ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે સાંજના ભાગમાં પોતાના ઓરડાની પશ્ચિમ બાજુની ઓસરીમાં વાતો કરી રહ્યા છે. સામે બાબુરામ, માસ્ટર, રામદયાળ વગેરે છે. મહિનો ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૨. બાબુરામ, રામદયાળ અને માસ્ટર આજે રાત્રે રહેવાના છે. શિયાળા (નાતાલ)ની રજાઓ પડી છે. માસ્ટર આવતી કાલે પણ રહેવાના છે. બાબુરામ નવોનવો આવે-જાય છે.

બાબુરામ (સ્વામી પ્રેમાનંદ)
શ્રીરામકૃષ્ણ (ભક્તોને): ઈશ્વર બધું કરી રહ્યો છે એ જ્ઞાન જો થઈ ગયું, તો તો જીવન્મુક્ત! કેશવ સેન શંભુ મલ્લિકની સાથે આવ્યો હતો. મેં તેને કહ્યું કે ઝાડનું પાંદડું સુધ્ધાં ઈશ્વરની ઇચ્છા વિના હલે નહિ. સ્વતંત્ર ઇચ્છા (Free Will) ક્યાં છે? સર્વ કોઈ ઈશ્વરાધીન. નાગાજી (સ્વામી તોતાપુરી) એવડા મોટા જ્ઞાની, તેય પાણીમાં ડૂબી મરવા ગયેલા. અહીંયાં એ અગિયાર માસ રહ્યા હતા; પેટના રોગની વેદનાથી આકુળવ્યાકુળ થઈને ગંગામાં ડૂબી મરવા સારુ ગયેલા! ઘાટની પાસેથી જેમ જેમ પાણીમાં આગળ જાય તેમ તેમ ગોઠણભરથી વધુ પાણી થાય નહિ. ત્યારે પછી એ સમજ્યા (કે ઈશ્વરની ઇચ્છા વિના મરી પણ શકાતું નથી); સમજીને એ પાછા ફરી આવ્યા. મને એકવાર ખૂબ વાયુરોગ થયેલો, એટલે ગળામાં છરી ખોસી દેવા તૈયાર થયેલો! એટલે કહું છું કે ‘મા, હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર; હું રથ, તમે રથ હાંકનાર; જેમ ચલાવો તેમ ચાલું, જેમ કરાવો તેમ કરું.’
ઠાકુરના ઓરડાની અંદર ભજન ગવાય છે. ભક્તો ગીત ગાય છેઃ
ગીત –
હૃદય-વૃંદાવનમાં વાસ જો કરો કમલાપતિ,
અરે ભક્તિ-પ્રિય! મારી ભક્તિ થશે રાધા સતી,
મુક્તિ-કામના મારી, થશે વૃંદા ગોપનારી,
દેહ થશે નંદપુરી, સ્નેહ થશે મા યશોમતી.
મને ધરો જનાર્દન, હું પાપભાર ગોવર્ધન,
કામાદિ છ કંસચર, નાશ કરો તૂર્ત જ.
બજાવી કૃપા-બંસરી મનધેનુને વશ કરી,
રહો હૃદય-ગોષ્ઠમાંહી, પૂરાઓ ઇષ્ટ, એ વિનતિ.
મારા પ્રેમની જમુના કાંઠે, આશા-બંસીવટ તળે,
દાસ માનીને સખ્યભાવે, સતત કરો વસતિ.
જો કહો કે ગોવાળ-પ્રેમે, બંદી રહુ વ્રજધામે,
જ્ઞાનહીન રાખાલ તમારો દાસ થાશે દાશરથી.
ગીત –
મારાં પ્રાણપિંજરનાં પંખી ગાઓજી રે…
બ્રહ્મ-કલ્પતરુ પર બેસી પંખી વિભુ-ગુણ ગાઓજી રે, (ગાઓ, ગાઓ)
ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપી પાકાં પાકાં ફળ ખાઓજી રે.
બોલો બોલો આત્મારામ, પઢો પ્રાણારામ,
હૃદયમાંહે પ્રાણ-વિહંગમ પોકારો અવિરામ;
બોલાવો તૃષિત ચાતક પેઠે, પંખી આળસ કરો મા રે.
નંદનબાગાનના શ્રીનાથ મિત્ર પોતાના મિત્રોની સાથે આવેલા છે. ઠાકુર તેમને જોઈને કહે છેઃ ‘આમ જુઓ, આમની આંખોમાંથી અંદરનું બધું જોઈ શકાય છે, કાચના બારણા સોંસરી જેમ ઓરડાની અંદરની બધી વસ્તુઓ દેખાય તેમ.’ શ્રીનાથ, યજ્ઞનાથ, એ બધા નંદનબાગાનના બ્રાહ્મ-સમાજીઓ. તેમને ઘેર દર વરસે બ્રાહ્મ-સમાજનો ઉત્સવ થતો. પછીથી એ ઉત્સવનાં દર્શન કરવા ઠાકુર ગયા હતા.
સંધ્યા પછી દેવસ્થાનનાં મંદિરોમાં આરતી થવા લાગી. ઓરડામાં નાની પાટ ઉપર બેસીને ઠાકુર ઈશ્વરચિંતન કરી રહ્યા છે; કરતાં કરતાં ભાવ-મગ્ન થયા. ભાવ શાંત થયા પછી બોલે છે, ‘મા, એનેય ખેંચી લો. એ અતિ દીન ભાવે રહે છે. તમારી પાસે આવજા કરે છે.’
ઠાકુર ભાવ અવસ્થામાં શું બાબુરામ વિષે વાત કરે છે? બાબુરામ, માસ્ટર, રામદયાળ વગેરે બેઠા છે. રાત્રિના આઠ નવ વાગ્યા હશે. ઠાકુર સમાધિ-તત્ત્વ વિષે બોલી રહ્યા છે. જડ-સમાધિ, ચેતન-સમાધિ, સ્થિત-સમાધિ, ઉન્મના-સમાધિ.
વિદ્યાસાગર અને ચંગીઝખાન – શું ઈશ્વર નિષ્ઠુર છે – શ્રીરામકૃષ્ણનો ઉત્તર
સુખદુઃખની વાત નીકળી છે. ઈશ્વરે આટલું બધું દુઃખ શા માટે કર્યું છે?
માસ્ટર: વિદ્યાસાગર ગુમાન કરીને કહે કે ઈશ્વરને બોલાવવાની શી જરૂર? જુઓ, ચંગીસખાને જ્યારે લૂંટ શરૂ કરી ત્યારે બધા માણસોને કેદ પકડવા માંડ્યા. એમ કરતાં કરતાં કેદી લગભગ એક લાખ એકઠા થઈ ગયા. ત્યારે સેનાપતિએ આવીને કહ્યું, ‘હજુર, આ કેદીઓને ખવરાવે કોણ? આપણી સાથે એમને રાખવા એ તો એક આફત! હવે શું કરવું? છોડી મૂકીએ તોય આફત!’ એટલે ચંગીઝખાને કહ્યું કે બીજું શું કરવું? એ બધાની કતલ કરો. એટલે તેમને કચાકચ કાપી નાખવાનો હુકમ થઈ ગયો. આ હત્યાકાંડ તો ઈશ્વરે જોયો ને? એણે કંઈ એ અટકાવ્યો તો નહિ! માટે ઈશ્વર હોય તો ભલે રહ્યો, મને એની કંઈ જરૂર જણાતી નથી. મને તો એનાથી કંઈ ફાયદો થયો નહિ!
શ્રીરામકૃષ્ણ: ઈશ્વરનું કાર્ય શું સમજી શકાય, કે એ કયા હેતુથી શું કરે છે? એ સર્જન, પાલન, સંહાર બધુંય કરે છે. એ શા માટે સંહાર કરે છે એ આપણે સમજી શકીએ? હું તો કહું કે મા, મારે એ સમજવાનીયે જરૂર નથી, તમારાં ચરણ-કમલમાં ભક્તિ આપો. માણસના જીવનનો ઉદ્દેશ આ ભક્તિપ્રાપ્તિ. બીજું બધું મા જાણે. આંબાવાડિયામાં કેરીઓ ખાવા આવ્યા છીએ, તે તેમાં કેટલાં ઝાડ, કેટલા હજાર ડાળીઓ, કેટલાં કરોડ પાંદડાં, એ બધો હિસાબ બેઠાં બેઠાં ગણવાની મારે શી જરૂર! હું તો કેરી ખાઉં, ઝાડ પાંદડાંની ગણતરીની મારે જરૂર નહિ.
ઠાકુરના ઓરડામાં જમીન પર આજ રાત્રે બાબુરામ, માસ્ટર અને રામદયાળ સૂતા.
ગંભીર રાત્રિ, બે કે ત્રણ વાગ્યા હશે. ઠાકુરના ઓરડામાંનો દીવો ઓલવાઈ ગયો છે. તેઓ પોતે પથારીમાં બેસીને વચ્ચે વચ્ચે ભક્તોની સાથે વાતો કરી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ અને બાબુરામ, માસ્ટર આદિ ભક્તો – દયા અને માયા – કઠિન સાધના અને ઈશ્વર-દર્શન
શ્રીરામકૃષ્ણ (માસ્ટર વગેરે ભક્તોને): જુઓ, દયા અને માયા એ બે જુદી વસ્તુઓ. માયા એટલે પોતાનાં માણસો પરની મમતા, જેમ કે માબાપ, ભાઈબહેન, સ્ત્રી-પુત્ર, એ બધાંની ઉપર પ્રેમ. દયા, સર્વ ભૂતો પર પ્રેમ, સમષ્ટિ. કોઈની અંદર જો દયા જુઓ, જેમ કે વિદ્યાસાગરની અંદર, તો જાણજો કે એ ઈશ્વરની દયા. દયાથી સર્વ ભૂતોની સેવા થાય. માયા પણ એમ તો ઈશ્વરની જ; માયા દ્વારા ઈશ્વર સગાંની સેવા કરાવી લે. પરંતુ એક વાત છેઃ માયાથી માણસ અજ્ઞાની થઈ જાય, અને બદ્ધ થાય, પરંતુ દયાથી ચિત્તશુદ્ધિ થાય, ક્રમેક્રમે બંધનમુક્તિ થાય.
‘ચિત્તશુદ્ધિ થયા વિના ભગવાનનાં દર્શન થાય નહિ. કામ, ક્રોધ, લોભ, એ બધાંનો જય કરીએ ત્યારે ભગવાનની કૃપા થાય, ત્યારે દર્શન થાય. તમારી પાસે હું એક અતિ ગુપ્ત વાત કહું છું. કામ-જય કરવાને માટે મેં કેટલીયે મથામણ કરી હતી; તે એટલે સુધી કે આનંદ-આસનની ચારે બાજુ ‘જય કાલી’ ‘જય કાલી’ એમ કહીને કેટલીયે વાર પ્રદક્ષિણા કરેલી! મારી દસ અગિયાર વરસની ઉંમરે જ્યારે દેશમાં હતો, એ વખતે આ અવસ્થા (સમાધિ-અવસ્થા) થઈ હતી. ખેતરમાં થઈને જતાં જતાં જે દર્શન થયું તેથી વિહ્વળ થઈ ગયેલો. ઈશ્વર-દર્શનનાં કેટલાંક લક્ષણ છેઃ જ્યોતિ દેખાય, આનંદ થાય, છાતીની અંદર ભંભોટિયાની પેઠે ગુર ગુર, ગુર ગુર કરતો ને મહાવાયુ ઉપર ચડે.’
બીજે દિવસે બાબુરામ, રામદયાળ ઘેર ગયા. માસ્ટર તે દિવસે અને રાત્રે ઠાકુરની સાથે જ રહ્યા. તે દિવસે તેમણે ત્યાં જ પ્રસાદ લીધો.




