ઠાકુર ઓરડાની ઉત્તર બાજુની ઓસરીમાં ઊભા રહીને અધરની સાથે વાતો કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (અધરને): તમે ડેપ્યુટી. એ પદ પણ ઈશ્વરની કૃપાથી મળ્યું છે, માટે ઈશ્વરને ભૂલતા નહિ. પણ એટલું જાણજો કે સૌને એક માર્ગે જવાનું છે. અહીં તો બે દિવસને માટે જ.

(શ્રીઅધર સેન દોઢ વર્ષ પછી મૃત્યુ પામ્યા. આ સમાચાર સાંભળીને શ્રીઠાકુર જગન્માતા પાસે જઈને ખૂબ રડ્યા. શ્રી અધર સેન શ્રીઠાકુરના પરમભક્ત. શ્રીઠાકુરે અધરને કહ્યું હતું, તમે મારા પરમ આત્મીય. શ્રીઅધર સેનનું ઘર કોલકાતાના શોભાબાઝારના બેનીયાટોલામાં છે. તેમની કેટલીક પુત્રીઓ જીવે છે. કોલકાતાના ઘરમાં શ્રીયુત્્ શ્યામલાલ, હીરાલાલ વિ. ભાઈઓ કોઈ કોઈ હજુ પણ છે. તેમના ઘરનું બેઠકખાનું અને પૂજાઘર (ઠાકુરદાલાન) તીર્થ બની ગયું છે.)

‘સંસાર કામકાજ કરવાની જગા. અહીં તો કેટલાંક કામકાજ કરવા આવવાનું. જેમ કે દેશમાં ઘર હોય અને કોલકાતા શહેરમાં જઈને કામકાજ કરે તેમ.

કંઈક સાધના કરવાની જરૂર છે. ઝટઝટ સાધના કરી લેવી જોઈએ. સોની લોકો સોનું ગાળતી વખતે ધમણ, ફૂંકણી, પંખો વગેરે લઈને પવન કરે, કે જેથી અગ્નિ ખૂબ જોસથી સળગીને સોનું પીગળી જાય. સોનું પીગળી રહ્યા પછી કહેશે કે લે હવે હોકો ભર. અત્યાર સુધી કપાળેથી પરસેવો નીતરતો હતો. એ પછી હોકો પીએ.

‘મનમાં ખૂબ જોર જોઈએ, તો સાધના થાય, દૃઢ પ્રતિજ્ઞા.

ભગવાનના નામ-બીજમાં ઘણી શક્તિ છે. એ અવિદ્યાનો નાશ કરે. બી એટલું કોમળ હોય, અંકુર એટલો કોમળ હોય, પણ તોય એ કઠણ જમીન ફોડીને બહાર નીકળે, જમીન ફાટી જાય.

‘કામિની-કાંચનની વચ્ચે રહેવાથી મન બહુ ખેંચાઈ જાય, સંભાળથી રહેવું જોઈએ. ત્યાગીઓને એટલો ડર નહિ. ખરો ત્યાગી કામિની-કાંચનથી દૂર રહે, એટલે સાધના હોય તો ઈશ્વરમાં સર્વદા મન રાખી શકે.’

‘જેઓ યથાર્થ ત્યાગી, તેઓ હંમેશાં ઈશ્વરમાં મન લગાડી શકે. તેઓ મધમાખીની પેઠે માત્ર ફૂલ પર બેસે ને મધુ પીએ. સંસારમાં કામિની-કાંચનની અંદર જે હોય તેનું મન ઈશ્વરમાં જઈ શકે, પણ પાછું ક્યારેક ક્યારેક કામિની-કાંચનમાંય જાય. જેમ કે સાધારણ માખી મીઠાઈ ઉપર બેસે, અને સડેલા ઘા ઉપર પણ બેસે અને વિષ્ટા ઉપર પણ બેસે.

હંમેશાં ઈશ્વરમાં મન રાખજો. શરૂઆતમાં જરા મહેનત કરી લેવી જોઈએ, તે પછી પેન્શન ખાવાનું.

Total Views: 620
ખંડ 11: અધ્યાય 18: શ્રીરામકૃષ્ણનો ઈશ્વરાવેશ, તેમના મુખે ઈશ્વરવાણી
ખંડ 12: અધ્યાય 1: શ્રીઅન્નપૂર્ણાના પૂજાપ્રસંગે ભક્તો સાથે સુરેન્દ્રના ઘેર