ઠાકુર જઈને નાની પાટ ઉપર પોતાની જગાએ બેઠેલા છે. હંમેશાં ભાવ-અવસ્થામાં મગ્ન. ભાવમય દૃષ્ટિએ રાખાલને નીરખી રહ્યા છે. રાખાલને જોતાં જોતાં વાત્સલ્ય ભાવથી અંતર ઊભરાયું, શરીરે રોમાંચ થતો આવે છે. શું આ જ દૃષ્ટિએ યશોદા ગોપાલને જોતાં કે?

જોતાં જોતાં વળી પાછા ઠાકુર સમાધિસ્થ થયા. ઓરડાની અંદરના ભક્તો આશ્ચર્યચકિત અને સ્તબ્ધ થઈને ઠાકુર શ્રીરામકૃષ્ણની આ અદ્ભુત ભાવ-અવસ્થા જોઈ રહ્યા છે.

કંઈક સ્વસ્થ થઈને ઠાકુર બોલવા લાગે છે – ‘રાખાલને જોઈને ઉદ્દીપન શા માટે થાય છે? જેમ જેમ (સાધક) આગળ વધે તેમ તેમ ઐશ્વર્યનો ભાગ ઓછો થતો જાય. સાધકને પહેલાં દર્શન થાય દેવી દશભુજાનાં, ઈશ્વરી-મૂર્તિનાં. એ સ્વરૂપમાં ઐશ્વર્યનો વધુ પ્રકાશ. ત્યાર પછી દર્શન થાય દ્વિભુજ-દેવીનાં, તેને દશ હાથ નહિ, એટલાં અસ્ત્ર-શસ્ત્રોય નહિ. ત્યાર પછી ગોપાલ સ્વરૂપનાં દર્શન, એમાં ઐશ્વર્ય જરાય નહિ, માત્ર નાના બાળકનું સ્વરૂપ. એથીયે આગળ છે, કેવળ જ્યોતિર્દર્શન.

સમાધિભાવ પછી યથાર્થ બ્રહ્મજ્ઞાનની અવસ્થા – વિચાર અને આસક્તિત્યાગ

‘ઈશ્વરપ્રાપ્તિ થયે, પરમાત્મામાં સમાધિસ્થ થયે, પછી તર્કવિચાર બાકી રહે નહિ.

‘તર્ક, વિચાર ક્યાં સુધી? જ્યાં સુધી અનેકપણાનું ભાન હોય.

‘જ્યાં સુધી જીવ, જગત, હું, તું એવું બધું ભાન હોય ત્યાં સુધી. જ્યારે બરાબર એકનું જ્ઞાન થાય ત્યારે તર્ક શાંત થઈ જાય, જેમ કે ત્રૈલંગ સ્વામી.

‘બ્રાહ્મણોની નાત જમતી હોય ત્યારે જોતા નથી? શરૂઆતમાં ખૂબ દેકારો. જેમ જેમ પેટ ભરાતું જાય તેમ તેમ અવાજ ઓછો થતો જાય. જ્યારે છેવટનાં દાળભાત આવી જાય, ત્યારે માત્ર સબડકા, સુપ, સાપ, બીજો કશો અવાજ જ નહિ. અને ત્યાર પછી નિદ્રા, સમાધિ. ત્યાર પછી અવાજનું નામનિશાન નહિ!’

(માસ્ટર અને પ્રાણકૃષ્ણને) ‘કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ (કોલકાતાનો સ્મારક-સ્તંભ)ને તળિયે જ્યાં સુધી ઊભા હો ત્યાં સુધી ગાડી, ઘોડો, સાહેબ, મેડમ એ બધું જુદું જુદું દેખાયા કરે. એ સ્મારકની ઉપર ચડો એટલે માત્ર ઉપર આકાશ અને દૂર સમુદ્ર, વિશાળ, અફાટ પડેલો દેખાય. ત્યાર પછી ઘર, ઘોડા, ગાડી, માણસ એ બધાં જોવાનું ગમે નહિ, એ બધાં કીડી જેવાં દેખાય.

‘બ્રહ્મજ્ઞાન થાય એટલે સંસાર પરની આસક્તિ, કામકાંચન ઉપરની પ્રીતિ એ બધું ચાલ્યું જાય, બધું શાંત થઈ જાય. લાકડાં સળગતી વખતે કેટલોય તડ તડ અવાજ અને અગ્નિની ઝાળ થાય. પણ બધું બળીને ખાખ થઈ ગયા પછી અવાજ રહે જ નહિ. તેમ આસક્તિ જતાં જ ઉમંગ ચાલ્યો જાય ને છેવટે શાન્તિ.

‘ઈશ્વરની જેટલા નજીક આગળ વધશો તેટલી શાન્તિ વધશે, શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ પ્રશાન્તિઃ. ગંગાની જેટલા નજીક જાઓ તેટલી ઠંડક વધુ લાગે. સ્નાન કર્યે એથીયે વધુ શાન્તિ.’

‘પણ જીવ, જગત, ચોવીસ તત્ત્વો એ બધું ઈશ્વર છે એટલે છે. ઈશ્વરને બાદ કર્યે કશુંય રહે નહિ. એકડાની પાછળ મીંડાં ચડાવ્યે સંખ્યા વધી જાય. એકડાને ભૂંસી નાખ્યે એ બધાં મીંડાંની કાંઈ જ કિંમત નહિ.’

પ્રાણકૃષ્ણ પર કૃપા કરવાની ખાતર શું ઠાકુર હવે પોતાની અવસ્થા વિષે ઈશારત કરી રહ્યા છે?

ઠાકુર કહે છેઃ

ઠાકુરની અવસ્થા – બ્રહ્મજ્ઞાન પછી ‘ભક્તિનો અહમ્’

‘બ્રહ્મજ્ઞાનની પછી, સમાધિ પ્રાપ્ત થયા પછી, કોઈ કોઈ નીચેની ભૂમિકાએ ઊતરી આવીને ‘ભક્તિનો અહં’, ‘વિદ્યાનો અહં’ રાખીને રહે. બજાર ઊઠી ગયા પછીયે કોઈ કોઈ વળી પોતાની મરજીથી બજારમાં રહે. જેવા કે નારદ વગેરે. તેઓ લોકોપદેશ માટે ભક્તિનો ‘અહં’ રાખીને રહે. શંકરાચાર્યે લોકોને ઉપદેશ કરવા માટે ‘વિદ્યાનો અહં’ રહેવા દીધો હતો.

‘મનમાં જો સહેજ પણ આસક્તિ રહી જાય તો ઈશ્વરને પામી શકાય નહિ, દોરાનો જરાકે તાંતણો બહાર હોય તો સોયના નાકામાં પરોવાય નહિ.’

‘જેણે ઈશ્વર-પ્રાપ્તિ કરી હોય તેનામાં કામક્રોધાદિ નામમાત્ર જ રહે. જેમ કે બળેલી સીંદરી, એ સીંદરીનો આકારમાત્ર હોય, પણ ફૂંક મારતાં જ ઊડી જાય તેમ.

‘મન આસક્તિ-રહિત થતાં જ ઈશ્વરનાં દર્શન થાય. શુદ્ધ મનમાં જે ઊઠે તે ઈશ્વરની જ વાણી. શુદ્ધ મન એ જ શુદ્ધ બુદ્ધિ, શુદ્ધ આત્મા પણ એ જ, કારણ કે પરમાત્મા વિના બીજું કોઈ સંપૂર્ણ શુદ્ધ નથી.

પરમાત્માને પામ્યે, ધર્મ-અધર્મથી પાર થઈ શકાય. એમ કહીને ઠાકુરે તેમના દેવદુર્લભ કંઠે રામપ્રસાદનું ગીત ઉપાડ્યુંઃ

ચાલને મન, ફરવા જઈએ!
કાલી કલ્પતરુ મૂળે (મન),
ચારે ફળ વીણીને લઈએ;
પ્રવૃત્તિ નિવૃત્તિ જાયા;
નિવૃત્તિને સાથે લઈએ.

વિવેક નામે તેના બેટા સાથે તત્ત્વકથા કહીએ;

Total Views: 397
ખંડ 9: અધ્યાય 2: ભાવરાજ્ય અને રૂપ-દર્શન
ખંડ 9: અધ્યાય 4: ઠાકુર શ્રીરામકૃષ્ણનો રાધા-ભાવ