અહંકારવિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે । (ગીતા, ૩.૨૭)

વિજય: મહાશય! શા માટે અમે લોકો આવી રીતે બદ્ધ થયેલા છીએ? શા માટે ઈશ્વરને દેખી શકતા નથી?

શ્રીરામકૃષ્ણ: જીવનો અહંકાર જ માયા. આ અહંકારે બધું ઢાંકી દીધું છે. ‘હું’ મર્યે મટે જંજાળ! જો ઈશ્વરકૃપાથી ‘હું અકર્તા’ એવું જ્ઞાન થઈ ગયું, તો પછી એ વ્યક્તિ તો જીવન્મુક્ત થઈ ગઈ. પછી તેને ડર નહિ.

‘આ માયા અથવા અહંતા જાણે કે વાદળા જેવી. એક સાધારણ નાના સરખા વાદળાને લીધે પણ સૂર્યને દેખી શકાય નહિ. વાદળું હઠી જાય તો જ સૂર્યને જોઈ શકાય. જો ગુરુ-કૃપાથી એક વાર અહંતા નીકળી જાય, તો ઈશ્વર-દર્શન થાય.

‘અઢી હાથને અંતરે શ્રીરામચંદ્ર, કે જે સાક્ષાત્ ઈશ્વર; વચમાં સીતારૂપી માયાની આડ છે એટલે લક્ષ્મણરૂપી જીવ એ ઈશ્વરને જોઈ શકતો નથી. આમ જુઓ, હું આ અંગૂછાથી મારા મોઢા સામે આડ કરું છું. હવે તમે મને દેખી શકતા નથી, છતાં હું આટલો નજીક છું. એ પ્રમાણે ભગવાન સૌથી વધુ નજીક છે, તોય આ માયાના આવરણને લીધે તેને દેખી શકતા નથી. ‘જીવો છે તો મૂળે સચ્ચિદાનંદ સ્વરૂપ, પણ આ માયા અથવા અહંકારને લીધે તેમને જુદી જુદી જાતની ઉપાધિ આવી પડી છે અને તેથી તેઓ પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે.’

‘જુદી જુદી ઉપાધિ આવે અને એ સાથે જીવનો સ્વભાવ બદલાતો જાય. જેણે કાળી કિનારનું ધોતિયું પહેરેલું હોય તેને જોજો કે મોઢામાં એકાદું નાટકનું ગાયન આવી જાય. એ ઉપરાંત ગંજીફે રમવાનું, ફરવા જતાં હાથમાં સોટી (જીૌબં), એવું એવું આવીને વળગે. એકાદો દૂબળો માણસ પણ જો બૂટ મોજાં પહેરે, તો તરત તે મોઢેથી સીટી વગાડવા લાગે, દાદરો ચઢતાં સાહેબ લોકોની પેઠે છલાંગ મારીને ચઢે. માણસના હાથમાં જો કલમ આવે તો કલમનો જ એવો પ્રભાવ, કે તરત એકાદો કાગળ-બાગળ હાથમાં લઈને તે તેના પર સર સર કરતોને લીટા તાણવા લાગે.’

‘પૈસા પણ એક મોટી ઉપાધિ. પૈસાવાળો થતાં જ માણસ જુદા પ્રકારનો થઈ જાય. એનો એ માણસ ન રહે. અહીં એક બ્રાહ્મણ આવજા કરતો. બહારથી સારો વિનયી હતો. થોડાક દિવસ પછી અમે કોન્નગર ગયા. હૃદય પણ સાથે હતો. અમે હોડીમાંથી જેવા ઊતર્યા કે તરત જ દેખાયું કે એ બ્રાહ્મણ ગંગાને કિનારે બેઠો છે. એમ લાગ્યું કે હવા ખાતો હશે. અમને દેખીને બોલ્યો, ‘કેમ ઠાકુર, કેમ છો?’ તેના બોલવાની રીત જોઈને મેં હૃદયને કહ્યું, ‘અરે હૃદુ! આની પાસે પૈસા ભેગા થયા છે, એટલે તેનું બોલવાનું આવી રીતે છે.’ હૃદય પણ હસવા લાગ્યો.’

 

‘એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી બહાર આવી ખૂબ ખીજવાઈ જઈને હાથીની સામે લાત ઉગામવા લાગ્યો અને બોલ્યોઃ ‘તારી એટલી બધી હિંમત કે તું મને ઓળંગીને ચાલે?’ પૈસાનો એટલો અહંકાર.

સપ્તભૂમિ – અહંકાર ક્યારે જાય – બ્રહ્મજ્ઞાનની અવસ્થા

જ્ઞાન-પ્રાપ્તિ થાય ત્યારે અહંકાર નીકળી જાય. જ્ઞાન-પ્રાપ્તિ થયે સમાધિ થાય. સમાધિ થાય ત્યારે જ અહંકાર જાય. એ જ્ઞાનલાભ ખૂબ જ કઠિન. વેદમાં છે કે સપ્તભૂમિએ મન આવે ત્યારે સમાધિ થાય, સમાધિ થાય ત્યારે અહં જઈ શકે.

સાધારણ રીતે મન રહે ક્યાં? પ્રથમની ત્રણ ભૂમિકાઓએ. લિંગ, ગુદા અને નાભિ, એ ત્રણ ભૂમિકા. એ વખતે મનની આસક્તિ કેવળ સંસારમાં, કામ-કાંચનમાં હોય. મનની સ્થિતિ જ્યારે હૃદયમાં હોય, ત્યારે ઈશ્વરી જ્યોતિનાં દર્શન થાય. એ વ્યક્તિ જ્યોતિ-દર્શન કરી બોલી ઊઠે, ‘આ શું! આ શું!’ ત્યાર પછી કંઠે. મનની સ્થિતિ જ્યારે ત્યાં થાય, ત્યારે કેવળ ઈશ્વર સંબંધી વાતો કહેવાની અને સાંભળવાની ઇચ્છા થાય. ત્યાર પછી કપાળે, ભ્રૂમધ્યમાં મન ચઢે ત્યારે સચ્ચિદાનંદ-સ્વરૂપનું દર્શન થાય. એ રૂપનું આલિંગન, સ્પર્શ કરવાની ઇચ્છા થાય, પણ કરી શકાય નહિ. જેમ ફાનસની અંદરનો પ્રકાશ દેખાય પણ તેને અડી શકાય નહિ. અડું અડું એમ લાગે પણ અડાય નહિ તેમ. સાતમી ભૂમિકાએ જ્યારે મન ચડે ત્યારે પછી અહંકાર રહે નહિ, સમાધિ થાય.

વિજય: ત્યાં પહોંચ્યા પછી, જ્યારે બ્રહ્મ-જ્ઞાન થાય ત્યારે માણસ શું દેખે?

શ્રીરામકૃષ્ણ: સાતમી ભૂમિકાએ મન પહોંચ્યા પછી શું થાય તે મોઢે બોલી શકાય નહિ. વહાણ એક વાર મધદરિયે ગયું તે પાછું આવે નહિ. વહાણના ખબર મળે નહિ. સમુદ્રના ખબર પણ વહાણની પાસેથી મળે નહિ.

એક મીઠાની પૂતળી સમુદ્રની ઊંડાઈ માપવા ગઈ. પણ જેવી ઊતરી કે તરત જ ઓગળી ગઈ. સમુદ્ર કેટલો ઊંડો છે એ ખબર કોણ લાવે? જે ખબર લાવનાર તે જ ઓગળી ગઈ. સાતમી ભૂમિકામાં મનનો નાશ થાય, સમાધિ થાય. ત્યાં શો અનુભવ થાય તે મોઢેથી બોલી શકાય નહિ.

‘અહમ્’ તો જતો નથી – ‘બદજાત અહમ્’, ‘દાસ અહમ્’

‘જે ‘અહંકાર’ સંસારી બનાવે, કામ-કાંચનમાં આસક્ત કરે, તેવો ‘અહંકાર’ ખરાબ. જીવ અને આત્માનો જે ભેદ પડી ગયો છે તે આ ‘અહંકાર’ વચમાં છે એટલે. પાણીની સપાટી ઉપર એક લાકડી મૂકવામાં આવે તો પાણીના બે ભાગ જેવું દેખાય, પણ ખરી રીતે તો એક જ પાણી છે, લાકડીને લીધે તે બે ભાગમાં દેખાય છે.’

‘અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો? જે ‘અહંકાર’ બોલે કે શું મને ઓળખતો નથી? આટલી મારી મિલકત, મારાથી મોટો કોણ છે?, જો ચોર આવા માણસની દશ રૂપિયાની ચોરી કરે ને પકડાય, તો પહેલાં તો રૂપિયા ઝૂંટવી લે, ત્યાર પછી ચોરને ખૂબ મારે; એટલેથીયે એને છોડે નહિ, દરવાનને બોલાવીને પોલીસમાં પકડાવે અને જેલમાં નંખાવે. કમજાત અહંકાર કહેશે, ‘ખબર નથી? મારા દશ રૂપિયા ચોર્યા છે. તેની એટલી બધી હિંમત?’

વિજય: જો અહંકાર ગયા વિના સંસાર પરની આસક્તિ જાય નહિ, સમાધિ થાય નહિ, ત્યારે તો પછી બ્રહ્મ-જ્ઞાનનો માર્ગ લેવો જ સારો કે જેથી સમાધિ થાય. વળી જો ભક્તિયોગમાં અહંકાર રહે, તો પછી જ્ઞાનયોગ જ સારો.

શ્રીરામકૃષ્ણ: કવચિત્ એકાદ-બે માણસને સમાધિ થઈને અહંકાર જાય ખરો. પરંતુ મોટે ભાગે જાય નહિ. હજાર જ્ઞાન-વિચાર કરો, પણ અહંકાર ફરી ફરીને પાછો હાજર. પીપળાનું ઝાડ આજ કાપી નાખો પણ કાલે વળી સવારમાં જુઓ તો પૂંખડું નીકળ્યું જ છે. ત્યારે કોઈ રીતે જો ‘અહંકાર’ જાય જ નહિ, તો સાલો ‘દાસ’ અહંકાર થઈને ભલે રહે. હે ઈશ્વર! તમે પ્રભુ, હું દાસ, એ ભાવે રહો. હું દાસ, હું ભક્ત, એવા અહંકારમાં દોષ નહિ. બીજી મીઠાઈ ખાધે પેટમાં (એસીડીટી) અમ્લ-ખટાશ થાય, પણ ગાંગડા-સાકર મીઠાઈમાં ન લેખાય.

જ્ઞાનયોગ બહુ કઠણ, દેહ-ભાન ગયા વિના જ્ઞાન થાય નહિ. કલિયુગમાં અન્ન ઉપર પ્રાણનો આધાર, એટલે દેહબુદ્ધિ, અહંબુદ્ધિ જાય નહિ. તેથી કલિયુગને માટે ભક્તિયોગ. ભક્તિમાર્ગ સહેલો માર્ગ. અંતઃકરણથી વ્યાકુળ થઈને, પ્રભુનાં નામ, ગુણ-કીર્તન કરો, પ્રાર્થના કરો, તો ભગવાનનાં દર્શન થશે, એમાં જરાય સંદેહ નથી. જેમ કે પાણી ઉપર વાંસ ન રાખતાં માત્ર એક રેખા દોરવામાં આવે, તો જાણે કે પાણીના બે ભાગ હોય એમ લાગે, પણ એ રેખા વધુ વખત રહે નહિ. દાસ-અહંકાર કે ભક્તનો અહંકાર કે બાળકનો અહંકાર, એ જાણે કે અહંકારની રેખા-માત્ર.

Total Views: 325
ખંડ 8: અધ્યાય 5: ઈશ્વરના આદેશની પ્રાપ્તિ પછી જ સાચા આચાર્ય થવાય
ખંડ 8: અધ્યાય 7: ભક્તિયોગ યુગધર્મ - જ્ઞાનયોગ ઘણો કઠિન છે - ‘દાસનો અહમ્’, ‘ભક્તનો અહમ્’, ‘બાળકનો અહમ્’