કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ।
ઇન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ।। (ગીતા, ૩.૬)

ભગવાં વસ્ત્રો અને સંન્યાસી – અભિનયમાં પણ મિથ્યાપણું સારું નહિ

પરમહંસદેવની સમાધિ ક્રમે ક્રમે ઊતરવા લાગી. ભાવાવસ્થામાં જ વાત કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ પોતાની મેળે બોલે છે.

શ્રીરામકૃષ્ણ (ભગવાં જોતાં): વળી ભગવાં શું કરવા? એકાદું પહેરી લીધું એટલે થયું? (હાસ્ય). એક જણ કહેતો હતો કે ચંડી છોડીને થયો ઢોલી. પહેલાં દેવીનાં કીર્તન કરતો, હવે ઢોલ વગાડે છે. (સૌનું હાસ્ય).

‘વૈરાગ્ય ત્રણ ચાર પ્રકારનો. સંસારની બળતરાથી હેરાન થઈને ભગવાં લૂગડાં પહેરી લીધાં હોય. એ વૈરાગ્ય ઝાઝા દિવસ ટકે નહિ. કાં તો નોકરી ધંધો ન હોય, એટલે ભગવાં પહેરીને કાશી ચાલ્યો જાય. ત્રણ મહિના પછી ઘેર કાગળ આવે કે મને એક નોકરી જડી ગઈ છે, થોડા દિવસમાં ઘેર આવીશ, તમે કોઈ ચિંતા કરશો નહિ. તેમજ વળી બધુંય હોય, કોઈ જાતનો અભાવ નહિ, છતાં કંઈ ગમે નહિ, એકલો એકલો ભગવાનને માટે રડે. એ વૈરાગ્ય સાચો વૈરાગ્ય.

‘ખોટું કાંઈ સારું નહિ. ખોટો ભેખ પણ સારો નહિ. ભેખના જેવું જો મન હોય તો ક્રમે સર્વનાશ થાય. ખોટું બોલતાં બોલતાં કે કરતાં કરતાં ધીમે ધીમે ભય નીકળી જાય. તેના કરતાં ધોળાં લૂગડાં સારાં. મનમાં આસક્તિ, વચ્ચે વચ્ચે વળી પતન થાય છે, અને બહાર ભગવાં! અતિ ભયંકર!’

કેશવચંદ્ર સેનના ઘરે જવું અને નવવૃંદાવન દર્શન

એટલે સુધી કે જેઓ સત્પુરુષો છે તેમણે વિનોદમાં પણ ખોટું બોલવું કે ખોટું કામ કરવું સારું નહિ. કેશવ સેનને ત્યાં નવ-વૃંદાવન નાટક જોવા ગયો હતો. ત્યાં એક જણ કંઈક લાવ્યોઃ ક્રોસ (ભર્જિજ). પાછો એ પાણી છાંટવા લાગ્યો, કહે કે શાંતિજળ. મેં જોયું તો એક જણ દારૂડિયાનો પાઠ ભજવતાં ભજવતાં છાકટાઈ કરી રહ્યો છે.

બ્રાહ્મ ભક્ત: કુ… બાબુ.

શ્રીરામકૃષ્ણ: ભક્તને માટે એવો વેશ લેવો પણ સારો નહિ. એવી બધી બાબતોમાં મન બહુ વખત સુધી રાખવાથી હાનિ થાય. મન જાણે કે ધોબીનું ધોયેલું કપડું. જે રંગમાં બોળો તે રંગનું થઈ જાય. ખોટામાં ઘણા વખત સુધી નાખી રાખીએ તો ખોટાનો રંગ ચડી જાય.

‘બીજે એક દિવસે કેશવને ઘેર ‘નિમાઈ-સંન્યાસ’ નાટક જોવા ગયો હતો. એ નાટક કેશવના કેટલાક ખુશામતિયા અનુયાયીઓએ બગાડી નાખ્યું હતું. એક જણ કેશવને કહે છે કે આપ કલિયુગના ચૈતન્ય. એટલે કેશવ મારા સામું જોઈને હસતાં હસતાં બોલ્યા, તો પછી આ (ઠાકુર) શું? મેં કહ્યું, ‘હું તમારા દાસોનો દાસ, રજની રજ.’ કેશવમાં પોતાનું નામ ફેલાવવાની ઇચ્છા હતી.’

નરેન્દ્ર વગેરે નિત્યસિદ્ધ – તેમની ભક્તિ આજન્મા

શ્રીરામકૃષ્ણ (અમૃત અને ત્રૈલોક્યને): નરેન્દ્ર, રાખાલ વગેરે આ બધા છોકરાઓ નિત્ય-સિદ્ધ. તેઓ જન્મેજન્મે ઈશ્વરના ભક્ત. ઘણા માણસોને તો ખૂબ સાધ્ય-સાધના કરે ત્યારે જરાક ભક્તિ આવે. પણ આમને તો જન્મથી જ ઈશ્વર ઉપર પ્રેમ, જાણે કે પાતાળ ફોડીને પ્રકટ થયેલા મહાદેવ, સ્થાપિત શિવલિંગ નહિ.

‘નિત્યસિદ્ધોનો વર્ગ જ જુદો. બધાં પક્ષીની ચાંચ વળેલી ન હોય. આ લોકો ક્યારેય સંસારમાં આસક્ત થાય નહિ, જેમ કે પ્રહ્લાદ.

‘સાધારણ લોકો સાધના કરે, ઈશ્વર-ભક્તિયે કરે, પાછા સંસારમાંય આસક્ત થાય, કામ-કાંચનમાંય મોહી પડે. માખી જેમ ફૂલ ઉપર બેસે, મીઠાઈ ઉપર બેસે, તેમજ વિષ્ટા ઉપર પણ બેસે! (સૌ સ્તબ્ધ).

‘નિત્ય-સિદ્ધ જાણે કે મધમાખી, કેવળ ફૂલ ઉપર બેસીને મધ ચૂસે. નિત્ય-સિદ્ધ હરિ-રસ પીએ, વિષયરસ તરફ જાય નહિ.’

‘સાધ્ય-સાધના કરી કરીને જે ભક્તિ આવે, એવી ભક્તિ આ લોકોની નહિ. આટલા જપ, આટલાં ધ્યાન કરવાનાં, આટલા ઉપચારે પૂજા કરવાની એ બધી વિધિવાળી ભક્તિ. જેમ કે ખેતરમાં પાક ઊગી જાય એટલે ખેતરના શેઢા ઉપર થઈ ફરી ફરીને જવું પડે, અથવા જેમ કે સામેના ગામમાં જવું હોય, પણ વાંકીચૂકી નદીમાં હોડીમાં વાંકુચૂકું ફરી ફરીને જવું પડે તેમ.

‘રાગભક્તિ, પ્રેમભક્તિ, ઈશ્વર પર પોતાનાં સગાં જેવો પ્રેમ જો આવે તો પછી કોઈ વિધિ-નિષેધ રહે નહિ. એ પછી જેમ કે પાક-લણાયેલું ખેતર ઓળંગવું. આજુબાજુના શેઢા ઉપર થઈને જવું ન પડે. સીધા એક બાજુએથી સોંસરા જઈએ એટલે થયું.

‘પૂર આવે ત્યારે વાંકીચૂકી નદીમાં ફરીફરીને જવું ન પડે, એ વખતે તો ખેતર ઉપર પણ એક માથોડું પાણી! હોડી સીધી હાંકી દો એટલે પત્યું.’

‘આ રાગભક્તિ, આ અનુરાગ, આ પ્રેમ ન આવે ત્યાં સુધી ઈશ્વરપ્રાપ્તિ ન થાય.’

સમાધિતત્ત્વ – સવિકલ્પ અને નિર્વિકલ્પ

અમૃત: મહાશય! આપને આ સમાધિ અવસ્થામાં શો અનુભવ થાય!

શ્રીરામકૃષ્ણ: તમે સાંભળ્યું છે ને કે ભમરીનું ચિંતન કરી કરીને વંદો ભમરી થઈ જાય? એ શેના જેવું, ખબર છે? જેમ હાંડલીમાં પડેલી માછલીને વિશાળ ગંગામાં છોડી મૂકીએ ને તેને જેવું થાય, તેના જેવું.

અમૃત: શું અહંકાર જરા પણ ન રહે?

શ્રીરામકૃષ્ણ: ઘણે ભાગે સહેજ અહંકાર મારામાં રહે. સોનાની ઝીણી કટકીને કસોટી પર ગમે તેટલી ઘસોને, તોય એક લગીરેક કણી રહી જાય. અથવા જેમ કે મોટો અગ્નિ અને તેની એક ચિનગારી. બહારનું જ્ઞાન ચાલ્યું જાય, પરંતુ ઈશ્વર ઘણે ભાગે લગારેક ‘અહં’ રાખી દે છે, વિલાસને માટે! ‘હું, તું’ રહે તો સ્વાદ આવે. ક્યારેક ક્યારેક એ લગારેક જેટલો અહંકાર પણ ઈશ્વર કાઢી નાખે. એનું નામ જડ-સમાધિ, નિર્વિકલ્પ-સમાધિ. એ વખતે શી અવસ્થા થાય તે મોઢેથી બોલી શકાય નહિ. મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ હતી. જરાક ઊતરતાં જ ગળી ગઈ, ‘તદાકારાકારિત’. એ પછી કોણ ઉપર આવીને સમાચાર આપે કે સમુદ્ર કેટલો ઊંડો છે!’

Total Views: 611
ખંડ 11: અધ્યાય 11: દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં શ્રીઅમૃત, શ્રીત્રૈલોક્ય વગેરે બ્રાહ્મભક્તો સાથે કથોપકથન
ખંડ 11: અધ્યાય 13: નરેન્દ્ર, રાખાલ વગેરે ભક્તો સાથે બલરામના ઘેર