ચાલો ભાઈ, આજ વળી ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા દક્ષિણેશ્વર મંદિરે જઈએ. તેઓશ્રી ભક્તો સાથે કેવી રીતે વિલાસ કરે છે, ઈશ્વરના ભાવમાં હંમેશાં કેવી રીતે સમાધિસ્થ રહે છે એ જોઈએ. તેઓશ્રી ક્યારેક સમાધિસ્થ, ક્યારેક કીર્તનાનંદમાં મસ્ત, તો ક્યારેક વળી સાધારણ માણસની પેઠે ભક્તો સાથે વાતચીત કરે છે એ જોઈએ. તેમના શ્રીમુખમાં ઈશ્વર-કથા સિવાય બીજું કશુંય નથી. તેમનું મન હમેશાં અંતર્મુખ, તેમનું આચરણ પાંચ વરસના બાળકના જેવું. પ્રત્યેક શ્વાસની સાથે માતાજીનું નામ લીધા કરે છે, તેઓ તદ્દન અભિમાન-રહિતઃ તેમનું આચરણ નાના બાળકના જેવું. પાંચ વરસનું બાળક વિષયોમાં આસક્તિ-રહિત, સદાનંદ, સરલ અને ઉદાર-પ્રકૃતિ હોય. તેમની એક જ વાતઃ ઈશ્વર સત્ય, બીજું બધું અનિત્ય, બે દિવસને માટે. ચાલો, એ પ્રેમોન્મત્ત બાળકને જોવા જઈએ. મહાયોગી! અનંત સાગરને તીરે એકલા વિચરી રહ્યા છે, એ અનંત સચ્ચિદાનંદ સાગરમાં જાણે કે કંઈક નીરખી રહ્યા છે, એ નીરખીને પ્રેમમાં મસ્ત થઈને ફરી રહ્યા છે!

આજે ચૈત્ર માસની સુદ એકમ, રવિવાર. ગઈકાલે શનિવાર ને અમાસને દિવસે ઠાકુર બલરામને ઘેર ગયા હતા. અમાવાસ્યાના ગાઢ અંધકારની વચ્ચે મહાકાલી એકલી મહાકાલની સાથે રમણ કરી રહી છે. એટલે ઠાકુર અમાસને દિવસે સ્થિર રહી શકતા નથી. એટલા માટે બાળકની અવસ્થા. જે રાત દિવસ ‘મા’ને જુએ અને જેને ‘મા’ ન હોય તો ચાલે નહિ તે બાળક.

આજે રવિવાર, ૮મી એપ્રિલ, ઈ.સ. ૧૮૮૩. ૨૬ ચૈત્ર, સુદ એકમ, સવારનો પહોર. આ રહ્યા ઠાકુર બાળકની જેમ બેઠેલા છે. તેમની પાસે બેઠેલ છે બીજો એક છોકરો, ભક્ત – રાખાલ.

માસ્ટરે આવીને જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા. ઠાકુરનો ભત્રીજો રામલાલ પણ છે. કિશોરી અને બીજા પણ કેટલાક ભક્તો આવીને એકઠા થયા છે. જૂના બ્રાહ્મ-સમાજી ભક્ત શ્રીયુત્ મણિલાલ મલ્લિક આવી પહોંચ્યા અને ઠાકુર શ્રીરામકૃષ્ણને પ્રણામ કર્યા. મણિ મલ્લિક કાશી ગયા હતા. તેઓ ધંધાદારી માણસ, કાશીમાં તેમનો બંગલો છે.

શ્રીરામકૃષ્ણ: હેં ભાઈ, કાશી ગયા હતા તે કાંઈ સાધુબાધુ જોયા?

મણિલાલ: જી હા, ત્રૈલંગ સ્વામી, ભાસ્કરાનંદ, વગેરેનાં દર્શન કરવા ગયો હતો.

શ્રીરામકૃષ્ણ: એ બધા કેમ લાગ્યા, કહો?

મણિકર્ણિકાનો ઘાટ

મણિ મલ્લિક: ત્રૈલંગ સ્વામી એના એ મંદિરમાં જ છે, મણિકર્ણિકાના ઘાટ પર વેણી-માધવની પાસે. માણસો કહે છે કે પહેલાં એમની બહુ ઊંચી અવસ્થા હતી, કેવા કેવા ચમત્કારો કરી શકતા હતા. હવે એ બહુ જ ઓછું થઈ ગયું છે.

શ્રીરામકૃષ્ણ: એ બધી સંસારી માણસોની નિંદા.

મણિલાલ: ભાસ્કરાનંદ સૌની સાથે ભળે; ત્રૈલંગ સ્વામીની પેઠે નહિ, કે એકદમ બોલવું જ બંધ.

1-11-14-2

સિદ્ધપુરુષો માટે ‘ઈશ્વરકર્તા’ – અન્ય માટે પાપપુણ્ય – Free Will – સ્વતંત્ર ઇચ્છાશક્તિ

શ્રીરામકૃષ્ણ: ભાસ્કરાનંદની સાથે તમારે કાંઈ વાતચીત થઈ હતી?

મણિલાલ: જી હા. ઘણીયે વાતચીત થઈ. તેમાં પાપપુણ્યની વાતોય થઈ. તેમણે કહ્યું કે પાપ માર્ગે જાઓ મા ને પાપી વિચારોનો ત્યાગ કરો, ઈશ્વર એ બધું ઇચ્છે છે. જે કામો કરવાથી પુણ્ય થાય એવાં કામો કરવાં.

શ્રીરામકૃષ્ણ: હાં, એ એક પ્રકારનું છે, દુનિયાદારીના માણસોને માટે. જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ ગયો છે તેમનો એક પ્રકારનો જુદો જ ભાવ હોય. તેઓ સમજે કે ઈશ્વર જ એક માત્ર કર્તા, બીજા બધા અકર્તા. જેમને ચૈતન્ય થયું છે તેમનો પગ બેતાલ પડે નહિ, હિસાબ, ગણતરી કરીને પાપોનો ત્યાગ કરવો પડે નહિ. ઈશ્વર ઉપર તેમનો એટલો બધો પ્રેમ હોય કે જે કામ તેઓ કરે એ સત્કર્મ. પરંતુ તેઓ જાણે કે એ કામનો કર્તા હું નહિ, હું તો ઈશ્વરનો દાસ, હું યંત્ર, ઈશ્વર યંત્ર ચલાવનાર, એ જેમ કરાવે તેમ કરું, જેમ બોલાવે તેમ બોલું, એ જેમ ચલાવે તેમ ચાલું.

સ્વામી ભાસ્કરાનંદ

જેમને આત્મજાગૃતિ થઈ છે તેઓ પાપપુણ્યથી પર. તેઓ જુએ કે ઈશ્વર જ બધું કરી રહ્યો છે. એક ઠેકાણે એક મઠ હતો. મઠના સાધુઓ રોજ માધુકરી (ભિક્ષા) લેવા જાય. એક દિવસ એક સાધુ ભિક્ષા લઈને આવતાં જુએ છે તો એક જમીનદાર એક માણસને ખૂબ માર મારી રહ્યો છે. સાધુનું અંતર બહુ જ દયાળુ. એટલે તેણે ત્યાં જઈને વચ્ચે પડીને જમીનદારને પેલા માણસને મારતો અટકાવવાનો પ્રયાસ કર્યો.

એ વખતે જમીનદાર ખૂબ ક્રોધે ભરાયેલો હતો. પેલા સાધુને વચ્ચે પડતો જોઈને તેણે પોતાનો બધો ગુસ્સો તેના પર ઉતાર્યો અને એવો માર માર્યો કે સાધુ બેભાન થઈને ત્યાં પડી ગયો. એટલામાં ત્યાંથી કોઈએ જઈને મઠમાં ખબર આપ્યા કે તમારા એક સાધુને પેલા જમીનદારે ખૂબ માર માર્યો છે. એ પરથી મઠના સાધુઓ દોડી આવ્યા અને જોયું તો પેલો સાધુ અચેત થઈને પડ્યો છે. તરત જ એ લોકો ચાર પાંચ જણ મળીને તેને ઊંચકીને મઠમાં ઉપાડી લાવ્યા અને ઓરડામાં સુવડાવી દીધો. સાધુ બેભાન પડ્યો છે, તેની ચારે બાજુ મઠના માણસો ઘેરી વળીને ઉદાસ ચહેરે બેઠેલા છે. કોઈ કોઈ એને પંખો કરે છે. એટલામાં એક જણે કહ્યું કે તેના મોઢામાં દૂધ રેડી જુઓ તો. એ પરથી તેના મોઢામાં હળવે હળવે દૂધ રેડતાં તે પેટમાં પહોંચ્યું એટલે તેને ચેતના આવી ને આંખો ઉઘાડીને તે જોવા લાગ્યો. એટલે એક જણે કહ્યું કે ‘અરે જરા જુઓ તો ખરા કે તેને ભાન બરાબર આવ્યું છે કે નહિ, માણસ ઓળખી શકે છે કે નહિ.’ એ પરથી બીજા એક જણે ખૂબ ઘાંટો અવાજ પાડીને પૂછ્યું, ‘મહારાજ તમને કોણ દૂધ પાય છે?’ પેલા સાધુએ ધીમે અવાજે જવાબ આપ્યો કે ‘ભાઈ, જેણે માર માર્યો હતો તે જ અત્યારે દૂધ પાય છે.’

ઈશ્વરને ઓળખ્યા વિના એવી અવસ્થા ન થઈ શકે.

મણિલાલ: જી, આપે જે વાત કહી તે ઘણી ઊંચી અવસ્થા! ત્યાં ભાસ્કરાનંદજીની સાથે એવી બધી જાતજાતની વાતો થયેલી.

શ્રીરામકૃષ્ણ: કોઈ મકાનમાં રહે છે?

મણિલાલ: એક જણના મકાનમાં રહે છે.

શ્રીરામકૃષ્ણ: ઉંમર કેટલી છે?

મણિલાલ: પંચાવન હશે.

શ્રીરામકૃષ્ણ: બીજી કાંઈ વાતો થઈ?

મણિલાલ: મેં પૂછ્યું કે ભક્તિ કેમ કરીને આવે? એટલે તેમણે કહ્યું કે ભગવાનનું નામ લો, રામ રામ બોલો.

શ્રીરામકૃષ્ણ: એ મજાની વાત.

Total Views: 570
ખંડ 11: અધ્યાય 13: નરેન્દ્ર, રાખાલ વગેરે ભક્તો સાથે બલરામના ઘેર
ખંડ 11: અધ્યાય 15: ગૃહસ્થ અને કર્મયોગ