શ્રીઠાકુરના ભત્રીજા રામલાલ

ઠાકુરે ગીત ગાવાનું કહ્યું. રામલાલ અને કાલી-મંદિરનો એક બ્રાહ્મણ નોકર ગાવા લાગ્યા. સાથે વાજિંત્રમાં એક બાંયાનો ઠેકો –

ગીત
હૃદય-વૃંદાવનમાં વાસ જો કરો કમલાપતિ,
અરે ભક્તિ-પ્રિય! મારી ભક્તિ થશે રાધા સતી,
મુક્તિ – કામના મારી, થશે વૃંદા ગોપનારી,
દેહ થશે નંદપુરી, સ્નેહ થશે મા યશોમતી.
મને ધરો ધરો જનાર્દન, હું પાપભાર ગોવર્ધન,
કામાદિ છ કંસચર, નાશ કરો તુર્ત જ.
બજાવી કૃપા- બંસરી મનધેનુને વશ કરી,
રહો હૃદય-ગોષ્ઠમાંહી, પુરાઓ ઇષ્ટ, એ વિનતિ.
મારા પ્રેમની જમુના કાંઠે, આશા-બંસીવટ તળે,
દાસ માનીને સખ્ય ભાવે, સતત કરો વસતિ.
જો કહો કે ગોવાળ-પ્રેમે, બંદી રહું વ્રજધામે,
જ્ઞાનહીન રાખાલ તમારો, દાસ થાશે હે દાશરથી.

ગીત
નવ-નીરદ-વર્ણ શાથી માન્ય, શ્યામ-ચાંદ રૂપ જોઈ,
હાથે બંસી, અધરે હાસી, રૂપે ભુવન પ્રકાશે,
ધાર્યું પીત-વસન, ઝળહળે વિદ્યુત્સમ,
આંદોલિત ચરણ સુધી હૃદય સરોજે વનમાળ;
હરવાને યુવતી-જાતિ-કુળ પ્રકાશે યમુના તીરે,
નંદ-કુળ-ચંદ્ર, સકળ ચંદ્રને જીતીને વિહરે
શ્યામ ગુણધામ પેસી મમ હૃદય-મંદિરે
પ્રાણ મન જ્ઞાન સખિ, હરી લીધાં બંસીના સ્વરે;
ગંગાનારાયણનું જે દુઃખ, કહેવું કોને મુખ,
જાણત તું, તો સખી, જો જાત જમુના જળ ભરવા.

ગીત
શ્યામા-પદ-આકાશમાંહી મન-પતંગ ઊડતો હતો,
પાપ-વાયુ લાગીને ગોથું ખાઈને પડી ગયો…

ઈશ્વરપ્રાપ્તિનો ઉપાય છે અનુરાગ – ગોપીપ્રેમ – ‘અનુરાગવાઘ’

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): વાઘ જેમ ‘હપ,’ ‘હપ’ કરતો ને જાનવરને ખાઈ જાય, તેમ ‘અનુરાગ-વાઘ’ કામ, ક્રોધ એ બધા રિપુઓને ખાઈ જાય. ઈશ્વર પર એક વાર અનુરાગ આવે તો ક્રામ કોધ વગેરે રહે નહિ. ગોપીઓની એ અવસ્થા થઈ હતી, કૃષ્ણમાં અનુરાગ.

‘બીજું એક છે ‘અનુરાગ-અંજન’. રાધાજી કહે છે કે ‘સખી ચારે બાજુ કૃષ્ણમય દેખું છું.’ તેમણે કહ્યું કે ‘સખી, અનુરાગ અંજન આંખે આુંં છે એટલે એ પ્રમાણે દેખાય છે.’ કહેવાય છે કે દેડકાનું માથું બાળીને, તેનું આંજણ તૈયાર કરીને, એ આંજણ આંખે આંજીએ તો ચારે બાજુ સર્પમય દેખાય!’

‘જેઓ કેવળ કામકાંચન લઈને રહે છે, ઈશ્વરને એક વારેય યાદ ન કરે, તેઓ બદ્ધ જીવ. તેમનાથી કયું મોટું કામ થાય? જેમ કે કાગડાએ ચાંચ મારેલું ફળ. એ દેવ પૂજામાં વપરાય નહિ, અને પોતાને ખાતાંય શંકા થાય.

સંસારી જીવો એ બદ્ધ જીવો. એ લોકો જાણે કે રેશમના કીડા જેવા. ધારે તો તેઓ કોશેટો કાપીને બહાર નીકળી શકે, પણ પોતે જ ઘર બાંધ્યું હોય, એટલે છોડીને નીકળી આવતાં માયા લાગે. અને છેવટે તેમાં જ મોત.

જેઓ મુક્ત જીવ છે, તેઓ કામિની-કાંચનને વશ ન હોય. કોઈ કોઈ કીડા ખૂબ જતનપૂર્વક કરેલા કોશેટાનેય કાપીને બહાર નીકળી આવે. પણ એવા તો બે ચાર.

માયા માણસોને ભુલાવી રાખે. એકાદ-બે જણને જ્ઞાન થાય. તેઓ માયાની ભુલામણીમાં ભૂલે નહિ, કામિની-કાંચનને વશ થાય નહિ. કહે છે કે સુવાવડીને શેક કરવાની ઠીબડીનો કટકો જો પગમાં બાંધે તો તેને જાદુગરની નજરબંદી લાગે નહિ, જાદુગર શું શું કરે છે એ બરાબર જોઈ શકે.’

‘સાધન-સિદ્ધ અને કૃપા-સિદ્ધ; કોઈ કોઈને બહુ જ કષ્ટ વેઠીને પાણી સીંચીને ખેતર પાવું પડે. પાણી પાય તો જ પાક થાય. તો કોઈક નશીબદારને પાણી સીંચવું જ ન પડે. વરસાદનું ઝાપટું આવ્યું ને તેનાથી ખેતર ભરાઈ ગયું. મહેનત કરીને પાણી લાવવું જ ન પડ્યું. આ માયાના સંકજામાંથી છૂટવા સારુ કષ્ટ વેઠીનેય સાધના કરવી જોઈએ. કૃપા સિદ્ધને કષ્ટ વેઠવું ન પડે. પણ એવા તો એકાદ-બે જણ હોય.

એ ઉપરાંત એક વર્ગ છે નિત્ય-સિદ્ધોનો. તેમને જન્મે જન્મે જ્ઞાન-ચૈતન્ય થયેલ જ હોય. જેમ કે એક જૂના મકાનમાં ફુવારાનો નળ દટાઈ રહેલો છે. મિસ્ત્રીએ આ બાજુ કંઈક સમું કરતાં, પેલી બાજુ કાંઈ ખોલતાં, અચાનક ફુવારો ખોલી નાખ્યો અને ફર્ર્ ફર્ર્ કરતું ને પાણી બહાર નીકળવા લાગ્યું. નિત્યસિદ્ધ કોટિના જીવનો પ્રથમ ઈશ્વરાનુરાગ જ્યારે લોકો જુએ ત્યારે નવાઈ પામી જાય. કહેશે કે આટલી બધી ભક્તિ, વૈરાગ્ય, પ્રેમ હતાં ક્યાં?’

ઠાકુર અનુરાગની વાત કરે છે, ગોપીઓના અનુરાગની વાત. વળી ગીત ગવાવા લાગ્યું. રામલાલ ગાય છેઃ

‘નાથ તમે સર્વસ્વ મારા, પ્રાણાધાર, સર્વસાર,
તમ વિણ કોઈ નહિ ત્રિભુવન માંહિ, કહું જેને પ્રભુ મારા…
તમે સુખ, શાંતિ, સહાય, સંપત્તિ, ઐશ્વર્ય, જ્ઞાન, બુદ્ધિ, બળ,
તમે નિવાસ, આરામ-સ્થળ, સગાં, બંધુ પરિવાર.
તમે ઈહકાળ, તમે પરિત્રાણ, તમે પરકાળ, તમે સ્વર્ગધામ,
તમે શાસ્ત્રવિધિ, ગુરુ, કલ્પતરુ, અનંત-સુખ-આધાર…
તમે છો ઉપાય, તમે છો ઉદ્દેશ્ય;
તમે સ્રષ્ટા, તમે રક્ષિતા, તમે ઉપાસ્ય, દંડદાતા પિતા,
સ્નેહમયી માતા, ભવસાગરમાં કર્ણધાર…

શ્રીરામકૃષ્ણ (ભક્તોને): અહા કેવું મજાનું ગીત! તમે સર્વસ્વ મારા! અક્રૂરજી આવ્યા એટલે ગોપીઓએ રાધાજીને કહ્યું કે ‘રાધે! તારું સર્વસ્વ ધન હરી લેવા આવ્યા છે.’ એવો પ્રેમ, ભગવાનને માટે એવી વ્યાકુળતા જોઈએ.

વળી ગીત શરૂ થયુંઃ
‘ધરો મા ધરો મા રથચક્ર, રથ શું ચક્રે ચાલે?
જે ચક્રના ચક્રી હરિ, જેના થકી જગત ચાલે,
ધરો ના ધરોના બાજી, આ બાજી તો ભ્રમની બાજી,
પૂરી થઈ ગઈ પ્રેમની બાજી, ગોકુળની આજ પૂરી બાજી.
જૂઠો દોષ ના સારથિ શિરે, સારથિ કેવળ રંક ખરે!
રથીની આજ્ઞા વિણ શું કરે, કોણ તણો રથ કેમ રે ચાલે!’

ગીત
સખી! કોને માટે હવે, ગૂંથો છો હાર જતને!

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર શ્રીરામકૃષ્ણ ગંભીર સમાધિ-સિંધુમાં મગ્ન થયા. ભક્તો આશ્ચર્યમાં ગરકાવ થઈને એક નજરે ઠાકુરની સામે જોઈ રહ્યા છે, અવાજ જરાય નથી. ઠાકુર સમાધિસ્થ, હાથ જોડીને બેઠા છે, જેમ ફોટાગ્રાફમાં દેખાય છે તેમ. માત્ર આંખોને બહારને ખૂણેથી આનંદ-ધારા ઝરી રહી છે.

ઈશ્વર સાથે વાર્તાલાપ – શ્રીરામકૃષ્ણનું દર્શન – કૃષ્ણ સર્વમય

ઘણીવાર પછી ઠાકુર જરા સહજ અવસ્થામાં આવ્યા. પરંતુ સમાધિમાં જેનાં દર્શન કરતા હતા, તેમની સાથે કંઈક વાતચીત કરે છે. તેમાંથી માત્ર અરધી પરધી ભક્તોને કાને પહોંચી છે. ઠાકુર પોતાની સાથે જ બોલી રહ્યા છે. ‘તું તે જ હું, હું તે જ તું. તું ખા, તું… હું ખાઉં? પણ બહુ મજાનું કરો છો.’

‘આ શો કમળો લાગ્યો છે? ચારે બાજુ તમને જ જોઉં છું!

‘કૃષ્ણ હે, દીનબંધુ! પ્રાણવલ્લભ! ગોવિંદ!

‘પ્રાણવલ્લભ! ગોવિંદ!’ કહેતાં કહેતાં ઠાકુર વળી સમાધિ-મગ્ન થયા. ઓરડો નીરવ. ભક્તો બધા મહાભાવમય ઠાકુર શ્રીરામકૃષ્ણને અતૃપ્ત નયને એકીટસે નિહાળી રહ્યા છે.

Total Views: 552
ખંડ 11: અધ્યાય 16: દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ અને બ્રાહ્મગણ - પ્રેમતત્ત્વ
ખંડ 11: અધ્યાય 18: શ્રીરામકૃષ્ણનો ઈશ્વરાવેશ, તેમના મુખે ઈશ્વરવાણી