શ્રીઅધરસેનની બીજી મુલાકાત – ગૃહસ્થોને ઉપદેશ

શ્રીરામકૃષ્ણ સમાધિમગ્ન, નાની પાટ ઉપર બેઠેલા છે. ભક્તો ચારે બાજુ બેઠેલા છે. શ્રીયુત્ અધર સેન કેટલાક મિત્રો સાથે આવેલ છે. અધર ડેપ્યુટી મેજિસ્ટ્રેટ, શ્રીરામકૃષ્ણનાં આ બીજી વાર દર્શન કરે છે. અધરની ઉંમર ઓગણત્રીસ-ત્રીસ. અધરના મિત્ર સારદાચરણ પુત્ર-મૃત્યુના શોકથી સંતપ્ત છે. તે સ્કૂલોના ડેપ્યુટી ઈન્સ્પેકટર હતા. પેન્શન લઈને તેમજ તે પહેલાંય સાધન ભજન કરતા. તેનો મોટો દીકરો ગુજરી જવાથી તેને કોઈ રીતે શાંતિ મળતી નથી. એટલે અધર ઠાકુરનું નામ સંભળાવીને તેમની પાસે લઈ આવ્યા છે. અધરની પોતાની પણ ઠાકુરને મળવાની ઘણા દિવસથી ઇચ્છા હતી.

સમાધિ ઊતરી. ઠાકુરે નજર ફેરવીને જોયું તો ઓરડો ભરીને ભક્તો તેમની સામે જોઈ રહ્યા છે. એટલે પોતે પોતાની મેળે શું કાંઈક બોલી રહ્યા છે.

ઈશ્વર શું તેમના મુખ દ્વારા વાણી બોલી રહ્યા છે, ઉપદેશ દઈ રહ્યા છે?

શ્રીરામકૃષ્ણ: ‘સંસારી માણસમાં પણ ક્યારેક જ્ઞાન નજરે ચડે, ક્યારેક ક્યારેક દીવાની શિખાની પેઠે; ના, ના, સૂર્યના એક કિરણની પેઠે. જેમ એક કાણામાંથી સૂર્યનું એક કિરણ આવી રહ્યું હોય તેમ. સંસારી માણસનું ઈશ્વરનું નામ લેવુંય તેના જેવું. અંદર અનુરાગ ન મળે. જેમ છોકરાં કહે કે ભગવાનના સોગંદ. દેરાણી-જેઠાણીના કજિયા સાંભળીને ભગવાનના સોગંદ શીખ્યાં છે તેમ.

‘સંસારી માણસમાં ખંત ન મળે. થયું તો થયું, ને ન થયું તો ન થયું. પાણીની જરૂર પડી એટલે કૂવો ખોદવા બેઠા. ખોદતાં ખોદતાં જેવો પથ્થર નીકળ્યો કે તરત જ ત્યાં ખોદવાનું છોડી દીધું અને બીજી એક જગાએ ખોદવા માંડ્યું. ત્યાં ખોદતાં રેતી નીકળી એટલે ત્યાં પણ છોડી દીધું. જે એક જગાએ ખોદવાની શરૂઆત કરી છે ત્યાં જ ખોદ્યે જવું જોઈએ ને? તો પાણી મળે.

જીવ જેવાં કર્મ કરે તેવાં ફળ પામે. એટલે એક ગીતમાં કહ્યું છેઃ

‘દોષ કોઈનો નથી ઓ મા! મેં ખોદ્યા ખાડામાં હું ડૂબી મરું શ્યામા!’

‘હું અને મારું’ એ અજ્ઞાન. વિચાર કરવા જતાં જણાશે કે જેને ‘હું હું’ કહો છો તે આત્મા વિના બીજું કાંઈ નથી. વિચાર કરો કે તમે તે શરીર કે માંસ કે બીજું કાંઈ? એટલે પછી જણાશે કે તમે એમાંનું કશું નથી, તમારે કોઈ ઉપાધિ જ નથી. એ વખતે વળી એમ થાય કે હું કશું કરતો નથી. મારામાં દોષેય નથી, ગુણેય નથી, પાપેય નથી ને પુણ્યેય નથી.’

આ સોનું, આ પિત્તળ, એનું નામ અજ્ઞાન. બધું સોનું, એનું નામ જ્ઞાન.

ઈશ્વર-દર્શનનાં લક્ષણ – શ્રીરામકૃષ્ણ શું અવતાર છે?

‘ઈશ્વર-દર્શન થાય એટલે પછી વાદ, ચર્ચા કરવાનું બંધ થઈ જાય. ઈશ્વર-દર્શન થયું હોવા છતાં જ્ઞાન વિચાર કરે એવું પણ જોવા મળે અથવા કોઈ ભક્તિપૂર્વક પ્રભુનાં નામ-ગુણ-કીર્તન કરે એવું પણ ક્યારેક હોય.

‘છોકરું રડે ક્યાં સુધી? જ્યાં સુધી ધાવવા ન મળે ત્યાં સુધી. ધાવવા લાગ્યું કે તરત રોતું બંધ થઈ જાય. પછી માત્ર આનંદ, આનંદથી માનું દૂધ પીએ. પણ એક વાત છે. ધાવતાં ધાવતાં છોકરું વચ્ચે વચ્ચે રમે, તેમ વળી હસે.

ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ મનુષ્યમાં તેનો વધુ પ્રકાશ. જ્યાં શુદ્ધ સત્ત્વગુણ, બાળકના જેવો સ્વભાવ, હસે, રડે ને નાચે, ગાય ત્યાં ઈશ્વર સાક્ષાત્ હાજર.

પુત્રશોક – ‘જીવ થા તૈયાર લડવા’

ઠાકુરે અધરના કુશળ સમાચાર પૂછ્યા. અધરે પોતાના મિત્રના પુત્રશોકની વાત કહી. ઠાકુર પોતાની મેળે ગીત ગાય છેઃ

ગીત
જીવ થા તૈયાર લડવા રણવેશે કાળપ્રવેશે તવ ઘેર,
ભક્તિ-રથે ચડી, લઈ જ્ઞાનભાથો
રસના-ધનુને દઈ પ્રેમદોર;
બ્રહ્મમયીનું નામ બ્રહ્માસ્ત્ર,
તેમાં કરો સંધાન…
બીજી એક યુક્તિ, રણે, જોઈએ નહિ રથ, રથી,
સહેલાઈથી શત્રુ નાશ થાય,
જો રણભૂમિ કરે દાશરથી, ભાગીરથીને તીરે…

‘શું થાય? આ કાળને માટે તૈયાર થાઓ. કાળે ઘરમાં પ્રવેશ કર્યો છે, માટે પ્રભુના નામનું હથિયાર લઈને યુદ્ધ કરવું જોઈએ. બધું કરનારો એ જ. હું કહું કે ‘પ્રભુ તમે જેમ કરાવો તેમ કરું, તમે જેમ બોલાવો તેમ બોલું; હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર; હું ઘર, તમે ઘરમાં રહેવાવાળા; હું ગાડી, તમે હાંકનાર.

ભગવાનને મુખત્યારનામું સોંપો. સારા માણસ ઉપર ભાર મૂક્યો હોય તો નરસું થાય નહિ. તેની જેમ ઇચ્છા હોય તેમ કરે.

તે શોક કેમ થાય નહિ, ભાઈ? ગમે તેમ તોય આત્મજ! રાવણનો વધ થયો, લક્ષ્મણ દોડી જઈને જોવા લાગ્યા. તેમણે જોયું તો રાવણના શરીરમાં એવું સ્થાન નહોતું કે જ્યાં છિદ્ર ન હોય. એટલે લક્ષ્મણ બોલ્યા, ‘રામ, શો તમારાં બાણોનો પ્રભાવ! રાવણના શરીરમાં એવું સ્થાન નથી કે જ્યાં છિદ્ર ન પડ્યું હોય!’ એ પરથી રામ બોલ્યા, ‘ભાઈ! તેના શરીરમાં જે છિદ્રો દેખાય છે એ બાણોને લીધે નથી. સ્વજનવધના શોકથી તેનું શરીર ર્જ્જરિત થઈ ગયું છે. આ છિદ્રો બધાં એ શોકનાં ચિહ્નો છે, તેનાં હાડેહાડ વીંધાઈ ગયાં છે.’

‘પરંતુ આ બધું અનિત્ય. ઘરબાર, સ્ત્રી, છોકરાં એ બધાં ચાર દિનનું ચાંદરણું. તાડનું ઝાડ જ સાચું, ઉપરથી એકબે ફળ ખરી પડ્યાં તો એમાં હવે દુઃખ શું લગાડવું?

ઈશ્વર ત્રણ કામ કરે છેઃ સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય. મૃત્યુ તો છે જ, પ્રલયને વખતે બધાનો ધ્વંસ થઈ જાય, કાંઈ રહે નહિ. મા માત્ર સૃષ્ટિનાં બીજ ભેળાં કરીને રાખી મૂકે. વળી નવી સૃષ્ટિ વખતે એ બીજ બહાર કાઢે. ઘરમાં બૈરાંની જેમ ઝીણી ઝીણી પરચૂરણ ચીજોની એક માટલી હોય ને તેમ. (સૌનું હાસ્ય). તેમાં દરિયા-ફીણ, ગળી, કાકડીનાં બી, એવું એવું બધું નાની નાની પોટલીઓમાં બાંધેલું પડ્યું હોય.’

Total Views: 599
ખંડ 11: અધ્યાય 17: શ્રીરામલાલ વગેરેનું ગાન અને શ્રીરામકૃષ્ણની સમાધિ
ખંડ 11: અધ્યાય 19: અધરને ઉપદેશ - સન્મુખ છે કાળ