ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ મણિલાલ મલ્લિકના સિંદુરિયાપટીને મકાને ભક્તો સાથે પધાર્યા છે. ત્યાં દર વરસે બ્રાહ્મ-સમાજનો ઉત્સવ થાય. બપોર નમી ગયા છે, સમય ચારેક વાગ્યાનો. આજે બ્રાહ્મ-સમાજનો વાર્ષિક ઉત્સવ. ઈ.સ. ૧૮૮૨, ૨૬મી નવેમ્બર. શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી અને કેટલાય બ્રાહ્મભક્તો તથા શ્રી પ્રેમચાંદ બડાલ અને ઘરમાલિકના બીજા મિત્રો આવેલા છે. માસ્ટર વગેરે ઠાકુરની સાથે છે.

મણિ મલ્લિકનું સિંદુરિયાપાટીનું મકાન

શ્રીયુત્ મણિલાલે ભક્તોની સેવા માટે ભોજન વગેરેની ખૂબ તૈયારી કરી છે. પ્રહ્લાદ-ચારિત્રની કથા થવાની છે. ત્યાર પછી બ્રાહ્મ-સમાજની ઉપાસના થવાની. છેવટે ભક્તજનો પ્રસાદ લેવાના.

શ્રીયુત્ વિજય હજી બ્રાહ્મસમાજમાં જ છે. આજની ઉપાસના એ ચલાવવાના છે. તેમણે હજી ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં નથી.

કથાકાર મહારાજ પ્રહ્લાદ-ચરિત્રની કથા કરી રહ્યા છે. પિતા હિરણ્યકશિપુ હરિની નિંદા અને પુત્ર પ્રહ્લાદને વારંવાર મારપીટ વગેરે કરી રહ્યા છે. પ્રહ્લાદ હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરે છે ને બોલી રહ્યા છેઃ ‘હે પ્રભુ! પિતાને સદ્બુદ્ધિ આપો.’ ઠાકુર શ્રીરામકૃષ્ણ એ શબ્દો સાંભળીને આંસુ સારે છે. શ્રીયુત્ વિજય વગેરે ઠાકુરની પાસે બેઠા છે. ઠાકુરને ભાવ-અવસ્થા થઈ છે.

શ્રીવિજયગોસ્વામી આદિ બ્રાહ્મભક્તોને ઉપદેશ – ઈશ્વર-દર્શન અને આદેશ પ્રાપ્તિ પછી લોકશિક્ષણ

થોડી વાર પછી શ્રીરામકૃષ્ણ વિજય વગેરે ભક્તોને કહે છે, ‘ભક્તિ જ સાર વસ્તુ. ઈશ્વરનું નામ, ગુણકીર્તન હમેશાં કરતાં કરતાં ભક્તિ-પ્રાપ્તિ થાય. અહા, શિવનાથની શી ભક્તિ! જાણે કે ચાસણીમાં નાખેલું માવાનું જાંબુ!’

‘એમ ધારવું એ સારું નહિ કે મારો ધર્મ જ સારો ને બીજાના બધાના ધર્માે ખોટા. બધા માર્ગાેએ થઈને ઈશ્વરને પામી શકાય. હૃદયની વ્યાકુળતા હોય તો બસ. અનંત પથ, અનંત મત.

‘જુઓ, ઈશ્વરને જોઈ શકાય. વેદમાં તેને અવાઙમનસગોચરમ્ કહ્યા છે. એનો અર્થ એ કે એ વિષયાસક્ત મનથી અગોચર. વૈષ્ણવચરણ કહેતો કે ઈશ્વર શુદ્ધ મન, શુદ્ધ બુદ્ધિથી ગોચર (મનઃ એવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયોઃ । બન્ધાય વિષયાસંગિ મોક્ષે નિર્વિષયં સ્મૃતમિતિ ।। – મૈત્રાયણી ઉપનિષદ્, ૬.૩૪) -એટલે સાધુ-સંગ, પ્રાર્થના, ગુરુનો ઉપદેશ એ બધાંની જરૂર. ત્યારે ચિત્તશુદ્ધિ થાય. ત્યાર પછી ઈશ્વરનાં દર્શન થાય. ડહોળાં પાણીમાં ફટકડી નાખવાથી સાફ થાય ત્યારે તેમાં મોઢું દેખાય. મેલા અરીસામાં મોઢું દેખાય નહિ.’

‘ચિત્તશુદ્ધિ થયા પછી, ભક્તિ-પ્રાપ્તિ કર્યા પછી ઈશ્વર કૃપાથી તેનાં દર્શન થાય. દર્શન થયા પછી તેનો આદેશ મળે, ત્યારે લોકોપદેશ કરી શકાય. એ પહેલાં જ લેકચર દેવાં એ સારું નહિ. એક ગીતમાં છે કેઃ

‘વિચારો છો શું મન એકલા બેસી, અનુરાગ વિના શું ચાંદ ગૌર મળે?
મંદિરમાં તારા નહિ રે માધવ, શંખ ફૂંકી તેં કર્યો રે શોર;
અગિયાર તારાં ચામાચિડિયાં, રાતદિ’ થાણું નાખી પડ્યાં.’ …

‘માટે પ્રથમ હૃદય-મંદિર સાફ કરવું જોઈએ, દેવ-પ્રતિમા લાવવી જોઈએ, પૂજાની તૈયારી કરવી જોઈએ. આ તો કશી તૈયારી નહિ ને અમથો ભોં ભોં કરીને શંખ વગાડવો! એથી શું વળે?’

હવે શ્રીયુત્ વિજય ગોસ્વામી વેદી ઉપર બેસીને બ્રાહ્મસમાજની પદ્ધતિ પ્રમાણે ઉપાસના કરે છે. ઉપાસના પૂરી થયા પછી એ ઠાકુરની પાસે આવીને બેઠા.

શ્રીરામકૃષ્ણ (વિજયને): વારુ, તમે આટલું બધું ‘પાપ’ ‘પાપ’ બોલ્યા કરતા’તા શું કામ? એકસો વાર ‘હું પાપી, હું પાપી’ એમ બોલવાથી માણસ એવો જ થઈ જાય. એવી શ્રદ્ધા રાખવી જોઈએ કે મેં ભગવાનનું નામ લીધું ને પછી વળી મારામાં પાપ રહેશે શું? ભગવાન તો આપણાં માબાપ! તેમને કહો કે પ્રભુ, મેં પાપ કર્યાં છે, પણ હવે કદી નહિ કરું. અને ભગવાનનું નામ લો, તેનું નામ લઈને સૌ કોઈ દેહ, મન પવિત્ર કરો, જીભ પવિત્ર કરો.

Total Views: 457
ખંડ 7: અધ્યાય 3: શ્રીમનોમોહન અને શ્રીસુરેન્દ્રના ઘરે શ્રીરામકૃષ્ણ
ખંડ 8: અધ્યાય 1: મુક્ત પુરુષનો દેહત્યાગ શું આત્મહત્યા છે?