ઠાકુર શ્રીરામકૃષ્ણ કાલીમંદિરના એ જ પૂર્વ-પરિચિત ઓરડામાં ભક્તોની સાથે બેઠેલા છે. દિનરાત હરિ-પ્રેમમાં, માના પ્રેમમાં મતવાલા.

જમીન ઉપર ચટાઈ પાથરેલી છે. ઠાકુર એ ચટાઈ પર આવીને બેઠેલા છે. સામે પ્રાણકૃષ્ણ અને માસ્ટર. શ્રીયુત્ રાખાલ પણ ઓરડામાં છે. હાજરા મહાશય ઓરડાની બહાર અગ્નિ ખૂણા તરફની ઓસરીમાં બેઠેલા છે.

ઠંડીના દિવસો, પોષ મહિનો. ઠાકુરને અંગે ગરમ શાલ. ૧૮ પોષ, વદ આઠમ, સોમવાર, સવારના આઠનો સમય. તારીખ પહેલી જાન્યુઆરી, ઈ.સ. ૧૮૮૩.

અત્યાર સુધીમાં અંતરંગ ભક્તો ઘણાખરા આવીને ઠાકુરને મળ્યા છે. ઓછુંવાું એક વરસથી નરેન્દ્ર, રાખાલ, ભવનાથ, બલરામ, માસ્ટર, બાબુરામ, લાટુ વગેરે વારંવાર આવજા કરી રહ્યા છે. તેમનાથી એકાદ વરસ પહેલાંથી રામ, મનોમોહન, સુરેન્દ્ર, કેદાર આવ્યા કરે છે.

ઠાકુર શ્રીરામકૃષ્ણ બાદુડબાગાનમાં આવેલા વિદ્યાસાગરના ઘેર આવ્યા હતા તેને લગભગ પાંચ મહિના થયા છે. શ્રીયુત્ કેશવ સેન તથા વિજયાદિ બ્રાહ્મભક્તોની સાથે નૌકા (સ્ટીમર)માં આનંદ કરતાં કરતાં કોલકાતા ગયા હતા તેને બે માસ થયા છે.

શ્રીયુત્ પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાય કોલકાતાના શ્યામપુકુર લત્તામાં રહે છે. તેમનું મૂળ રહેણાંક જનાઈ ગામમાં. તે એકસચેન્જ ઓફિસના મોટા અધિકારી છે, હરાજીની દેખરેખ રાખે. પહેલીવારનાં લગ્નથી કાંઈ સંતાન ન થવાથી પત્નીની સંમતિ લઈને બીજી વાર લગ્ન કર્યું. તેનાથી એક દીકરો થયો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઉપર પ્રાણકૃષ્ણની ખૂબ ભક્તિ. શરીરે જરા સ્થૂલ, એટલે ઠાકુર ક્યારેક ક્યારેક તેમને ‘જાડો બામણ’ કહેતા. એ અતિ સજ્જન વ્યક્તિ. નવેક મહિના પહેલાં ઠાકુર તેને ઘેર ભક્તોની સાથે આમંત્રિત થઈને પધાર્યા હતા. પ્રાણકૃષ્ણે વિવિધ પ્રકારનાં શાકભાજી, ફરસાણ, મિષ્ટાન્ન વગેરે કરીને જમાડ્યા હતા.

ઠાકુર જમીન ઉપર બેઠેલા છે. પાસે છાબડી ભરીને જલેબી છે, કોઈક ભક્ત લઈ આવ્યો છે. ઠાકુરે જલેબી જરાક ભાંગીને ખાધી.

શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણ વગેરેને, હસીને): જોયું ને, હું માનું નામ લઉં છું એટલે આ બધી ચીજો ખાવા મળે છે. (હાસ્ય).

‘પરંતુ ભગવાન દૂધી, પતકાળાંરૂપી ફળ ન આપે, એ તો અમૃતફળ આપે, જ્ઞાન, પ્રેમ, વિવેક, વૈરાગ્ય વગેરે આપે.’

‘એટલામાં ઓરડામાં એક છ સાત વરસનો છોકરો આવ્યો. ઠાકુર શ્રીરામકૃષ્ણની બાલક-અવસ્થા. એક છોકરું જેમ બીજા છોકરાંથી ખાવાનું સંતાડી દે, વખતે એ ખાઈ જાય તો, તેમ ઠાકુરનીયે બરાબર એવી અપૂર્વ બાલક જેવી અવસ્થા થઈ રહી છે. એ જલેબીની છાબડીને હાથ ઢાંકીને સંતાડી રહ્યા છે. પછી તેમણે છાબડીને બાજુ પર ખસેડી મૂકી.

પ્રાણકૃષ્ણ સંસારી ગૃહસ્થ ખરા. પરંતુ એ વેદાન્ત-ચર્ચા કરે; કહેશે કે બ્રહ્મ-સત્ય, જગત મિથ્યા, હું જ એ પરમાત્મા – સોહમ્. ઠાકુર એમને સમજાવે કે કળિયુગમાં અન્નમય જીવન, એટલે કલિકાળમાં નારદીય ભક્તિ સારી.

‘અરે એ તો ભાવનો વિષય, અભાવે શું કો’થી પકડાય!’-

નાના છોકરાની પેઠે હાથ ઢાંકીને મીઠાઈ સંતાડતાં સંતાડતાં ઠાકુર સમાધિ મગ્ન થયા.

Total Views: 385
ખંડ 8: અધ્યાય 9: દક્ષિણેશ્વરમાં મારવાડી ભક્તો સાથે શ્રીરામકૃષ્ણ
ખંડ 9: અધ્યાય 2: ભાવરાજ્ય અને રૂપ-દર્શન