ક્લેશોઽધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્ ।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે ।। (ગીતા, ૧૨.૫)

વિજય (શ્રીરામકૃષ્ણને): મહાશય, આપ કમજાત-અહંકારનો ત્યાગ કરવાનું કહો છો, તો શું દાસ-અહંકારમાં દોષ નથી?

શ્રીરામકૃષ્ણ: હા, દાસ-અહંકાર અર્થાત્ હું ઈશ્વરનો દાસ, હું એમનો ભક્ત એવું અભિમાન, એમાં દોષ નહિ, ઊલટું એથી ઈશ્વરપ્રાપ્તિ થાય.

વિજય: વારુ, જેનામાં દાસ-અહંકાર હોય તેના કામ, ક્રોધ વગેરે કેવા હોય?

શ્રીરામકૃષ્ણ: ભાવ જો સાચો હોય તો કામ, ક્રોધનો આકાર માત્ર રહે. ઈશ્વરલાભ પછી જેનામાં દાસનો ‘અહંકાર’ કે ભક્તનો ‘અહંકાર’ રહે તે વ્યક્તિ કોઈનું બૂરું કરી શકે નહિ. પારસમણિનો સ્પર્શ થયા પછી તલવાર સોનાની થઈ જાય. તેનો આકાર તલવારનો રહે, પણ એ કોઈનો ઘાત કરી શકે નહિ.

‘નાળિયેરનાં પાંદડાં સુકાઈને ખરી પડ્યા પછી તેનો ડાઘ માત્ર રહે. એ ડાઘને લીધે એટલી ખબર પડે કે એક વખતે અહીં પાન હતું. તે પ્રમાણે જેને ઈશ્વર-પ્રાપ્તિ થઈ છે તેના અહંકારનો ડાઘ માત્ર રહે, કામ-ક્રોધનો આકાર માત્ર રહે, નાનાં છોકરાં જેવી અવસ્થા થાય. છોકરાંમાં સત્ત્વ, રજ કે તમોગુણમાંથી કોઈ ગુણનું જોર ન હોય. નાનાં છોકરાંને કોઈ વસ્તુ પર પ્રેમ કરતાં વાર નહિ, તેમ તેને છોડી દેતાંય વાર નહિ. તેની પાસેથી પાંચ રૂપિયાનું કપડું તમે બે દોઢિયાંની પૂતળી આપીને ફોસલાવી લઈ શકો. પણ શરૂઆતમાં તો તે જોરથી ના પાડીને કહે કે ના, હું નહિ દઉં. મારા બાપુજીએ મને લઈ દીધું છે. તેમજ છોકરાંને સહુ સમાન, આ મોટાં આ નાનાં એ જ્ઞાન નહિ, એટલે જાતિભેદ નહિ. માએ કહ્યું હોય કે એ તારા મોટા ભાઈ થાય, તો પછી એ સુથાર હોય તોય તેની સાથે એક ભાણે બેસીને જમે. નાનાં છોકરાંને ઘૃણા નહિ, પવિત્ર-અપવિત્રનું જ્ઞાન નહિ. શૌચ જઈ આવીને હાથ પણ ન ધૂએ.’

‘કોઈ કોઈ સમાધિ-પ્રાપ્તિ થયા પછી પણ ભક્તનો અહંકાર, દાસનો અહંકાર રાખે. હું દાસ, તમે પ્રભુ; હું ભક્ત, તમે ભગવાન, એ અભિમાન ભક્તમાં રહે, ઈશ્વર-પ્રાપ્તિ પછી પણ રહે. બધો અહંકાર જાય નહિ. વળી એ અભિમાનનો અભ્યાસ કરતાં કરતાં ઈશ્વરપ્રાપ્તિ થાય. આનું જ નામ ભક્તિ-યોગ.

‘ભક્તિના માર્ગથી પણ ક્રમે ક્રમે બ્રહ્મ-જ્ઞાન થાય. ભગવાન સર્વશક્તિમાન, તે મનમાં ધારે તો બ્રહ્મ-જ્ઞાન પણ દઈ શકે. પણ ભક્તો ઘણે ભાગે બ્રહ્મ-જ્ઞાન માગે નહિ. હું દાસ, તમે પ્રભુ; હું છોકરું, તમે મા, એવું અભિમાન રાખવા ઇચ્છે.’

વિજય: જેઓ વેદાંત વિચાર કરે તેઓ પણ એ જ ઈશ્વરને પામે ને?

શ્રીરામકૃષ્ણ: હા, વિચાર-માર્ગે પણ તેમને જ પમાય. એને જ જ્ઞાનયોગ કહે છે. પણ વિચાર-માર્ગ બહુ કઠણ.

‘સાત ભૂમિકાની વાત તો મેં તમને કરી છે. સાતમી ભૂમિકાએ મન પહોંચે ત્યારે સમાધિ થાય. ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા’ એ જ્ઞાન બરાબર થાય તો મનનો લય થાય, સમાધિ થાય. પરંતુ કલિયુગમાં પ્રાણનો આધાર અન્ન ઉપર. એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એ કેવી રીતે અનુભવમાં આવે? દેહબુદ્ધિ જાય નહિ ત્યાં સુધી એ અનુભવ થાય નહિ. હું દેહ નથી, હું મન નથી, હું ચોવીસ તત્ત્વો નથી, હું, સુખદુઃખથી અતીત, મને વળી રોગ, શોક, જરા, મૃત્યુ શેનાં? આ અનુભવ કલિયુગમાં થવો કઠણ. ગમે તેટલો વિચાર કરો, પણ કોણ જાણે ક્યાંથી દેહાત્મબુદ્ધિ આવીને દેખાય. પીપળાનું ઝાડ આજે કાપી નાંખો અને એમ લાગે કે મૂળ સહિત નીકળી ગયું, છતાં બીજે દિવસે સવારે જુઓ તો ઝાડનું એક પૂંખડું ઊગી નીકળ્યું દેખાય. દેહાભિમાન જાય નહિ. એટલે કલિયુગને માટે ભક્તિ-યોગ સારો, સહેલો.

વળી, મને ‘ખાંડ થવાની ઇચ્છા નથી, ખાંડ ખાવી ગમે.’ મને ક્યારેય એવી ઇચ્છા થાય નહિ કે હું બોલું કે હું બ્રહ્મ, અહં બ્રહ્માસ્મિ. હું તો કહું, તમે ભગવાન, હું તમારો દાસ. પાંચમી અને છઠ્ઠી ભૂમિકાની વચ્ચે ખેલ્યા કરવું સારું. છઠ્ઠી ભૂમિકા પાર કરીને સાતમી ભૂમિકામાં ઝાઝી વાર રહેવાની ઇચ્છા મને થાય નહિ. હું પ્રભુનાં નામ-ગુણ-કીર્તન કરું એવી મારી ઇચ્છા. સેવ્ય-સેવક-ભાવ બહુ સારો. અને જુઓ, ગંગાનો જ તરંગ કહેવાય, તરંગની ગંગા એમ કોઈ બોલે નહિ. હું જ તે, ‘સોહમ્’ એ અભિમાન સારું નહિ. દેહાત્મભાન હોવા છતાં જો કોઈ એવું અભિમાન રાખે તો વધુ હાનિ થાય, આગળ વધી શકે નહિ, પછી ક્રમશઃ અધઃપતન થાય. બીજાને છેતરે તેમજ પોતાને પણ છેતરે, પોતાની અવસ્થા પોતે સમજી શકે નહિ.

દ્વિવિધા ભક્તિ – ઉત્તમ અધિકારી – ઈશ્વર-દર્શનના ઉપાય

પરંતુ ભક્તિ કરવા માત્રથી જ કાંઈ ઈશ્વરને મેળવી શકાય નહિ. પ્રેમ-ભક્તિ વિના ઈશ્વરપ્રાપ્તિ થાય નહિ. પ્રેમ-ભક્તિનું બીજું એક નામ છે રાગ-ભક્તિ. પ્રેમ, અનુરાગ ન હોય તો ભગવત્પ્રાપ્તિ ન થાય. ઈશ્વર ઉપર પ્રેમ ન આવે તો તેને મેળવી શકાય નહિ.’

‘બીજા એક પ્રકારની ભક્તિ છેઃ તેનું નામ છે વૈધી-ભક્તિ. આટલા જપ, આટલા ઉપવાસ, તીર્થ કરવાં, દર્શને જવું, આટલા ઉપચારથી પૂજા કરવી, આટલાં નૈવેદ્ય ધરવાં, એ બધી વૈધી-ભક્તિ. એ બધું કરતાં કરતાં ક્રમે રાગ-ભક્તિ આવે. પરંતુ જ્યાં સુધી રાગ-ભક્તિ ન આવે ત્યાં સુધી ઈશ્વરપ્રાપ્તિ થાય નહિ. પ્રભુ ઉપર પ્રેમ જોઈએ. સંસારી બુદ્ધિ પૂરેપૂરી નીકળી જાય અને પ્રભુ ઉપર સોળેસોળ આના મન લાગે ત્યારે જ તેને પમાય.

‘પરંતુ કોઈ કોઈમાં રાગ-ભક્તિ આપોઆપ આવે, સ્વતઃસિદ્ધ, નાનપણથી જ હોય, નાનપણથી જ ઈશ્વર સારુ રડે, જેમ કે પ્રહ્લાદ. વિધિવાદીય અથવા વૈધી-ભક્તિ શેના જેવી? જેમ કે પવન નાખવા સારુ પંખો કરવો, હવા કરવા માટે પંખાની જરૂર પડે તેમ.’ ‘ઈશ્વર ઉપર પ્રેમ આવે એટલા માટે જ જપ, તપ, ઉપવાસ. પરંતુ જો પશ્ચિમનો પવન એની મેળે વાય તો લોકો પંખાને મૂકી દે. ઈશ્વર ઉપર અનુરાગ, પ્રેમ, એની મેળે આવે તો જપ વગેરે કર્માેનો ત્યાગ થઈ જાય. હરિપ્રેમમાં મસ્ત થયા પછી વિધિપૂર્વકનાં કર્માે કોણ કરે?’

‘જ્યાં સુધી ઈશ્વર ઉપર પ્રેમ ન જન્મે, ત્યાં સુધી ભક્તિ કાચી ભક્તિ. ઈશ્વર ઉપર પ્રેમ આવે ત્યારે એ ભક્તિનું નામ પાકી ભક્તિ.’

‘જેની ભક્તિ કાચી હોય, તે ઈશ્વરની કથા, ઉપદેશની ધારણા કરી શકે નહિ. પાકી ભક્તિ આવે ત્યારે ધારણા કરી શકે. ફોટોગ્રાફના કાચ ઉપર જો રસાયણ (Silver Nitrate) લગાડેલું હોય તો જે છબી પડે તે રહી જાય.

પણ ખાલી કાચ ઉપર ભલે ને હજાર છબી પડે, છતાં એક પણ રહે નહિ. સામેની ચીજ જરાક હટી જાય એટલે કાચ જેવો હતો તેવો જ રહે. ‘ઈશ્વર પર પ્રેમ ન હોય તો ઉપદેશની ધારણા થાય નહિ.’

વિજય: મહાશય, ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ, તેમનાં દર્શન સારુ, ભક્તિ હોય તો બસ?

શ્રીરામકૃષ્ણ: હા, ભક્તિથી જ તેમનાં દર્શન થાય. પરંતુ પાકી ભક્તિ, પ્રેમા-ભક્તિ, રાગ-ભક્તિ જોઈએ. એવી ભક્તિ આવે ત્યારે જ પ્રભુ ઉપર પ્રેમ આવે. જેમ છોકરાંનો મા ઉપર પ્રેમ, માનો છોકરાં ઉપર પ્રેમ, સ્ત્રીનો સ્વામી પર પ્રેમ.

‘એ પ્રેમ, એ રાગ-ભક્તિ આવે ત્યારે સ્ત્રી, પુત્ર, સગાં, કુટુંબી ઉપર પહેલાં જેવું માયાનું આકર્ષણ ન રહે, દયા રહે. સંસાર પરદેશ જેવો લાગે, જાણે કે ધંધા-રોજગારના સ્થાન જેવો લાગે. જેમ કે ઘરબાર દેશમાં, ગામડાંમાં હોય પણ કામધંધા, રોજગારની જગા કોલકાતા શહેરમાં. એટલે કોલકાતા શહેરમાં ઘર લઈને રહેવું પડે એ કામધંધા, રોજગાર સારુ. ઈશ્વર ઉપર પ્રેમ આવ્યે સંસાર પરની આસક્તિ, વિષયબુદ્ધિ બિલકુલ નીકળી જાય.

‘વિષયબુદ્ધિનો લેશ પણ રહે તો ઈશ્વર-દર્શન થાય નહિ. દીવાસળી જો ભીંજાયેલી હોય તો ગમે તેટલી ઘસો, તો પણ કોઈ રીતે સળગે નહિ. માત્ર ઢગલાબંધ સળીઓનું નુકસાન થાય. વિષયાસક્ત મન ભીંજાયેલી દીવાસળી જેવું.

‘શ્રીમતી (રાધિકા) જ્યારે બોલ્યાં કે હું બધું કૃષ્ણમય દેખું છું, ત્યારે સખીઓએ કહ્યું, ‘ક્યાં? અમે તો તેમને દેખી શકતી નથી! તું શું બકવાદ કરે છે?’ શ્રીમતી બોલ્યાં, ‘સખી! અનુરાગ-આંજણ આંજો તો તેમને દેખી શકશો.’ (વિજયને) તમારા બ્રહ્મસમાજના જ ગીતમાં છે-

‘પ્રભુ, વિના અનુરાગ, કર્યે યજ્ઞ યાગ, તમોને શી રીતે જાણે?’

‘આ અનુરાગ, આ પ્રેમ, આ પાકી ભક્તિ, આ સ્નેહ જો એકવાર આવે તો સાકાર-નિરાકાર બન્નેનો સાક્ષાત્કાર થાય.

ઈશ્વર-દર્શન એમની કૃપા વિના થતું નથી

વિજય: ઈશ્વર-દર્શન કેવી રીતે થાય?

શ્રીરામકૃષ્ણ: ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ રહ્યું છે, મનમાં મેલ જામ્યો છે. સોય કાદવથી ખરડાયેલી હોય તો લોહચુંબક તેને ખેંચે નહિ. ધૂળ-કાદવ ધોઈ નાખીએ તો લોહચુંબક તેને ખેંચે. તેવી રીતે મનનો મેલ આંખનાં આંસુથી ધોઈ નાખી શકાય. ‘હે ઈશ્વર, હવે એવું કામ નહિ કરું,’ એમ કહીને કોઈ પશ્ચાત્તાપથી રડે તો મેલ ધોવાઈ જાય, તો પછી ઈશ્વરરૂપી લોહચુંબક મનરૂપી સોયને ખેંચી લે. ત્યારે સમાધિ થાય, ઈશ્વર-દર્શન થાય.

‘પરંતુ હજાર પ્રયાસ કરો, પણ ઈશ્વરની કૃપા ન હોય તો કાંઈ વળે નહિ. તેમની કૃપા ન હોય તો તેમનાં દર્શન થાય નહિ. કૃપા શું સહેજે થાય? અહંકારનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. ‘હું માલિક’ એ ભાવના રહે ત્યાં સુધી ઈશ્વર-દર્શન થાય નહિ. કોઠારમાં એક માણસ રાખી દીધો હોય, એ વખતે ઘરના માલિકને જો કોઈ કહે કે આપ આવીને ચીજવસ્તુ બહાર કાઢી આપો, તો માલિક કહેશે કે ‘કોઠારમાં એક જણ રહેલો છે, એટલે હું આવીને શું કરું?’ જે પોતે ઘરસંસારનો માલિક થઈને બેઠો છે તેના હૃદયમાં ઈશ્વર સહેજે આવે નહિ.

‘કૃપા થતાંવેંત દર્શન થાય. ઈશ્વર જ્ઞાનસૂર્ય. તેમના એક કિરણથી આ જગતમાં જ્ઞાનનો પ્રકાશ પડે છે, ત્યારે જ આપણે એકબીજાને જાણી શકીએ છીએ અને જગતમાં કેટલાય પ્રકારની વિદ્યા શીખી શકીએ છીએ. તેમનો જ્ઞાન-પ્રકાશ જો એક વાર તે પોતે પોતાના ચહેરા ઉપર નાખે તો દર્શન થાય. ફોજદાર સાહેબ રાત્રે અંધકારમાં ફાનસ લઈને ફરવા નીકળે, ત્યારે તેમનું મોઢું કોઈ દેખી શકે નહિ. પરંતુ એ અજવાળાથી તે સૌનાં મોઢાં દેખી શકે અને સૌ પરસ્પર એકબીજાનાં મોઢાં જોઈ શકે.

‘જો કોઈ ફોજદાર સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને એક વાર અજવાળું આપ આપના પોતાના ઉપર નાખો, તો હું તમારાં દર્શન કરું.

‘તેમ ઈશ્વર પાસે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ! જ્ઞાનનો પ્રકાશ એક વાર તમારા પોતાના ઉપર નાખો કે જેથી હું તમારાં દર્શન કરું.

‘ઘરમાં જો દીવો ન હોય તો એ દારિદ્રયનું ચિહ્ન. હૃદયમાં જ્ઞાન-દીપક પ્રકટાવો જોઈએ. ‘જ્ઞાનદીપ પ્રકટાવી ઘરમાં, બ્રહ્મમયીનું મુખ દેખોને.’

વિજય પોતાની સાથે દવા લાવેલ છે, તે ઠાકુરની સામે જ પીવી છે. દવામાં પાણી ભેળવીને પીવાની છે એટલે ઠાકુરે પાણી મંગાવી આપ્યું. ઠાકુર અહૈતુક-કૃપાસિંધુ. વિજય ગાડીભાડું, હોડીભાડું ખરચીને આવી શકે નહિ એટલે ઠાકુર સમયે સમયે કોઈ માણસ મોકલી દે અને આવવાનું કહે. આ વખતે બલરામને મોકલ્યા હતા. બલરામ ભાડું આપશે. વિજય બલરામની સાથે આવેલા છે. સંધ્યા સમયે વિજય, નવકુમાર અને વિજયના બીજા સોબતીઓ બલરામની હોડીમાં પાછા બેસી ગયા. બલરામ બાગબજારના ઘાટ સુધી પહોંચાડી દેશે. માસ્ટર પણ એ જ હોડીમાં બેઠા.

હોડી બાગબજારના અન્નપૂર્ણા ઘાટે આવી પહોંચી. જ્યારે બલરામના બાગબજારના બંગલાની પાસે તેઓ પહોંચ્યા ત્યારે જ્યોત્સ્ના સહેજ ઊગી છે. આજે અજવાળિયાની ચોથ તિથિ. શિયાળો છે, એટલે જરા ઠંડી લાગે છે. ઠાકુર શ્રીરામકૃષ્ણના અમૃત સમાન ઉપદેશનું સ્મરણ કરતાં કરતાં તેમની આનંદમૂર્તિ હૃદયમાં ધારણ કરીને વિજય, બલરામ માસ્ટર વગેરે પોતપોતાને ઘેર પાછા ફર્યા.

Total Views: 302
ખંડ 8: અધ્યાય 6: માયા અથવા અહંનું આવરણ જતાં મુક્તિ કે ઈશ્વરલાભ થાય
ખંડ 8: અધ્યાય 8: બાબુરામ આદિ સાથે સ્વતંત્ર ઇચ્છા (Free Will) વિશે વાર્તાલાપ - તોતાપુરીનો આત્મહત્યાનો સંકલ્પ