બપોર નમી ગયા છે. માસ્ટર અને એક બે ભક્તો બેઠા છે. એટલામાં કેટલાક મારવાડી ભક્તોએ આવીને પ્રણામ કર્યા. એ લોકો કોલકાતામાં ધંધો કરે છે. તેઓ ઠાકુરને કહે છે કે ‘આપ અમને કંઈક ઉપદેશ કરો.’ ઠાકુર હસી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (મારવાડી ભક્તોને): જુઓ, ‘હું’ અને ‘મારું’ એ બે અજ્ઞાન. હે ઈશ્વર, ‘તમે માલિક અને આ બધું તમારું,’ એનું નામ જ્ઞાન. અને ‘મારું’ કેમ કરીને કહી શકો? બગીચાનો રખેવાળ કહેશે કે મારો બગીચો. પરંતુ જો કોઈ વાંકમાં આવે ને શેઠ તેને કાઢી મૂકે, તો પછી પોતાના આંબાના લાકડાની પેટી બગીચામાંથી બહાર લઈ આવે એટલીય તેની હિંમત ન રહે. જો કામ, ક્રોધ, વગેરે જતા નથી, તો તેમનું મોઢું ઈશ્વરની તરફ ફેરવી દો. કામના અને લોભ કરવાં હોય તો ઈશ્વરને પામવાની કામના કરો, ઈશ્વર માટે લાલચ કરો. વિચાર કરીને તેમને હાંકી કાઢો. હાથી પારકાનું કેળાનું ઝાડ ખાવા જાય તો મહાવત અંકુશ મારે.

‘તમે તો ધંધો કરો છો, એટલે ધીમે ધીમે આગળ વધારવાનું જાણો. કોઈ પહેલાં તેલ પીલવાની ચક્કી કરે; પછી વળી વધુ પૈસા થાય એટલે કાપડની દુકાન નાંખે. તેમ ઈશ્વરને રસ્તે આગળ વધવું જોઈએ. અવારનવાર કેટલાક દિવસ નિર્જન સ્થળમાં રહીને વધુ પ્રમાણમાં ભગવાનને પોકારો તો ચાલે.’

‘પરંતુ વાત શી છે, ખબર છે? સમય આવ્યા વિના કાંઈ થાય નહિ. કોઈ કોઈને ભોગ, કર્માે ઘણાંય બાકી હોય. એને લીધે મોડેથી થાય. ગૂમડું કાચું હોય ને જો નસ્તર મુકાય તો ઊલટું વકરે. પાકીને મોઢું કરે ત્યારે ડાૅક્ટર નસ્તર મૂકે. એ છોકરું એની માને કહે કે ‘મા, હવે હું સૂઈ જાઉં છું, મને હગાણી લાગે એટલે તું જગાડજે.’ મા કહે કે ‘દીકરા, હગાણી જ તને જગાડશે, મારે જગાડવો નહિ પડે.’ (સૌનું હાસ્ય).

મારવાડી ભક્તો અને વ્યવસાયમાં મિથ્યા વચન – રામનામસંકીર્તન

મારવાડી ભક્તો અવારનવાર ઠાકુરની સેવા માટે મીઠાઈ વગેરે વસ્તુઓ લાવે, ફળ, સાકર વગેરે. સાકરમાં ગુલાબજળની સુગંધ મેળવેલી. પરંતુ એ બધી વસ્તુઓ ઠાકુર ઘણેભાગે પોતે વાપરતા નહિ. કહેતા કે એ લોકો ઘણું ખોટું બોલીને પૈસા કમાય.

તેથી આવેલા મારવાડીઓને વાતોને બહાને ઉપદેશ દે છે.

શ્રીરામકૃષ્ણ: જુઓ, વેપાર ધંધો કરવા બેસો એટલે સાચું બોલવાનો નિયમ રહે નહિ. ધંધામાં તેજી મંદી આવે. નાનકની વાતમાં છે કે તેમણે કહ્યું કે ‘પાપી માણસના દ્રવ્યનું ભોજન કરવા જતાં જોયું કે એ ભોજન બધું લોહિયાળ થઈ રહેલું છે.’ સાધુઓને શુદ્ધ વસ્તુ આપવી. ખોટા ધંધા કરીને મેળવેલી વસ્તુ આપવી નહિ. સત્યને માર્ગે ઈશ્વરને પામી શકાય. (સત્યેન લભ્યસ્તપસા હ્યેષ આત્મા સમ્યગ્જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ્ ।… સત્યમેવ જયતે નાનૃતં । – મુંડકોપનિષદ, ૩.૧.૫-૬)

‘હર ક્ષણે ઈશ્વરનું નામ લીધા કરવું જોઈએ. કામકાજને વખતે પણ મન ઈશ્વરમાં દઈ રાખવું જોઈએ. જેમ કે કોઈની પીઠે ગૂમડું થયું હોય તો એ કામ બધાં કરે, પણ મન એ ગૂમડામાં જ હોય. રામનામ લીધા કરવું એ ઘણું સારું. જે રામ છે દશરથના પુત્ર, તે જ જગતની સૃષ્ટિ કરે છે; એ જ સર્વભૂતોમાં છે; અને એ જ અતિ નિકટમાં છે, અંદર તેમજ બહાર.

‘જો રામ દશરથકા બેટા, વોહિ રામ ઘટઘટમેં લેટા;
વોહિ રામ જગત પસેરા, વોહિ રામ સબસે ન્યારા…

Total Views: 321
ખંડ 8: અધ્યાય 8: બાબુરામ આદિ સાથે સ્વતંત્ર ઇચ્છા (Free Will) વિશે વાર્તાલાપ - તોતાપુરીનો આત્મહત્યાનો સંકલ્પ
ખંડ 9: અધ્યાય 1: દક્ષિણેશ્વરમાં પ્રાણકૃષ્ણ, માસ્ટર વગેરે સાથે