સમાધિમાં

ફાગણ માસની વદ પાંચમ તિથિ, ગુરુવાર, ૧૬ ચૈત્ર (બંગાબ્દ) તારીખ ૨૯મી માર્ચ, ઈ.સ. ૧૮૮૩. બપોરના ભોજન પછી ભગવાન શ્રીરામકૃષ્ણ જરાક આરામ કરી રહ્યા છે. દક્ષિણેશ્વર કાલીમંદિરનો પેલો પૂર્વ-પરિચિત ઓરડો. સામે પશ્ચિમ બાજુએ ગંગા, ચૈત્ર માસની ગંગા. બે વાગ્યાના સુમારે ભરતી શરૂ થઈ છે. ભક્તો કોઈ કોઈ આવ્યા છે. તેમાં બ્રાહ્મભક્ત શ્રીયુત્ અમૃત અને મધુર કંઠવાળા શ્રીયુત્ ત્રૈલોક્ય છે, કે જેમણે કેશવ સેનના બ્રાહ્મ-સમાજમાં ભગવત્-લીલાનાં ગુણગાન-કીર્તન કરીને આબાલવૃદ્ધ સર્વેનાં મન કેટલીયે વાર મુગ્ધ કર્યાં છે.

કેશવચંદ્ર અને અને એમના બ્રાહ્મસમાજના અનુયાયીઓનું મધુર કીર્તનગાન – મધ્યમાં કેશવચંદ્ર સેન, ડાબી બાજુએથી બીજા પ્રતાપચંદ્ર મજુમદાર અને જમણી બાજુએથી બીજા ત્રૈલોક્યનાથ સાન્યાલ

રાખાલને ઠીક નથી. એ વાત શ્રીરામકૃષ્ણ ભક્તોને કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ: આમ જુઓ, રાખાલ માંદો થઈ ગયો છે. સોડા પીએ તો મટી જશે? શું થાશે,બાપુ? રાખાલ, તું જગન્નાથનો પ્રસાદ ખા.

એ શબ્દો બોલતાં બોલતાં ઠાકુર અદ્ભુત ભાવથી ભરપૂર થયા. જાણે જોવા લાગ્યા કે સન્મુખે સાક્ષાત્ નારાયણ રાખાલરૂપે બાળદેહ ધારણ કરીને આવ્યા છે. એક બાજુ કામ-કાંચન-ત્યાગી શુદ્ધાત્મા બાલ-ભક્ત રાખાલ, બીજી બાજુ ઈશ્વર-પ્રેમમાં રાતદિવસ મસ્ત શ્રીરામકૃષ્ણનાં એ પ્રેમનાં ચક્ષુ. સહેજે વાત્સલ્ય-ભાવનો ઉદય થયો. તેઓશ્રી બાલક-રાખાલને વાત્સલ્ય-ભાવથી જોવા લાગ્યા અને ‘ગોવિંદ, ગોવિંદ,’ એ નામનું પ્રેમભર્યે સ્વરે ઉચ્ચારણ કરવા લાગ્યા. શ્રીકૃષ્ણને જોઈને યશોદાને જે ભાવનો ઉદય થતો, આ જાણે કે તે જ ભાવ. ભક્તો આ અદ્ભુત દૃશ્ય જોઈ રહ્યા છે, એટલામાં બધું સ્થિર. ‘ગોવિંદ’ નામ લેતાં લેતાં ભક્તાવતાર ઠાકુર શ્રીરામકૃષ્ણને સમાધિ થઈ છે. શરીર ચિત્રમાં આલેખેલની પેઠે સ્થિર, ઇન્દ્રિયો બધી કામ બંધ કરીને જાણે કે ચાલી ગઈ છે. દૃષ્ટિ નાસિકાગ્ર પર સ્થિર. શ્વાસ કોણ જાણે ચાલે છે કે નથી ચાલતો! શરીર માત્ર આ લોકમાં પડ્યું છે. આત્મા-પક્ષી, એમ લાગે છે કે ચિદાકાશમાં વિહરી રહ્યું છે. આટલા વખત સુધી જે સાક્ષાત્ માની પેઠે સંતાનને માટે આતુર થયા હતા, તે અત્યારે ક્યાં? આ અદ્ભુત ભાવાન્તરનું નામ શું સમાધિ?

એ વખતે ભગવાં લૂગડાં પહેરેલ એક અપરિચિત બંગાલી આવ્યો અને બેઠો.

Total Views: 490
ખંડ 11: અધ્યાય 10: ઠાકુર શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ-ધર્મ
ખંડ 11: અધ્યાય 12: ભગવાં વસ્ત્રો અને સંન્યાસી - અભિનયમાં પણ મિથ્યાપણું સારું નહિ