ઠાકુર સમાધિમગ્ન. કેટલીય વાર સુધી ભાવમગ્ન સ્થિતિમાં બેસી રહેલા છે. દેહ તદ્દન સ્થિર, અચલ, નયન પલકહીન, શ્વાસ ચાલે છે કે નહિ તે સમજી શકાતું નથી. કેટલીય વાર પછી ઠાકુરે ઊંડો શ્વાસ લીધો, જાણે કે ઇન્દ્રિયોના રાજ્યમાં પાછા ફરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણને): પરમાત્મા એકલા નિરાકાર જ નથી, એ સાકાર પણ છે. એમના રૂપનાં દર્શન થઈ શકે. ભાવ, ભક્તિ વડે એમના એ અવર્ણનીય રૂપનાં દર્શન થઈ શકે. મા ભગવતી વિવિધરૂપે દર્શન દે.

ગૌરાંગદર્શન – રતિની માના વેશમાં શ્રીજગજ્જનની

‘કાલે માને જોયાં. તેમણે ભગવું પહેરણ પહેરેલું, વાળેલી સિલાઈ ન હતી, મારી સાથે વાત કરી રહ્યાં છે.’

‘બીજે એક દિવસે મુસલમાનની છોકરીનું રૂપ લઈને મારી પાસે આવ્યાં હતાં. કપાળે તિલક, પરંતુ દિગંબર. મા છ સાત વરસની છોકરીરૂપે મારી સાથે સાથે ફરવા લાગી અને અટકચાળાં કરવા લાગી.’

‘હૃદુને ઘેર જ્યારે હતો ત્યારે ગૌરાંગનાં દર્શન થયેલાં. તેમણે કાળી કિનારનું ધોતિયું પહેરેલું.’

‘હલધારી કહેતો કે પરમાત્મા ભાવ-અભાવથી અતીત. મેં માતાજીને જઈને કહ્યું, ‘મા, હલધારી તો આમ વાત કરે છે, તો પછી રૂપ બૂપ બધાં શું ખોટાં?’ મા રતિની માને વેશે મારી પાસે આવીને બોલ્યાંઃ ‘તું (ઈશ્વરી) ભાવમાં જ રહે.’ મેંય હલધારીને એ જ કહ્યું.’ ‘કોઈ કોઈ વાર એ વાત ભૂલી જાઉં એટલે કષ્ટ થાય. ભાવ-અવસ્થામાં ન રહેવાથી (પડી જઈને) દાંત ભાંગી ગયો. એટલે દેવ-વાણી યા પ્રત્યક્ષ દર્શન ન થાય તો હું ભાવ-અવસ્થામાં જ રહેવાનો, ભક્તિ લઈને જ રહેવાનો. શું કહો છો?’

પ્રાણકૃષ્ણ – જી.

ભક્તિનો અવતાર શા માટે – રામની ઇચ્છા

શ્રીરામકૃષ્ણ: અને તમનેય શું કરવા પૂછું છું? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ મારી મારફત એ પ્રમાણે કરાવે છે. વચ્ચેવચ્ચે તો મને દેવ-ભાવ મોટે ભાગે થયા જ કરતો, પૂજા કર્યા વિના મને શાંતિ જ વળતી નહિ.

‘હું યંત્ર, એ (ભગવાન) યંત્ર ચલાવનાર. એ જેમ કરાવે, તેમ કરું, જેમ બોલાવે તેમ બોલું.’

‘પ્રસાદ કહે ભવસાગરમાં, તરાપો તરતો મૂકીને બેઠો છઉં;

ભરતી આવતાં ઊંચે ચડું, ઓટ આવતાં નીચે જાઉં.’

‘વંટોળિયામાં ઊડતું એઠું પાતળ ક્યારેક ઊડીને સારી જગ્યામાં જઈને પડે, તો ક્યારેક વળી પવનના સપાટાથી ગટરમાં જઈ પડે. પવન જે બાજુએ લઈ જાય તે બાજુએ જાય.

‘વણકર કહે, રામની મરજીથી ચોરી થઈ, રામની મરજીથી મને પોલીસે પકડ્યો, અને વળી રામની મરજીથી મને છોડી મૂક્યો.’

‘હનુમાન કહે, ‘હે રામ, હું શરણાગત, શરણાગત. એવો આશીર્વાદ આપો કે તમારાં ચરણે શુદ્ધ ભક્તિ આવે અને તમારી ભુવનમોહિની માયામાં મોહિત ન થાઉં!

‘(રામ-વનવાસમાં) મોટો દેડકો મરણતોલ અવસ્થામાં કહે છે, ‘રામ, જ્યારે સાપ મને પકડે, ત્યારે તો ‘હે રામ, બચાવો’ એમ પોકાર કરું, પરંતુ અત્યારે તો રામના જ ધનુષની અણીથી વીંધાઈને મરી રહ્યો છું, એટલે પછી ચૂપ બેઠો છું.’

‘પહેલાં પ્રત્યક્ષ દર્શન થતાં, આ ખુલ્લી આંખે, આ જેમ તમને દેખું છું તેમ. હવે ભાવ-અવસ્થામાં દર્શન થાય.

‘ઈશ્વર-પ્રાપ્તિ થાય એટલે બાળક જેવો સ્વભાવ થઈ જાય. જે જેનું ચિંતન કરે, તે તેનો સ્વભાવ પામે. ઈશ્વરનો સ્વભાવ બાળકના જેવો. બાળક જેમ રમતમાં માટીની ઘોલકી બનાવે, ભાંગી નાખે, વળી ફરી બનાવે, તેમ ઈશ્વર પણ સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કર્યે જાય છે. બાળક જેમ કોઈ પણ ગુણને વશ નહિ તેમ ઈશ્વર પણ સત્ત્વ, રજ, તમઃ એ ત્રણે ગુણોથી અતીત.

‘એટલે પરમહંસો પાંચ દસ છોકરાંને સાથે રાખે, સ્વભાવનું આરોપણ કરવા માટે.’

‘આગરપાડાથી એક વીસ-બાવીસ વરસનો જુવાનિયો આવેલો છે. એ જુવાનિયો જ્યારે જ્યારે આવે ત્યારે ઈશારત કરીને ઠાકુરને એકાંત જગાએ લઈ જાય અને છાનોમાનો મનની વાતો કહે. એ નવોનવો આવજા કરવા લાગ્યો છે. આજે એ છોકરો પાસે આવીને જમીન પર બેઠો છે.

પ્રકૃતિભાવ તથા કામજય – સરળતા અને ઈશ્વરલાભ

શ્રીરામકૃષ્ણ (જુવાનિયાને): આરોપણ કરવાથી મનનો ભાવ બદલાઈ જાય. સ્ત્રી-ભાવનું આરોપણ કર્યે, ધીમેધીમે કામ વગેરે રિપુઓ નાશ પામી જાય, બરાબર સ્ત્રીના જેવું વર્તન થાય. નાટકમાં જેઓ સ્ત્રી-પાઠ ભજવે, તેઓને જોયા છે કે નહાતી વખતે તેઓ બૈરાંની પેઠે દાંત ઘસે, વાતો કરે.

‘તું એક દિવસ શનિ કે મંગળવારે આવજે.’

(પ્રાણકૃષ્ણને): ‘બ્રહ્મ અને શક્તિ અભિન્ન. શક્તિને ન માનો તો જગત મિથ્યા થઈ જાય, હું, તમે, ઘરબાર, કુટુંબ-પરિવાર, બધું મિથ્યા. આ આદ્યશક્તિ છે એટલે તો જગત ટકી રહ્યું છે.

‘વિષયવાસનાનો ત્યાગ કર્યા વિના ચૈતન્ય-પ્રાપ્તિ થાય જ નહિ, ભગવત્પ્રાપ્તિ થાય નહિ. વિષયવાસના હોય એટલે લુચ્ચાઈ આવે જ. સરલ થયા વિના ઈશ્વરને પામી શકાય નહિ.

‘ઐસી ભક્તિ કર ઘટ ભિતર, છોડ કપટ ચતુરાઈ;
સેવા, વંદના ઔર અધીનતા, સહજ મિલે રઘુરાઈ.’

‘જેઓ સંસાર વહેવાર કરે, ઓફિસનું કામ કે ધંધો રોજગાર કરે, તેઓએ પણ સત્યનું પાલન કરવું જોઈએ. સત્ય બોલવું એ કળિયુગની તપશ્ચર્યા!

પ્રાણકૃષ્ણ – અસ્મિન્ ધર્મે મહેશિ સ્યાત્ સત્યવાદી જિતેન્દ્રિયઃ ।
પરોપકારનિરતો નિર્વિકારઃ સદાશયઃ ।।

મહાનિર્વાણ-તંત્રમાં એ પ્રમાણે છેઃ

શ્રીરામકૃષ્ણ: હા, એ બધાંની ધારણા થવી જોઈએ.

Total Views: 418
ખંડ 9: અધ્યાય 1: દક્ષિણેશ્વરમાં પ્રાણકૃષ્ણ, માસ્ટર વગેરે સાથે
ખંડ 9: અધ્યાય 3: ઠાકુર શ્રીરામકૃૃષ્ણનો યશોદા-ભાવ અને સમાધિ