સમય સવારના સાડા આઠ કે નવ. ઠાકુર આજે ગંગામાં ડૂબકી મારીને નાહ્યા નહિ. શરીર જરા બરાબર નથી. એક ઘડો ભરીને તેમનું નહાવાનું પાણી એ ઓસરીમાં લાવવામાં આવ્યું. ઠાકુર નહાવા બેઠા. ભક્તોએ સ્નાન કરાવી દીધું. ઠાકુર નહાતા નહાતા બોલ્યા કે એક લોટો પાણી અલગ રાખો. છેવટે એ પાણી માથે રેડ્યું. આજે ઠાકુર શ્રીરામકૃષ્ણ બહુ જ સાવચેત. એક લોટાથી વધુ પાણી માથે રેડ્યું નહિ.

નાહી લીધા પછી ઠાકુર મધુર કંઠે ભગવાનનું નામ લઈ રહ્યા છે. ધોયેલું ધોતિયું પહેરીને એક બે ભક્તો સાથે દક્ષિણાભિમુખ થઈ કાલીમંદિરના પાકા ચોગાનની વચમાં થઈને મા કાલીના મંદિર તરફ જઈ રહ્યા છે. મોઢેથી એકધારું નામસ્મરણ કરી રહ્યા છે. દૃષ્ટિ અંતર્મુખી; ઈંડું સેવવા બેસે ત્યારે પક્ષીની જેવી હોય તેવી.

મા કાલીના મંદિરમાં જઈને ઠાકુરે પ્રણામ અને પૂજા કર્યાં. પૂજાનો કોઈ નિયમ નહિ. ચંદન-પુષ્પ ક્યારેક માતાજીને ચરણે ચડાવે છે તો ક્યારેક વળી પોતાને મસ્તકે ચડાવે છે. છેવટે માતાજીને પગે ચડેલું ફૂલ મસ્તકે ધારણ કરીને ભવનાથને કહે છે, ‘લીલું નાળિયેર લઈ લે, – માની પ્રસાદીનું લીલું નાળિયેર.

વળી પાછા ઠાકુર પાકા ચોગાનની ઉપર થઈને પોતાના ઓરડા તરફ આવવા લાગ્યા. સાથે માસ્ટર અને ભવનાથ. ભવનાથના હાથમાં લીલું નાળિયેર. રસ્તાની જમણી બાજુએ શ્રીરાધાકાન્તનું મંદિર. ઠાકુર તેને કહેતા ‘વિષ્ણુ-ઘર.’ ત્યાં યુગલરૂપનાં દર્શન કરી, જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા. વળી ડાબી બાજુએ બાર શિવમંદિર. ત્યાં સદાશિવને ઉદ્દેશીને પ્રણામ કરવા લાગ્યા.

હવે ઠાકુર પોતાના ઓરડામાં આવી પહોંચ્યા. તેમણે જોયું તો વધુ ભક્તોનો સમાગમ થયો છે. રામ, નિત્યગોપાલ, કેદાર ચેટર્જી વગેરે ઘણાય આવેલા છે. તેમણે સર્વેએ જમીન પર માથું નમાવીને ઠાકુરને પ્રણામ કર્યા. ઠાકુરે પણ તેમને કુશળ સમાચાર પૂછ્યા.

ઠાકુર નિત્યગોપાલને જોઈને કહે છે, ‘તારે કાંઈ ખાવું છે?’ એ ભક્તનો એ વખતે બાળકભાવ. તેણે વિવાહ કર્યો નથી. તેની ઉંમર ૨૩-૨૪ની હશે. એ હંમેશાં ભાવરાજ્યમાં રહે. ઠાકુરની પાસે ક્યારેક એકલો તો ક્યારેક ભક્ત રામચંદ્રની સાથે લગભગ રોજ આવે. શ્રીરામકૃષ્ણ તેની ભાવાવસ્થા જોઈને તેના પર સ્નેહ રાખે. ‘તેની પરમહંસ અવસ્થા’ એમ ઠાકુર અવારનવાર કહે, એટલે તેને ‘બાલગોપાલ’ તરીકે જુએ.

ભક્ત બોલ્યો, ‘હા ખાવું છે?’ તેના શબ્દો તદ્દન બાળક જેવા.

નિત્યગોપાલને ઉપદેશ – ત્યાગી માટે નારી સંગનો પૂર્ણનિષેધ

તે ખાઈ રહ્યો એટલે ઠાકુર તેને ગંગા તરફની પશ્ચિમ બાજુની ગોળ ઓસરીમાં લઈ ગયા અને તેની સાથે વાતો કરવા લાગ્યા.

એક બાઈ પરમ ભક્ત, તેની ઉંમર એકત્રીશ-બત્રીશની હશે. તે બાઈ શ્રીરામકૃષ્ણની પાસે ઘણી વાર આવજા કરે અને તેમના પર અતિશય ભક્તિ રાખે. એ પણ આ ભક્તની અદ્ભુત ભાવ-અવસ્થા જોઈને તેના પર દીકરાની પેઠે સ્નેહ રાખે ને તેને લગભગ હંમેશાં પોતાને ઘેર લઈ જાય.

શ્રીરામકૃષ્ણ (ભક્તને): ત્યાં શું તું જાય છે?

નિત્યગોપાલ (બાળકની પેઠે): હા, જાઉં છું. એ લઈ જાય છે.

શ્રીરામકૃષ્ણ: અરે! સાધુ! સાવધાન! ક્યારેક એકાદ વાર જવું. બહુ વાર જઈશ નહિ. પડી જઈશ. કામ-કાંચન જ માયા. સાધુએ બાઈ-માણસથી ઘણે દૂર રહેવું જોઈએ. ત્યાં બધા ડૂબી જાય. ત્યાં બ્રહ્મા, વિષ્ણુય પડી જઈને ગોથાં ખાય!

નિત્ય ગોપાલ (જ્ઞાનાનંદ અવધૂત)

ભક્તે બધું સાંભળ્યું.

માસ્ટર (સ્વગત): શી નવાઈ! આ ભક્તની ‘પરમહંસ અવસ્થા’, એમ ઠાકુર અવારનવાર કહે. એવી ઉચ્ચ અવસ્થામાં હોવા છતાંય શું એમને પતનનો સંભવ? સાધુને માટે ઠાકુરે કેવા કડક નિયમો કર્યા છે. સ્ત્રીઓની સાથે હળવામળવાથી સાધુનું પતન થવાનો સંભવ. એટલો ઊંચો આદર્શ ન હોય, તો જીવોનો ઉદ્ધાર પણ શી રીતે થાય? એ બાઈ તો પરમ ભક્તિવાળી! તોય ભય! હવે સમજાયું કે શ્રી ચૈતન્યે તેમના પાર્ષદ નાના હરિદાસને શા માટે અતિ કઠોર શિક્ષા કરી હતી. મહાપ્રભુએ ના પાડવા છતાં હરિદાસે એક ભક્ત વિધવાની સાથે માત્ર વાત જ કરી હતી. પરંતુ હરિદાસ તો સંન્યાસી, એટલે મહાપ્રભુએ તેમનો ત્યાગ કર્યો! કેવી શિક્ષા? સંન્યાસીના કેવા કડક નિયમો? અને આ ભક્ત ઉપર પણ શ્રીરામકૃષ્ણનો કેવો સ્નેહ! કદાચ ભવિષ્યમાં તેના પર કોઈ પણ જાતની આફત આવે, એટલા સારુ તેને પહેલેથી જ સાવચેત કરી દે છે. ભક્તો નિઃશબ્દ! ભક્તો એ મેઘગંભીર શબ્દો સાંભળી રહ્યા છેઃ ‘સાધુ સાવધાન!’

Total Views: 393
ખંડ 11: અધ્યાય 3: દક્ષિણેશ્વરમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનો જન્મોત્સવ
ખંડ 11: અધ્યાય 5: સાકાર - નિરાકાર - ઠાકુર શ્રીરામકૃષ્ણને રામનામે સમાધિ