દક્ષિણેશ્વરના મંદિરોમાં શ્રીશ્રીભવતારિણી, શ્રીશ્રીરાધાકાન્તજી અને બાર શિવલિંગની પૂજા પૂરી થઈ. એ પછી સમય થતાં ભોગ-આરતીના સમયનાં વાજિંત્રો વાગી રહ્યાં છે. ચૈત્ર માસ, બપોર થયો, આકરો તડકો. ભરતી આવવાની હજી તો શરૂઆત થઈ છે. દક્ષિણ બાજુએથી હવા આવવી શરૂ થઈ છે. પવિત્ર જળમયી ભાગીરથી ગંગા હજી હમણાં જ ઉત્તરવાહિની થઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ જમીને પોતાના ઓરડામાં જરા આરામ લે છે. રાખાલનું ગામ બસિરહાટની પાસે. ત્યાં ઉનાળામાં પાણીની બહુ જ તકલીફ.

મણિ મલ્લિક

શ્રીરામકૃષ્ણ (મણિ મલ્લિકને): જુઓ, રાખાલ કહેતો હતો કે તેના ગામમાં પાણીની બહુ જ હાડમારી છે; તે તમે ત્યાં એકાદ તળાવ ખોદાવો ને, એથી માણસો પર કેટલો ઉપકાર થશે! (સહાસ્ય) તમારે તો ઘણોય પૈસો છે. એટલો બધો સંઘરી રાખીને શું કરવો છે? પણ કહેવાય છે કે તેલીઓ બહુ ગણતરીબાજ હોય. (ઠાકુર અને બીજા ભક્તોનું હાસ્ય).

મણિલાલ મલ્લિકનું મકાન કોલકાતા સિંદુરિયાપટીમાં. સિંદુરિયાપટીના બ્રાહ્મ-સમાજના વાર્ષિક ઉત્સવ-પ્રસંગે એ ઘણા ભક્તોને આમંત્રણ આપે. ઉત્સવમાં શ્રીરામકૃષ્ણને પણ આમંત્રણ આપે. મણિલાલનો વરાહનગરમાં એક બગીચો છે. ત્યાં ઘણી વાર એકલા આવે અને એ સાથે ઠાકુરનાં દર્શન પણ કરી જાય. મણિલાલ ગણતરીબાજ પૂરેપૂરા, એમાં ના નહિ. આખા રસ્તાનું ગાડીભાડું ખર્ચીને વરાહનગર ન આવે! પહેલાં ટ્રામમાં બેસીને શોભાબજારમાં આવે, ત્યાંથી સહિયારી ગાડીમાં બેસીને વરાહનગર આવે! પૈસાનો તોટો નહિ. કેટલાંક વરસ પછી ગરીબ વિદ્યાર્થીઓના ભરણપોષણ સારુ તેમણે એકી સાથે પચીસ હજાર રૂપિયાની સખાવત કરેલી.

મણિલાલ ચૂપ બેઠા છે. થોડીવાર પછી આમ તેમ વાતો કરતાં કરતાં વાતમાં વાત કાઢીને બોલ્યા, ‘મહાશય! તલાવડીની વાત કહેતા હતા, તે એ વાત કહી એટલે પત્યું! એમાં વળી તેલી બેલી કહેવાની શી જરૂર?’

ભક્તો કોઈ કોઈ મોઢું દાબીને હસે છે. ઠાકુર પણ હસે છે.

Total Views: 534
ખંડ 11: અધ્યાય 14: દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણ ભક્તોસંગે - મણિલાલ અને કાશીદર્શન
ખંડ 11: અધ્યાય 16: દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ અને બ્રાહ્મગણ - પ્રેમતત્ત્વ