થોડીવાર પછી કોલકાતાથી કેટલાક જૂના બ્રાહ્મ-સમાજી ભક્તો આવી પહોંચ્યા. તેમાંના એક શ્રીયુત્ ઠાકુરદાસ સેન. ઓરડામાં અનેક ભક્તોનો સમાગમ થયો છે. ઠાકુર નાની પાટ પર બેઠા છે. ચહેરા પર હાસ્ય, બાલકમૂર્તિ. ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. બ્રાહ્મભક્તોની સાથે આનંદથી વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મ-સમાજી તથા બીજા ભક્તોને): તમે ‘પ્યેમ’ ‘પ્યેમ’ કરો છો, પણ પ્રેમ તે શું સામાન્ય વસ્તુ? ચૈતન્યદેવને ‘પ્રેમ’ થયો હતો. પ્રેમનાં બે લક્ષણઃ પ્રથમ જગત ભુલાઈ જાય. ઈશ્વર ઉપર એટલો બધો પ્રેમ, કે બાહ્ય જગતના ભાન રહિત થઈ જાય. ચૈતન્યદેવ ‘વન દેખી વૃંદાવન ભાળે, સમુદ્ર દેખી શ્રીયમુના નિહાળે.’

બીજું લક્ષણ, પોતાનું શરીર કે જે આટલી પ્રિય વસ્તુ, તેના ઉપર પણ મમતા રહે નહિ, દેહાત્મભાન એકદમ ચાલ્યું જાય.

ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ.

અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ, ઈશ્વરનાં નામ-ગુણ-કીર્તન, સત્ય બોલવું એ બધું.

‘આ બધાં અનુરાગનાં લક્ષણો જોવામાં આવે તો બરાબર કહી શકાય કે ઈશ્વર-દર્શનને હવે વાર નથી. શેઠ પોતાના નોકરને ઘેર જવાના છે એમ નક્કી થાય તો એ નોકરના ઘરની અવસ્થા જોઈને બરાબર સમજી શકાય. પહેલાં તો ઘરના આંગણામાંથી ઘાસ-પાદડાં, કચરો વગેરે કાઢીને સાફ થાય, ઘરમાંથી જાળાં સાફ થાય, ઝાડઝૂડ થાય. શેઠ પોતે જ શેતરંજી, હુક્કો વગેરે સરંજામ મોકલાવી આપે. એ બધી ચીજો આવતી જોઈને માણસોને સમજતાં વાર ન લાગે કે શેઠ હવે આવી પહોંચવાના.

એક ભક્ત: જી, પહેલાં શું વિચાર કરીને ઇન્દ્રિય-નિગ્રહ કરવો જોઈએ?

શ્રીરામકૃષ્ણ: એ પણ એક માર્ગ છે, વિચારમાર્ગ. ભક્તિમાર્ગથી પણ આંતર-ઇન્દ્રિય-નિગ્રહ એની મેળે થાય, અને સહેજે થાય. ઈશ્વરની ઉપર જેમ જેમ પ્રેમ આવે, તેમ તેમ ઇન્દ્રિય-સુખ ફિક્કું લાગે.

‘જે દિવસે દીકરો મરી ગયો હોય તે દિવસે એવા શોકમાં શું સ્ત્રી-પુરુષને દેહ-સુખ ઉપર મન જાય?’

એક ભક્ત: પણ ઈશ્વરને ચાહી શકીએ છીએ ક્યાં?

નામ-માહાત્મ્ય – ઉપાય – માનું નામ

શ્રીરામકૃષ્ણ: તેનું નામ લેવાથી પાપ બધાં ધોવાઈ જાય; કામ, ક્રોધ, શરીર-સુખની ઇચ્છા એ બધાં નાસી જાય.

એક ભક્ત: ઈશ્વરનું નામ લેવાનું ગમે છે ક્યાં?

શ્રીરામકૃષ્ણ: વ્યાકુળ થઈને ઈશ્વરને પ્રાર્થના કરો કે જેથી તેનું નામ લેવામાં રુચિ આવે. તેઓ જ તમારી મનોવાંછના પૂરી કરશે –

આ કહીને ઠાકુર દેવદુર્લભ કંઠે ગાય છે. જીવોનાં દુઃખથી અધીરા થઈને માની પાસે હૃદય-વેદના જણાવે છે. સામાન્ય જીવની અવસ્થાનું પોતામાં આરોપણ કરીને માની પાસે જીવનું દુઃખ જણાવે છેઃ

દોષ કોઈનો નથી ઓ મા! મેં ખોદ્યા ખાડામાં હું ડૂબી મરું શ્યામા…
ષડ્‌રિપુ થયા કોદાળા રૂપ, પુણ્ય ક્ષેત્ર માંહીં ખોદ્યો કૂપ,
કૂપમાં નીકળ્યું કાળરૂપી જળ, કાળ મનોરમા…
મારું શું થશે તારિણી, ત્રિગુણધારિણી,
અવળું કર્યું મેં પોતાની મેળે…
શેણે નિવારીએ આ વારિ, સ્મરીને દાશરથિને અશ્રુ નયને,
હતું પાણી કેડે, પછી આવ્યું છાતીએ, હવે જીવન કેરી
કેમ થાયે મા રક્ષા, બેઠો રાખી તારી અપેક્ષા,
દે મા મુક્તિ ભિક્ષા, દૃષ્ટિપાતે કરીને પાર…

વળી ઠાકુર ગીત ગાય છે. તેમાં જીવને વિકારનો રોગ થયો છે. ઈશ્વરના નામમાં રુચિ થાય તો વિકાર મટી જાય.

‘આ શો વિકાર શંકરી, કૃપા ચરણતરી, પામ્યે ધન્વંતરી,
અનિત્ય-ગૌરવ થયો અંગ દાહ, મારું મારું આ શો થયો પાપ-મોહ?
ધન-જન-તૃષા નવ છૂટે, શેણે જીવન ધારું?
અનિત્ય આલાપ, શો પાપ-પ્રલાપ, અનિત્ય સતત સર્વ-મંગલમાં,
માયા કાકનિદ્રા દાશરથીનાં નયન-યુગલમાં,
ઈર્ષ્યા રૂપી તેમાં ઉદરના કૃમિ, મિથ્યા કામે ભમું, એહ થાય લવારી,
રોગથી બચું કે નવ બચું, ભગવન્નામે અરુચિ અહોરાત્ર…’

શ્રીરામકૃષ્ણ: પ્રભુના નામમાં અરુચિ! વિકારના રોગમાં જો અરુચિ થઈ તો પછી બચવાનો ઉપાય રહે નહિ. જો જરાક પણ રુચિ હોય તો બચવાની આશા ખરી. એટલે ભગવન્નામમાં રુચિ હોવી જોઈએ. ઈશ્વરનું નામ લેવું જોઈએ; દુર્ગા-નામ, કૃષ્ણ-નામ, શિવ-નામ, ગમે તે નામ લઈને ઈશ્વરને સ્મરો ને! નામ લેતાં લેતાં જો દિવસે દિવસે અનુરાગ વધે, જો આનંદ આવે, તો પછી કોઈ જાતનો ડર નહિ. વિકાર જરૂર જરૂર મટી જવાનો, ઈશ્વરની કૃપા જરૂર થશે.’

આંતરિક ભક્તિ અને દેખાડાની ભક્તિ – ઈશ્વર મન જુએ છે

પરમહંસદેવ કહે છેઃ ‘જેવો અંતરનો ભાવ તેવો લાભ. બે ભાઈબંધ રસ્તે થઈને ચાલ્યા જાય છે. વચમાં એક જગ્યાએ ભાગવત-પાઠ થતો હતો. એક મિત્ર કહે છે કે ‘ચાલ ભાઈ, જરા ભાગવત સાંભળીએ.’ એ સાંભળીને બીજાએ ત્યાં ડોકું તાણીને જોયું, અને પછી એ ત્યાંથી વેશ્યાને ઘેર ગયો. ત્યાં જરા વાર પછી તેના મનમાં બહુ ખેદ થયો. તે પોતાની જાતને કહેવા લાગ્યો કે ‘ધિક્કાર છે મને! મારો મિત્ર ત્યાં હરિ-કથા સાંભળે છે, અને હું આ ક્યાં પડ્યો છું?’ આ બાજુ જે ભાગવત સાંભળતો હતો તેને પણ મનમાં દુઃખ થયું ને તે વિચારવા લાગ્યો કે ‘હું કેવો મૂર્ખ છું? શું આ ભટજી કાંઈક બરાડી રહ્યો છે ને હું અહીં નકામો સાંભળી રહ્યો છું, જ્યારે ભાઈબંધ ત્યાં મજા કરે છે!’ એ બન્ને જ્યારે મરી ગયા, ત્યારે જે ભાગવત સાંભળતો ઊભો હતો તેને યમદૂતો લઈ ગયા, અને જે વેશ્યાને ઘેર ગયો હતો તેને વિષ્ણુદૂતો વૈકુંઠમાં લઈ ગયા.

ભગવાન મન જુએ. કોણ શું કામ કરે છે, કોણ ક્યાં પડ્યું છે એ જુએ નહિ, – ભાવગ્રાહી જનાર્દનઃ ।

‘કર્તાભજા સંપ્રદાયવાળા મંત્ર દીધા પછી કહે કે ‘તને દીધો મંતર (મંત્ર), હવે મન તોર!’ એટલે કે હવે બધું તારા મન ઉપર આધાર રાખે છે.’

એ લોકો કહે છે કે જેનું મન બરાબર હોય, તેનું આચરણ બરાબર હોય અને તેને લાભ બરાબર થાય.

મનના જોરે હનુમાનજી સમુદ્ર પાર કરી ગયા. ‘હું રામનો દાસ, મેં રામનું નામ લીધું છે, હું શું ન કરી શકું?’ એવી દૃઢ શ્રદ્ધા.

ઈશ્વર-દર્શન કેમ નથી થતું? અહં બુદ્ધિને કારણે

‘જ્યાં સુધી અહંકાર, ત્યાં સુધી અજ્ઞાન. અને અહંકાર હોય, ત્યાં સુધી મુક્તિ નથી.

વાછડો હમ્મા, હમ્મા કરે, અને બકરો મેં, મેં કરે! એને લીધે તેમને કેટલો ત્રાસ? કસાઈ કાપે, એ પછી જોડા બને, વળી ઢોલનું ચામડું તૈયાર કરે, તેને ખૂબ પીટે. આમ તેના ત્રાસનો અંત નહિ! હિંદીમાં હંમ એટલે હું અને મૈં એટલે પણ હું. ‘હું હું’ કરે એટલા માટે તો આટલો બધો કર્મનો ભોગ. આખરે આંતરડાંમાંથી પિંજરાની તાંત તૈયાર કરે. એ પિંજારાના હાથમાં ‘તુંહું તુંહું’ બોલે, એટલે કે ‘તમે તમે’, ‘તમે તમે’ બોલે પછી તેનો છુટકારો થાય, પછી ભોગવવું પડે નહિ.

હે ઈશ્વર! તમે કર્તા – માલિક, હું અકર્તા, તેનું જ નામ જ્ઞાન.

નીચા થયા પછી ઊંચા થઈ શકાય. ચાતક પક્ષીનો માળો હોય નીચે, પરંતુ ઊડે ખૂબ ઊંચે. ઊંચી જમીનમાં ખેતી થાય નહિ, નીચી જમીન જોઈએ, તો જળ એકઠું થાય, તો ખેતી થાય.

ગૃહસ્થો માટે સાધુસંગનું પ્રયોજન – સાચો દરિદ્ર કોણ?

જરા તકલીફ લઈને સત્સંગ કરવો જોઈએ. ઘેર તો એકલી સંસાર-વ્યવહારની જ વાતો હોય. રોગ તો લાગેલો જ છે. પોપટ પાંજરામાં હોય ત્યાં સુધી ‘રામ રામ’ બોલે. જંગલમાં ઊડી જાય એટલે વળી પાછો ‘કેં, કેં’ કરે.

‘પૈસા હોય એટલાથી જ મોટો માણસ થઈ ગયો એમ નથી. મોટા માણસના ઘરનું એક લક્ષણ એ કે તેના ઘરના બધા ઓરડામાં દીવા હોય. ગરીબ લોકો એટલું બધું તેલનું ખર્ચ કરી ન શકે, એટલે એટલા બધા દીવાની જોગવાઈ રાખી ન શકે. તેમ આ દેહ-મંદિરમાં અંધારું રહેવું ન જોઈએ, જ્ઞાનદીપક પ્રગટાવી દેવો જોઈએ.’

‘જ્ઞાનદીપક પ્રગટાવી ગૃહમાં, બ્રહ્મમયીનું મુખ દેખોને,’

પ્રાર્થના તત્ત્વ – ચૈતન્યનાં લક્ષણ

જ્ઞાન સૌને થઈ શકે. જીવાત્મા અને પરમાત્મા. પ્રાર્થના કરો તો એ પરમાત્માની સાથે બધા જીવોનો યોગ થઈ શકે. ગેસનો નળ બધાનાં ઘર પાસે લગાવેલો છે. ગેસ કંપની પાસેથી ગેસ મળી શકે. અરજી કરો, કરતાંની સાથે જ ગેસનો બંદોબસ્ત કરી આપશે, ઘરમાં પ્રકાશ થશે. કોલકાતામાં શિયાલદહમાં ઓફિસ છે. (સૌનું હાસ્ય).

કોઈ કોઈને આત્મચૈતન્યની જાગૃતિ થઈ હોય. પણ તેનાં લક્ષણ છે. ઈશ્વર સંબંધી વાતચીત વિના બીજું કાંઈ સાંભળવું તેને ગમે નહિ. અને ઈશ્વર સંબંધી વાતચીત સિવાય બીજું કાંઈ તેને બોલવું ગમે નહિ. જેમ કે સાત સમુદ્ર, ગંગા, યમુના વગેરે નદીઓ છે, એ બધામાં જળ રહેલું છે, પરંતુ ચાતક વર્ષાનું જ પાણી પીએ. તરસથી છાતી ફાટી જાય તોય બીજું પાણી પીએ નહિ.

Total Views: 562
ખંડ 11: અધ્યાય 15: ગૃહસ્થ અને કર્મયોગ
ખંડ 11: અધ્યાય 17: શ્રીરામલાલ વગેરેનું ગાન અને શ્રીરામકૃષ્ણની સમાધિ