૈતન્યદેવે ચંડાળ સુધ્ધાંને આલિંગન આપ્યું હતું.

‘બ્રાહ્મ-સમાજીઓ હરિનામ લે એ ઘણું સારું. આતુર થઈને સમર્યે, ભગવાનની કૃપા થાય, ઈશ્વર પ્રાપ્તિ થાય.’

‘બધા માર્ગાેએ થઈને ઈશ્વરને પામી શકાય. એક જ ઈશ્વરને વિવિધ નામે બોલાવે છે. જેમ કે એક ઘાટેથી પાણી હિંદુઓ પીએ છે, તેઓ કહેશે જળ; બીજે એક ઘાટે ખ્રિસ્તીઓ પીએ, તેઓ કહેશે વોટર; ત્રીજે ઘાટે મુસલમાનો પીએ, તેઓ કહેશે પાની.’

સુરેન્દ્રના ભાઈ: મહાશય, થિયોસોફી આપને શું લાગે છે?

શ્રીરામકૃષ્ણ: સાંભળ્યું છે કે એમાં ચમત્કારો (Miracles) વગેરેનું કહે છે. દેવ મોડલને ઘેર જોયો હતો એક જણ પિશાચસિદ્ધ. પિશાચ એને કેટલીયે વસ્તુઓ લાવી દેતો. એવી શક્તિઓ લઈને શું કરવું? એમનાથી શું કંઈ ઈશ્વરપ્રાપ્તિ થાય? જો ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ તો પછી બધુંય ખોટું!

Total Views: 403
ખંડ 7: અધ્યાય 2: ષડ્ભુજદર્શન અને શ્રીરાજમોહનના ઘરે શુભાગમન - નરેન્દ્ર
ખંડ 7: અધ્યાય 4: મણિ મલ્લિકના બ્રાહ્મોત્સવમાં ઠાકુર શ્રીરામકૃષ્ણ