ઠાકુર શ્રીરામકૃષ્ણ નરેન્દ્રાદિ ભક્તો સંગે કીર્તનાનંદે

ઠાકુર શ્રીરામકૃષ્ણ બલરામને ઘેર ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનાની ઉત્તર-પૂર્વનો ઓરડો. બપોરના એક વાગ્યાનો સુમાર. નરેન્દ્ર, ભવનાથ, રાખાલ, બલરામ, માસ્ટર ઓરડામાં ઠાકુરની સાથે બેઠેલા છે.

આજ અમાસ, શનિવાર. ૭મી એપ્રિલ, ૧૮૮૩, ૨૫ ચૈત્ર. ઠાકુર સવારે બલરામને ઘેર પધાર્યા છે અને બપોરે ત્યાં જ ભોજન કર્યું છે. નરેન્દ્ર, ભવનાથ, રાખાલ, અને બીજા એકબે ભક્તોને આમંત્રણ આપવાનું ઠાકુરે કહ્યું હતું. તેઓ પણ અહીં જમ્યા છે. ઠાકુર બલરામને કહેતાઃ ‘એમને જમાડવા, એટલે ઘણાય સાધુઓને જમાડવા બરોબર!’

કેટલાક દિવસ પહેલાં ઠાકુર, શ્રીયુત્ કેશવને ઘેર નવ-વૃંદાવન નાટક જોવા ગયા હતા. સાથે નરેન્દ્ર અને રાખાલ હતા. નરેન્દ્રે અભિનયમાં ભાગ લીધો હતો.કેશવે પવહારી બાબાનો પાઠ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગરે ભક્તોને): કેશવે (સેન) સાધુનો સ્વાંગ સજીને શાન્તિ જળ છાંટવા માંડ્યું. મને તો એ ગમ્યું નહિ. નાટક કરીને શાન્તિજળ છાંટે!

બીજા એક જણે (કુ.બાબુ) શેતાનનો પાઠ લીધો હતો. એ જાતનો પાઠ લેવો એ પણ સારું નહિ. પોતે પાપ કરવું એ સારું નહિ, પાપીનો પાઠ ભજવવો એ પણ સારું નહિ.

નરેન્દ્રની તબિયત જોઈએ તેવી બરાબર નથી. પરંતુ તેનું ગીત સાંભળવાની ઠાકુરની ખૂબ ઇચ્છા છે, એટલે કહે છે, ‘નરેન્દ્ર, આ લોકો કહે છે કે જરા ગા ને!’ નરેન્દ્ર તાનપૂરો લઈને ગાવા લાગ્યાઃ

ગીત
મારાં પ્રાણપિંજરનાં પંખી ગાઓજી રે…
બ્રહ્મ-કલ્પતરુ પર બેસી પંખી વિભુ-ગુણ ગાઓજી રે, (ગાઓ, ગાઓ)
ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂપી પાકાં પાકાં ફળ ખાઓજી રે.
બોલો બોલો આત્મારામ, પઢો પ્રાણારામ,
હૃદયમાંહે પ્રાણ-વિહંગમ પોકારો અવિરામ;
બોલાવો તૃષિત ચાતક પેઠે, પંખી આળસ કરો મા રે.

ગીત
વિશ્વભુવનરંજન બ્રહ્મ પરમ જ્યોતિ
અનાદિદેવ જગપતિ પ્રાણના પ્રાણ
કેટલી કૃપા વરસી રહી, પ્રાણશાંતિ સુમધુર પ્રેમ સમીરે
દુઃખતાપ સકળ થાય અવસાન,
સર્વ તણા તમે છો પિતા બંધુ માતા,
અનંતલોક કરે તવ પ્રેમામૃત પાન,
અનાથશરણ એવા તે કોણ તમ સમાન,
પોકારું તમને દરશ દો હે કૃપાનિધાન.

ગીત
(ઓ હે) રાજરાજેશ્વર, દર્શન દો!
ચરણકમલે દાન, કરી દીધા મમ પ્રાણ;
સંસાર અનલકુંડે સળગી ગીયા છે તેય… રાજ…
કલુષ-કલંકે ભર્યું, અતિ ક્ષુદ્ર મમ હૈયું,
મોહે મુગ્ધ, મૃતસમ, થયો છું હું દયામય,
મૃતસંજીવની દૃષ્ટિ નાખી શુદ્ધ કરી લો… રાજ…

ગીત
ગગનમય થાળ રવિ ચંદ્ર દીપક બન્યા,
તારકમંડલ ચમકે મોતી રે..
ધૂપ મલયાનિલ પવન ચામર કરે;
સકળ વનરાઈ ફૂટન્ત જ્યોતિ રે..
કેવી આરતી હોય ભવખંડન તમ આરતી,
અનાહત શબદ બાજત ભેરી રે..
હરિચરણ કમલમકરંદ લોભિત મન,
પ્રતિદિન મને થાય પિપાસા..
કૃપાજલ દિયો નાનક સારંગને,
થઈ જાય તમ નામ વાસા..

ગીત
ચિદાકાશે થયો પૂર્ણ પ્રેમ-ચંદ્રોદય હે.
ઊછળિયો પ્રેમ-સિન્ધુ શો આનંદમય હે…
જય દયામય! જય દયામય! જય દયામય!

નરેન્દ્રનું સંગીત પૂરું થયું. ઠાકુર ભવનાથને ગીત ગાવાનું કહે છે.

ભવનાથ ગાય છેઃ-
દયાઘન તમ સમ કોણ હિતકારી
સુખે દુઃખે શમ, બંધુ એવો કોણ? પાપતાપ ભયહારી,
સંકટપૂરિત ઘોર ભવાર્ણવ કો’ તારે નૌકાધારી,
કોની કૃપાથી દૂર પરાહત રિપુદલ વિપ્લવકારી?
પાપદહન પરિતાપ નિવારક, કો દિયે શાંતિ સુવારિ,
ત્યાગે સકળ અંતિમ કાળે, કો’ લે ગોદ પસારી?

નરેન્દ્ર (હસીને): આણે (ભવનાથે) પાન અને માછલીનો ત્યાગ કર્યો છે.

શ્રીરામકૃષ્ણ (ભવનાથને, હસીને): અલ્યા એ શું? પાન અને માછલીમાં શું થઈ ગયું? એમાં કાંઈ દોષ નહિ. કામિની-કાંચનનો ત્યાગ જ ખરો ત્યાગ. રાખાલ ક્યાં?

એક ભક્ત: જી, રાખાલ ઊંઘે છે.

ઠાકુર (હસીને): એક જણ બગલમાં ચટાઈ લઈને રામલીલા જોવા ગયો હતો. ત્યાં શરૂ થવાને હજી વાર છે એ જોઈ ચટાઈ પાથરીને ઊંઘી ગયો. જ્યારે જાગ્યો, ત્યારે રામલીલા બધી પૂરી થઈ ગયેલી! (સૌનું હાસ્ય).

એટલે પછી ચટાઈ વીંટી લઈ, બગલમાં મારીને પાછો ઘેર ગયો. (હાસ્ય).

રામદયાળ ખૂબ પીડિત છે. બીજા એક ઓરડામાં પથારીવશ છે. ઠાકુર એ જ ઓરડાની સામે ગયા, અને કેમ છે એમ પૂછ્યું.

પંચદશી, વેદાંત શાસ્ત્ર અને શ્રીરામકૃષ્ણ: સંસારી અને શાસ્ત્રાર્થ

ચારેક વાગ્યાનો સમય. દીવાનખાનામાં નરેન્દ્ર, રાખાલ, માસ્ટર, ભવનાથ વગેરે ભક્તો સાથે ઠાકુર બેઠેલા છે. કેટલાક બ્રાહ્મભક્તો આવ્યા છે તેમની સાથે વાતો ચાલી રહી છે.

બ્રાહ્મભક્ત: મહારાજશ્રીએ પંચદશી વાંચી છે?

શ્રીરામકૃષ્ણ: એ બધાં પ્રથમ પ્રથમ એકવાર સાંભળી લેવાં જોઈએ; શરૂ શરૂમાં વિચાર કરી લેવો જોઈએ. ત્યાર પછી તો –

‘જતન કરી હૈયે રાખો, આદરિણી શ્યામા માને,
મન તું જ દેખ, અને હું દેખું, બીજું કોઈ નવ ભાળે એને…
કામાદિને છેતરી રે મન, છાનુંમાનું જો શ્રીમાને,
જિહ્વાને સંગે રાખો સદા, જેથી મા, મા કહી એ બોલાવે.
કુરુચિ કુસંગો જે, તેને પાસ ન આવવા દો,
જ્ઞાનચક્ષુને પ્રહરી બનાવો, જેથી સર્વદા જાગ્રત હો!
કહે કમલાકાંત હે મન ભાઈ આ છે મારું નિવેદન
નિર્ધનને જો રતન મળે શું જતન કરી ના રાખે કરે?’

‘સાધક અવસ્થામાં એ બધાં સાંભળવાં જોઈએ. તેની (ઈશ્વર) પ્રાપ્તિ થયા પછી જ્ઞાનનો તોટો રહે નહિ. મા ઢગલો ધકેલી દે.

‘શરૂઆતમાં ચીપીચીપીને અક્ષર લખતાં શીખવું પડે. પછી તો સરેરાટ તાણ્યે જાઓ ને!

‘સોનું ગાળતી વખતે મહેનત કરીને લાગી પડવું જોઈએ. હાથમાં પંખો, મોઢે ફૂંકણી વગેરે રાખીને જ્યાં સુધી સોનું ન પીગળે ત્યાં સુધી. સોનું પીગળ્યું ને ઢાળિયામાં નખાઈ ગયું એટલે નચિંત.’

‘શાસ્ત્રો માત્ર વાંચ્યે કાંઈ ન વળે. કામિની-કાંચનમાં રહ્યે, એ શાસ્ત્રનો મર્મ સમજાવા દે નહિ. સંસાર પરની આસક્તિથી જ્ઞાનનો લોપ થઈ જાયઃ

‘ખાંતે હું તો ભણ્યો હતો કાવ્યરસ બધો,
કાળા કેરી પ્રીતમાં પડી, ખોયો રસ બધો.’ (સૌનું હાસ્ય)

ઠાકુર બ્રાહ્મભક્તો સાથે શ્રીયુત્ કેશવ વિષે વાતો કરે છેઃ

‘કેશવને યોગ ને ભોગ બેઉ છે. સંસારમાં રહીનેય ઈશ્વર તરફ તેનું મન છે.

એક ભક્ત વિશ્વવિદ્યાલયના પદવી પ્રદાનોત્સવ સંબંધે બોલે છે કે ત્યાં જોયું તો માણસોનો જાણે કે મોટો મેળો!

શ્રીરામકૃષ્ણ: અનેક લોકોને એક સાથે મળેલા જોઈએ તો ઈશ્વરીય ભાવ જાગે. જો મેં એ જોયું હોત તો ઈશ્વરીય ભાવથી વિહ્વળ થઈ જાત.

Total Views: 565
ખંડ 11: અધ્યાય 12: ભગવાં વસ્ત્રો અને સંન્યાસી - અભિનયમાં પણ મિથ્યાપણું સારું નહિ
ખંડ 11: અધ્યાય 14: દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણ ભક્તોસંગે - મણિલાલ અને કાશીદર્શન