ઠાકુર દક્ષિણપૂર્વની ઓસરીમાં આવીને બેઠા છે. પ્રાણકૃષ્ણ વગેરે ભક્તો પણ સાથે સાથે આવ્યા છે. હાજરા મહાશય ઓસરીમાં બેઠા છે.

‘ઠાકુર હસતાં હસતાં પ્રાણકૃષ્ણને કહે છેઃ ‘હાજરા કંઈ ઓછો નથી. જો હું એક મોટો (દરોગા, પોલીસ અમલદાર), તો હાજરા નાનો (દરોગા). (સૌનું હાસ્ય).

ઓસરીવાળા બારણામાં નવકુમાર આવીને ઊભા. ભક્તોને જોતાં જ એ ચાલ્યા ગયા. ઠાકુર બોલી ઊઠ્યા, ‘અહંકારનું પૂતળું!’

સવારના સાડાનવ થયા છે. પ્રાણકૃષ્ણે પ્રણામ કરીને રજા લીધી, કોલકાતાવાળા ઘેર પાછા જવા માટે.

એક વૈરાગી ગોપીયન્ત્ર (એક જાતનું તંતુવાદ્ય)ની સાથે ઠાકુરના ઓરડામાં ગીત ગાય છેઃ

ગીત
‘નિત્યાનંદનું જહાજ આવ્યું છે,
તારે પાર જવું હોય તો પકડ એને
છ છ યોદ્ધા ગોરા,
સદા દિયે છે જંગી પહેરા,
આગળ પાછળ ઢાલ ખાંડા ઘેર્યા,
મુખ્ય દ્વારને ખોલી રહ્યા,
તારાં રત્નમાણેક લૂંટાવી રહ્યા.

ગીત
આ જ વેળા ઘર ચળાવો
આ વેળાએ વર્ષા ભારી, થાઓ હોશિયારી
જામી પડો આદુ ખાઈ, શ્રાવણ આવ્યે સમય નાહીં
વાંસ મોભ તો સડી જશે, ચળાવાનું ટાણું ન રે’શે,
જ્યારે વાવાઝોડું આવે, ઘર તમારું તો ઊડી જાવે
તિરાડેથી પાણી ચૂવે, હાય! તુંયે મરી જાવે.

ગીત
કયા ભાવે નદિયા આવ્યા,
કંગાલ ભિક્ષુ વેશે!
હરિ સ્વયં બોલતા હરિ…
કયા ભાવે ધર્યો ભાવ,
આવો સુંદર સ્વભાવ;
આમાનું કંઈ ન સમજું લેશ..

ઠાકુર ગીત સાંભળી રહ્યા છે, એટલામાં શ્રીયુત્ કેદાર ચેટર્જીએ આવીને પ્રણામ કર્યા. તેઓ ઓફિસનો પોશાક પહેરીને આવ્યા છે, અચકન, ઘડિયાળ, ઘડિયાળની સાંકળી વગેરે. પરંતુ ઈશ્વર વિષે વાતચીતનો પ્રસંગ નીકળતાં જ તેનાં બન્ને નેત્રોમાંથી જળમાંથી જળના ધોધ વહે. અતિશય પ્રેમી મનુષ્ય, અંતરમાં ગોપીનો ભાવ.

કેદારને જોઈને ઠાકુરને એકદમ શ્રીવૃંદાવન-લીલાનું ઉદ્દીપન થઈ ગયું. પ્રેમથી મતવાલા થઈને ઊભા થઈ ગયા અને કેદારને ઉદ્દેશીને ગીત ગાવા લાગ્યાઃ

‘સખી! એ વન કેટલું દૂર,
(જ્યાંહાં મારા શ્યામસુંદર)
(હું ચાલી ન શકું રે!) … વગેરે

શ્રીરાધાના ભાવમાં ગીત ગાતાં ગાતાં ઠાકુર સમાધિ-મગ્ન થઈને ચિત્રની જેમ ઊભા થઈ રહ્યા. માત્ર આંખોને બે ખૂણેથી આનંદનાં અશ્રુ ઝરી રહ્યાં છે. કેદાર ઘૂંટણિયે પડીને ઠાકુરને ચરણે સ્પર્શ કરીને સ્તુતિ કરી રહ્યા છેઃ

હૃદયકમલમધ્યે નિર્વિશેષં નિરીહં।
હરિહરવિધિવેદ્યં યોગિભિર્ધ્યાનગમ્યમ્।।
જનનમરણભીતિભ્રંશિ સચ્ચિત્સ્વરૂપમ્।
સકલભુવનબીજં બ્રહ્મચૈતન્યમીડે।।

થોડીવાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ સ્વસ્થ થતા આવે છે. કેદાર હાલિશહરમાં પોતાને ઘેરથી કોલકાતામાં નોકરી કરે છે ત્યાં જવા નીકળ્યા છે. વચમાં દક્ષિણેશ્વર કાલી-મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરતા જાય છે. જરાક આરામ લઈને કેદારે રજા લીધી.

એ પ્રમાણે ભક્તોની સાથે વાતો કરતાં કરતાં બાર વાગવા આવ્યા. શ્રીયુત્ રામલાલે ઠાકુરને માટે એક થાળીમાં મા કાલીનો પ્રસાદ લાવી દીધો. ઓરડાની અંદર ઠાકુર દક્ષિણાભિમુખ થઈને આસન પર બેઠા અને જમ્યા. ભોજન નાના છોકરાની જેમ, જરાક જરાક બધુંય ચાખ્યું.

જમી રહ્યા પછી ઠાકુર નાની પાટ ઉપર જરા આરામ લઈ રહ્યા છે. થોડીક વાર પછી કેટલાક મારવાડી ભક્તો આવી પહોંચ્યા.

Total Views: 419
ખંડ 9: અધ્યાય 3: ઠાકુર શ્રીરામકૃૃષ્ણનો યશોદા-ભાવ અને સમાધિ
ખંડ 9: અધ્યાય 5: અભ્યાસયોગ - બે પથ - વિચાર અને ભક્તિ